• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ભારતમાં લોકતંત્ર સલામત છે

નેતા જવાબદાર અને લોકો સમજદાર છે

નેપાળમાં યુવા - વિદ્યાર્થી `આંદોલન' નથી, ત્યાંની સરકાર - તમામ રાજકીય નેતાઓ અને રાજતંત્ર - અર્થતંત્ર સામે બગાવત, બળવો છે : વિદેશી હકૂમત સામે નહીં, સ્વદેશી રાજતંત્ર સામે! બગાવત સફળ થઈ પણ નેપાળને રાજકીય સ્થિરતા ક્યારે મળશે? નેતાઓની હિંસા અને સરકારી સંપત્તિનો નાશ થયો. આખરે - દરેક દેશમાં બને છે તેમ સેનાનો હાથ ઉપર છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવું થશે? સેના ઉપર હવે રાજકીય સ્થિરતા અને આર્થિક આબાદી માટે આશા - આધાર છે. નેપાળની ઘટના પછી આપણા વિપક્ષી નેતાઓ - સંજય રાઉતથી લઈને તેજસ્વી યાદવ સુધીના - ભારતમાં પણ આવો વિદ્રોહ થવાની રાહ જોઈ રહ્યા છે! તેઓ ભૂલી જાય છે કે નેપાળમાં શાસક અને વિરોધ પક્ષોના ભ્રષ્ટાચારી નેતાઓ માટે પણ નફરત છે અને હિંસાચારનો ભોગ બન્યા છે! રાજકીય અસ્થિરતા અને આર્થિક બરબાદી માટે તેઓ જવાબદાર છે. આપણા ભ્રષ્ટાચારી નેતાઓને - પ્રધાનોને પદભ્રષ્ટ કરવાનો ખરડો મોદી સરકારે રજૂ કર્યો તેનો વિરોધ થાય છે અને સંયુક્ત સંસદીય સમિતિને ખરડો સોંપવામાં આવ્યો છે તો પણ વિરોધી પક્ષો સહકાર આપવા તૈયાર નથી - આ સંજોગો છે અને તેજસ્વી લાલુ યાદવ કહે છે : નેપાળ જેવું ભારતમાં થશે! એવું થાય તો તેજસ્વી યાદવ પરિવાર સલામત હશે? ઘાસચારાના કૌભાંડ પછી રેલવેમાં નોકરી માટે જમીન પડાવવામાં આવી! પશ્ચિમ બંગાળમાં ભ્રષ્ટાચાર બદલ લાજવાને બદલે મમતાજી ગાજે છે! નેતાઓના ભ્રષ્ટાચારની કથા જૂની છે અને વિપક્ષી નેતાઓની નામાવલી લાંબી છે!

ભારતમાં રાજકીય સ્થિરતા છે અને આર્થિક આબાદીનાં સર્ટીફિકેટ વિશ્વની એજન્સીઓએ આપ્યાં છે. વિકસિત ભારતની આગેકૂચ છે તે જોતાં નેપાળવાળી થવાની શક્યતા નથી. વિરોધી નેતાઓએ કિસાન રૅલીથી લઈને અનેક વખત ભારતની એકતા તોડવાના પ્રયાસ કર્યા છે - પણ જનતા નેતાઓને ઓળખે છે.

