• મંગળવાર, 14 એપ્રિલ, 2026

આપત્તિ અવસર બને છે

હેવાય છે કે દુનિયા ઝૂકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે...! આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઝૂકાવ્યા! ટ્રમ્પે ભારત ઉપર પચાસ ટકા જકાત નાખી અને ભારતના અર્થતંત્રને મૃતપ્રાય જાહેર કર્યું. પણ હવે `અચાનક' જકાત ઘટાડીને 18 ટકા કરી છે. આપણી આસપાસના દેશો - પાકિસ્તાન, બાંગ્લાદેશ અને યુરોપ-કૅનેડા કરતાં પણ ભારતના માલ-સામાન ઉપર જકાત ઓછી કરવામાં આવી. આ `ચમત્કાર' પાછળ મોદીની ચાણક્યનીતિ છે! મૌન અને ધૈર્યની શક્તિ છે. અમેરિકા સાથે સંબંધ સુધરે અને ટ્રમ્પ ઝૂકે તેથી દુનિયા ખુશ છે. આપણને ગૌરવ છે પણ આપણા `સ્વદેશી ટ્રમ્પ'ના પેટમાં ચૂંક ઉપડી છે! મોદી સાથે દોસ્તી હોય તો ટ્રમ્પને રાહુલ ગાંધીની જરૂર છે ખરી?

ટેરિફ ઘટાડા અને સમજૂતી સૌ સમજદાર લોકોએ આવકારી. અન્ય વિદેશી નેતાઓએ જોયું કે ભારત મક્કમ છે - શરણાગતિ સ્વીકારી નથી. આંતરરાષ્ટ્રીય સંબંધની નવી દિશા ખોલી છે - ત્યારે રાહુલ ગાંધી કહે છે : મોદીએ ભારતના કિસાનોનાં હિતનો ભોગ આપ્યો છે. મોદીએ કિસાનોનાં ખૂન-પસીના વેચી માર્યા છે! વાસ્તવમાં શરૂઆતથી જ ભારતે કૃષિ અને ડેરી ઉદ્યોગના ભોગે સમજૂતી - વ્યાપાર સોદો નહીં થાય એવી જાહેરાત કરી હતી અને ફરીથી ખાતરી આપી છે. વ્યાપાર-સોદાની વિગતો ટૂંકમાં જાહેર થનાર છે. મુખ્ય મુદ્દો રશિયા પાસેથી ક્રૂડતેલની ખરીદીનો છે. ટ્રમ્પનો આક્ષેપ હતો કે રશિયન અૉઈલ ખરીદીને ભારત યુક્રેન યુદ્ધમાં રશિયાને આર્થિક મદદ કરે છે પણ ભારતની દલીલ અને નીતિ સ્પષ્ટ રહી છે કે સસ્તા ભાવ અને પુરવઠાની ખાતરી અમને મળી છે. મોંઘા ભાવે તેલ ખરીદાય તો ભારતીય અર્થતંત્ર અને જનજીવન તદ્દન ખોરવાઈ જાય. આંદોલનો અને અરાજક્તા સર્જાય. આવી સ્થિતિમાં વિરોધી નેતાને સત્તા મળી જવાની આશા હતી. હવે તેના ઉપર પાણી (તેલ) ફરી વળ્યું છે!  અમેરિકાએ વેનેઝુએલાના તેલ ભંડાર ખૂંચવી લીધા પછી આપણને સસ્તા ભાવની અૉફરી કરી છે અને આપણે આયાત શરૂ કરી છે. પ્રશ્ન આપણાં રાષ્ટ્રીય હિત અને અર્થતંત્રનો છે. રશિયા પણ આ વાત સ્વીકારે છે.

ભારત અમેરિકાના પગે પડયું અને દબાણમાં આવ્યું એમ કહેનારા- નેતાઓ તો લોકોને મૂર્ખ બનાવવાના પ્રયાસ કરે છે. એટલું જ નહીં, અમેરિકા સાથેની સમજૂતીની સફળતા-સિદ્ધિ ઝાંખી પાડવા માટે સંસદમાં ધાંધલ-ધમાલ મચાવી અને લોકોનું ધ્યાન સરકારની `િનષ્ફળતા' તરફ ખેંચવા માટે વિવાદ જગાવ્યા. લોકસભામાં વડા પ્રધાન ચર્ચાનો જવાબ આપી શક્યા નહીં. કૉંગ્રેસે `મહિલા શક્તિ'ને આગળ કરી પણ કારી ફાવી નહીં. ભારતીય સેનાના નિવૃત્ત વડાનું અપ્રકાશિત પુસ્તક ફંગોળીને સેનાને વિવાદમાં ખેંચવાનો બેશરમ પ્રયાસ કર્યો. આવા પ્રયાસમાં રાષ્ટ્રહિત વિરુદ્ધ સત્તાનું રાજકારણ સ્પષ્ટ છે.

હકીકતમાં વ્યાપાર સમજૂતી ભારત અને અમેરિકા- બંનેનાં હિતમાં છે. અમેરિકા ધરખમ આયાત કરે છે. ભારતના નિકાસ વ્યાપારનો પાંચમો ભાગ માત્ર અમેરિકામાં જાય છે. મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક માલ-સામાનથી ધૂમ મચાવે છે. ભારત અને `મેઈડ ઈન ઇન્ડિયા'ની બોલબાલા છે. અમેરિકી કંપનીઓ ભારતમાં મૂડીરોકાણ કરવા આતુર છે અને તાજેતરના મહિનાઓમાં લાઈન લાગી છે! એઆઇના ક્ષેત્રમાં મોટાં મૂડીરોકાણ થઈ રહ્યાં છે. અમેરિકાની ફાઇનાન્સ ઈન્ડસ્ટ્રી ભારતને પ્રથમ પસંદગી આપે છે. આપણા બજેટ અને આર્થિક સુધારા એક્સ્પ્રેસથી પ્રભાવિત છે.

