• મંગળવાર, 08 જુલાઈ, 2025

ભારતને ટ્રમ્પ પર ભરોસો છે?

ભારતને ટ્રમ્પનો ભરોસો છે?' (વેધર ઇન્ડિયા ટ્રસ્ટસ ટ્રમ્પ?) આ પ્રશ્ન આપણા વિદેશપ્રધાન એસ. જયશંકરને યુરોપમાં પૂછવામાં આવ્યો ત્યારે એમણે જવાબ આપ્યો : આતંકી હુમલાના મામલામાં પાકિસ્તાનને ટ્રમ્પ શાસન દ્વારા અપાતા સમર્થન અંગે મતભેદ હોવા છતાં અમેરિકા સાથે ગાઢ સંબંધ રાખવા માગે છે કારણ કે તેમાં ભારતનું હિત છે. અમારી નીતિ - અમારા દેશ ભારતનાં હિતમાં હોય તેની સાથે સંબંધ જાળવવાની, સુધારવાની છે. અમેરિકા સાથેના અમારા સંબંધ ઘણાં મહત્ત્વના છે - અહીં વ્યક્તિના સંબંધની વાત નથી.

વિદેશપ્રધાન જયશંકરને પહલગામના હત્યાકાંડ અને અૉપરેશન સિંદૂર વિષે પૂછવામાં આવ્યું ત્યારે એમણે જવાબમાં એટલું જ કહ્યું કે ઓસામા બિન લાદેનને પાકિસ્તાનના લશ્કરી શહેર નજીક સલામતી અને આશ્રય કેમ મળ્યો હતો? દુનિયામાં સૌએ સમજવું પડશે કે આ આતંકવાદનો પ્રશ્ન છે. માત્ર ભારત - પાકિસ્તાનનો નહીં અને આખરે આતંકનું ભૂત તમારા ઉપર પણ આવશે...

રશિયા સાથેના ભારતના સંબંધ વિષે પૂછવામાં આવ્યું ત્યારે એમણે જવાબ આપ્યો - દરેક દેશ પોતાના અનુભવથી સંબંધ નક્કી કરે છે. ઇતિહાસ અને અનુભવ...

ચીન સાથેના સંબંધ વિષે એમણે કહ્યું ઘણી યુરોપિયન કંપનીઓ માત્ર (ચીનની) કાર્યક્ષમતા નહીં, સલામતી અને વિશ્વસનીયતાને મહત્ત્વ આપે છે!

ભારત અને અમેરિકાના સંબંધ - મૈત્રીને ટ્રમ્પે વ્યૂહાત્મક ભાગીદારી કહી છે અને સંબંધ હંમેશાં ગાઢ રહેશે એમ કહ્યું છે પણ પહલગામના હત્યાકાંડ પછી આતંકના પ્રશ્ને કેમ ચૂપ રહ્યા? અને અૉપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનના હાલહવાલ જોઈને યુદ્ધવિરામની તરફેણ કેમ કરી? હકીકત એવી છે કે પાકિસ્તાનમાં નૂરખાન વિમાનમથક અમેરિકા હસ્તક છે અને ભારતનો હુમલો ત્યાં સુધી પહોંચ્યો તેથી ટ્રમ્પ ચોંકી ઊઠયા - પાકિસ્તાનને સલાહ આપી - ભારતને કહો યુદ્ધ બંધ કરો અને ભારતે સ્વીકાર કર્યા પછી ટ્રમ્પ સાહેબ કહે છે - મારા કહેવાથી યુદ્ધવિરામ થયો અને આપણા શ્રીમાન રાહુલ ગાંધી કહે છે મોદી અમેરિકા સામે ઘૂંટણિયે પડયા! આ દરમિયાન ટ્રમ્પના પાકિસ્તાન પ્રેમની માહિતી બહાર આવી છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ પ્રથમ વખત બન્યા ત્યારે વર્ષ 2018માં પાકિસ્તાનને દુશ્મન નંબર વન ગણાવીને કહ્યું હતું : `અમેરિકાએ છેલ્લાં પંદર વર્ષમાં પાકિસ્તાનને 33 બિલિયન ડૉલરની મદદ કરી તેના બદલામાં આપણને જુઠ્ઠાણાં અને દગો - નમકહરામી જ મળી છે - આપણા નેતાઓને મૂરખ માન્યા અથવા બનાવ્યા છે!  જે આપણે અફઘાનિસ્તાનમાં શોધી રહ્યા હતા તે આતંકવાદીઓને પાકિસ્તાને સલામત સ્વર્ગમાં આશ્રય આપ્યો હતો. હવે કોઈ મદદ નહીં મળે' આ પછી ટ્રમ્પે પાકિસ્તાનને મળનારી 1.3 બિલિયન ડૉલરની મદદને બ્રેક મારી સસ્પેન્ડ કરી હતી. આતંકી અડ્ડાઓને ખતમ કરવામાં નાકામિયાબ નીવડયા હોવાનું જણાવાયું હતું.

