• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

મુંબઈ કોણાચી? : મુંબઈ ‘આપલી’

મુંબઈ કોણાચી? લગભગ છ દાયકા પહેલાં ભાષાવાર પ્રાંતરચના થઈ ત્યારે મુંબઈ દ્વિ-ભાષી રાજ્ય હતું - મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો અને ભાષાઓ માન્ય હતી ત્યારે મુંબઈમાં આંદોલન શરૂ થયું - મુંબઈ સહ સંયુક્ત મહારાષ્ટ્ર ઝાલાચ પાહિજે. મોરારજીભાઈ દેસાઈ મુખ્ય પ્રધાન હતા અને આંદોલન હિંસક બન્યું. વડા પ્રધાન નેહરુએ આદેશ આપ્યો - આર્મી બોલાવો. સખત હાથે કામ લો પણ મોરારજીભાઈએ કહ્યું, આપણી જનતા છે (આ વાત વર્ષો પછી વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈએ લોકસભામાં કહી હતી. આ લખનારે કાનોકાન સાંભળી છે) હિંસા વધતાં ફ્લોરા ફાઉન્ટન ખાતે પોલીસ ગોળીબાર થયો અને શહીદ થયેલામાં એક ગુજરાતીનું નામ પણ છે - જન્મભૂમિના પત્રકાર ચીમનલાલ શેઠ હતા. આખરે મુંબઈ મહારાષ્ટ્રનું જ છે અને રહેશે છતાં સુધરાઈની ચૂંટણીમાં આ પ્રશ્ન ઉઠાવાયો છે!

કેન્દ્ર સરકારે ભાષાવાર પ્રાંતરચના કરી તેમાં ભાષાવાદ ભડકયો. આ શરૂઆત હતી. આખરે ગુજરાત - મહારાષ્ટ્ર અલગ રાજ્યો થયાં. આટલાં વર્ષ પછી મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં હવે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના સ્થાપક પ્રમુખ રાજ ઠાકરે કહે છે - કેન્દ્ર સરકાર મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરીને ‘કેન્દ્રશાસિતબનાવવા માગે છે - સદ્ભાગ્યે આ વિવાદ લોકોના ગળે ઊતરે એવો નથી અને શક્ય પણ નથી. નેહરુએ કરેલી ભૂલનું હવે પુનરાવર્તન શક્ય નથી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ રદિયો આપ્યો છે કે લોકો મૂર્ખ નથી કે આવી વાત માનીને વોટ આપે.

સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલનમાં પત્રકાર આચાર્ય અત્રે અગ્રણી હતા. આંદોલન સફળ થયા પછી - વર્ષ 1960માં શિવસેનાની સ્થાપના થઈ. શિવાજી સેનાને ઉત્તર ભારતમાં ‘િશવજી સેનાની ઓળખ મળી. શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે લોકપ્રિય લોકનેતા બન્યા અને બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન - બીએમસી ઉપર શિવસેનાનો ભગવો ઝંડો ફરકયો. સમગ્ર દેશમાં સૌથી સમૃદ્ધ સુધરાઈ મુંબઈની છે.

આ પછી વખત જતાં મુંબઈમાં ભારે પરિવર્તન આવ્યું છે. કૉસ્મોપોલિટન સિટી-પચરંગી મહાનગર બૉમ્બે હવે મુંબઈ બન્યું છે. દેશભરના લોકો અહીં રોટલો રળવા - અથવા ફિલ્મોમાં ‘હીરોબનવા આવે છે. ‘મદ્રાસીઅને બિહારી - હિન્દી ભાષી વસતિ વધી છે. તેથી મૂળ મરાઠી લોકોની બહુમતી રહી નથી પણ તમામ રહેવાસીઓએ મુંબઈને વહાલું ગણ્યું છે. આઈ લવ માય મુંબઈ! ‘આપલીમુંબઈ છે.