અત્યારે નેપાળ, ફ્રાન્સમાં જે વિરોધી આંદોલનમાં સંસદ ભવન ઉપર હુમલા થાય છે તેની શરૂઆત અમેરિકામાં ટ્રમ્પે કરી હતી. વ્હાઈટ હાઉસ પર એમના સમર્થકોએ `આક્રમણ' કર્યું હતું તેની યાદ હજુ તાજી છે. ભારતનું લોકતંત્ર મજબૂત છે : લોકો સમજદાર છે! આપણા વિપક્ષી નેતાઓ રાજકીય ભૂતકાળ ભૂલી ગયા છે : એમને ઈતિહાસનું જ્ઞાન નથી અથવા પરવા નથી. 1974માં ગુજરાતમાં વિદ્યાર્થીઓએ ગુજરાતની કૉંગ્રેસ સરકાર વિરોધી નવનિર્માણ આંદોલન કર્યું હતું. સ્વયંભૂ આંદોલનમાં કોઈ રાજકીય નેતાને પ્રવેશ મળ્યો નહીં. જયપ્રકાશજીને પણ નહીં. આંદોલનની શરૂઆત એક વિદ્યાર્થી હૉસ્ટેલમાં ભાવવધારા સામે થઈ. અનાજની તંગી હતી. ભાવ વધારો હતો પણ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલની - વધુ અનાજ ફાળવવાની  માગણી સ્વીકારી નહીં અને ચીમનભાઈ શાસનના ભ્રષ્ટાચાર સામે ભડકો થયો. સમગ્ર ગુજરાતમાં કૉંગ્રેસી વિધાનસભ્યોને રાજીનામાં - આપવાની ફરજ પાડવામાં આવી હતી. ભ્રષ્ટાચારનાં મૂળ રાજકીય હોવાથી વિધાનસભા બરખાસ્ત થાય, ચીમનભાઈ પટેલ રાજીનામું આપે એવી માગણી હતી. આંદોલનના પડઘા નવી દિલ્હીમાં સંભળાયા. વિદ્યાર્થી 

નેતાઓ તિહાડ જેલમાં ગયા ત્યારે સંસ્થા કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મોરારજીભાઈ દેસાઈએ રાજધાનીમાં અનિશ્ચિત કાળ માટે અનશનની જાહેરાત કરી. ગુજરાતની ભ્રષ્ટ વિધાનસભાને બરખાસ્ત કરો. સરકારને બરખાસ્ત કરો અને છ મહિનામાં નવેસરથી ચૂંટણી કરાવો - મોરારજીભાઈના અનશન આગળ આખરે ઈન્દિરા ગાંધીએ ઝૂક્વું પડયું.

આ દરમિયાન બિહારમાં કૉંગ્રેસી મુખ્ય પ્રધાન અબ્દુલ ગફૂરના ભ્રષ્ટાચાર સામે જયપ્રકાશજીની આગેવાની હેઠળ વિદ્યાર્થી અને જનઆંદોલન શરૂ થયું. ભ્રષ્ટાચાર નવી દિલ્હીમાં શરૂ થયો અને ફૂલ્યો - ફાલ્યો હતો. વ્યાપાર પ્રધાન લલિત નારાયણ મિશ્ર - `નગદનારાયણ' બન્યા હતા. બિહારના સફળ આંદોલન પછી જ્યોર્જ ફર્નાન્ડિસે ભારતભરમાં રેલવે હડતાળ - ચક્કાજામ - કરીને ઈન્દિરા સરકારને હચમચાવી દીધી : ભ્રષ્ટાચાર સામેનો જંગ દેશવ્યાપી હતો : ભારત બંધની સફળતા - આ દરમિયાન ઈન્દિરા ગાંધીએ ચૂંટણીની ગેરરીતિ સાબિત થયા પછી રાજીનામું આપવાને બદલે આખરે ઈમર્જન્સી જાહેર કરીને તમામ વિપક્ષી નેતાઓને જેલમાં પૂર્યા! નાગરિકોના મૂળભૂત અધિકારો સસ્પેન્ડ કર્યા! ઓગણીસ મહિના પછી - નાછૂટકે ચૂંટણી જાહેર કરી અને જનતાએ એમને સત્તાભ્રષ્ટ કર્યા (જોકે ફરીથી સત્તા મળી હતી).

ભારતના લોકતંત્રનો આ પરચો છે. નેપાળની રાજકીય સ્થિતિ સાથે સરખામણી થાય જ નહીં. આમ છતાં સત્તા માટે ટળવળતા - ધાંધા થયેલા નેતાઓને નેપાળની ઘટનામાં આશા દેખાતી હોય તો તે આત્મઘાતક છે!

