• સોમવાર, 03 ઑગસ્ટ, 2026

આંદોલન બંધ, રાજકારણ ચાલુ

વડા પ્રધાન મોદીએ બેટીઓ, મહિલાઓ, કિસાનોના ઉત્કર્ષ માટે પગલાં લીધાં છે, ભ્રષ્ટાચાર ડામવા `ડાયરેક્ટ બેનિફિટ' યોજના શરૂ કરી છે. ગરીબ - મધ્યમ વર્ગ માટે રહેઠાણ - આવાસ યોજના છે પણ વિકાસ યાત્રામાં વિદ્યાર્થીઓને `પેપર લીક-મુક્ત' બનાવવા અને ભ્રષ્ટાચાર ખતમ કરવાની દિશામાં પગલાં ભુલાઈ ગયાં! ઉચ્ચ અભ્યાસ કરવા માટે મહેનત, જહેમત કરતા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને પરિવારો પરેશાન, નિરાશ થાય છે તે પ્રતિ ધ્યાન ગયું નહીં. શિક્ષિત બેકારોની સંખ્યા વધતી ગઈ છે: અલબત્ત, ઔદ્યોગિકીકરણના પ્રયાસમાં રાજકીય અવરોધ હોવાથી બેકારીની સમસ્યાનું નિરાકરણ આસાન નથી.

શિક્ષણ અને સ્વાસ્થ્ય બંને ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર હોય ત્યારે સમાજનો વિકાસ રુંધાય અને પતન થાય છે. હવે પેપર લીકનો ભ્રષ્ટાચાર ખતમ કરવાની શરૂઆત થઈ છે પણ શિક્ષણની સુવિધાઓ વધારવાની જરૂર છે. કોચિંગ ક્લાસથી સુધારાની શરૂઆત થાય.

આજનાં બાળકો - વિદ્યાર્થીઓ ભવિષ્યના નાગરિકો છે, ભારતનું ભવિષ્ય એમના હાથમાં મૂકવા માટે શિક્ષણ ક્ષેત્ર સુધારવાની જરૂર છે - રાજકીય મેદાન આપવાથી નહીં.

પેપર લીક વિરોધી આંદોલન પછી કેન્દ્ર સરકારે ભવિષ્યમાં પેપર ફૂટે નહીં તે માટે કાયદામાં સખત સજાનો પ્રબંધ કર્યો છે. તેથી સમાધાન થયું છે, આંદોલન બંધ થયું છે પણ રાજકારણ શરૂ થયું છે તે આગામી ચૂંટણી સુધી ચાલશે! સંસદમાં અને બહાર રાહુલ ગાંધી `કેન્દ્ર'માં રહ્યા છે, આક્રમક રહ્યા છે અને કેન્દ્ર સરકાર સંરક્ષણ ભૂમિકામાં રહી છે. રાહુલ ગાંધીનો `હાથ' આંદોલનના રાજકારણમાં `ઉપર' રહ્યો છે! લીક વિરોધી ખરડો સંસદમાં પસાર થયો તે સરકારની `િસદ્ધિ' ગણી શકાય પણ સંસદની ચર્ચા દરમિયાન પોલીસ - દમનનો મુદ્દો મહત્ત્વનો બનાવીને રાહુલ ગાંધીએ વિદ્યાર્થી નેતાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ આગેવાની લઈ રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવ્યા પછી અમિતભાઈ શાહ અને આખરે વડા પ્રધાનના રાજીનામાની માગણી સંસદ બહાર અને સંસદમાં ઉઠાવાઈ છે. અભિજિત દીપકે ફરીથી આંદોલન શરૂ કરવાની `ધમકી' આપે છે. તેઓ રાજકારણ ચગાવવા માટે કહે છે કે ભાજપમાં જોડાવાનો ઇનકાર કર્યો એટલે ધમકી મળી! કોક્રોચ પાર્ટીના નામે ઉમેદવાર ઊભા રાખી શકાય નહીં તો અન્ય વિરોધ પક્ષોના ઉમેદવારોને `સર્ટિફિકેટ' - સમર્થન અપાશે. વિપક્ષોમાં તો આંદોલનને સમર્થન આપવા અને ચૂંટણીમાં સમર્થન મેળવવાની હરીફાઈ છે!

`પેપર  લીક' વિરોધી આંદોલનમાં કોઈ રાજકીય નેતાગીરી નથી અને નહીં હોય એવી સ્પષ્ટતા થઈ છે. છતાં - હવે નેતા કોણ અને રાજકીય લાભ કોને મળશે - તેની ચર્ચા શરૂ થઈ છે. હકીકતમાં સ્પર્ધા શરૂ થઈ છે! અભિજિત દીપકેના શબ્દો છે, ``સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે જો `કોક્રોચ' શબ્દ આપ્યો હોત નહીં તો કોક્રોચ જનતા પાર્ટીનો જન્મ થયો હોત નહીં... શબ્દ સાંભળ્યા પછી સીજેપીની સ્થાપના કરીને હું અમેરિકાથી ભારત આવ્યો. આંદોલન સફળ થયું અને કેન્દ્રીય પ્રધાને રાજીનામું આપ્યું...''

