• મંગળવાર, 01 જુલાઈ, 2025

કૉંગ્રેસ યુદ્ધવિરામનો વિરોધ શા માટે કરે છે?

હવે - યુદ્ધવિરામનો વિરોધ શા માટે થાય છે? સ્વદેશી વિરોધીઓ હવે કહેશે કે કાશ્મીર હાથમાંથી ગયું - ગુમાવ્યું! પણ 1947-48માં કાશ્મીરનો વિસ્તાર પાકિસ્તાનના હાથમાં કોણે મૂક્યો હતો? 

ગ્રેસ યુદ્ધવિરામનો વિરોધ શા માટે કરે છે? યુદ્ધવિરામ શું ભારતના હિતમાં નથી? આ પ્રશ્નનો વિચાર અને ચર્ચા-વિચારણા ગંભીર વિષય છે, સસ્તી-બચકાના બુદ્ધિની મજાકનો વિષય નથી. પાકિસ્તાની આતંકી હુમલા પછી આપણે આતંકી અડ્ડાઓ ઉપર છાપા મારીને ખતમ કર્યા ત્યારે પણ રાહુલ ગાંધીએ શંકા વ્યક્ત કરીને સેના તથા સરકાર પાસે સફળતાના પુરાવા માગ્યા હતા! કારગિલમાં વિજય બાબત અવિશ્વાસ વ્યક્ત કરીને સંરક્ષણપ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસ ઉપર બેફામ આક્ષેપ થયા હતા. ભારતે ફ્રાન્સનાં રાફેલ જેટ વિમાનોના કરાર કર્યા ત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા અને પુરાવા મેળવવા પેરિસની ડેલીએ હાથ અડાડીને વીલામોંઢે - ખાલી હાથ હલાવતા પાછા ફર્યા. સુપ્રીમ કોર્ટે કાન આમળીને નાક કાપ્યું. રાહુલ ગાંધી મોદી અને ભાજપ સામે વેર વાળવા માગે છે. મથી રહ્યા છે કે હવાતિયાં મારે છે. એમના પિતાશ્રી સ્વ. રાજીવ ગાંધી સામે બોફોર્સ તોપના સોદામાં થયેલો ભ્રષ્ટાચાર સંસદમાં અને શેરીઓમાં ગાજ્યો હતો અને આખરે બદનામી થઈ! હવે બોફોર્સનો હિસાબ રાફેલમાં કરવો છે! અૉપરેશન સિંદૂરમાં રાફેલ વિમાન પાકિસ્તાને તોડી પાડયાં તેનો હિસાબ માગ્યો - પણ ભારતે પાકિસ્તાનનાં કેટલાં વિમાનો અને વિમાનમથકો તોડયાં તે પૂછતા નથી!

અૉપરેશન સિંદૂરની સફળતાની ખુશી કેમ નથી? યુદ્ધવિરામનો વિરોધ શા માટે થાય છે? 1971માં બાંગ્લાદેશમાં ભારતના વિજય પછી ભાજપે - અટલ બિહારી વાજપેયીજીએ ઇન્દિરાજીને `દુર્ગા' કહીને વધાવ્યાં હતાં તે રાજકીય ખેલદિલી અથવા નાટક ન હતું - રાષ્ટ્રહિતની ભાવના હતી. રાહુલ ગાંધીના ડીએનએમાં કેમ માત્ર વેરભાવના છે?

અૉપરેશન સિંદૂરની વિગત જનરલ અનિલ ચૌહાણે આપી તેમાં પણ શંકા! રાહુલ ગાંધીએ ટી.વી. કૅમેરાની સામે રાફેલ વિમાનનું રમકડું હાથમાં રમાડીને શું મેળવ્યું?

પાકિસ્તાનના પ્રમુખ ઝિયા-ઉલ-હકે દાયકાઓ પહેલાં ભારતને એક હજાર ઘા મારીને ખતમ કરવાની ધમકી આપી હતી. આ પછી આતંકી હુમલા અને આક્રમણનો સિલસિલો શરૂ થયો. ભારતમાં કોમવાદી હુલ્લડ કરાવવા માટે 2017માં અમરનાથ યાત્રીઓ ઉપર હુમલો થયો. 2024માં શિવખોરી મંદિરની યાત્રાએ જતા લોકો ઉપર અને હવે પહલગામમાં હિન્દુ પર્યટકોનો હત્યાકાંડ! પાકિસ્તાની ગણતરી ભારતમાં હિન્દુઓ ઉશ્કેરાય અને મુસ્લિમો ઉપર હુમલા કરશે એવી હતી. વક્ફના મુદ્દે મુસ્લિમો મોદીથી નારાજ છે તેથી ભારતમાં ઠેરઠેર હુલ્લડ-અરાજકતા થશે એવી ધારણા ધૂળમાં મળી છે. જો કોમવાદી અશાંતિ જાગે તો મોદી ઉપર દોષારોપણ કરવા વિરોધીઓ થનગની રહ્યા હતા - હવે નિરાશ થયા છે તેથી વિજયની ખુશી ક્યાંથી હોય?