2017માં સુધરાઈની ચૂંટણી થઈ ત્યારે શિવસેના અખંડ હતી પણ પહેલી વખત ભાજપે મોદીના જુવાળમાં 82 બેઠકો મેળવી અને શિવસેનાને બે વધુ 84 બેઠકો મળી. આ પછી ભાજપ - શિવસેનાની સહિયારી રાજ્ય સરકારમાં ભંગાણ પડવાની શરૂઆત થઈ. શિવસેનામાં ભંગાણ પડÎું. એકનાથ શિંદે સાથે સુધરાઈના 38 સભ્યો ગયા. શિંદેસેના અને ભાજપ સાથે અજિત પવાર જોડાયા. શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં પણ ભંગાણ પડÎું.

મુંબઈ સુધરાઈની ચૂંટણી નવ વર્ષ પછી થઈ રહી છે અને કસાકસીનો જંગ છે. દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેનો મુકાબલો કરવા માટે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અને રાજ ઠાકરેએ હાથ મિલાવ્યા છે. વાસ્તવમાં શિવસેનાની મરાઠી વોટ બૅન્ક હવે શિંદેસેના બની છે. તેથી મરાઠી ભાષી વોટ શિંદેના ખાતામાં જાય - અથવા ઉદ્ધવસેનાના વોટમાં મોટો ભાગ પડાવે એવી શક્યતા - શંકા હોવાથી ઠાકરે બંધુઓએ જૂના મનભેદ ભૂલીને હાથ મિલાવ્યા છે. સવાલ અસ્તિત્વનો છે તેથી જ ભાજપે શિંદેને મનગમતી બેઠકો ફાળવીને મદદ કરી છે! મોદીના નામે મરાઠી અને બિનમરાઠી મત મળવાનો વિશ્વાસ ભાજપને છે.

ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં ચૂંટણી પ્રચારના “શ્રીગણેશકરતી વખતે ‘ગુજરાતીમુદ્દો છેડયો. બે ગુજરાતીઓ મુંબઈને ખાઈ જશે - ગળી - ઓગાળી જશે એમ કહીને મરાઠી વોટ માગ્યા. ‘બે ગુજરાતીનાં નામ હોઠે આવ્યાં નથી પણ હૈયે તો છે - નરેન્દ્ર મોદી અને અમિત શાહ! 2017ની ચૂંટણીમાં મુંબઈમાં ભાજપે અખંડ શિવસેનાને ભારે ટક્કર આપી હતી અને શિવસેનામાં ભંગાણ પછી વિધાનસભાનો અનુભવ પણ ભુલાયો નથી. રાજકારણ ઉપરાંત અર્થતંત્ર - મુંબઈના વિકાસમાં બે ગુજરાતીઓ - અંબાણી અને અદાણીનું યોગદાન કેટલાકની આંખમાં ખૂંચે છે પણ ટીકાકારો ભૂલી જાય છે કે મુંબઈના વિકાસમાં એમનો સિંહફાળો છે - જો આ તમામ યોજનાઓ અને મૂડીરોકાણ મુંબઈ-મહારાષ્ટ્રને બદલે ગુજરાતમાં જ થયું હોત તો? વિકાસમાં રોજગારીની તક વધી છે અને જીવનધોરણ સરળ બન્યાં છે કે નહીં?

મુંબઈના ઇતિહાસમાં ગુજરાતીઓનું યોગદાન છે. હકીકતમાં ત્યારે ભેદભાવ હતા જ નહીં ભાઈ-ભાઈ હતા. મુંબઈને આર્થિક મહાનગર બનાવવામાં તમામ બજારો - કાપડ - ટેક્સ્ટાઈલથી લઈને કૉમોડિટીઝ સુધી અહીં સ્થપાયાં. શિક્ષણ સ્વાસ્થ્યને પ્રાધાન્ય અપાયું. અહીંની ભૂગોળમાં ઇતિહાસ લખાયો છે.

આટલો બધો વિરોધ શા માટે?