અત્યારે ભારત ઉપર નેપાળની અસર પડી શકે? આ પ્રશ્નના જવાબમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનો અભિપ્રાય એવો છે કે ભારતે નેપાળના વિદ્યાર્થીઓ પ્રતિ હમદર્દી રાખીને શિક્ષણ સ્વાસ્થ્યમાં મદદ આપવી જોઈએ પણ એવી છાપ પડે નહીં કે ભારત `મોટા ભાઈ' બનીને કબજો જમાવે છે! ભૂતકાળમાં નેપાળમાં ધરતીકંપ અને આપત્તિ વખતે ભારતે તાત્કાલિક મદદ મોકલીને રાહત કાર્ય શરૂ કર્યાં ત્યારે માઓવાદીઓએ ભારે વિરોધ કર્યો અને આપણે પાછા પડયા હતા - તે યાદ રાખવું જોઈએ. નેપાળના રાજકારણમાં માઓવાદીઓએ ભારે પગપેસારો કર્યો. ભારત ફરતી ઘેરાબંધી કરવા માટે પાકિસ્તાન પછી શ્રીલંકા અને નેપાળમાં ચીને અઢળક નાણાં વેર્યાં છે. નેપાળની સેનાના અફસરોને તાલીમના બહાને ચીન બોલાવીને રોકડા નાણાં - ડૉલર્સ અપાતા હોવાનું પણ જાહેરમાં આવ્યું છે. હવે પદભ્રષ્ટ થઈને ભાગેલા વડા પ્રધાન કે પી શર્મા ઓલી તો ચીનના ઈશારે નાચતા હતા અને ભારતનો વિરોધ કરતા હતા. તાજેતરમાં ચીને વિક્ટરી પરેડ જોવા માટે ઓલીને પણ આમંત્રણ આપ્યું હતું અને ઓલીએ ચીનનો ભારોભાર આભાર માન્યો ત્યારે નેપાળમાં ઘણો વિરોધ થયો હતો.

ચીન અને અમેરિકા બંને નેપાળને પોતાની વગ - દબાણમાં રાખવા માગે છે ત્યારે ભારતે સાવધાનીથી ઐતિહાસિક મૈત્રી સંબંધ ગાઢ બનાવવાના છે.

નેપાળના શાસકોએ અર્થતંત્રના વિકાસ પ્રતિ ભારે બેદરકારી રાખી છે. ચીની નાણાં લશ્કરી સરંજામ અને ભ્રષ્ટાચારમાં ગયા છે. કોઈ ઉદ્યોગધંધા વિકસ્યા નથી પરિણામે બેકારી વધતી ગઈ છે. રાજકીય અસ્થિરતા - 17 વર્ષમાં 15 સરકારો આવી અને ગઈ! આપણા રાજકારણમાં 1967 પછી હરિયાણામાં આયારામ - ગયારામ શરૂ થયું હતું તે હજુ સદંતર નાબૂદ નથી થયું પણ 2014 પછી સ્થિતિ સુધરી છે, કેન્દ્રમાં રાજકીય સ્થિરતા છે. નેપાળમાં નેતાઓના ભ્રષ્ટાચારે માઝા મૂકી અને તમામ પક્ષોના નેતાઓએ જાણે ભાગ - બટાઈ  કરી. ઓલી ઉપરાંત પૂર્વ વડા પ્રધાનો - માઓવાદી પ્રચંડ સહિત - જોડાયા હતા. આ નેતાઓના પરિવાર અને નબીરાઓ વિદેશોમાં રાજાશાહીની જેમ તાગડધિન્ના કરે છે - એમના ફોટા અને અહેવાલ સોશિયલ મીડિયામાં પ્રસારિત થવા લાગ્યા ત્યારે સામાન્ય લોકોની આંખો લાલ થઈ! અને અવાજ ઊઠવા લાગ્યો એટલે ઓલી સરકારે - ફેસબુક, વોટ્સ ઍપ સહિત 26 પ્લેટફોર્મ ઉપર દેશભરમાં પ્રતિબંધ મૂકયો (ઈન્દિરા ગાંધીએ પ્રેસ સેન્સરશિપ દાખલ કરી હતી અને કિશોરકુમારનાં ગીત બંધ કરાવ્યાં હતાં - ત્યારે સોશિયલ મીડિયાની કલ્પના કોને હતી?) નેપાળમાં પ્રતિબંધ - જનરલ સેન્સરશિપ સામે દેશભરમાં ભડકો થયો. વિદ્યાર્થીઓ અને લોકોના મોઢે તાળાં લાગ્યાં તે `પાશેરામાં છેલ્લી પૂણી' હતી.