અભિજિતની વાત સાચી છે પણ ન્યાયમૂર્તિએ અલગ સંદર્ભમાં - `ફૂટી નીકળતી' અરજીઓ અંગે વિશેષણ વાપર્યું અને આંદોલન માટે શબ્દ એક શત્ર બની શકે છે તે આપણે જોયું. અલબત્ત, શબ્દ વિશેષણ બન્યો પણ આંદોલન કરનારા વિદ્યાર્થીઓ `કોક્રોચ - વંદા નથી!' હકીકતમાં વિદ્યાર્થી આંદોલને રાજકારણને ધમરોળી નાખ્યું છે. સમાજને ઢંઢોળી નાખ્યો છે. પ્રણાલિકાગત મીડિયા સામે ઇન્સ્ટાગ્રામ અને `આઇટી'નો પડકાર થયો છે. અખબારો અને ટીવી ચૅનલોની અસર ઓસરી ગઈ છે. સુપ્રીમ કોર્ટ પણ હવે શબ્દો તોળે છે - અર્થનો અનર્થ થાય નહીં. ઇન્દ્રાસનનું નિદ્રાસન થાય નહીં તેની કાળજી રખાય છે. ખુદ મુખ્ય ન્યાયમૂર્તિએ એમના શબ્દપ્રયોગ અંગે ખુલાસો કર્યો. હવે સરકાર સાથે સુપ્રીમ કોર્ટની પણ કસોટી છે. વિદ્યાર્થીઓને કાનૂની - કાર્યવાહીમાંથી મુક્તિ મળે તો કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવતા પોલીસકર્મીને `અપરાધી' ગણવા? આથી હવે આવા સંજોગોમાં બળ-શત્ર પ્રયોગ અંગે સમગ્ર દેશમાં એકસમાન નિયમ હોવા જોઈએ વિષયમાં વિચારણા શરૂ થઈ છે. ટીનેજરોને છોડી મૂકવા જણાવાયું છે ત્યારે અભિજિતે ચેતવણી - ધમકી આપી છે કે એક પણ કેસ ચાલુ રહ્યો તો આંદોલન ફરીથી શરૂ થશે!

રાજધાનીમાં - સંસદ માર્ગ ઉપર કોનોટ પ્લેસ નજીક જંતરમંતરથી વિદ્યાર્થીઓનો ધસારો સંસદ ભવન ભણી થઈ રહ્યો હતો ત્યારે પોલીસે નાકાબંધી કરી. પણ કલ્પના કરો કે ધસારો આગળ વધ્યો હોત અને સંસદના દ્વાર ઉપર, ધમાલ હિંસાચાર થયો હોય તો? સંસદ, સરકાર, લોકતંત્ર - તમામ ઘાયલ થયા હોત. સંજોગો અને શક્યતાનો પણ વિચાર કરવો જોઈએ. પોલીસ નિક્રિય રહી શકે?

પછી રાજકારણ શરૂ થયું. જંતરમંતર ઉપર રાહુલ ગાંધી હાજર હતા કારણ કે એવી છાપ હતી કે આમાં અરવિંદ કેજરીવાલનો હાથ છે અને અભિજિત બીજા `કેજરીવાલ' બની જાય તો કૉંગ્રેસ - અને ભાજપને પણ ભારે પડે! આથી બીજા દિવસે મલ્લિકાર્જુન ખડગેનો જન્મદિવસ હતો ત્યાં નેતાઓ ભેગા મળ્યા અને રાહુલ ગાંધીની પાછળ પાછળ સૌ વડા પ્રધાનના નિવાસસ્થાને જાય એવો સંદેશો મળતાં આંદોલનકારો તે દિશામાં જવા લાગ્યા. અલબત્ત, બધા વિદ્યાર્થીઓ હતા કે પછી રાજકીય કાર્યકરો પણ હતા? ગમે તેમ પણ રાહુલ ગાંધી સફળ થયા - વિદ્યાર્થીઓ માટે ધરણા કરવા બેઠા એવી છાપ પડી. શરદ પવાર અને અખિલેશ યાદવ પણ એમને મળવા, મનાવવા ગયા! પોલીસે અટકાયત કરી પણ મોડી રાતે છોડી મૂક્યા.

