પાકિસ્તાનને ભેટ કોણે આપી?
સિંધુનાં જળની
સમજૂતી `સસ્પેન્ડ' થઈ તેનો અર્થ એવો નથી કે પાકિસ્તાનનો જળપ્રવાહ - તાત્કાલિક રોકી
દેવાય. આમ છતાં પાકિસ્તાન જાણે છે કે તેની ખેતી સૂકાઈ જાય, પીવાનાં પાણી માટે પણ વલખાં
મારવાનો વખત આવી શકે છે!
હલગામમાં પાકિસ્તાની
આતંકીઓએ કરેલા હત્યાકાંડ પછી વડા પ્રધાન મોદીએ પાકિસ્તાની આતંકવાદ ખતમ કરવાની દિશામાં
- સિંધુ નદીનાં જળ વિતરણની સમજૂતી સ્થગિત - સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. આતંકનો
અંત આવે નહીં ત્યાં સુધી સમજૂતી સસ્પેન્ડ રહેશે એવો ભારતનો નિર્ણય તાત્કાલિક અમલમાં
મુકાયો અને અૉપરેશન સિંદૂરે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકી અડ્ડા સાફ - ખેદાન મેદાન
કરી નાખ્યા. પણ પાકિસ્તાની અને તેના દ્વારા પ્રેરિત આતંકવાદનો અંત આવ્યો નથી. ઊલટું
ભારત ઉપરના આતંકી હુમલાખોરોના આકા-કે અબ્બા જનરલ મુનિરે તો શરીફ સરકારને દબાવીને બઢતી
ખૂંચવી લીધી. ફિલ્ડ માર્શલ બની બેઠા છે. આપણને સીધી ધમકી છે કે આતંકનો અંત નથી - પણ
વધુ ગંભીર આતંકી હુમલા થશે!
આતંકના નવા આક્રમણ
સામે ભારત સાવધાન અને સજ્જ છે. આતંકના જવાબમાં આપણા નિશ્ચિત ગંભીર હુમલાની જાણ વિશ્વના
દેશોને કરવામાં આવી છે. વડા પ્રધાન મોદીએ તાજેતરમાં ગુજરાત-કચ્છ અને ગાંધીનગરમાં ઇશારો
કરી દીધો છે. એમણે કહ્યું કે સિંધુ - જળ કરાર હજુ તો આપણે સસ્પેન્ડ કર્યા છે ત્યાં
પાકિસ્તાનને પરસેવા - છૂટયા છે. બીજું - વર્ષ 1948માં વડા પ્રધાન નેહરુ હતા અને એમની
નારાજગી હોવા છતાં ઉપરવટ જઈને નાયબ વડા પ્રધાન સરદાર પટેલે ભારતીય સેના મોકલી અને કાશ્મીર
બચાવ્યું પણ પછી નેહરુએ યુનાઈટેડ નેશન્સમાં ફરિયાદ કરી તેથી ભારત બંધાઈ ગયું - આજની
કાશ્મીર સ્થિતિ માટે નેહરુ જવાબદાર છે - હવે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે - ત્રીજા
પક્ષની દખલનો પ્રશ્ન જ નથી.
સિંધુનાં જળની
સમજૂતી `સસ્પેન્ડ' થઈ તેનો અર્થ એવો નથી કે પાકિસ્તાનનો જળપ્રવાહ - તાત્કાલિક રોકી
દેવાય. આમ છતાં પાકિસ્તાન જાણે છે કે તેની ખેતી સૂકાઈ જાય, પીવાનાં પાણી માટે પણ વલખાં
મારવાનો વખત આવી શકે છે! તેથી ધમકી આપે છે કે પાણી બંધ કરશો તો અમે તમારા શ્વાસ બંધ
કરીશું! આ ધમકી પાકિસ્તાની અવામને આશ્વાસન આપવા માટે છે!
