• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

મહારાષ્ટ્રનું પરિણામ રાષ્ટ્ર માટે દિશાસૂચક

મુંબઈનો વિકાસ મહારાષ્ટ્ર અને રાષ્ટ્ર માટે નમૂનારૂપ બનશે. મહારાષ્ટ્રનાં અન્ય 28 નગરો પણ મિની મુંબઈ જેવાં બને તો મહારાષ્ટ્રની કાયાપલટ-કાયાકલ્પ બનાવી શકાશે અને તેની સીધી અસર મહારાષ્ટ્ર અને રાષ્ટ્રના રાજકારણ ઉપર પડશે. દેવેન્દ્રનું નામ યોગી આદિત્યનાથ સાથે આવશે અને ભાજપ ઉપરાંત અન્ય શાસિત રાજ્યોમાં પણ વિકાસની ભૂખ તીવ્ર બનશે

મુંબઈ મહાપાલિકાની ચૂંટણીનાં પરિણામ મહારાષ્ટ્ર અને રાષ્ટ્રના રાજકારણ માટે દિશાસૂચક છે. મુંબઈ ભારતનું આર્થિક પાટનગર છે અને વિશ્વમાં ભારતના અર્થતંત્રને ત્રીજા સ્થાને પહોંચાડવા માટેનું પ્રિંગ બોર્ડ છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈના લક્ષ્યને સિદ્ધ કરવા માટે હવે મુંબઈનો વિકાસ ઝડપી બનશે તેમ કહી શકાય. મહાનગરના વિકાસમાં ભ્રષ્ટાચારની ભાગીદારી ઘણી રહી છે તેથી વિકાસનો ભોગ લેવાયો છે. હવે વિકાસ ભ્રષ્ટાચાર મુક્ત બનશે - બનાવાશે એવી આશા છે પણ જવાબદારી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની રહેશે. મહાનગરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણા સુધારા થયા છે. પાતાળ-ભૂગર્ભથી લઈને ગગન-આકાશના માર્ગ વિકસ્યા છે પણ ભૂમિ-જમીન ઉપર ખાડા પુરાયા નથી. મુંબઈને સિંગાપોર અને શાંઘાઈ બનાવવાના સ્વપ્ન બતાવનારા અત્યારે ધોળા દિવસે આકાશમાં તારા-િસતારા જોતા હશે! પણ હવે મુંબઈ-બૉમ્બેથી વધુ વિકસિત બને તે લક્ષ્ય છે.

મુંબઈનો વિકાસ મહારાષ્ટ્ર અને રાષ્ટ્ર માટે નમૂનારૂપ બનશે. મહારાષ્ટ્રનાં અન્ય 28 નગરો પણ મિની મુંબઈ જેવાં બને તો મહારાષ્ટ્રની કાયાપલટ-કાયાકલ્પ બનાવી શકાશે અને તેની સીધી અસર મહારાષ્ટ્ર અને રાષ્ટ્રના રાજકારણ ઉપર પડશે. દેવેન્દ્રનું નામ યોગી આદિત્યનાથ સાથે આવશે અને ભાજપ ઉપરાંત અન્ય શાસિત રાજ્યોમાં પણ વિકાસની ભૂખ તીવ્ર બનશે. આ એક સ્વપ્ન નથી. વાસ્તવિક વિકાસનું ચિત્ર છે.

મુંબઈના અર્થતંત્ર સાથે રાજતંત્રમાં પણ સુધારો-પરિવર્તન થવાનો અવકાશ અને આશા છે. મહારાષ્ટ્રની 29 નગરપાલિકાઓમાંથી 24 ઉપર ભાજપ અને સાથી પક્ષોનું પ્રભુત્વ હોય ત્યારે ભાજપની જવાબદારી વધી જાય છે. કસોટી છે - રાષ્ટ્રમાં પણ ભાજપના ભાવિ ઉપર પ્રભાવ પાડી શકે છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈનો વિકાસ મંત્ર ગાજે અને સુધારા એક્સપ્રેસ સમગ્ર ભારતમાં ધસમસતી દોડશે તો વિશ્વમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત થશે.

મહાનગરપાલિકાઓનાં પરિણામે મહારાષ્ટ્રના રાજકારણમાં ચાણક્ય ગણાતા શરદ પવારને મોટો આઘાત આપ્યો છે. તેમના માટે ગઢ ગેલા અને સિંહ પણ ગેલા જેવો ઘાટ છે. હવે એમની રાજકીય કારકિર્દી ત્રિભેટે છે. ચૂંટણી પહેલાં ભત્રીજા અજિત પવારે ચરણસ્પર્શ કર્યા પણ પગ નીચેથી જાજમ અને ધરતી પણ ખસી ગઈ છે.

