• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

પ્રજાશક્તિની કસોટી, એકતાના સંકલ્પનો અવસર

સ્વાતંત્ર્ય દિવસ પછી પ્રજાસત્તાક દિવસ રિપબ્લિક ડે-નું મહત્ત્વ અલગ છે! આઝાદી મળ્યા પછી પ્રજાને પોતાના પ્રતિનિધિઓ ચૂંટવાની સત્તા મળી છે પણ પ્રજા એક દિન કા સુલતાન અને પછી ગુલામ નથી! પ્રજાની શક્તિ અને રાષ્ટ્રભક્તિ મહત્ત્વની છે. આઝાદીની રક્ષા કરવાની જવાબદારી પ્રજાની છે અને માટે જરૂર પડે ત્યારે પ્રજાએ શક્તિ પ્રદર્શિત કરવાની હોય છે. અલબત્ત - હિંસાચારથી નહીં, લોકશાહી રીતે. 1977માં ભારતની જનતાએ તત્કાલીન વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીને પદભ્રષ્ટ કરીને લોકશાહી, આઝાદી બચાવી હતી.

પણ આઝાદી અને રાષ્ટ્રભક્તિ સામે ખતરા સતત ઊભા થતા રહ્યા છે : સ્વદેશી અને વિદેશી. સરહદ ઉપરના આક્રમણને આપણાં સશત્ર દળો પહોંચી વળવા શક્તિમાન છે અને પ્રજા પણ દેશભક્તિથી પીઠબળ આપવા તૈયાર હોય છે. આઝાદી અને લોકતંત્ર સામે માઓવાદી - નક્સલવાદીઓએ હિંસક - બળવો - આક્રમણ કરીને લોકશાહીને પડકારી હતી. છેલ્લાં પચાસ વર્ષ દરમિયાન વિધિસરની લડાઈ કરતાં વધુ લોકો નક્સલી હુમલાઓમાં માર્યા ગયા છે. અલબત્ત, હવે ગૃહપ્રધાન અમિતભાઈ શાહ માઓવાદી જમાતને આખરી અંજામ આપી રહ્યા છે. આવી રીતે વિદેશી આતંકવાદનો અંત આવી રહ્યો છે.

પણ હવે સાયબર ક્રાઇમનો પડકાર છે - આનો પ્રતિકાર જનજાગૃતિથી થાય, થઈ શકે. ઉપરાંત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે વ્યાપાર - યુદ્ધ શરૂ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સંબંધ કદી કાયમી હોતા નથી. હવે સમય પલટાયો છે. ગ્લોબલાઇઝેશન - ઊલટાવાઈ રહ્યું છે! ટ્રમ્પ પ્રથમ વખત પ્રમુખ બન્યા ત્યારે એમના વ્હાઇટ હાઉસમાં આતિથ્ય માણનારા ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ પ્રથમ હતા. હજુ પણ `પરમ મિત્ર' અને ગુડમૅન છે પણ વ્યાપાર યુદ્ધમાં ભારત ઉપર ટેરિફ આક્રમણ થાય છે! આક્રમણ પાછળ એમનો પેટ્રોડૉલર વ્યૂહ તો છે પણ ભારતનો આર્થિક વિકાસ - વિશ્વમાં અગ્રણી સ્થાન અને માન - ટ્રમ્પને ખૂંચે છે! ભારતની રશિયા સાથેની મૈત્રીથી ટ્રમ્પને નારાજી છે. ટ્રમ્પના ફતવા ભારતને મંજૂર નથી તેથી ધૂંધવાયા છે. ટ્રમ્પ પોતાના ડેરી ઉદ્યોગને ઉગારવા અને ક્રૂડતેલના ભાવ વધારી કમાણી કરવા માગે છે. ભારતે સ્વદેશી હિતની રક્ષા કરવાની છે. આપણા ઉદ્યોગ બંધ થાય, પેટ્રોલ-ડીઝલના ભાવ - વધારાથી જનતાનો આક્રોશ વધે - સરકાર સામે આંદોલન જાગે, રાજકીય અસ્થિરતા જાગે - એવો પ્લાન છે અને નરેન્દ્રભાઈ મોદી - ટ્રમ્પનો પ્લાન નિષ્ફળ બનાવી રહ્યા છે.

