કેન્દ્ર સરકારે આગામી પચ્ચીસમી જૂને `સંવિધાન હત્યા દિવસ' પાળવાની જાહેરાત કરી છે, કારણ કે પચાસ વર્ષ પહેલાં 1975માં તત્કાલીન વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ સંવિધાનની કલમ 352ના આધારે દેશભરમાં આંતરિક કટોકટી - ઇમર્જન્સીની ઘોષણા કરી હતી.
દર વર્ષે 25-26મી જૂન આપણી લોકશાહીના ઇતિહાસમાં
કાળા દિવસની યાદ અપાવે છે! આ વર્ષે આ દિવસે `ઇમર્જન્સી'નાં 50 વર્ષ પહેલાંના દિવસો
યાદ આવે છે. હકીકતમાં આપણા યુવા પેઢી અને યુવા પત્રકારો, યુવા રાજકીય નેતાઓને ઇમર્જન્સીનો
અનુભવ હોય નહીં, પણ ઇતિહાસની માહિતી તો હોવી જોઇએ. જે લોકો ઇતિહાસ ભૂલે, એમનું ભવિષ્ય
નથી. આ જ કારણ છે કે ભૂતકાળ વાગોળવાની જરૂર છે.
કેન્દ્ર સરકારે આગામી પચ્ચીસમી જૂને `સંવિધાન
હત્યા દિવસ' પાળવાની જાહેરાત કરી છે, કારણ કે પચાસ વર્ષ પહેલાં 1975માં તત્કાલીન વડા
પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ સંવિધાનની કલમ 352ના આધારે દેશભરમાં આંતરિક કટોકટી
- ઇમર્જન્સીની ઘોષણા કરી હતી. નાગરિકોનું સ્વાતંત્ર્ય, સંવિધાને બક્ષેલા મૂળભૂત અધિકારો
છીનવી લીધા હતા. લોકસભાની ચૂંટણી રદ કરી હતી. અખબારો - પત્રકારો ઉપર સેન્સરશિપ લાદવામાં
આવી હતી. ન્યાયતંત્ર સરકારને વફાદાર હોય - તેવી કમિટેડ જ્યુડિશિયરી પસંદ કરી હતી. વાસ્તવમાં
લોકતંત્રના જે સ્તંભ - સંસદ, ન્યાયતંત્ર અને વિચાર-વાણીના સ્વાતંત્ર્ય ઉપર પ્રતિબંધ
અથવા નિયંત્રણ મૂક્યાં હતાં. સંવિધાનની હત્યાનો આ પ્રથમ પ્રયાસ હતો!
અને હવે રાહુલ ગાંધી `સંવિધાન બચાવો'ની
બૂમાબૂમ કાગારોળ સાથે `ભારતયાત્રા' કરે છે!
1975માં ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા ટકાવી
રાખવા માટે ઇમર્જન્સી જાહેર કરી હતી. આ માટે અર્થતંત્રની બેહાલી અને રાજતંત્રના ભ્રષ્ટાચારનાં
બહાનાં મળી ગયાં. સૌપ્રથમ પોંડીચેરી ઇમ્પોર્ટ લાઇસન્સનું કૌભાંડ બહાર આવ્યું. કૉંગ્રેસના
તૂલમોહન રામ ચમક્યા અને લોકસભામાં વિપક્ષી નેતા મોરારજીભાઈએ સરકારી ફાઇલોના પુરાવા
માગ્યા. મોરારજીભાઈએ ગૃહમાં ધરણા - સત્યાગ્રહની ધમકી આપી. આ દરમિયાન દેશવ્યાપી સફળ
રેલવે હડતાળે ઇન્દિરા ગાંધીની સરકાર સામે રેડ સિગ્નલ બતાવ્યાં - પણ લોકસભામાં એમનું
સભ્યપદ જોખમાયું ત્યારે ઇમર્જન્સી લાદવામાં આવી. લોકો અને લોકતંત્ર બંદીવાન બન્યાં.
આખરે 1977માં જનતાની અદાલતે એમને પદ-સત્તાભ્રષ્ટ કર્યા ત્યાં સુધીનો ઇતિહાસ ભૂલાશે
નહીં અને તેનું પુનરાવર્તન પણ નહીં થાય...