ગુજરાતી વોટ ભાજપના જ છે - તેથી ગુજરાત અને ગુજરાતી દ્વેષ વધ્યો છે. ઉમેદવારોની પસંદગીમાં પણ ભાજપે ગુજરાતી સંનિષ્ઠ કાર્યકરોને અન્યાય કર્યો છે એવી ફરિયાદમાં તથ્ય છે. વર્ષ 2016માં 23 જેટલા ગુજરાતી સુધરાઈ સભ્યો ચૂંટાયા હતા આમાં શિવસેનાના - બે અને કૉંગ્રેસના એક પણ ન હતા. આ વખતે ભાજપે માત્ર 15 ગુજરાતી અને કૉંગ્રેસે પાંચ ઉમેદવારો ઊભા રાખ્યા છે.

ગુજરાતી કાર્યકરોને અન્યાય થયો છે. નારાજી છે તે હકીકત છે તે છતાં વોટ તો ભાજપ અને શિંદેસેનાને  મળશે કારણ કે સામા પક્ષે તો ગુજરાતી દ્વેષ જ છે. શિંદેસેનાને વધુ બેઠકો - ઉદ્ધવસેનાથી વધુ મળે તેમ ભાજપ ઇચ્છે છે અને પ્રયાસ કરે છે. ઉદ્ધવસેના સામે શિંદેસેનાનો હાથ ઉપર રહે તે વ્યૂહ હોવાથી એકનાથ શિંદેને છૂટો હાથ અને વધુ બેઠકો ફાળવી છે.

દેવેન્દ્ર ફડણવીસની ગણતરી છે કે વડા પ્રધાન મોદીના નામ અને મુંબઈમાં થયેલાં વિકાસ કાર્યોથી ભાજપને વોટ મળશે જ્યારે એકનાથ શિંદેને મરાઠી વોટ મળશે. શિંદે માટે પણ ભવિષ્યનો સવાલ છે. ઉદ્ધવસેનાને પરાજિત કરે તો રાજ્યમાં ભવિષ્ય ઉજ્વળ છે અને નહીં તો ભાજપમાં ભળી જવાનો એક વિકલ્પ હશે.

સુધરાઈની ચૂંટણીનાં પરિણામની અસર મહારાષ્ટ્રના રાજકારણ ઉપરાંત રાષ્ટ્રમાં પણ પડશે. બિહાર પછી ઉત્તર પ્રદેશ, તામિલનાડુમાં પણ પરિવારવાદના પાયા ડગમગી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઠાકરે બંધુઓ - ઠાકરે બ્રાન્ડ બચાવી શકશે? મુંબઈની ચૂંટણી નેતાઓ અને પરિવારો માટે લોકમત - રેફરન્ડમ જેવી છે.

બીજી બાજુ ઠાકરે બંધુઓ ‘એકથયા એવી રીતે અજિત પવાર એમના કાકા શરદ પવારના શરણે પાછા જશે? સ્થાનિક નગર પંચાયતોની ચૂંટણીમાં એમણે બારામતી સહિત મહારાષ્ટ્રમાં શરદ પવારને માત કર્યા છે ખરા પણ - શરદ પવારે હવે પરિવારના યુવાનોને આગલી હરોળમાં ઊભા કર્યા છે તેમનો વિરોધ હશે તો અજિત પવારને સ્થાન નથી. સુધરાઈની ચૂંટણીમાં અજિત પવાર અને શરદ પવારનો પ્રભાવ નથી. શરદ પવાર ચૂંટણી પ્રચારથી અલગ રહ્યા છે!

કૉંગ્રેસને સંબંધ છે ત્યાં સુધી - ઉદ્ધવસેનાના મોરચામાં - મહારાષ્ટ્ર વિકાસ આઘાડીમાં તેનું મહત્ત્વ નહોતું. રાજ ઠાકરેના નામે હિન્દી ભાષીઓ ભડકે છે તેથી મુંબઈમાં થોડી બેઠકો લેવા જતાં કૉંગ્રેસ ઉત્તર ભારતની ઘણી બેઠકો ગુમાવે તે સ્વાભાવિક છે. ઉદ્ધવ ઠાકરેએ પણ રાજને સાથે લેવા પહેલાં કૉંગ્રેસને પૂછયું પણ નહીં ઊલટું કહ્યું કે જેને મોરચો છોડવો હોય, જવું હોય તે ભલે જાય. આવા અપમાન અને અવહેલના પછી કૉંગ્રેસનું સ્થાન - માન નથી અને ઉદ્ધવસેનાને જરૂર પણ નથી.

