• મંગળવાર, 08 જુલાઈ, 2025

માત્ર `વિરામ' છે, પૂર્ણવિરામ નહીં!

ઈઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યા પછી ટ્રમ્પને ખાતરી છે કે હવે સમાધાન થશે? હકીકતમાં માત્ર `વિરામ' છે, પૂર્ણવિરામ નહીં! અમેરિકાએ તો ઇઝરાયલને બચાવવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે એમ આયાતોલ્લાહ કહે છે! ઉપરાંત અમેરિકાની એજન્સીઓના અહેવાલ પણ વિરોધાભાસી છે! ટ્રમ્પ કહે છે ઈરાન હવે અણુશત્ર કાર્યક્રમ આગળ વધારી નહીં શકે ત્યારે અમેરિકાની એજન્સીઓના અહેવાલ છે કે ઈરાનનાં મથકોને કોઈ ભારે નુકસાન થયું નથી અને યુરેનિયમ સલામત સ્થળે ખસેડવામાં ઈરાનને સફળતા મળી છે-! વિરોધાભાસી અહેવાલો વચ્ચે ટ્રમ્પ કહે છે કે જરૂર લાગે તો ઈરાન ઉપર ફરીથી બૉમ્બમારો કરીશું. ગમે તેમ પણ ટ્રમ્પનો આશાવાદ અને વિશ્વાસ વધુપડતો છે એમ જણાય છે. ઇઝરાયલ પણ સાવધાન છે.

ટ્રમ્પના `ટેરિફ આક્રમણ'ના કારણે યુરોપ અને અમેરિકાના સંબંધમાં અંતર વધ્યું હતું. પણ ટ્રમ્પના ઈશારે `નાટો'ના યુરોપિયન દેશોએ શસ્ત્ર સરંજામ - સંરક્ષણ ખર્ચમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આજે નહીં તો આવતી કાલે ફરીથી અશાંતિ જાગે અને વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ થાય તેની તૈયારી શરૂ થઈ છે એમ સૌને લાગે છે. કોઈને ક્યાંય શાંતિની આશા નથી. સંબંધ બદલાઈ રહ્યા છે. જાણે બધા પાણી પહેલાં પાળ બાંધી રહ્યા છે! ભારત પણ હવે યુરોપની વધુ નજીક જાય છે. ફ્રાન્સ અને જર્મનીને ભારતની શક્તિ અને મૈત્રી ઉપર વધુ વિશ્વાસ છે.

સંજોગોમાં વિશ્વની સત્તાઓ - અમેરિકા, રશિયા અને ચીન તથા યુરોપનું વલણ પણ સ્પષ્ટ થયું છે. કોણ, કોની સાથે છે તેના નિર્દેશ મળ્યા છે તે મુજબ ભારતે હવે વધુ સાવધ રહેવું પડશે. ખાસ કરીને પાકિસ્તાન અને ચીનથી ભય વધુ છે ત્યારે ટ્રમ્પ માટે અમેરિકા ફર્સ્ટ છે: ગરજ હોય ત્યારે ગર્દભને બાપ કહેવા, બનાવવા તૈયાર છે! ઈરાન-ઇઝરાયલના યુદ્ધ વખતે પાકિસ્તાની જનરલને `ગધેડો' બનાવ્યો, પાકિસ્તાનમાં ``ઇસ્લામનો `ગદ્દાર' '' બનાવ્યો અને આખરે ઈરાનની પીઠ થાબડીને ક્રૂડતેલ ખરીદવાની તૈયારી કરી. આવી `દોસ્તી' બતાવીને પાકિસ્તાનને હાંસિયામાં ધકેલી દીધું. મુનીર હવે ચીનના હાથે-પગે પડીને ગુલામી સ્વીકારવા તૈયાર છે. ટ્રમ્પે એમનું નાક કાપ્યું અને પાકિસ્તાનમાં લોકોએ શરીફ - મુનીર મુર્દાબાદ - ઇસ્લામના ગદ્દાર કહીને બળવો પોકાર્યો પણ મુનીરને ચીનનાં શત્રો મળે છે. અભયવચન અમેરિકાએ આપ્યું છે. વ્યાપાર અને ખનિજ સંપત્તિના બદલામાં ચીને અદ્યતન ફાઇટર - પાંચમી પેઢીનાં વિમાનો આપવાની અૉફર કરી છે.