આજે ભારતની સ્થિરતા સામે જે જોખમ છે તેને સ્વદેશી નેતા રાહુલ ગાંધી હવા આપી રહ્યા છે. વારંવાર અમેરિકાની ધરતી ઉપરથી ભારત વિરોધ પ્રચાર કરે છે. લોકશાહી અને સંવિધાન નિષ્ફળ ગયાની કાગારોળ મચાવે છે. ભારત જોડો યાત્રા, વોટ ચોરી અને વોટિંગ મશીનથી ઇન્ક-શાહી માટે મગરના આંસુ સારતા રાહુલ ગાંધીને પણ ભારતનો વિકાસ ખૂંચે છે! મોદી તો વિકાસની સફળતાથી જવાબ આપે છે પણ જનતાએ જાગૃત - સાવધાન અને સક્રિય બનવાની જરૂર છે.

ભારતની લોકશાહી સામે મોટો ખતરો સત્તા માટે અંધ બનેલા નેતાઓ છે. રાહુલ ગાંધી હાથમાં સંવિધાનની (નકલી?) નકલ લઈને ફરકાવે છે! લોકશાહી - સંવિધાન ખતરામાં છે?! 

પાકિસ્તાનની જેહાદ - ઇસ્લામ ખતરે મેં હૈ-ની ભારતીય નકલ છે. પણ ભારતનું સંવિધાન કાગળની ચબરખી નથી, કપાયેલો પતંગ નથી. સંવિધાન તો ભારતનો પવિત્ર ગ્રંથ છે. આઝાદી અને અધિકારનું પ્રમાણ છે. સંવિધાનનો ઇતિહાસ રાહુલ જાણે છે ખરા? પણ અમેરિકાના છુપા હાથ આપણા નેતાને રમાડી રહ્યા છે! ભારતને નિયંત્રિત - અંકુશમાં રાખવાની ચાલમાં પ્યાદું બનાવે છે.

અમેરિકાનો વિસ્તારવાદ નવો નથી. ઇન્દિરા ગાંધીના શાસન સામે પણ કાવતરાં થયાં હતાં. ચીલીના માર્ક્સવાદી પ્રમુખ એજેન્દેની હત્યા પાછળ સીઆઈએનો હાથ હતો. ત્યારે ઇન્દિરા ગાંધીએ ભારતમાં `ફોરેન હેન્ડ'નાં કાવતરાંનો આક્ષેપ કર્યો હતો. પણ ત્યારે આગોતરી સાવધાનીના કારણે અમેરિકી એજન્સીઓ સફળ થઈ નહીં. ઇરાકમાં સદ્દામ હુસેન સામે લોકોનો બળવો અને અમેરિકી `હાથ' સફળ થયો. સદ્દામને ફાંસીએ ચડાવ્યો. વેનેઝુએલાનો દાખલો તાજો છે. હવે ગ્રીનલૅન્ડ ઉપર દાવો-ડોળો છે! ચીન નાણાંની લોન આપીને પ્રદેશ પડાવે છે. અમેરિકા લશ્કરી તાકાતથી!

ભારતમાં મોદી સરકારે કૃષિ સુધારાથી શરૂઆત કરી અને કૉંગ્રેસે વિરોધી આંદોલન શરૂ કરાવ્યાં. કાશ્મીરની 370મી કલમ હોય કે નાગરિકત્વ ધારામાં સુધારા હોય - વિરોધમાં વિદેશી હાથ હતા .

તાજેતરમાં મોદી ચીનની મુલાકાતે ગયા ત્યારે પુતિને એમનો હાથ પકડીને પોતાની મોટરકારમાં બેસાડયા અને પંદર મિનિટ વાતો કરી પછી ખબર પડી કે હત્યાનું કાવતરું હતું. `િવદેશી હાથ' હતો. ભારતમાં અંધાધૂંધી થાય અને ચીન-રશિયા ઉપર આળ આવે! જનઆંદોલન અને અરાજકતા શરૂ થાય ત્યારે ટ્રમ્પના હાથમાં પાકાં ફળ પડે?!