પણ ભારત `િસંધુ
સમજૂતી'માં સુધારા કરવા માગે છે. સુધારા અનિવાર્ય છે કારણ કે 1960માં સમજૂતીની ચર્ચા
અને સહીસિક્કા કરનારા ઇજનેરો હતા અને તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ કરારને મંજૂરી
આપી હતી. એમની સામે કોઈ હરફ ઉચ્ચારી શકે નહીં. નેહરુએ 1948માં કાશ્મીરી પ્રદેશ પાકિસ્તાનમાં
જવા દીધો તે પછી 1960માં સિંધુ નદીના 80 ટકા પાણી પાકિસ્તાનને મળે એવી ઉદારતા બતાવી!
એટલું જ નહીં, પણ કાશ્મીરમાં જે બંધ - ડેમ બંધાયા હતા તેના તળિયામાં સફાઈ કરીને કાદવ
સાફ કરવાની મનાઈ હતી! ડેમના દરવાજા ખોલવાના નહીં - જેથી કાદવ - કચરો ત્યાં ભરાયા કરે
અને ઉપરવાસથી આવતાં જળનો સંગ્રહ થઈ શકે નહીં. આવી સ્થિતિ છેલ્લાં 60 વર્ષથી છે! પાકિસ્તાન
તરફી કાશ્મીરીઓને હવે ભાન થવું જોઈએ કે પાકિસ્તાન એમને તરસે મારવા માગે છે! સિંધુ નદીનાં
જળની જે ટકાવારી કાશ્મીરને મળવી જોઈએ તે પણ મળી નથી. ચિનાબ નદીમાં બંધાયેલા બાગલિહાર
અને સલાલ જળવિદ્યુત પ્રોજેક્ટ પણ બેકાર પડયા છે. પાણી ઉપરાંત જળવિદ્યુતનો લાભ પણ મળ્યો
નહીં.
પાકિસ્તાન સાથે
થયેલી સમજૂતી અને કરારમાં જળ વહેંચણીમાં વિવાદના નિરાકરણ માટે ત્રણ સ્તરની જોગવાઈ છે.
પહેલાં બંને દેશોના સિંધુ નદી પ્રકલ્પના કમિશનરો મળે. ત્યાં સમાધાન થાય નહીં તો વિશ્વ
બૅન્ક એક તટસ્થ નિષ્ણાતની નિમણૂક કરે અને આખરે ઇન્ટરનેશનલ કોર્ટ અૉફ આર્બિટ્રેશન, હેગ
ખાતે વિવાદ લવાદી માટે જાય.
આ લાંબી પ્રક્રિયાનો
લાભ પાકિસ્તાને ઉઠાવ્યો છે! વાસ્તવમાં આ કરાર 1960માં થયા ત્યારે તેમાં મૈત્રીભાવ અને
બે પાડોશીઓના સારા સંબંધનો કરારના પાયામાં જ ઉલ્લેખ થયો છે પણ આ ભાવનાનો આધાર જ પાકિસ્તાને
તોડી નાખ્યો છે. તેથી હવે નવેસરથી સુધારા થાય અને દ્વિપક્ષી - વાટાઘાટ થાય. પાકિસ્તાન
ત્રીજા પક્ષને વચમાં લાવવા માગે છે તે સ્વીકાર્ય નથી. બીજું, ભારત બંધ - ડેમ બાંધવા
માગે તે અંગે પણ `આમ કરાય - અને આમ કરાય નહીં' એવી શરતો છે તે ઉડાવી દેવી જોઈએ. નવેસરથી
કરાર થવા જોઈએ. આપણી નદીઓનાં જળ આપણને મળે નહીં એ કેવો ન્યાય? કેવા કરાર?
પાકિસ્તાન ચીનના ખોળામાં બેઠું છે તેથી ચીનમાં પણ સિંધુ નદી ઉપર ડેમ બાંધવાની ચર્ચા
થાય છે પણ આ વિશે કોઈ માહિતી નથી અને આવી શક્યતા નથી. આવા કોઈ ડેમની જરૂર ચીનને નથી
ત્યારે શા માટે - માત્ર ભારતને મૂંઝાવવા માટે આમ કરે? અલબત્ત, બ્રહ્મપુત્ર ઉપર વિશાળ
બંધની તેની યોજના છે તેનો ભારતે વિરોધ પણ કર્યો છે.