1975ની ઇમર્જન્સીની ચર્ચા થાય છે ત્યારે
- મુખ્ય પ્રશ્ન એ પુછાય છે કે આવી ઘોષણાની જરૂર શા માટે પડી? ભારતને બચાવવા - કે ઇન્દિરાજીની
સત્તા બચાવવા માટે? આ સાથે એવો પ્રશ્ન પણ છે કે હવે કોઈ વડા પ્રધાન સત્તા બચાવવા માટે
ઇમર્જન્સી જાહેર કરી શકે ખરા? આ પ્રશ્નનો જવાબ અને લોકતંત્ર - સંવિધાનની ગૅરન્ટી જનતા
પાર્ટીની સરકારમાં વડા પ્રધાન મોરારજીભાઈએ આપી હતી કે કોઈ સંવિધાનનો દુરુપયોગ નહીં
કરી શકે. ઇન્દિરા ગાંધીએ સત્તા ટકાવી રાખવા - પકડી રાખવા માટે જ સંવિધાનની કલમનો દુરુપયોગ
કર્યો હતો. નેહરુ પરિવારના ડીએનએમાં જ સત્તા હોવાનો દાવો હજુ પણ થાય છે! 1964માં નેહરુના
અવસાન પછી લાલબહાદુર શાત્રી વડા પ્રધાન બન્યા ત્યારે પણ ઇન્દિરા ગાંધી છેડાઈ પડયાં
હતાં - `જોઉં છું કેવી રીતે સરકાર ચાલે છે!' તાશ્કંદમાં શાત્રીજીના અવસાન પછી વડા પ્રધાનપદ
માટે મોરારજીભાઈ પ્રથમ અને યોગ્ય ઉમેદવાર હતા અને સંસદીય કૉંગ્રેસ પક્ષમાં ચૂંટાઈ શકે
એમ હતા છતાં કામરાજે `સમાધાન'ના નામે ઇન્દિરા ગૂંગી ગુડિયા - ને સત્તા આપી. આ પછી
1969 અને કૉંગ્રેસના ભવ્ય ભંગાણનો ઇતિહાસ છે.
1967ની ચૂંટણીમાં કૉંગ્રેસના વળતાં પાણી
થયાં હતાં રાજ્યો - મુખ્યત્વે ઉત્તર ભારતમાં પરાજય પછી પણ કેન્દ્રમાં કૉંગ્રેસ સરકાર
હતી અને એક હથ્થુ સત્તા ટકાવી રાખવા માટે કૉંગ્રેસ તોડી, રાજ્યોમાં આયારામ - ગયારામ
અને નાણાશાત્રી, ભ્રષ્ટાચાર શરૂ થયો પરિણામે ભાવવધારા સામે જનતાનાં આંદોલન અને અશાંતિ
ભડકી. ગુજરાત પછી બિહારમાં નવનિર્માણ આંદોલન - જે.પી. - જયપ્રકાશ નારાયણ - 1974માં
નાગરિક અસહકારનો કૉલ આપ્યો. પોલીસ, ભારતીય સેના, સરકારી અધિકારીઓને આહ્વાન કર્યું કે
સરકારના ખોટા આદેશોનું પાલન - અમલ કરવાનો ઇનકાર કરો... આ દરમિયાન જ્યોર્જ ફર્નાન્ડિસે
રેલવેના ચક્કાજામ - દેશવ્યાપી હડતાળ કરાવી તેની સફળતાથી સરકાર ચોંકી ગઈ. જનતા જાગી
છે - સરકાર સામે સંઘર્ષ કરશે - એવી ખાતરી હતી.
