મહારાષ્ટ્રના એક ગામમાં એક વિધવા માતાએ તેની દીકરીના શિક્ષણ માટે ત્રણ કિ.મી.ની રેસમાં ભાગ લીધો અને પ્રથમ આવીને પાંચ હજાર રૂપિયાનું ઇનામ મેળવ્યું... બીડ જિલ્લામાં જ્ઞાનદીપ અકાદમીમાં રોજ 200 ચપાતી-રોટી વણીને માસિક નવ હજાર રૂપિયા કમાતી - રમાબાઈની નાની પુત્રી આરતી (20 વર્ષ) જે નાંદેડમાં કમ્પ્યુટર સાયન્સમાં બીએસસીનો અભ્યાસ કરે છે - તેણે માતાને કહ્યું ભોજન અને ભાડાંના પૈસા ભરવાના છે. રમાબાઈ પાસે બચત ક્યાંથી હોય? ચિંતામાં રાત વીતાવી. સવારે જોયું તો અકાદમીના તાલીમાર્થીઓ દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા - જીતે - પ્રથમ આવે તો રૂા. ત્રણ હજારનું ઇનામ મળશે - અને રમાબાઈનું માતૃત્વ પડકાર ઝીલવા ઝગમગી ઊઠયું. દોડવાની - જીતવાની ધૂન લાગી અને સ્પર્ધામાં ભાગ લીધો - શરીર ઉપર સાડી વીંટાળી - કાછો વાળીને દોડી. અડધા રસ્તે રબ્બરની સ્લીપર તૂટી તે હાથમાં લઈને દોડતી રહી... ત્રણ કિલોમીટરની ફાઇનલ લાઇન વટાવી ત્યાં સુધી પાછું વળીને જોયું નહીં - જાણે શ્વાસ લેવા પણ રોકાઈ નહીં!
આયોજકોએ રમાબાઈને બિરદાવી અને ત્રણને
બદલે પાંચ હજાર રૂપિયા આપ્યા: દીકરીઓ માટે પુસ્તકો અને નોટબુકો ખરીદી...
પુત્રીઓના શિક્ષણ માટે એક માતાનું શ્રમદાન...
... હવે મધ્યપ્રદેશનો એક અહેવાલ જુઓ:
કેન્દ્ર સરકારે જાહેર કરેલા એક તપાસ અહેવાલ મુજબ મધ્યપ્રદેશમાં કુલ 4791 શાળાઓમાંથી
2426 બંધ થઈ ગઈ છે - અથવા તો અન્ય શાળાઓ સાથે જોડાઈ ગઈ છે.
દેશભરની શાળાઓની પચાસ ટકા આ એક જ રાજ્યમાં
છે. આટલી શાળાઓ બંધ થઈ હોવા છતાં રાજ્ય સરકારના બજેટમાં છેલ્લાં બે વર્ષમાં રૂા. નવ
હજાર કરોડનો વધારો થયો છે! શિક્ષણ બજેટ માટે 36,730 કરોડ ફાળવાયા છે!
ઉચ્ચ શિક્ષણની પરીક્ષાનાં પેપર ફૂટે
છે. હજ્જારો - લાખ્ખો રૂપિયામાં વેચાય - ખરીદાય છે. આ ભ્રષ્ટાચાર સામે જેન-ઝી યુવાવર્ગ
જંગે ચડયો ત્યારે સરકાર ચોંકી ગઈ અને તપાસ તથા સુધારા કરવાની જાહેરાત થઈ. વિદ્યાર્થીઓની
ફરિયાદ સાચી હતી પણ દેખાવકારોમાં નકલી લોકો અને રાજકારણ ભળ્યું તેથી હિંસાચાર થયો અને
પોલીસને બળ વાપરવાની ફરજ પડી. જો દિલ્હીના જંતર-મંતરની અગ્નિરેખાથી સંસદ ભવન સુધી ધસારો
થયો હોત નહીં તો હિંસાખોરી કદાચ થઈ નહીં હોત. ગમે તેમ પણ સરકારે - વડા પ્રધાન મોદીએ
ઘણાં આર્થિક - સામાજિક સુધારા કર્યા હોવા છતાં યુવાવર્ગ અને શિક્ષણ ક્ષેત્ર ભુલાઈ ગયું
હતું!
પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ઉપર વધુ
ધ્યાન આપવાની જરૂર છે કારણ કે વિકસિત ભારતનું ભાવિ અહીં ઘડાય છે. ખાનગી ક્ષેત્રની મોટી
કંપનીઓ અને બિનસરકારી સેવાભાવી સંસ્થાઓ આ ક્ષેત્રમાં મોટું યોગદાન આપે છે. તાજેતરમાં
રાજકોટમાં `નીઓ ફાઉન્ડેશન' નામની સંસ્થાના સંચાલકોને મળવાની તક મળી. એમનો અનુભવ પ્રોત્સાહક
અને પ્રેરણાદાયક છે. તેઓ કહે છે સંસ્થા દ્વારા મહાનગરપાલિકા સંચાલિત શાળાઓનાં બાળકોને
કમ્પ્યુટર - આઇ.ટી.નું અને હવે એ.આઇ.નું પ્રશિક્ષણ આપીએ છે. રાજ્ય સરકાર તરફથી સરકારી
શાળાઓને કમ્પ્યુટરો તો મળે છે, પરંતુ શિક્ષકોનો અભાવ છે તેથી અમે શિક્ષકોની શૃંખલા
તૈયાર કરીને યોગ્ય વળતર આપીએ છીએ. સરકારી શાળાઓના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે. રિસેસમાં
ભાગવાને બદલે શીખવા બેસી જાય છે. શીખવાની ધગશ તો છે પણ શીખવનાર ઓછા પડે છે.
આ સંદર્ભમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા
વિદ્યાવૃક્ષ નામે એક નવતર પ્રયોગ- પ્રકલ્પ હાથ ધરાઈ રહ્યો છે જેના કેન્દ્રમાં જ અંતરિયાળ
વિસ્તારમાં રહેલી શિક્ષણની સ્થિતિ છે. જે કંઈ ખૂટી રહ્યું છે તેની પૂર્તતા કરવાનો ત્યાં
મનોરથ છે. રામકથાના માધ્યમથી લોકશિક્ષણનું કાર્ય કરી રહેલા શ્રી મોરારિબાપુની કથાનું
આયોજન જન્મભૂમિ જૂથના રાજકોટથી પ્રકાશિત અખબાર ફૂલછાબ દ્વારા જાન્યુઆરી 2027ની 9થી
17 તારીખ દરમિયાન થઈ રહ્યું છે, આ કથા વિદ્યાવૃક્ષ પ્રકલ્પનું આરંભાબિંદુ બનશે.
સંસ્કાર, સંસ્કૃતિ અને સમૃદ્ધિનું કલ્પવૃક્ષ
એવું આ વિદ્યાવૃક્ષ શિક્ષણનો અક્ષયયજ્ઞ બની રહેશે. શૈક્ષણિક આયોજન, તેનો અમલ અને પાયાની
માળખાકીય સુવિધા વચ્ચે જોવા મળતું અંતર ઘટે, ત્રણેય વચ્ચે એક સેતુ રચાય તે આ પ્રકલ્પનો
હેતુ રહેશે. શિક્ષણ પ્રક્રિયાને શાશ્વતરૂપે જીવંત બનાવવાનું ક્રાંતિકારું પગલું સૌરાષ્ટ્ર
ટ્રસ્ટ ભરી રહ્યું છે. સૌરાષ્ટ્ર-રાજકોટના અગ્રણી ઉદ્યોગગૃહો, શિક્ષણ સંસ્થાઓ, શિક્ષણ
સહિતનાં વિવિધ ક્ષેત્રે કામ કરી રહેલા લોકો સૌરાષ્ટ્ર ટ્રસ્ટના વિદ્યાવૃક્ષના આ વિચારને
પોષવા માટે ઉમળકો બતાવી રહ્યા છે...