અૉપરેશન સિંદૂરની માહિતી પત્રકારોને આપવા માટે મુસ્લિમ કન્યા - અને તે પણ ગુજરાતીની પસંદ થઈ તે પાકિસ્તાનને અને આપણા સ્વદેશી વિરોધીઓને સ્પષ્ટ સંદેશ હતો. આ પછી સર્વપક્ષી પ્રતિનિધિમંડળો વિદેશોમાં મોકલવાનો નિર્ણય લેવાયો. સૌથી વધુ આંચકો - ઝાટકો કૉંગ્રેસને લાગ્યો! તેના બે પૂર્વ નાયબ વિદેશપ્રધાનો - શશી થરૂર અને સલમાન ખુરશીદની પસંદગી થઈ! અને વિદેશોમાં એમની રજૂઆત અસરકારક પુરવાર થઈ. ઓવૈસીએ રાષ્ટ્રપ્રેમ અને પાકિસ્તાની આતંકવાદનો તિરસ્કાર પુરવાર કર્યો. ઇસ્લામમાં આતંકનું સ્થાન નથી. પાકિસ્તાને બાંગ્લાદેશીઓ, બલૂચીઓ અને અફઘાનોની કત્લેઆમ કરી છે - શું તેઓ મુસ્લિમ ન હતા? ઓવૈસીએ પાકિસ્તાન સાથે ભારતના નકલી સેક્યુલરવાદીઓને પણ બેનકાબ કર્યા છે!

આપણા પ્રતિનિધિઓની સફળતાને બિરદાવી શકાય નહીં? જોકે હવે કૉંગ્રેસ `હાઈ કમાન્ડ' તેના ત્રણ મુખ્ય નેતાઓ - શશી થરૂર, મનીષ તિવારી અને સલમાન ખુરશીદ ઉપર ગુસ્સો કેવી રીતે ઠાલવે છે તે જોવાનું છે.

અૉપરેશન સિંદૂરની સફળતા દેશભરમાં ઊજવાય છે ત્યારે મમતા બેનરજીને ચૂંટણીની અને એમની વોટ બૅન્કની ચિંતા છે! સિંદૂરનું રાજકારણ નહીં કરવાની વાત કરે છે પણ વિરોધ કરવામાં રાજકારણ નથી? રાષ્ટ્રકારણનો ભોગ લેવાય છે એટલું તો ભારત જાણે - સમજે છે. અદાલતે રાહુલ ગાંધીને પણ ઠપકો આપ્યો છે ત્યારે પંજાબમાં `આપ'ના મુખ્ય પ્રધાન મજાક ઉડાવે છે - વન સિંદૂર વન હસબન્ડ? પંજાબીઓને પણ આવી મજાક પસંદ નથી.

પાકિસ્તાને 48 કલાકમાં ભારતના અૉપરેશનને ખતમ કરવાની શેખી કરી હતી. ભારતે ચાર કલાકમાં જ કામ તમામ કર્યું! પાકિસ્તાને - ટ્રમ્પના આદેશ અને દબાણ હેઠળ ભારતને ફોન કરીને યુદ્ધવિરામની આજીજી કરી - જે ભારતે સ્વીકારી - પણ શરત સાથે. હવે એક પણ હુમલો થશે તો આતંકી અને પાકિસ્તાની સરકાર - સેના એકસાથે સજા ભોગવશે. ટ્રમ્પ સાહેબ રશિયા - યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ કરાવી શકતા નથી. ઇઝરાયલ ઉપર દબાણ થતું નથી અને ભારત-પાક ઉપર દબાણ કર્યાના દાવા કરીને `ટાંગ' ઊંચી બતાવી રહ્યા છે અને ટ્રમ્પની ટાંગ પકડીને આપણા `બાળા-રાજા' કહે છે મોદી તો ટ્રમ્પના પગે પડયા! મોદી સાથે ભારત અને ભારતીય સેનાનું અપમાન કરનારા દેશદ્રોહી છે કે નહીં?

