• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

ડેમેજ કન્ટ્રોલ થશે?

દ્યાર્થી આંદોલન પછી દેશભરમાં અશાંતિ ફેલાય નહીં તેની ચિંતા અનુભવી નેતાઓ અને રાજકીય નિરીક્ષકોને છે. રાષ્ટ્રીય સેવકસંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સમયસર `ડેમેજ કન્ટ્રોલ' કરવાનો પ્રયાસ કર્યો છે. એમણે યુવાવર્ગને સમર્થન આપ્યું છે. આંદોલન થાય તો સંવાદથી સમજૂતી થઈ શકે એમ જણાવ્યું છે. ભારતની યુવાપેઢીનો દેશપ્રેમ ઘણો છે, સાચો અને પ્રામાણિક છે - એમ પણ કહ્યું છે. વિદ્યાર્થીઓ પ્રતિ સહાનુભૂતિ દાખવી છે તે રાજકીય લાભ લેવા માટે નહીં, પણ રાજકીય ગેરલાભ લેવા માગતા નેતાઓ આરએસએસ વિરોધી કુપ્રચાર કરે છે તે પ્રતિ સજાગ રહેવા માટે છે. એમણે વિદ્યાર્થીઓ અને સમાજમાં જે અસંતોષ અને રોષ છે તેને સમજવાનો અને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રક્રિયામાં કેન્દ્ર સરકારની આડકતરી ટીકા પણ કરી છે. અલબત્ત્ - એમણે યુવાવર્ગને સમજાવવાનો પ્રયાસ જરા, વહેલો કર્યો હોત તો? તો આંદોલનને વધુ ગંભીર વ્યાપક - બનતું અટકાવી શકાત? 

યુવા વર્ગ દેશવિરોધી - દ્રોહી નથી અને એમની માગણી યોગ્ય છે એવું સર્ટિફિકેટ મળ્યું હોવાથી અભિજિત દીપકેએ મોહન ભાગવતનાં નિવેદનને આવકાર્યું છે, પણ તેનાથી `ડેમેજ કંટ્રોલ' થશે? ભાજપ સામેનો વિરોધ યથાવત્ છે અને રાજકીય પડકારનો સામનો ભાજપ કરે છે!

વડા પ્રધાને શિક્ષણ ક્ષેત્રના સુધારાની ખાતરી - ગૅરન્ટી આપી છે, સુપ્રીમ કોર્ટે પણ આંદોલન વખતે શક્તિ પ્રયોગમાં સંયમ જાળવવા પોલીસને કહ્યું છે. એટલું જ નહીં, આ બાબતમાં નીતિ-નિયમ ઘડાય તેવી આશા જાગી છે, પણ રાજકીય નેતાઓ પરિસ્થિતિનો રાજકીય લાભ ઉઠાવવા માગે છે. સંસદમાં ગતિરોધ છે. ગૃહપ્રધાન અમિત શાહ નિવેદન કરે - અર્થાત્ `માફી' માગે એવા હઠાગ્રહ પાછળ રાજકારણ છે! બીજી બાજુ કોક્રોચ પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે હવે દેશવ્યાપી આંદોલન - માત્ર વિદ્યાર્થીઓ નહીં, નાગરિકો પણ જોડાય એવું - શરૂ કરવા માગે છે. બેકારી મુખ્ય મુદ્દો છે. વડા પ્રધાને ઘણાં વખત - વર્ષોથી કૌશલ્ય તાલીમની હિમાયત કરી છે તે બેકારી - નિવારણ માટે યોગ્ય ઉપાય છે પણ હજુ તેનો અસરકારક અમલ અને સ્વીકૃતિ નથી.

અૉગસ્ટ મહિનો ભારતમાં આંદોલનનો મહિનો ગણાય છે તેથી સરકાર સાવધાન છે. મહત્ત્વનાં રાજ્યોમાં આવતા વર્ષે ચૂંટણી છે તેથી વિપક્ષો વિવાદના મુદ્દા - અયોધ્યાથી જંતરમંતર સુધીના - જીવંત રાખવા માગે છે. ભારતની બિન-સરકારી સંસ્થાઓને વિદેશથી મળતા અઢળક નાણાંનો ઉપયોગ ધર્મ પરિવર્તન અને ભારતવિરોધી પ્રવૃત્તિઓ માટે થાય છે તે રોકવાના પ્રયાસ થઈ રહ્યા છે તેનો પણ વિરોધ આપણા સ્વદેશી પક્ષો કરી રહ્યા છે!

જોકે, વિરોધ પક્ષોના નિશાના ઉપર અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી છે - અને તેથી વધુ આરએસએસ છે! મોહન ભાગવતનાં વક્તવ્યમાં એમણે સરકારની ટીકા કરીને `અંતર' બતાવ્યું છે.

