• મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

જાડેજાએ રચ્યો ઈતિહાસ : સૌથી સફળ ડાબેરી બૉલર બન્યો  

બિશન સિંહ બેદીને પાછળ છોડી મેળવી ઉપલબ્ધિ

લંડન, તા. 10 : ભારતના સ્ટાર ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાએ શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલા ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મુકાબલામાં ઈતિહાસ રચી દીધો છે. તેણે પૂર્વ સ્પિનર બિશન સિંહ બેદીને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતના સૌથી સફળ ડાબેરી સ્પિનર બની ગયો છે. રવિન્દ્ર જાડેજાએ આ ઉપલબ્ધી ઓસ્ટ્રેલિયા સામે ઓવલમાં રમાઈ રહેલી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ મુકાબલામાં મેળવી હતી. 

ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ પહેલી ઈનિંગમાં સદી કરનારા બન્ને ખેલાડીઓને પેવેલિયન મોકલી દીધા હતા. સ્ટીવ સ્મિથ (34) અને ટ્રેવિસ હેડ (18) રન બનાવીને આઉટ થયા હતા. તેણે ત્રીજા દિવસે નવ ઓવરમાં 25 રન આપીને બે વિકેટ લીધી હતી. 65 ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ 2.44ની ઈકોનોમીથી 267 વિકેટ લીધી છે. બિશન સિંહ બેદીએ 67 મેચમાં 266 વિકેટ લીધી છે. 

ટેસ્ટ ઈતિહાસમાં રવિન્દ્ર જાડેજા સૌથી સફળ ડાબેરી સ્પિનર છે. તે માત્ર શ્રીલંકાના રંગના હેરાથ (93 મેચમાં 433), ડેનિયલ વેટોરી (113 મેચમાં 362) અને ઈંગ્લેન્ડના ડેરેક અંડરવુડ (86 મેચમાં 297 વિકેટ )થી પાછળ છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 2023મા  શાનદાર ફોર્મમાં છે. પાંચ મેચમાં તેણે 30.50ની સરેરાશથી 183 રન કર્યા છે. આ દરમિયાન એક અર્ધસદી પણ કરી છે. આ દરમિયાન 2.63ની ઈકોનોમીથી 25 વિકેટ લીધી છે.