પહલગામના હત્યાકાંડ પછી કાશ્મીરીઓને ખાતરી થઈ છે કે પાકિસ્તાન કાશ્મીરના વિકાસ અને સુખ-ચૈનનું દુશ્મન છે. હિન્દુ ટૂરિસ્ટો જો ટાર્ગેટ હોય તો પ્રવાસન ઉદ્યોગ ખતમ થઈ જાય. આ હત્યાકાંડ પછી પણ પાકિસ્તાને કાશ્મીર ઉપર ડ્રૉન અને મિસાઇલ તાક્યાં હતાં. હવે કાશ્મીરે વિકાસનો માર્ગ પકડયો છે તેથી ભારત વિરોધી આતંકનો સ્વીકાર - સમર્થન નહીં આપે એવી આશા રાખી શકાય. રાજકીય પક્ષો પણ હવે અલગતાવાદને જાકારો આપે છે. 370મી કલમ પાછી લાવવાનાં દિવાસ્વપ્નો - હવે કોઈ બતાવશે નહીં.

ભારતના મુસ્લિમ નેતાઓ પાકિસ્તાનનો વિરોધ - તિરસ્કાર જારી રાખશે. આમઆદમી સામાન્ય મુસ્લિમ નાગરિકો વિષે છાપ હવે બદલાઈ રહી છે તેથી વાતાવરણ સુધરવાની આશા છે. વક્ફ જેવા વિવાદાસ્પદ મુદ્દામાં સમાધાન થઈ શકે છે. રાજકારણથી બહાર - હોય એવા મુસ્લિમ બિરાદરોની રાષ્ટ્રભાવનાનું પ્રતીક - ઉદાહરણ ઉત્તર પ્રદેશમાં એક કિસાન અગ્રણી કલી મુલ્લા ખાને પૂરું પાડયું છે. એમના ખેતરમાં વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ નામ કેરી - આંબાને આપ્યાં છે અને અૉપરેશન સિંદૂરની સફળતા પછી હવે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ આંબાના ફળને રાજનાથ આમ અને મિસાઇલ આમ નામ આપ્યાં છે. અૉપરેશન સફળ થયા  પછી તરત તેમને સમર્પિત થયા છે!

હવે - યુદ્ધવિરામનો વિરોધ શા માટે થાય છે? સ્વદેશી વિરોધીઓ હવે કહેશે કે કાશ્મીર હાથમાંથી ગયું - ગુમાવ્યું! પણ 1947-48માં કાશ્મીરનો વિસ્તાર પાકિસ્તાનના હાથમાં કોણે મૂક્યો હતો? આ કડવું સત્ય સંસદની બેઠક મળે ત્યારે રાહુલ ગાંધીએ સાંભળવું પડશે. જો યુદ્ધવિરામની શરતી સમજૂતી થઈ હોત નહીં તો યુદ્ધ લાંબું ચાલવાની ખાતરી હતી. પાકિસ્તાનને ચીનની વધુ મદદ મળી હોત. અત્યારે પણ પાક અંકુશ હેઠળના કાશ્મીરી વિસ્તારની સલામતી ચીનના હાથમાં હોવાના અહેવાલ છે. લડાઈ લાંબી ચાલે તો જાન-માલની ખુવારી થાય જ. આના કરતાં કાશ્મીરીઓ આપ મેળે ભારતમાં આવે, ભળે તે વધુ યોગ્ય છે. આપણે શરત મૂકી છે કે આતંકવાદીઓ અમારા હવાલે કરો - પછી કાશ્મીરની વાત થશે. સિંધુનાં પાણી પણ પછી મળશે અને જો પાકિસ્તાને `છૂં છી' કરી તો સખત - આકરી સજા થશે. આમ યુદ્ધવિરામ સાથે વીમાની પૉલિસી પણ છે.

મહત્ત્વની વાત તો એ છે કે ભારતનું અર્થતંત્ર હવે પુરબહારમાં ખીલી રહ્યું છે. વિશ્વમાં ભારતના નામના ડંકા વગડે છે. 1986માં ભારતનું અર્થતંત્ર પાકિસ્તાનથી ચાર ગણું હતું. આજે અગિયાર ગણું છે. સંરક્ષણની તૈયારી અને ખર્ચ અનિવાર્ય છે પણ અર્થતંત્રના વિકાસનો ભોગ લેવાય નહીં તે પણ જરૂરી છે.