કોક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે કહે છે કે તેઓ રાજકીય પક્ષ બનાવવા માગતા નથી પણ દેશભરમાં જનઆંદોલન શરૂ કરીને નેતાઓ - શાસકો ઉપર દબાણ લાવવા માગે છે, ``ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાને `જવાબદાર' હોવા જોઈએ.'' આ સાથે એમણે સરકારી એજન્સીઓના ગેરઉપયોગ તથા રાજકીય વિપક્ષોની `તોડ-ફોડ'નો ઉલ્લેખ કરીને એમના રાજકીય આંદોલનનો વ્યૂહ જણાવી દીધો છે. જંતરમંતરથી `સંસદ ચલો'નું સૂત્ર આપીને એમણે સંસદ ઉપર લક્ષ્ય હોવાનો સંદેશ આપ્યો છે. જંતરમંતરનાં ટોળાંમાંથી સંસદ તોડોનો અવાજ પણ ઊઠયો હતો! `શાસકોની જવાબદારી'ના નામે સંસદીય લોકશાહી ખતમ કરીને દેશભરમાં જનઆંદોલનોથી અરાજકતા ઊભી કરવાની `નેમ' છે? નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકાનાં ઉદાહરણ અપાય છે તો શું તેનું અનુકરણ કરવું છે?

જંતરમંતરનું આંદોલન સમેટી લેવાયું. વડા પ્રધાને શિક્ષણ ક્ષેત્રના સુધારાની દિશામાં મહત્ત્વના નિર્ણય જાહેર કર્યા છે અને તેનો અમલ - અસર નજીકના ભવિષ્યમાં જોવા મળશે. જનઆંદોલન અને પોલીસ - બળપ્રયોગ અંગે નિયમો ઘડવા માટે સુપ્રીમ કોર્ટ સક્રિય છે છતાં આંદોલનમાં પોલીસ દમનના નામે રાજકારણ ચાલુ છે, સંસદની કાર્યવાહીમાં અવરોધ છે પરિણામે મહત્ત્વના ખરડા અટકી પડયા છે: આવું ક્યાં સુધી ચાલશે? આવતા વર્ષે ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણી છે. બિહારમાં વિધાનસભાની એક ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની હાર થયા પછી વિપક્ષો જોરમાં છે અને વધુ આક્રમક બન્યા છે. તેની અસર દિલ્હીમાં સ્પષ્ટ દેખાય છે!

વિપક્ષી નેતા રાહુલ ગાંધીના નિશાના ઉપર ગૃહપ્રધાન અમિત શાહ છે. અયોધ્યામાં દેવદ્રવ્યની ચોરી અને જંતરમંતર ખાતે વિદ્યાર્થીઓ ઉપર પોલીસ દમનનો જવાબ માગી રહ્યા છે. ગૃહપ્રધાન લોકસભામાં આવીને નિવેદન કરે પછી ચર્ચામાં વિપક્ષો ભાગ લેશે. ચર્ચાનો જવાબ પણ ગૃહપ્રધાન આપે તે સ્વાભાવિક છે પણ વિપક્ષોની માગણી વધુ પડતી છે. કોણ જવાબ આપે તે સરકાર નક્કી કરી શકે, વિપક્ષ નહીં. ચર્ચામાં મુખ્ય માગણી ગૃહપ્રધાનના રાજીનામાની જ હશે. શિક્ષણપ્રધાનના રાજીનામાની માગણીનો સ્વીકાર થયો તે પછી વિપક્ષે કહ્યું શિક્ષણપ્રધાન નહીં, ગૃહપ્રધાન રાજીનામું આપે! ગૃહપ્રધાન અમિત શાહ રાજીનામું આપે એટલે મોદી - એનડીએ સરકાર તૂટે, પતન થાય - આ સંજોગોની રાહ વિપક્ષી નેતા જોઈ રહ્યા છે અને જનઆંદોલનથી અરાજકતા - રાજકીય અને શાસકીય અંધાધૂંધી આસાન બનશે એવી આશા ઘણા નેતાઓ સેવી રહ્યા છે!

સંસદનું વર્તમાન સત્ર છેલ્લા તેર દિવસથી લગભગ ઠપ છે! ચૂંટણી ક્ષેત્રોના સીમાંકન અને મહિલા આરક્ષણનો પ્રબંધ કરતા ખરડા અટકી પડયા છે, કારણ કે સીમાંકન અને મહિલા આરક્ષણથી મોદી - ભાજપને લાભ થશે. રાજ્યોની વિધાનસભાઓમાં બહુમતી મેળવીને મોદી એક રાષ્ટ્ર એક ચૂંટણીનો અમલ 2029 પછીની લોકસભા ચૂંટણી માટે કરશે. જો વડા પ્રધાનને મોકળું મેદાન મળી જાય તો વિપક્ષો `હાથ' ઘસતા રહી જાય. મૂળ કારણ આ છે.