ભારતમાં લોકપ્રિય નેતા સામે અસંતોષ અને વિરોધ આંદોલનો ભડકાવવાના પ્રયાસ - કાવતરાં થાય છે ત્યારે પ્રજા-શક્તિએ સાવધાન રહીને દેશની એકતા અને સલામતી જાળવવાની છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ સામે ઘણાં કાવતરાં થઈ રહ્યાં છે. ભારતની વિકાસ યાત્રામાં વિઘ્ન નાખવાની કારવાઈને નિષ્ફળતા મળવી જોઈએ. સુધારા એક્સ્પ્રેસ ધસમસતી આગળ ધપવી જોઈએ. 2024ની ચૂંટણીમાં બહુમતીમાં ખાધ પડી ત્યારથી નીતિશ અને ચન્દ્રાબાબુ નાયડુ ગ્રુપના 37 સભ્યો ફોડવા - તોડવાના પ્રયાસ થયા હતા. નીતિશ ફરીથી મુખ્ય પ્રધાન પદ ભોગવે છે અને નાયડુ આંધ્ર પ્રદેશમાં સિલિકોન વૅલી ઊભી કરે છે. રીતે પ્રતિકાર પાળ બંધાઈ રહી છે.

હવે કસોટી પ્રજા શક્તિ અને ભક્તિની છે. પ્રજાસત્તાક દિને સંકલ્પ કરીએ : એકતા અખંડ રહે.                         

પ્રજાસત્તાક દિવસે રાજધાનીમાં આપણી શક્તિ અને સંસ્કૃતિનાં દર્શન થાય છે. રાષ્ટ્રપતિ ભવનથી લાલ કિલ્લા સુધી કવાયત `પરેડ' યોજાય છે. પ્રજાસત્તાક ભારતની પ્રથમ પરેડ 26મી જાન્યુ. 1950ના રોજ શરૂ થઈ હતી. નવી દિલ્હીના ઇરવિન સ્ટેડિયમથી શરૂ થઈ હતી. છેક વર્ષ 2002માં સ્ટેડિયમનું નામ સ્વદેશી - મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ થયું. હવે પરેડ સવારે 7.30થી શરૂ થાય છે. પ્રથમ પરેડ બપોરે 3.45 - પોણા ચાર વાગે શરૂ થઈ હતી. પ્રસંગનો ઇતિહાસ જાણવા જેવો છે : 1950માં 26 જાન્યુઆરીએ ભારતના સર્વપ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પોતાના નિવાસસ્થાનેથી સવારે પોણા દશે રાષ્ટ્રપતિ ભવન (ત્યારે ગવર્નમેન્ટ હાઉસ હતું) જવા નીકળ્યા. રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા ત્યાં ભારતના ગવર્નર જનરલ સી. `એડીસી' એમને ગવર્નર જનરલ પાસે લઈ ગયા. 10 વાગે શ્રી અને શ્રીમતી રાજગોપાલાચારીએ એમને આવકાર્યા અને દરબાર હૉલમાં લઈ ગયા. પગથિયાં ઉપર `વચગાળા'ના વડા પ્રધાન નેહરુ એમની પાછળ પાછળ ચાલ્યા. સવારે 10.15 વાગે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ શરૂ થયો અને રાજગોપાલાચારીએ સંવિધાન સભાનો પત્ર વાંચ્યો અને ભારત પ્રજાસત્તાક - રિપબ્લિક - બન્યું હોવાની તથા પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ બનવાની ઘોષણા કરી.

પ્રસંગે ભારતના પ્રથમ ચીફ જસ્ટિસ હરિલાલ જેકિશનદાસ કણિયાએ રાષ્ટ્રપતિપદના શપથ લેવડાવ્યા. રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે નેહરુને વડા પ્રધાનપદ અને અન્ય પ્રધાનોનો શપથવિધિ સંપન્ન થયો.

પોણા ચારે રાષ્ટ્રપતિ પરેડના સ્થળે પહોંચ્યા. ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ `સુકર્ણે' મુખ્ય અતિથિ હતા.

પરેડ પૂરી થયા પછી રાજગોપાલાચારી અને એમનાં પત્ની સરકારી ડાકોટા વિમાનમાં મદ્રાસ - હવે ચેન્નાઈ જવા રવાના થયાં પણે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ ઊજવીએ છીએ પણ વર્ષ 1949માં 30મી નવેમ્બરે સંવિધાનસભાએ આપણા આજના સંવિધાનને મંજૂરી આપીને સ્વીકૃતિ આપી હતી. વર્ષ 2015માં લોકસભાના સભ્ય ભર્તૃહરી મહતાબે સરકારને સૂચન કર્યું કે 26મી નવેમ્બરે સંવિધાન દિવસ ઊજવવો જોઈએ અને નાગરિકોને આપણાં સંવિધાનિક મૂલ્યો સમજાવવાં જોઈએ. પ્રજાસત્તાક દિવસ પહેલાં સંવિધાન દિવસ ઊજવાય તે યોગ્ય છે. સંવિધાનમાં ભારત પ્રજાસત્તાક બને તેવી જોગવાઈ - આદેશ છે. આઝાદી પછી પ્રમુખશાહી નથી, લોકશાહી છે અને પ્રજા-નાગરિકોના હાથમાં સત્તા મળી છે એટલે રિપબ્લિક - પ્રજાસત્તાક તંત્ર છે. નાગરિકોને મળેલો મતાધિકાર પ્રજાસત્તાક ભારતની ચાવી છે!