આખરે 12મી જૂન, 1975ના રોજ અલાહાબાદ હાઈ
કોર્ટના જસ્ટિસ જગમોહન લાલ સિન્હાએ 1971ની ચૂંટણીમાં જીતેલાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ
સરકારી સત્તા અને સાધનોનો ઉપયોગ કર્યો હોવાથી એમની ચૂંટણી રદ કરી અને છ વર્ષ સુધી ચૂંટણી
લડીને કોઈ પદ સંભાળી નહીં શકે એવો ચુકાદો આપ્યો! (સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ ત્યારે
લોકસભામાં વોટ નહીં આપી શકે એવી શરત સાથે સત્તા ઉપર રહ્યાં. નાની પાલખીવાલા એમનો કેસ
શા માટે લડયા તે સમજાતું નથી)
આ ચુકાદા પછી રાજીનામું આપવું પડે નહીં
તે માટે 25-26ની મધરાતે દેશભરમાં આંતરિક કટોકટીની જાહેરાત થઈ અને જયપ્રકાશજી, મોરારજીભાઈ,
અડવાણી, વાજપેયીજી, પીલુ મોદી વગેરે તમામ નેતાઓની ધરપકડ થઈ ત્યારે જયપ્રકાશજીએ કહ્યું
- વિનાશકાળે વિપરીત બુદ્ધિ!
ઔદ્યોગિક વિકાસ મંદ, ભાવવધારો, તેજીમાં
વધતી બેકારી - અનાજની અછત - કાળાબજાર - ભ્રષ્ટાચાર અને ઉપરથી ઇન્દિરા ગાંધીની સરમુખત્યારશાહી.
અખબારો ઉપર સેન્સરશિપ - પત્રકારોને ધમકી, વિદેશી પત્રકારોને તાકીદ - આખરે દેશનિકાલ!
આવા અશાંત વાતાવરણનો ઉપાય - ઇમર્જન્સી - વિરોધ કરવાની - વિચાર-વિનિમયની મનાઈ. જનતા
ભયભીત - ચારે બાજુ શંકા અને સસ્પેન્સ!
ઇન્દિરા ગાંધીના વિશેષ સચિવ આર. કે. ધવને
ચન્દ્રશેખરને ફોન કર્યો. કટોકટીને સમર્થન આપો તો આવતી કાલે તમારા પ્રધાનપદનો શપથવિધિ
થશે, પણ ચન્દ્રશેખર બે જોડ કપડાં અને દાઢીનો સામાન લઈ જેલમાં ગયા.
ઇન્દિરા ગાંધીને દેશની ચિંતા હતી કે વધુ
સત્તાનો ઇરાદો - વ્યૂહ હતો? આ પ્રશ્ન હજુ ચર્ચામાં છે પણ સુપ્રીમ કોર્ટમાં સિનિયર ન્યાયમૂર્તિઓને
હાંસિયામાં ખસેડીને કમિટેડ ગણાતા એ. એન. રાયને ચીફ જસ્ટિસ બનાવ્યા (વર્ષો પછી એમના
અવસાન અને પ્રાર્થના સભા સુપ્રીમ કોર્ટમાં બંધ દરવાજે કરવી પડી - કારણ કે એમના પ્રતિ
તિરસ્કાર હતો!)
1977માં જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે
ઇન્દિરા ગાંધીને અ-પાત્ર કે કુ-પાત્ર ઠરાવીને એમનું લોકસભાનું સભ્યપદ રદ થયું ત્યારે
કૉંગ્રેસી કાર્યકરો ગૃહની બેઠક મુલતવી રહ્યા પછી - ગૃહની અંદર ધસી આવ્યા અને સ્પીકર
- જસ્ટિસ કે. એસ. હેગડેના સિંહાસન ઉપર બેસીને ચેનચાળા થયા!
સ્પીકર અને લોકસભાનાં માન-મર્યાદાનું અપમાન
થયું તે સંવિધાનની હત્યા હતી કે બચાવ? હવે સંવિધાન `બચાવવા' નીકળેલા બાળ નેતાઓને
1975ના ઓગણીસ મહિનામાં લોકતંત્ર અને સંવિધાનની શી દશા થઈ હતી તેની જાણ છે ખરી?
હવે ઇન્દિરા ગાંધીવાળી `ઇમર્જન્સી'ની શક્યતા
નથી, કારણ કે અર્થતંત્ર સધ્ધર છે - રાજતંત્ર પણ સ્થિર છે તેથી વિરોધ પક્ષો - અશાંતિ
અને અસંતોષ જગાવવા માટે હિન્દુત્વ અને જાતિવાદના વિવાદ જગાવવાના પ્રયાસ કરે છે. જે
સત્તા માટે છે, સંવિધાન બચાવવા માટે નહીં.