મૂળ સમસ્યા શિક્ષણ સાથે શાળાઓ અદ્યતન
- આકર્ષક બનાવવાની જરૂર છે. તાજેતરમાં રાજસ્થાનની એક `શાળા' ભેંસના તબેલાઓમાં ચાલે
છે એવી માહિતી મળતાં કોક્રોચ પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચ્યા તો એમના ઉપર પથ્થરમારો
થયો - પણ આખરે રાજસ્થાન સરકારે રાજ્યની તમામ શાળાઓના જીર્ણોદ્ધાર માટે બાર હજાર કરોડ
રૂપિયા ફાળવ્યા છે - હવે તેમાં ભ્રષ્ટાચાર થાય નહીં તો સારું!
કોક્રોચ પાર્ટી જો આ દિશામાં સંયમથી
કામ કરે તો શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ આવી શકશે. જંતર-મંતરમાં પોલીસ દમનની ફરિયાદ તપાસવા
સુપ્રીમ કોર્ટે પહેલ કરી છે. વિદ્યાર્થીઓ સામે દાખલ થયેલી ફરિયાદો પાછી ખેંચવાની -
રદ કરવાની માગણી હતી. કોક્રોચ પાર્ટીની માગણી હતી અને કેન્દ્ર સરકારનું સૂચન પણ હતું
જેનો સ્વીકાર થયો છે અને `ગુનાખોરો' સિવાયના વિદ્યાર્થીઓ હવે મુક્ત છે! અભિજિત દીપકેએ
સરકાર અને સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારીને એકસો એક ટકા સંતોષ વ્યક્ત કર્યો છે.
--0--0--0--
શિક્ષણ ક્ષેત્રના સુધારા માટે કેન્દ્ર
- મોદી સરકાર મોડેથી જાગી છે તેવી જ રીતે ખાંડ-તેલ અને કાંદાના ભાવવધારાનું છે. ચૂંટણી
નજીક હોય ત્યારે આ ભાવવધારા શરૂ થાય તેનો ઇતિહાસ છે, નવાઈ નથી. મોરારજીભાઈ વિપક્ષી
નેતા હતા ત્યારે ચૂંટણી સભામાં મજાક-કટાક્ષ પણ કરતા હતા: એક વયોવૃદ્ધ મહિલા ઇન્દિરાજી
પાસે ગયાં અને વિનંતી કરી કે મારી કેડ - કમ્મર ઉપર જરા હાથ ફેરવો ને! તમે હાથ લગાડો
ત્યાં જે હોય તે ગાયબ થઈ જાય છે તો કાંદાની જેમ મારો દુખાવો પણ મટી જશે!
2014માં નવી સરકાર આવી ત્યારે દેશભરમાં
તુવર - અરહર દાળની અછત હતી અને ભાવવધારો થયો હતો. આ પછી વડા પ્રધાને જાડાંધાન્યો -
મિલેટસ માટે અભિયાન શરૂ કર્યું. હવે ફાઇવસ્ટાર હૉટેલોમાં પણ મિલેટસની માગ - બોલબાલા
છે! કાંદાની ફસલને વધુ વરસાદથી નુકસાન થયું છે પણ માલની હેરફેર (હેરાફેરી નહીં) કરવા
માટે `એક્સ્પ્રેસ' શરૂ થઈ છે. ખાંડના ભાવ વધ્યા પણ અંકુશમાં આવી રહ્યા છે. સ્ટૉકમર્યાદા
જાહેર થઈ હોવાથી દરોડાનો ડર છે. સંગ્રહખોરી - નફાખોરીની શક્યતા ઓછી છે પણ હવે લાઇસન્સ
- ક્વૉટા રાજ ફરીથી શરૂ થવાની આશંકા છે. વિશ્વમાં આપણે મુક્ત વ્યાપારના કરાર કરીએ છીએ
અને દેશમાં મુક્ત વ્યાપાર ઉપર નિયંત્રણો નાખવા પડે છે.