નરેન્દ્રભાઈએ ટ્રમ્પને કોઈ શાંતિ એવૉર્ડ આપવાની કે તે માટે ભલામણ કરવાની ખાતરી આપી નથી કે ખટારા ભરીને ભેટ સોગાદના ઢગલા કર્યા નથી. અમેરિકાને પણ ભારતની જરૂર છે - એવું ભાન કરાવ્યું છે. મોદી અને ભારતની અયોગ્ય ટીકા કરવા છતાં મોદીએ મૌન જાળવીને - ચૂપચાપ વ્યાપારની નવી દિશાઓ ખોલી છે. ટ્રમ્પે કૅનેડા અને યુરોપ સામે દાદાગીરી કરી તો આપણે હાથ લંબાવ્યા અને યુરોપિયન યુનિયન સાથે `મધર અૉફ અૉલ ડીલ્સ' સૌથી મોટી સમજૂતી કરી. યુરોપિયન યુનિયન સાથે વ્યાપાર-કરારના પ્રયાસ વીસ વર્ષથી થઈ રહ્યાં હતાં. ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે યુરોપે ભારત સાથે સમજૂતી કરી ટ્રમ્પે ગ્રીનલૅન્ડનો કબજો લેવાની ધમકી પાછી ખેંચી તેથી યુરોપ પણ અમેરિકા સાથે વ્યાપાર કરવા તૈયાર છે. આખરે ટ્રમ્પે ભારતને `દાદીમા' જેવી અૉફર કરી! પાકિસ્તાન અને બાંગ્લાદેશના માલ ઉપર વીસ ટકા જકાત છે: આપણા માટે અઢાર ટકા. રશિયન તેલની ખરીદી બદલ સજારૂપે પચીસ ટકા હતા તે પણ હવે રદ થાય છે. હકીકતમાં અમેરિકા દુનિયામાં એકલું પડી રહ્યું છે એવું ભાન ટ્રમ્પને થયું. ટેરિફ વૉરથી લઈને ગ્રીનલૅન્ડ સુધી - અને કૅનેડાથી યુરોપ સુધી - સૌ અમેરિકાના સ્વાર્થ અને દાદાગીરીનો શિકાર બન્યા. અમેરિકા ફર્સ્ટ હોય તો સૌ માટે એમના દેશહિત પ્રથમ હોય જ. અલબત્ત- આપણા વિરોધ પક્ષો અપવાદ રૂપ છે!

મોદી સરકાર આફતમાં પણ અવસર જોઈને આગળ વધે છે ત્યારે વિરોધીઓને આફતમાં - સત્તા મેળવવાનો અવસર દેખાય છે! મોદી કિસાનોના હિતવિરોધી છે એવા આક્ષેપ શરૂ કર્યા છે. મલ્લિકાર્જુન ખડગેએ તો રાજ્યસભામાં ધમકી આપી- વર્ષ 2021માં કિસાન આંદોલન થયું હતું તેવું ફરીથી થશે અને મોદીએ પીછેહઠ કરવી પડશે. અમેરિકા સાથેના વ્યાપાર સોદાથી ભારતીય કિસાનો પાયમાલ થશે- એવો પ્રચાર પણ શરૂ થયો છે. દેશ સમક્ષ આપત્તિ હોય ત્યારે એકતા હોવી જોઈએ, પણ આપણા વિરોધ પક્ષો લડાઈ વખતે પણ રાષ્ટ્રહિતનો વિચાર કરતા નથી એ આપણે જોયું છે. ભારત સરકારે આપત્તિને અવસર ગણીને નિકાસ વ્યાપારની નવી દિશાઓ ખોલી અને કરાર કર્યા. અમેરિકી બજારની ખોટ પુરાય નહીં, પણ નાના-મોટા દેશો સાથે કરાર કર્યા. હવે ખાડીના આરબ દેશો સાથે કરાર થઈ રહ્યા છે. ટ્રમ્પે કલ્પના કરી નહીં હોય, સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે ભારત નવા - વિકલ્પ, બજાર શોધી લેશે!

રાજ્યસભામાં વડા પ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે એકવીસમી સદીનો ઉત્તરાર્ધ નિર્ણાયક હશે. વિકસિત ભારતનો પ્રભાવ પથરાશે. ભારત વિશ્વમિત્ર અને વિશ્વબંધુની ભૂમિકામાં હશે. ભારતના યુવાવર્ગને સૌથી વધુ લાભ મળશે, એમના માટે વિશ્વના દ્વાર ખૂલે છે. હકીકતમાં આપણે ટ્રમ્પનો આભાર માનવો જોઈએ. ટેરિફના પડકારે આપણને નવો અવસર આપ્યો છે. શક્તિ જગાવી છે: વિરોધ પક્ષો માટે પણ આખરી અવસર છે. 

ભારત સરકારે આપત્તિને અવસર ગણીને નિકાસ વ્યાપારની નવી દિશાઓ ખોલી અને કરાર કર્યા. અમેરિકી બજારની ખોટ પુરાય નહીં, પણ નાના-મોટા દેશો સાથે કરાર કર્યા. હવે ખાડીના આરબ દેશો સાથે કરાર થઈ રહ્યા છે