આતંક અને સિંધુનાં
જળ અંગે પણ સામે - સામે બેસીને નવેસરથી કરાર થશે. આ માટે પાકિસ્તાન પાસે સમય ઓછો છે
- ભારતનો હાથ ઉપર છે!
નેહરુના શાસનકાળમાં
કાશ્મીરનો પ્રદેશ અને સિંધુનાં જળ આપણે ગુમાવ્યાં છે - વડા પ્રધાન મોદીએ પાકિસ્તાનને
સાફ જણાવ્યું છે કે લોહી અને જળ એકસાથે વહી શકે નહીં. આતંક અને સિંધુનાં જળ કરારમાં
કોઈ ત્રીજા પક્ષની દખલ નહીં ચાલે.
આતંકી હુમલો સૌપ્રથમ
કાશ્મીરમાં
વડા પ્રધાન મોદીએ
કાશ્મીરનો કેટલોક વિસ્તાર. જે અત્યારે ઙઘઊં તરીકે ઓળખાય છે તે - નેહરુએ સરદાર પટેલની
સલાહ સ્વીકારી નહીં તેથી - પાકિસ્તાનમાં હોવાનું છે - ઇતિહાસનું આ પ્રકરણ પણ ભારતની
યુવા પેઢી જાણતી નથી - અત્રે આ માહિતી આપી
છે : આઝાદી પછી પાકિસ્તાને કાશ્મીર હડપી લેવા માટે આતંકી હુમલો કર્યો હતો. સાદા વેશમાં
પાકિસ્તાની લશ્કરના સૈનિકોએ સરહદેથી ઘૂસણખોરી કરી હતી. શ્રીનગર અને અન્યત્ર વીજળી પુરવઠો
કાપી નાખીને અંધારપટમાં લૂંટફાટ અને મહત્ત્વનાં મથકો ઉપર કબજો જમાવવાનું કાવતરું હતું.
આપણી - ભારતીય સેના મોકલવામાં વિલંબ થયો. પણ તત્કાલીન નાયબ વડા પ્રધાન સરદાર પટેલે
ઍરફોર્સના ડાકોટા-નાનાં વિમાનોમાં સેના મોકલી અને શ્રીનગર તથા અત્યારે જે કાશ્મીર છે
તે પ્રદેશ બચી ગયો, આપણી સેનાના જનરલ એસએમ નાગેશે એમના પુસ્તકમાં ઘણી માહિતી આપી છે.
`આપણા સૈનિકોએ કદી બરફ જોયો ન હતો અને બરફના રણમાં દુશ્મન સાથે લડવાનું હતું. કામચલાઉ
સમજૂતી થયા પછી પાકિસ્તાને વારંવાર ઘૂસણખોરી અને હુમલા કર્યા હતા.' વિશ્વના ઇતિહાસમાં
કાશ્મીરમાં સૌપ્રથમ આતંકી હુમલા શરૂ થયા હતા!
આઝાદી સાથે ભારતના
ભાગલા પડયા. કાશ્મીરમાં હિન્દુ રાજા હરિસિંહ (ડૉ. કરણસિંહના પિતા) હતા. 1947ના અૉક્ટોબર
મહિનામાં પૂંચ વિસ્તારમાં મુસ્લિમોએ બળવો કર્યો. રાજા હરિસિંહની નાનીઅમથી સેના નાકામિયાબ
હતી. આ દરમિયાન રાવલપિંડીમાં હિન્દુ-શીખોની કત્લેઆમ શરૂ થઈ તેના પડઘા જમ્મુમાં પણ પડયા.
આઝાદી પછી હરિસિંહ અલગ-સ્વતંત્ર રહેવા માગતા હતા અને ભારત તથા પાકિસ્તાન સાથે `જૈસે
થે'ની સ્થિતિ માટે કરાર કરવા માગતા હતા. પાકિસ્તાને તરત સહી-સિક્કા કરીને કાશ્મીરના
તાર-ટપાલ ખાતાનો કબજો લઈ લીધો. અનાજ પુરવઠો આપવાની સમજૂતી થોડા જ દિવસમાં ભુલાઈ ગઈ!