સીમાંકન પછી લોકસભાની બેઠક સંખ્યા 545થી વધીને 850 થઈ શકશે અને તેમાં પચાસ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રખાશે - એવી ધારણા છે. મહિલાઓ - ગમે તે પક્ષની હોય - ઉમેદવારી કરી શકે છતાં ભાજપ-એનડીએની મહિલા ઉમેદવારોની સંખ્યા વધુ હશે અને લોકસભામાં મોદી મોટી બહુમતી મેળવશે એવી `શંકા' વ્યક્ત થાય છે. લોકસભામાં મોટી બહુમતી અને મોટા ભાગનાં રાજ્યોમાં બહુમતી મેળવ્યા પછી એક રાષ્ટ્ર - એક ચૂંટણી આસાન બનશે. આવી શક્યતા વિપક્ષો માટે ભયસ્થાન - `િરસ્ક ફેક્ટર' છે તેથી સંસદમાં ગતિ - રોધ થઈ રહ્યો છે. સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજિજુ બે વખત વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા વડરા ગાંધીને મળ્યા પણ રાહુલ ગાંધી સંસદમાં સહકાર આપવા તૈયાર નથી.

આ દરમિયાન રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ કે સ્વાતંત્ર્ય દિન - પંદરમી અૉગસ્ટે વડા પ્રધાન મોદી લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રજોગો સંદેશો આપે તેમાં શિક્ષણ - સુધારા - યુવાવર્ગને ગૅરન્ટી-વચન ઉપરાંત મહિલા આરક્ષણનું મહત્ત્વ અને રાજકીય સર્વસંમતિ અનિવાર્ય હોવાનું જણાવશે - અને તે પછી બે દિવસ માટે - ફરીથી લોકસભા અને રાજ્યસભાની બેઠક બોલાવીને ખરડા રજૂ થાય ત્યારે વિપક્ષનો અસહકાર હશે?

પણ સંસદીય પ્રધાને સંસદનું સત્ર બે દિવસ લંબાવાની અથવા વિશેષ સત્ર બોલાવાય તેવી શક્યતા નકારી છે. હવે આ ગતિરોધ - મડાગાંઠની સ્થિતિ ક્યાં સુધી રહેશે તે જોવાનું છે!

* * *

જંતરમંતરમાં અને તે પછી વિદ્યાર્થીઓના આંદોલનમાં ઘૂસેલા સમાજવિરોધી તત્ત્વોના અભદ્ર વર્તાવ અને અભદ્ર ભાષાની સંસ્કૃતિ હવે વાયરલ બની રહી છે! સંસદમાં ધમાલ અને સંસદ બહાર અભદ્ર તમાશા! મુંબઈમાં મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાએ નાયબ મુખ્ય પ્રધાન - રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં નેતા સુનેત્રા અજિત પવારને `ગૂંગી ગુડિયા' કહીને એમની સમજ અને સત્તાનું અવમૂલ્યન કર્યા પછી કૉંગ્રેસી નેતાઓ ઉપર ફિટકાર પડી છે અને રાજકીય વિવાદ, વિખવાદ બન્યો છે. કૉંગ્રેસના ભવ્ય ભંગાણ વખતે 1969માં તત્કાલીન કૉંગ્રેસપ્રમુખ કામરાજે ઇન્દિરા ગાંધી માટે આ શબ્દો વાપર્યા હતા પણ તે મોરારજીભાઈના બદલે ઇન્દિરા ગાંધીને વડા પ્રધાન બનાવવા માટે હતા. ઇન્દિરા ગાંધી નેતાઓનાં `કહ્યાંગરાં' હશે એવી ધારણા ખોટી પડી તેનો પશ્ચાત્તાપ - દુ:ખ કામરાજને હતું!

તામિલનાડુમાં જાહેરસભામાં પૂર્વ મુખ્ય પ્રધાનના પાટવીકુંવર ઉદયનિધિએ - (વિધાનસભામાં વિપક્ષી નેતા) જાહેરસભામાં કાવેરીનાં જળ ક્યારે મળશે? એવા સંદર્ભમાં દ્વિઅર્થી સંવાદ કર્યો - મુખ્ય પ્રધાન જોસેફ વિજયની મહિલા-મિત્ર તૃષ્ણાની નામોશી - મજાક ઉડાવી તે પછી એમની ધરપકડ થઈ - હવે આ વિવાદ છે.

નેતાઓએ સમજવું - અને સમજાવવું જોઈએ કે અભદ્ર ભાષા, અભદ્ર વર્તણૂકની જનની છે અને આવી વર્તણૂક જંતરમંતર ખાતે અને રાજધાનીમાં અન્યત્ર જોવા મળી છે તેને `રેડ લાઇટ' ગણવી જોઈએ.