રશિયાએ S-400 આકાશીછત્રનો કાફલો 2027 સુધીમાં આપણને આપવાની ખાતરી આપી છે પણ રશિયા ચીનનો હાથ કદી છોડશે નહીં. ઈરાનને યુદ્ધવિરામ અને મધ્યસ્થી માટે અૉફર કરવા પહેલાં પુતિને ચીનના શી જિનપિંગની મંજૂરી લીધી હતી. તાજેતરમાં શાંઘાઈ કો-અૉપરેશન અૉર્ગેનાઇઝેશનના સંરક્ષણ પ્રધાનોની બેઠક મળી તે પછી સંયુક્ત નિવેદનમાં સહી કરવાનો સાફ ઇનકાર રાજનાથ સિંહે કર્યો કારણ કે પહલગામના આતંકી હુમલાનો ઉલ્લેખ હતો! કારણ કે પાકિસ્તાને વિરોધ કર્યો હતો. મતભેદ પછી સંયુક્ત નિવેદન બહાર પડયું નહીં. બેઠકમાં રાજનાથ સિંહ ચીનના સંરક્ષણ પ્રધાનને મળ્યા. લદાખની બાથંબાથી પછી પ્રથમ મુલાકાત હતી. પણ ભારતના મક્કમ-દૃઢ નિર્ણયનો અનુભવ ચીનને થયો - આતંક અને સંવાદ સાથે હોઈ શકે નહીં

આપણે પાકિસ્તાનથી કાયમ સાવધાન છીએ. મુનીર ઘવાયા છે. એમના દેશ અને વિદેશમાં અપમાનિત-બદનામ થયા છે તેથી બદલો લેવા પ્રયાસ કરશે અને તેમાં ચીનની મદદ મળશે. આપણે ડાયલોગ-ડિપ્લોમસી શરૂ કરી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીન મુલાકાત દરમિયાન સરહદી વિવાદ અને સંઘર્ષના કાયમી નિરાકરણ ઉપર ભાર મૂક્યો છે. એકમેક ઉપરનો અવિશ્વાસ દૂર કરવાનું સૂચન કર્યું છે. બન્ને સંરક્ષણ પ્રધાનો સંવાદ આગળ ચલાવવા સંમત છે. ચીન જાણે છે કે અમેરિકાને મહાત કરીને મહાસત્તાનું સ્થાન લેવું હોય તો ભારત સાથે દુશ્મની રખાય નહીં. હવે ભાઈ-ભાઈ કેવું ચાલે છે તે જોવાનું છે. પણ સંબંધ સુધારવાના પ્રયાસ તો છે.

ઇઝરાયલ-ઈરાનના સંઘર્ષમાં મુનીરની ભૂમિકા અને પાકિસ્તાની પરમાણુ શત્ર પ્રકાશમાં આવ્યાં. અગાઉ પાકિસ્તાને ઈરાનના બચાવમાં અણુબૉમ્બ વાપરવાની શેખી કરી હતી અને ભારત સાથેના સંઘર્ષમાં યુદ્ધવિરામ કરાવ્યાના દાવા સાથે ટ્રમ્પે પણ કહ્યું કે બે અણુસત્તાઓ વચ્ચેનું યુદ્ધ મેં અટકાવ્યું છે! ઈરાનના યુદ્ધમાં ફરીથી પાકિસ્તાનનાં અણુશત્રોનો વિષય ચર્ચામાં આવ્યો છે પણ અમેરિકાને પાકિસ્તાની બૉમ્બની ચિંતા નથી! અમેરિકા માને છે કે પાકિસ્તાનની `ચાવી' અમારા હાથમાં છે! કોણ કોના ભરોસે છે? ટ્રમ્પ અને મુનીર બંને સરખા છે! આમાં ભારત કોનો ભરોસો કરે? ટ્રમ્પ કહે છે - આઈ લવ પાકિસ્તાન...! ઈરાન-ઇઝરાયલ ઉપર હવે હુમલો કરે તો અમેરિકા જવાબ - સજા આપશે એવી ચેતવણી ટ્રમ્પે આપી છે પણ પાકિસ્તાનને આતંકી હુમલા બંધ કરવાની ચેતવણી આપી છે ખરી? ભારતે `ન્યૂનોર્મલ'ની ચેતવણી - જરૂર પડે તો સરહદની પેલેપાર આતંકી હુમલાખોરોને ખતમ કરવાની ચેતવણી આપી છે. હવે અમેરિકા ઈરાનને ચેતવણી આપે છે.