આજની વાસ્તવિકતા - વિશ્વભરમાં એવી છે કે લોકો સોશિયલ મીડિયાને મૂળભૂત અધિકાર માને છે અને તેના ઉપર નિયંત્રણ સ્વીકારવા તૈયાર નથી. જાપાનમાં શાળાના વિદ્યાર્થીઓને મોબાઈલ નહીં વાપરવા માટે ચોક્કસ કલાક નિયંત્રિત કરવામાં આવ્યા છે.

નેપાળી યુવાધનની હિજરતનો અંદાજ આપણને નથી. દર વર્ષે ચાર લાખ યુવાનો નેપાળ છોડીને વિદેશ જાય છે - દૈનિક એક હજાર થયા! શિક્ષણ ઉપરાંત વ્યવસાય - નોકરી કરીને નાણાં મોકલે તથા ભારતીય યાત્રીઓ મોટી સંખ્યામાં આવે તેના ઉપર નેપાળી અર્થતંત્ર નીભે છે. હવે અમેરિકા સહિત લગભગ તમામ દેશોમાં વિદેશીઓના પ્રવેશ ઉપર નિયંત્રણ છે - એ માહિતી નેપાળને પણ મળી છે.

જ્યારે કોઈ દેશનો યુવા વર્ગ હિજરત કરી જાય અને બાકીના બેકાર હોવાથી વિદ્રોહ કરે ત્યારે એવા દેશનું ભવિષ્ય શું? 1960ના દશકથી આપણું યુવા - બુદ્ધિધન અમેરિકા અને અન્ય દેશોમાં જાય છે - અલબત્ત તેઓ ત્યાં કમાઈને નાણાં ભારતમાં મોકલે છે પણ હવે ટ્રમ્પે તેના ઉપર નિયંત્રણ મૂક્યા છે.

આજે વિશ્વની સ્થિતિ જોઈએ તો જ્યાં લોકતંત્ર છે ત્યાં અશાંતિ - અરાજકતા સર્જવાના પ્રયાસ થઈ રહ્યા છે. યુવા - વિદ્યાર્થી વર્ગનો અસંતોષ અને આક્રોશ ભારે પડી શકે છે. સત્તા માટે યુવા વર્ગને ગેરમાર્ગે દોરનાર નેતાઓ પોતાના પગ ઉપર કુહાડા મારે છે અને લોકતંત્રને આત્મઘાતક નુકસાન કરે છે - પણ સત્તા માટે લોકોને ઊંધા ચશ્માં પહેરાવે છે : આપણે જાણીએ છીએ કે યુવાનો દેશનું ભાવિ છે - પણ ભાવિ સુધારવાની જવાબદારી આપણી - નેતાઓની છે.                                          

*        ભારતના લોકતંત્રનો આ પરચો છે. નેપાળની રાજકીય સ્થિતિ સાથે સરખામણી થાય જ નહીં. આમ છતાં સત્તા માટે ટળવળતા - ધાંધા થયેલા નેતાઓને નેપાળની ઘટનામાં આશા દેખાતી હોય તો તે આત્મઘાતક છે!

*        વિશ્વભરમાં લોકો સોશિયલ મીડિયાને મૂળભૂત અધિકાર માને છે અને તેના ઉપર નિયંત્રણ સ્વીકારવા તૈયાર નથી

*        નેપાળી યુવાધનની હિજરતનો અંદાજ આપણને નથી. દર વર્ષે ચાર લાખ યુવાનો નેપાળ છોડીને વિદેશ જાય છે

*        જ્યારે કોઈ દેશનો યુવા વર્ગ હિજરત કરી જાય અને બાકીના બેકાર હોવાથી વિદ્રોહ કરે ત્યારે એવા દેશનું ભવિષ્ય શું?