સંવિધાન સભામાં સંવિધાનના મુસદ્દા ઉપર લાંબી ચર્ચા-વિચારણા થયા પછી સ્વીકૃતિ અપાઈ છે. સંવિધાનસભાના પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તમામ સભ્યોનું સૂચન માન્ય રાખ્યું કે સંવિધાનની મૂળ પ્રત ઉપર તમામ સભ્યોએ હસ્તાક્ષર કરવા જોઈએ. સંવિધાન માત્ર કાગળ ઉપર છપાયેલા અક્ષર નથી - પણ એક પવિત્ર ગ્રંથ છે. હસ્તાક્ષર કરવાના હોય ત્યારે સંવિધાન ગ્રંથ હસ્તલિખિત હોવો જોઈએ. માટે પ્રેમબિહારી નારાયણ રાયજાદાની પસંદગી થઈ. બીજા વિશ્વ યુદ્ધ વખતે અમેરિકી સૈનિકોને રહેવા માટે જે છાવણીઓ હતી તે બરાકમાં બેસીને - 300 પ્રિન્ટેડ પાનાં હતાં તેના આધારે હસ્તલિખિત ગ્રંથ તૈયાર થયો અને ત્યાંથી શાંતિનિકેતન મોકલવામાં આવ્યો. આર્ટિસ્ટ નંદલાલ બોઝ અને એમની ટીમે ગ્રંથનાં પાનાં શણગાર્યાં. મોહન-જો-દરો, શ્રીલંકાનો વિજય, શ્રીકૃષ્ણનો ગીતા સંદેશ કલરફૂલ ચિત્રોમાં શણગારીને મોકલ્યાં ત્યારે માત્ર 100 પાનાં તૈયાર થયાં હતાં. સમય ઓછો હતો. 24મી જાન્યુ. 1950ના દિવસે હસ્તાક્ષર થવા જોઈએ તેથી સંવિધાન સભાના સભ્યો લાઇનમાં ઊભા રહ્યા હતા!

ડૉ. રાજેન્દ્ર પ્રસાદે હસ્તલિખિત સંવિધાનનો નિર્ણય કર્યો ત્યારે અંગ્રેજી અને હિન્દીમાં 1000 પ્રત પ્રિન્ટ કરાવવાનું કહ્યું હતું. રામનાથ ગોયેન્કા સંવિધાનસભાના સભ્ય હતા. એમણે નકલો છપાવીને ભારત સરકારને આપવાની તૈયારી બતાવી પણ સંસદની સ્વાયત્તતા જળવાય તે માટે સૂચનનો સ્વીકાર થયો હતો. હસ્તલિખિત પ્રતના કલાકારને રૂા. 1500 માનધન તરીકે આપવામાં આવ્યા હતા. ખર્ચ સંસદના કાર્યાલયની મંજૂરી માટે મોકલવાનું સૂચન હતું પણ લોકસભાના સ્પીકર ગણેશ જી. માળવંકરનો અભિપ્રાય હતો કે ખર્ચ માટે નાણાં ખાતાંની સમિતિની મંજૂરી મેળવવી પડે તે યોગ્ય નથી.

સંવિધાનની `શણગારાયેલી' પ્રતનો વિવાદ 1992માં અલ્હાબાદ હાઈ કોર્ટમાં પહોંચ્યો ત્યારે સ્પષ્ટ ચુકાદો આવ્યો કે પાનાં શણગારવામાં આવ્યાં છે - (રામ કૃષ્ણનાં ચિત્રો સાથે) તેમાં આપણા રાષ્ટ્રીય જીવનની રાષ્ટ્રીયતા અને સંસ્કૃતિ છે તેમાં વિવાદને સ્થાન નથી.