ભારતે સંવાદ - ડિપ્લોમસીથી વિવાદનું સમાધાન કરવા જણાવ્યું હતું. હવે ઈરાન - ઇઝરાયલ વચ્ચે સંવાદ અમેરિકા શરૂ કરનાર છે. વિરામની જાહેરાત થઈ ગયા પછી શરતો નક્કી થશે. બંને દેશોએ મધ્યસ્થી સ્વીકારી છે ત્યારે મોકો જોઈને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ભારત સાથે સંવાદની તૈયારી બતાવી છે. જમ્મુ-કાશ્મીર, સિંધુનાં જળ અને આતંકવાદ સહિત તમામ પ્રશ્નોની ચર્ચા કરવી છે પણ ભારત દૃઢ છે કે પાકિસ્તાની અંકુશ હેઠળનો કાશ્મીરી પ્રદેશ પાછો આપે તે પછી સંવાદ શક્ય છે. પાકિસ્તાનની ગણતરી ટ્રમ્પની મધ્યસ્થી માટે છે અને અંગે ભારત સજાગ છે તેથી મધ્યસ્થી - યુદ્ધવિરામ માટે પણ નહીં - એમ સાફ જણાવી દીધું છે.

બદલાતી સ્થિતિ અને સંજોગોમાં ભારતે યુરોપના દેશો તથા ઈરાન સાથે વધુ નીકટના - સંબંધ વિકસાવે છે. પ્રાદેશિક ડિપ્લોમસીમાં પાકિસ્તાન સામે ઈરાન `કાઉન્ટર વેઇટ' છે. ઈરાનના ચાબહાર પોર્ટના વિકાસમાં ભારતની ભૂમિકા છે. યુનાઈટેડ નેશન્સમાં કાશ્મીર પ્રશ્ને ભારતને સમર્થન આપ્યું છે. 1994માં યુનાઈટેડ નેશન્સમાં પાકિસ્તાનનો ઠરાવ હતો - ભારત ઉપર નિયંત્રણો અને નાકાબંધી માટે તત્કાલીન વડા પ્રધાન પી. વી. નરસિંહરાવે તાત્કાલિક સંદેશ ઈરાનના વડા પ્રધાન ઉપર મોકલ્યો અને પાકિસ્તાનની બાજી ઊંધી વળી. ઈરાને ભારતને ટેકો આપ્યો...

પૂર્વ વિદેશપ્રધાન દિનેશસિંહ નરસિંહરાવના સંદેશવાહક બન્યા હતા - એમને હૉસ્પિટલમાંથી ઍરફોર્સના વિમાનમાં સીધા તેહરાન વિમાનમથકે ઉતાર્યા અને વ્હીલચેરમાં આવેલા દિનેશસિંહને મળવા અને વડા પ્રધાન નરસિંહરાવનો પત્ર સ્વીકારવા ઈરાની વિદેશપ્રધાન જાતે વિમાનમથકે આવ્યા હતા. કામ પતાવીને દિનેશસિંહ રાત્રે નવી દિલ્હી પાછા ફર્યા હતા.

અમેરિકાએ ઈરાનનાં ત્રણ અણુમથકોએ હુમલો કર્યા પછી ગણતરીના કલાકોમાં ઈરાનના પ્રમુખ મસૂદ પેઝીશ્કીઆને વડા પ્રધાન મોદીને ફોન કરીને જણાવ્યું. મોદીએ ચિંતા વ્યક્ત કરી. આંતરરાષ્ટ્રીય સંસ્થા સમક્ષ પણ અમેરિકી હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઈરાનને પણ અપીલ કરી કે સંયમ અને સંવાદનો માર્ગ શ્રેષ્ઠ છે.

ઈરાનમાં ભારતીય વસાહતીઓ અને વિદ્યાર્થીઓને સહીસલામત પાછા સ્વદેશ લાવવા માટે સિંધુ અૉપરેશનની વ્યવસ્થા અને આકાશી માર્ગ મોકળો કરી આપવામાં આવ્યો. હવે ઈરાન સાથે વ્યાપાર વધારવા માટે ચર્ચા-વિચારણા થશે. ઈરાનનો આગ્રહ છે કે ક્રૂડ અૉઇલના વ્યાપાર રાષ્ટ્રીય કરન્સીમાં થાય. વિશે સમજૂતી થવાની આશા છે. ઈરાન અને ઇઝરાયલ બન્ને સાથે ભારતે સમતોલ દોસ્તી રાખી છે - અને રશિયા સાથે સંરક્ષણ સંબંધ હોવાથી ચીન પણ સંબંધ સુધારે તેવી શક્યતા છે

મુનીર ઘવાયા છે. એમના દેશ અને વિદેશમાં અપમાનિત-બદનામ થયા છે તેથી બદલો લેવા પ્રયાસ કરશે અને તેમાં ચીનની મદદ મળશે. આપણે ડાયલોગ-ડિપ્લોમસી શરૂ કરી છે