અજિત પવારે દૂધ-દહીં બંને બાજુ પગ રાખ્યા છે. કાકા શરદ પવારને પડકાર્યા પછી હાથ જોડવા પણ ગયા છે. ફડણવીસ સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન હોવા છતાં ચૂંટણી પ્રચારમાં ભાજપ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. હવે પરિણામ આવ્યાં પછી તેઓ ક્યાંયના નહીં રહે. શિંદેસેનાના સભ્ય અને પ્રધાન સંજય શિરસાટે તો આગાહી કરી છે કે શરદ પવાર એનડીએમાં જોડાઈ જશે! રાજકારણમાં અને તે પણ મહારાષ્ટ્રના રાજકારણમાં કાંઈ પણ બની શકે, આશ્ચર્ય નહીં હોય!

આશ્ચર્ય હોય કે આઘાત - ઉદ્ધવ પિતાશ્રીનું નામ આપે છે પણ શાસક પક્ષોના નેતાઓ કહે છે કે બાળાસાહેબની નીતિ અને સિદ્ધાંતનો અનાદર ઉદ્ધવ ઠાકરેએ કર્યો છે. બાળાસાહેબ હિન્દુ હિત માટે આક્રમક હતા. સંવિધાનની 370મી કલમનું કલંક દૂર કરવાના આગ્રહી હતા પણ આ મુદ્દા ભુલાઈ ગયા છે. 1992માં મુંબઈમાં હુલ્લડ થયાં ત્યારે તત્કાલીન શિવસેના હિન્દુઓના બચાવમાં અને મુસ્લિમો સામે આક્રમક હતી. હવે ઉદ્ધવજીએ આ બદલ માફી માગી છે અને શિવસેનાએ ભૂલ કરી હતી એમ કહ્યું હોવાના અહેવાલ વાયરલ થયા છે. આ વાત ખોટી હોય તો રદિયો - જાહેરમાં આપવો જોઈએ.

રાજ ઠાકરે કહે છે અને હિન્દુ પણ હિન્દી ભાષી તરફી નથી. આ કારણે જ કૉંગ્રેસે ઉદ્ધવ મોરચાનો સાથ છોડયો છે જ્યારે શિંદેએ હિન્દુત્વના નામે ઉદ્ધવનો સાથ છોડયો છે. આમ છતાં રાજકારણમાં કોઈ શરમ-શેહ રહી નથી. સત્તા માટે કૉંગ્રેસ અને ભાજપના સ્થાનિક નેતાઓએ સમાધાન કરીને હાથ મિલાવ્યા અને બહુ ટીકા થઈ ત્યારે બંને પક્ષોના નેતાઓએ હાથ ખંખેર્યા અને સ્થાનિકોને ખખડાવ્યા.

મુંબઈની ચૂંટણીમાં મુદ્દા સ્થાનિક હવા-પાણી અને ટ્રાફિક વગેરે સમસ્યા હોવા જોઈએ. પણ સૌએ મરાઠી ભાષા અને હિન્દુત્વ તરફી કે વિરોધીને મુદ્દા બનાવ્યા. મુસ્લિમ-િહન્દુની ચર્ચા થઈ અને ન્યૂ યૉર્કના મુસ્લિમ મેયરે નવી દિલ્હીમાં મુસ્લિમ આતંકીઓને આશ્વાસન અને ટેકો આપ્યો તેની ચર્ચા થઈ. હવે પરિણામ પછી શાંતિ જળવાશે? વિવાદ વિધાનસભાની આગામી ચૂંટણી સુધી લંબાશે એમ લાગે છે. કોમવાદ મુખ્ય મુદ્દો બનશે. પરિણામ ગમે તે આવે. મુંબઈ આપલી - આપણા સૌની રહેશે. કારણ કે વી લવ મુંબઈ...