આ ઇતિહાસ હવે ભુલાઈ ગયો છે. ભારતમાં પાકિસ્તાની-આતંકી હુમલા પછી ટ્રમ્પ સાહેબે ગુલાંટ મારી 6 જૂને કહ્યું - પાકિસ્તાનની નેતાગીરી મજબૂત હાથમાં છે - એમ હું કહું છું તે કોઈને ગમતું નથી - તો ભલે ગમે નહીં પણ પાકિસ્તાનની નેતાગીરી મજબૂત છે જ.

પાકિસ્તાની ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ફિલ્ડ માર્શલનું પદ ઝૂંટવીને લીધા પછી ટ્રમ્પને સાચા ઠેરવ્યા છે. હવે અમેરિકી સેનાના વડા જનરલ માઈકલ કુરીલાએ અમેરિકી સેનાના 250મા વાર્ષિક દિવસની પરેડમાં વિશેષ અતિથિ બનાવ્યા છે! પાકિસ્તાન એક અસાધારણ સાથી દેશ છે અને આતંકવાદ સામેની જંગમાં ઘણો ઉપયોગી છે એમ કહીને બિરદાવ્યા છે! અમેરિકામાં આ પરિવર્તન છેલ્લા પંદર દિવસમાં આવ્યું છે! અને તે લાવવામાં ટેક્સાસના એક બિઝનેસમૅને ઘણો ભાગ ભજવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના જૂના મિત્ર મિ. બીચ ટ્રમ્પની બીજી ટર્મ શરૂ થતાં જ પાકિસ્તાન ગયેલા અમેરિકી પ્રતિનિધિ મંડળના નેતા હતા. પાકિસ્તાનમાં અમેરિકાના જંગી મૂડીરોકાણ માટે ખનિજ ક્ષેત્ર, ટેક્નૉલૉજી, રિયલ એસ્ટેટ, ઊર્જા ક્ષેત્રની પસંદગી થઈ હતી. ગોલ્ડ અને અન્ય કીમતી ખનિજ સંશોધનમાં અમેરિકાની સહાયની સમજૂતી થઈ હતી. આ પછી બીચે વૉશિંગ્ટનમાં પાકિસ્તાન માટે ભારે લોબિંગ શરૂ કર્યું, અને કહ્યું- પાકિસ્તાન તો અદ્ભુત દેશ છે! અને અમેરિકા માટે ઘણો ભોગ આપ્યો છે!

આ પરિવર્તન જોયા પછી- ટ્રમ્પ પર ભરોસો છે? એવો પ્રશ્ન પુછાય તે સ્વાભાવિક છે.

ધરતી ઉપરના સ્વર્ગ ગણાતા અમેરિકામાં વસવાટ કરનાર માટે ટ્રમ્પે ગોલ્ડ કાર્ડની અૉફર કરી છે. પચાસ લાખ ડૉલર ચૂકવો અને વસવાટ પછી નાગરિકત્વ મળવાનો માર્ગ ખૂલશે...

આ ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ લેવા માટે લોકોનો ધસારો થઈ રહ્યો છે એમ કહેવાય છે. પણ ફરી પાછો એ જ પ્રશ્ન : - ટ્રમ્પનો ભરોસો થાય ખરો?

ડોનાલ્ડ ટ્રમ્પની નિકટવર્તી બે એજન્સીઓને પાકિસ્તાને મોટી કિંમત આપીને રોકી છે અને ભારતવિરોધી પ્રચાર કરવા માટે ટ્રમ્પની એજન્સીઓ કામે લાગી ત્યારથી ટ્રમ્પ ભારત અને પાકિસ્તાનને સમાન દૃષ્ટિએ જોવા લાગ્યા છે!

અમેરિકા સાથે પાકિસ્તાનના લાંબા ગાળાની આર્થિક ભાગીદારી વધે, ખાનગી ક્ષેત્રમાં પણ `લોબિંગ' થાય તે માટે કરાર થયા છે. પાકિસ્તાનની ખનિજ સંપત્તિમાં અમેરિકી કંપનીઓને ભાગીદારી મળી શકશે.