આ અરસામાં પાકિસ્તાની સરહદેથી સશત્ર ઘૂસણખોરો હુમલા કરીને ભાગી જતા હતા. હરિસિંહે પાકિસ્તાની
વડા પ્રધાનને તાર - સંદેશા મોકલ્યા, જવાબ કોણ, શા માટે આપે?
22મી અૉક્ટોબર,
1947ના રોજ મુઝ્ઝફરાબાદમાં કાશ્મીરી સેનાની છાવણી કચડી નાખીને હજારો પઠાણ-પશ્તૂન ઘૂસણખોરો
શ્રીનગર ભણી આગળ વધી રહ્યા હતા. કાશ્મીરી સેનાના મુસ્લિમ સૈનિકો પણ ઘૂસણખોરો સાથે ભળી
ગયા - ડોગરા સૈનિકોની સંખ્યા નજીવી હતી. ભારતીય સંરક્ષણ ખાતાના `સત્તાવાર યુદ્ધ ઇતિહાસ'
અનુસાર ઘૂસણખોરીનો પ્લાન સિફ્તથી તૈયાર થયો હતો અને અમલ પણ વ્યૂહ મુજબ હતો. મોટર માર્ગ
ઉપર કબજો મેળવીને આગળ વધતા પઠાણો પાસે રાઇફલો ઉપરાંત લાઇટ મશીનગનો પણ હતી અને 300 શહેરી
ખટારા હતા. પાકિસ્તાન કહે અમારે કાંઈ લેવાદેવા નથી! પણ પાકિસ્તાનના મેજર જનરલ અકબર
ખાન લિખિત પુસ્તક `રેઇડર્સ અૉફ કાશ્મીર' તથા અન્ય પુસ્તકોમાં પાકિસ્તાની કાવતરાના પુરાવા
છે. બે મહિના ઍડવાન્સમાં - પહેલાં જ પ્લાન તૈયાર થયો હતો - અૉપરેશન ગુલબર્ગ!
26-27 અૉક્ટોબરે
બારામુલ્લામાં હુમલો થયો. સેન્ટ જોસેફ કોન્વેન્ટ અને હૉસ્પિટલ લૂંટ-ફાટ કરીને ખતમ કરી
હતી. પાકિસ્તાની સેના આવે તે પહેલાં ઍડવાન્સ પાર્ટી તરીકે પશ્તૂન - પઠાણ ટોળકીઓને મોકલાઈ
હતી. આની પાછળ પાકિસ્તાની વ્યૂહ - ચાલબાજી હતી. નોર્થ-વેસ્ટ ફ્રન્ટીઅર પ્રોવિન્સમાં
અલગ પશ્તૂનિસ્તાનની માગણી અને લડતને ભુલાવીને ભારત તરફ મોકલવાનો પ્લાન હતો. - આ ઘૂસણખોરોને
શ્રીનગર આવતા રોકવા માટે બ્રિગેડિયર રાજિંદર સિંઘ (રાજ્યની સેનાના વડા હતા) માત્ર
200 ડોગરા સૈનિકો સાથે મોરચા ઉપર લડયા અને ઉરી નદીનો પુલ ઉડાવી દીધો જેથી દુશ્મન આગળ
વધે નહીં. આ જંગમાં રાજિંદર સિંઘ શહીદ થયા. કાશ્મીરી નાગરિક મકબૂલ શેરવાનીએ ઘૂસણખોરોને
શ્રીનગરના બદલે અલગ - દિશા બતાવી હતી - જોકે પાછળથી દુશ્મનોએ મકબૂલને ફાંસીએ લટકાવ્યા.
પઠાણોને લૂંટફાટમાં
વધુ રસ હતો તેથી શ્રીનગર પહોંચ્યા નહીં એવો વસવસો સરદાર ક્યૂમ ખાન - જે પાછળથી પાકિસ્તાની
અંકુશ હેઠળના કાશ્મીરના પ્રમુખ બન્યા - એમણે વ્યક્ત કર્યો.