ભૂતકાળમાં જનતા સરકાર વખતે મોરારજીભાઈની નામંજૂરી છતાં ચૌધરી ચરણસિંહે ઇન્દિરા ગાંધીની ધરપકડ કરીને પોલીસ થાણે લઈ જવાના આદેશ આપ્યા. ઇન્દિરાજીની પાછળ અને સાથે જાણે આખું દિલ્હી ઉમટયું હતું. કૉંગ્રેસની `વાપસી' ત્યારે શરૂ થઈ હતી! રાહુલ ગાંધીના કેસમાં આવી `ભૂલ' થઈ નથી. તે છતાં વિપક્ષી નેતા તરીકે રાહુલ ગાંધીએ અન્ય વિરોધી નેતાઓને પાછળ પાડી દીધા છે! અત્યાર સુધીની એમની તમામ નિષ્ફળતા ભુલાવી દેવાનો પ્રયાસ છે. ઘટનાથી કેજરીવાલ પણ દૂર-અળગા રહ્યા.

રાજકીય શતરંજમાં કેન્દ્ર સરકારે સોનમ વાંગચૂકને મનાવી લીધા. 26 દિવસના અનશન પછી પારણાં કર્યાં - પ્રધાન ધર્મેન્દ્રના રાજીનામાની માગણી કરી નહીં તેથી જંતરમંતરમાં `નેતાઓ' નિરાશ - નારાજ થયા. સોનમ સાથે સમજૂતી પછી સરકાર વધુ સક્રિય બની પણ વિરોધી નેતાઓ ધર્મેન્દ્રના રાજીનામા માટે આક્રમક બન્યા તેથી અભિજિત અને એમના સાથીઓએ જોડાવું પડે. પછી કેન્દ્ર સરકાર પ્રવક્તાઓને મળવા - કહે ત્યારે અને ત્યાં મળવા તૈયારી બતાવી.

આખરે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું તેની જાણ અને જાહેરાત વિદ્યાર્થી નેતાઓએ કરી - કોઈ રાજકીય નેતાઓને સમજૂતી - સમાધાનમાં સ્થાન હતું! સમાધાન પહેલાં વડા પ્રધાન મોદીએ વિશેષ અદાલત અને કાયદાની જાહેરાત કરી હતી. તેથી લોકસભાની બેઠકમાં પ્રસ્તાવ - ખરડો રજૂ થનાર હતો. અત્યાર સુધી સરકારનો વિરોધ કરવા માટે સંસદ બહાર સૂત્રો પોકારતા વિપક્ષોએ બીજા દિવસે ગૃહમાં આવવું પડે એવી સ્થિતિ હતી. આવે નહીં અને સરકારી ખરડાને ટેકો આપે નહીં તો વિદ્યાર્થીઓના અહિતનો આક્ષેપ થાય અને છેલ્લા બે-ત્રણ દિવસના પ્લાન - વ્યૂહ ઉપર પાણી ફરી વળે. આમ સરકારે હાથ ઉપર રાખ્યો અને ઠરાવ ઉપર ચર્ચા શરૂ થઈ પણ ચર્ચા દરમિયાન ખરડાની જોગવાઈ ઉપર ધ્યાન આપવાને બદલે પોલીસના દમન - અત્યાચાર ઉપર ભાષણો થયાં. વિદ્યાર્થીઓ આતંકવાદી છે? એવા પ્રશ્ન ઉઠાવીને પ્રિયંકાએ સહાનુભૂતિ દર્શાવી!

સરકાર પણ સમયવર્તે સાવધાન હતી. જો આંદોલન લંબાય, હિંસાચાર વધે - ઉશ્કેરાટમાં કોઈ વિદ્યાર્થી આત્મદહન કરે તો વાત વણસી જાય. મહત્ત્વના આઠ ખરડા, મહિલા આરક્ષણ, એક રાષ્ટ્ર એક ચૂંટણી પણ ખોરંભે પડે. ભાજપ સાથે એનડીએમાં જોડાયેલા - જોડાવા માગતા સભ્યો ડગી જાય એવી શક્યતાનો વિચાર હોવો જોઈએ. આથી `સર સલામત તો પઘડિયાં બહુત?'

વિપક્ષી નેતાઓએ લોકસભાની ચર્ચામાં વડા પ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ ઉપર ટીકા-પ્રહાર અને આક્ષેપ કર્યા. પ્રધાનમંત્રીને બચાવવા માટે પ્રધાન પડતા મુકાયા - એમ કહેવાયું. જંતરમંતર ઉપર પણ મોદી ઉપર અસભ્ય ભાષા અને આક્ષેપો થયા. સંસદ અને ભારતીય સેનાની ઠેકડી ઉડાવવામાં આવી. આંદોલનમાં વિદ્યાર્થીઓની બહુમતી હતી પણ અસામાજિક અને દેશવિરોધી તત્ત્વો સામેલ થઈ ગયા હતા એમ આંદોલન પ્રવક્તાએ પણ કબૂલ્યું છે!