ભારત સાથે - મોદી સાથે સારા સંબંધ હોવા છતાં અમેરિકાને પાકિસ્તાનની ગરજ છે! અમેરિકા ફર્સ્ટ હોય - તો આપણા માટે પણ ભારત ફર્સ્ટ છે, હોય જ.

હવે અમેરિકી સેનાના વડા જનરલ માઇકલ કુરીલાએ ઘટસ્ફોટ કર્યો છે - અથવા ભાંડો ફોડયો છે! અમેરિકી સંસદની સમિતિ સમક્ષ એમણે કહ્યું છે કે પાકિસ્તાની ફિલ્ડ માર્શલ જનરલ મુનીર કહ્યાગરા છે: આઈસીસના ખોરાસન આતંકવાદી મોહમ્મદ શરીફુલ્લા - જેણે વર્ષ 2021માં કાબુલમાં 13 અમેરિકી સૈનિકો માર્યા હતા તે પકડાયો છે અને તમે કહો ત્યારે તમને - અમેરિકાને સોંપવા તૈયાર છું - `અમેરિકામાં સૌપ્રથમ આ સંદેશો મને મળ્યો હતો અને મુનીરે કહ્યું હતું કે તમે સંરક્ષણ પ્રધાન અને પ્રેસિડન્ટને જણાવી શકો છો.'

હવે આપણને ખબર પડે છે કે વાછરડો કયા ખિલ્લાના જોરે કૂદે છે?! અમેરિકન જનરલ કહે છે કે પાકિસ્તાન સાથેના આપણા (અમેરિકાના) સંબંધ અસાધારણ - વિલક્ષણ છે. ભારત સાથે સારા સંબંધ હોય એટલે પાકિસ્તાન સાથે સંબંધ નહીં રાખવામાં આપણે માનતા નથી! આપણે સંબંધમાં હિત જોવાં જોઈએ.

અમેરિકાની ડિફેન્સ ઇન્ટલિજન્સ એજન્સીનો રિપોર્ટ છે કે ભારતનું મુખ્ય દુશ્મન તો ચીન છે-પાકિસ્તાન બાજુએ છે. પાકિસ્તાનને અસ્તિત્વનો ખતરો સામાન્ય ભારતથી છે અને તેથી અણુશત્રો ઉપર મદાર રાખે છે અને ચીન સાથે ગાઢ સંબંધ બાંધે છે પણ ચીનને પાકિસ્તાનમાં પોતાનો માલ વેચવાની ચિંતા નથી, એશિયામાં પોતાની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત કરવા માગે છે! વર્ષ 2005થી 2024 સુધીમાં પાકિસ્તાનના માથે 68 બિલિયન ડૉલરનું ચીની દેવું છે!

મહત્ત્વની વાત એ છે કે પાકિસ્તાન અમેરિકાને ખુશ રાખવા માટે આતંકવાદીઓને પકડીને સોંપવા તૈયાર છે. અૉપરેશન સિંદૂર દરમિયાન ગયા સપ્તાહે જ એક પાકિસ્તાની નાગરિકને પકડીને અમેરિકાભેગો કર્યો છે. 2024માં ન્યૂ યૉર્કના બ્રુકલીનમાં યહૂદીઓના કેન્દ્ર ઉપર હુમલો કરવાનો પ્લાન પકડાયો હતો.

આમ અમેરિકા માગે તે પાકિસ્તાની આતંકવાદીને પકડીને સોંપી શકાય પણ ભારતના અપરાધીઓને રક્ષણ અપાય, તાલીમ અપાય! અત્યારે ભલે અમેરિકા બિલાડાને પંપાળે પણ તેને ખબર નથી કે મેરી બિલ્લી મુઝકો મ્યાંઉ કબ કરેગી?!                       

ભારત અને અમેરિકાના સંબંધ - મૈત્રીને ટ્રમ્પે વ્યૂહાત્મક ભાગીદારી કહી છે અને સંબંધ હંમેશાં ગાઢ રહેશે એમ કહ્યું છે પણ પહલગામના હત્યાકાંડ પછી આતંકના પ્રશ્ને કેમ ચૂપ રહ્યા? અને અૉપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનના હાલહવાલ જોઈને યુદ્ધવિરામની તરફેણ કેમ કરી?