આખરે હરિસિંહે
ભારતના નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ - સૂચના મુજબ કરાર કર્યા અને નેહરુની
નામરજી છતાં સરદારે ચાર ડાકોટા વિમાન દ્વારા સેના મોકલી અને આઠમી નવેમ્બરે શ્રીનગરની
સલામતી સંભાળી પણ આ દરમિયાન પાકિસ્તાની સેનાએ વિધિસર આક્રમણ કર્યું હોવાથી લડાઈ ચાલુ
રહી.
નેહરુએ યુનાઈટેડ
નેશન્સમાં ફરિયાદ કરી - 31મી ડિસેમ્બર, 1948ની રાત્રે યુદ્ધવિરામ થયો અને 5મી જાન્યુઆરી
1949ના રોજ યુદ્ધવિરામની શરતો નક્કી થઈ.
ભારતીય સેનાને
સમય અને છૂટો હાથ મળ્યો હોત અને નેહરુ યુનાઈટેડ નેશન્સમાં ગયા હોત નહીં તો આજે કાશ્મીરની
ભૂગોળ અને ઇતિહાસ અખંડ હોત...
ભારતે - આઝાદી
મેળવી એ ગાળામાં બલૂચિસ્તાને નેહરુને પત્ર લખીને ભારતમાં ભળી જવાની - જોડાવાની અૉફર
કરી હતી પણ તેનો અસ્વીકાર થયો અને તે પછી પાકિસ્તાની લશ્કરે બલૂચિસ્તાન ઉપર આક્રમણ
કર્યું. પાકિસ્તાની અત્યાચાર સામે બૂલચી લોકોએ બળવો પોકાર્યો છે અને લડી રહ્યા છે!
અફઘાનિસ્તાનના
(સરહદના ગાંધી) ખાનઅબ્દુલ ગફારખાન તો - ભારતના મિત્ર હતા. ગાઢ સંબંધ હતા. આઝાદી પછી
ભારતના મહેમાન પણ બન્યા હતા - છતાં રાજદ્વારી સંબંધ વિકસાવાયા નહીં!
અત્યારે ચીન સાથે
દુશ્મની છે પણ માઓ અને ચુએનલાઈએ નવી દિલ્હીની મુલાકાત દરમિયાન મૈત્રીની અૉફર કરી હતી
જે નેહરુએ સ્વીકારી નહીં. આખરે ચીના તિબેટમાં ઘૂસીને કબજો જમાવી રહ્યું હતું ત્યારે
સરદાર પટેલે નેહરુને જગાડવા - પત્રો પણ લખ્યા છતાં વ્યર્થ!
ગાંધી પરિવાર
- સોનિયાજી, રાહુલ અને પ્રિયંકા તથા રોબર્ટ વડરાએ બીજિંગની મુલાકાત લઈને ત્યાંના એકમાત્ર
શાસક પક્ષ સાથે મૈત્રી કરાર કર્યા હતા તે ફોટા જાણીતા વકીલ મહેશ જેઠમલાણીએ ટીવી ચૅનલમાં
બતાવ્યા છે પણ આજ સુધી આ મૈત્રી કરારની વિગત ગાંધી પરિવારે જાહેર કરી નથી! આવા જ કરાર
પાકિસ્તાનના ભુતો ફેમિલી અને એમના પક્ષ સાથે થયા હોવાની ચર્ચા છે!
પાકિસ્તાનને સમર્થન અને સહાય આપનાર તુર્કીની એક કંપની ભારતનાં વિમાન મથકોએ સર્વિસ પ્રોવાઇડર - કર્તા-હર્તા છે અને ભારત સરકારે તાજેતરમાં તેના કૉન્ટ્રેક્ટ રદ કર્યા છે તેથી મામલો કોર્ટમાં છે પણ આ દરમિયાન એવા રિપોર્ટ વાયરલ થયા છે કે શ્રીમતી સોનિયા ગાંધી જ્યારે પણ વિદેશ જાય છે ત્યારે નવી દિલ્હીથી નહીં પણ બેંગલુરુથી જ જાય છે! ત્યાં વીવીઆઈપી સુવિધા મળે છે! આ બાબતે નજીકના ભવિષ્યમાં વધુ પ્રકાશ પડશે એમ લાગે છે!