ઠાકરેબંધુઓ વીસ વર્ષે અબોલા તોડીને ભેગા થયા પણ રાજ ઠાકરેના કારણે ઉદ્ધવને લાભ થયો કે ગેરલાભ? હવે શરદ પવાર પણ અજિતને સ્વીકારે? મહારાષ્ટ્રના રાજકારણમાં ચૂંટણીની ચર્ચા દરમિયાન રાષ્ટ્રવાદી કૉંગ્રેસની ‘એકતાનો મુદ્દો હતો. મોટા ઉદ્યોગપતિનો અભિપ્રાય અને આગ્રહ હોવાનો ઉલ્લેખ પણ હતો. અજિત પવાર મહારાષ્ટ્ર સંભાળે અને સુપ્રિયા સુળે રાષ્ટ્રીય તખતા ઉપર રહે એવી ફૉર્મ્યુલા છે. શરદ પવાર આખરે નરેન્દ્રભાઈ અને એનડીએમાં જોડાય એવી આશા ઘણાને છે ગમે તેમ પણ હવે મહારાષ્ટ્ર વિધાનસભાની તથા લોકસભાની ચૂંટણી સુધીમાં રાજકારણ અને રાજકીય સંબંધ બદલાશે એમ લાગે છે.

મહારાષ્ટ્રની મહાપાલિકાઓમાં કૉંગ્રેસને 315 બેઠકો મળી છે તો તેનાથી ચાર ગણી ભાજપે મેળવી છે અને એકનાથ શિંદેસેનાને 395 મળી તેનાથી ભાજપને ત્રણ ગણી વધુ મળી છે. આમ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે વિરોધ પક્ષ કૉંગ્રેસ હશે. શરદ પવાર અને અજિત પવાર ભેગા થાય તો પણ કાંઈ વળશે નહીં.

મહારાષ્ટ્રમાં મુખ્ય બે પ્રાદેશિક પક્ષ હતા - અખંડ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને સંયુક્ત શિવસેના. આ બન્ને પ્રાદેશિક પક્ષો રાજકારણમાં ચૂંટણીની ચાવી ગણાતા હતા. હવે બેમાંથી ચાર બન્યા પછી પણ એમની લોકપ્રિયતા અને શક્તિ ક્ષીણ થઈ ગઈ છે. ઉદ્ધવસેનાએ મરાઠીભાષી વિસ્તારોમાં સારો દેખાવ કર્યો હોવા છતાં રાજ્યભરમાં શિંદેસેનાના હાથમાં નામ અને નિશાન છે.

મહારાષ્ટ્રમાં શરદ પવારને આઘાત લાગ્યો છે અને કૉંગ્રેસ પક્ષ ઘાયલ થયો છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં બેઠકો ઘટી છે. રાજ ઠાકરેના કારણે મહારાષ્ટ્ર વિકાસ આઘાડીનો મોરચો છોડીને અલગ થયા પછી હવે મોરચામાં પાછા જોડાય તો પણ નાક કપાયું છે. હવે માન-પાન નહીં મળે! ઉપરાંત કૉંગ્રેસે મુસ્લિમ વોટ ગુમાવ્યા છે! ઉદ્ધવ ઠાકરે અને ઓવૈસી વચ્ચે વહેંચાયા છે. ઓવૈસીના પક્ષ અૉલ ઈન્ડિયા મજલિસ-એ-ઈન્તેહાદુલ મુસલમીન અઈંખઈંખને 29 નગરપાલિકાઓમાં કુલ 95 બેઠકો મળી છે. સંભાજીનગરમાં ભાજપ પછી બીજા નંબરે 24 ઉમેદવાર જીત્યા છે! અને હવે જોરમાં છે. તેથી કૉંગ્રેસને નુકસાન કરશે.

મહારાષ્ટ્રના મુસ્લિમ વોટની અસર ઉત્તર પ્રદેશમાં પણ પડશે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવની ચિંતા શરૂ થઈ છે.

મહારાષ્ટ્ર પછી હવે કેરળ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ વિધાનસભાઓ ઉપર નજર છે. કૉંગ્રેસના નેતાઓ તૃણમૂલ કૉંગ્રેસ સાથે ‘સમજૂતીમૈત્રી કરાર કરવાની તૈયારીમાં હતા પણ હવે વાટાઘાટની શક્તિ અને શક્યતા ઘટી છે.

ભાજપને હટાવવા માટે કૉંગ્રેસે ઈન્ડિ. મોરચો ઊભો કર્યો પણ આ માંચડાના પાયામાં જ ખરાબી હતી. મહારાષ્ટ્રમાં મોરચો ડગી ગયા પછી હવે તેનું ભાવિ શું? રાહુલ ગાંધીની નેતાગીરી અને વડા પ્રધાનપદનું દિવાસ્વપ્ન સાકાર કરવા માટે મોરચો હતો અને પ્રાદેશિક પક્ષોના નેતાઓ પોતાના સ્વાર્થ ખાતર જોડાયા હતા. પ્રદેશવાદનો લાભ પરિવારવાદને મળવાની આશા હતી પણ હવે મહારાષ્ટ્રના પરિવારવાદને જાકારો આપ્યો છે ત્યારે રાષ્ટ્રકારણ - રાષ્ટ્રવાદનો જયજયકાર થાય તેવી આશા-િવશ્વાસ જાગે છે...