મહારાષ્ટ્રમાં તો ખાદ્યતેલના છૂટક વેચાણ
ઉપર બંધી ફરમાવાઈ અને પછી વ્યાપારીઓને રાહત આપવા માટે એક વર્ષ સુધી અમલ મોકૂફી જાહેર
થઈ! આ એક બેવકૂફી છે. દેશભરમાં ગરીબ વર્ગ છૂટક તેલ જ ખરીદી શકે. મોટા ડબ્બા કે રિફાઇન્ડ
તેલના ટીન નહીં. આ વ્યવહારુ સ્થિતિ શાસકો જાણતા નથી. બંધી મોકૂફ રાખવાથી ગરીબોને રાહત
મળી છે.
જનતા આજે મોંઘવારીમાં પિસાઈ રહી છે.
મધ્યપૂર્વમાં લડાઈ શરૂ થઈ તેની અસર આપણા અર્થતંત્ર ઉપર પડે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ
ગમે ત્યારે વધી શકે છે. શરૂઆત દૂધના ભાવથી થઈ છે. મહાનગરમાં એક લિટરનો ભાવ 109 રૂપિયા
હોય ત્યારે તેની અસર ચાના એક કપથી લઈને મીઠાઈ સુધી પડે તે આપણે જાણીએ છીએ. પનીરમાં
અસલી - નકલી છે તેની કબૂલાત પછી પણ નકલી પનીર ઉપર પ્રતિબંધ કેમ નથી? વનસ્પતિ તેલની
જેમ નકલી પનીરથી લોકો ટેવાઈ ગયા છે? ભેળસેળમાં પણ ભેદભાવ છે? ઘી-તેલ અને કાંદા-બટાટાના
ભાવ વધે ત્યારે બૂમાબૂમ કરીને પછી લોકો શાંત થઈ જાય છે. સરકારી કર્મચારીઓ અને શાસકોને
મોંઘવારી નડતી નથી. ભાવાંક સાથે ભથ્થાં વધે છે પણ સામાન્ય નાગરિકો - આમઆદમીની હાલત
કેવી છે? કામદાર મંડળો ફરીથી સક્રિય બની રહ્યાં છે. લાલ ઝંડા ઉપરથી ધૂળ ખંખેરાઈ રહી
છે ત્યારે સરકારે જાગવું જોઈએ: બેકારી અને મોંઘવારીના મુદ્દા સામે અન્ય મુદ્દા ટકી
શકતા નથી!
કોક્રોચ પાર્ટીએ ભયસૂચક ઘંટડી વગાડી
છે. અત્યારે કામચલાઉ `બ્રેક' છે પણ ક્યાં સુધી? સામાન્ય રીતે મોદી સરકાર જાગૃત અને
સક્રિય હોય છે. તાત્કાલિક ડેમેજ કન્ટ્રોલ થાય છે, પણ વિપક્ષી નેતાઓ હજુ ભૂતકાળમાં જીવે
છે: મનુસ્મૃતિ અને મહિલાઓ અંગેની ટીકા-ટિપ્પણીનો જવાબ અપાઈ ગયો છે. રાષ્ટ્રપતિ ભવનથી
અયોધ્યા રામમંદિરના ટ્રસ્ટ બોર્ડ સુધી... હવે વિપક્ષોએ બેકારી - મોંઘવારી ઉપર નિશાન
તાક્યું છે ત્યારે સરકારે સમયસર જાગીને પ્રભાત - સૂર્યોદય બતાવવો પડશે.
સંસ્કાર, સંસ્કૃતિ અને સમૃદ્ધિનું કલ્પવૃક્ષ
એવું આ વિદ્યાવૃક્ષ શિક્ષણનો અક્ષયયજ્ઞ બની રહેશે. શૈક્ષણિક આયોજન, તેનો અમલ અને પાયાની
માળખાકીય સુવિધા વચ્ચે જોવા મળતું અંતર ઘટે, ત્રણેય વચ્ચે એક સેતુ રચાય તે આ પ્રકલ્પનો
હેતુ રહેશે. શિક્ષણ પ્રક્રિયાને શાશ્વતરૂપે જીવંત બનાવવાનું ક્રાંતિકારું પગલું સૌરાષ્ટ્ર
ટ્રસ્ટ ભરી રહ્યું છે