• ગુરુવાર, 08 જાન્યુઆરી, 2026

વિજયનું વર્ષ

જેલોકો ભૂતકાળ ભૂલે નહીં અને વાગોળ્યા કરે તો ભવિષ્ય ઘડી શકે નહીં, ઉજ્જવળ બનાવી શકે નહીં આ સનાતન સત્ય છે, નિયમ છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સામે જોઈને ભવિષ્ય નિર્માણ કરવામાં માને છે. અલબત્ત, ભૂતકાળ ભૂલ્યા નથી પણ રાષ્ટ્રના અનુભવથી ભવિષ્ય સુધારી રહ્યા છે. ઈશુનું નવું વર્ષ 2026 ભારત માટે સલામતી અને વિકાસનું બની રહે એવી આશા - વિશ્વાસ સાથે શરૂ થાય છે. આંતરરાષ્ટ્રીય તખતા ઉપર ડામાડોળ સ્થિતિ છે. સંજોગ અને સંબંધ બદલાઈ રહ્યા છે. આપણા પાડોશી દેશોમાં પણ અરાજકતા અને અશાંતિ છે ત્યારે ભારત આ સ્થિતિમાં સલામત અને વિકાસશીલ છે. ભારતનું અર્થતંત્ર સાબૂત છે. વડા પ્રધાન મોદીએ સુધારાની ગાડી વધુ ગતિશીલ બનાવવાની ઘોષણા કરી છે. અર્થતંત્ર મજબૂત અને ભારતની સેના સશક્ત-સાવધાન હોવાથી આપણો આત્મવિશ્વાસ વધે છે અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ ઝડપી બની રહ્યું છે. વિદેશી આર્થિક-વ્યાપારી પડકાર અને પાડોશી દેશની ધમકીઓમાં - સ્વદેશી વિપક્ષો સૂર પુરાવી રહ્યા છે પણ જનતા મોદીને સમર્થન વધારી રહી છે. નક્સલવાદ અને ઘૂસણખોરીનો અંત લાવવાની ઘોષણા નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે કરી છે તે સિદ્ધ થતાં આર્થિક વિકાસ હરણફાળ ભરશે એવો વિશ્વાસ આપણને પણ છે.

ઈશુના વીતેલા વર્ષની સમસ્યાઓ અને પડકારોનો સફળ પ્રતિકાર કરીને આગળ વધી રહ્યા છે. સૌથી મોટો પડકાર અમેરિકાએ ટેરિફ રેટ - ભારતથી આયાત થતા માલ ઉપર પચાસ ટકા જકાત નાખીને વ્યાપાર - યુદ્ધ શરૂ કર્યું તે છે. આ જકાત - વધારામાં અર્થકારણથી વધુ ભૌગોલિક `રાજકારણ' છે. રશિયાથી ક્રૂડ અૉઇલની આયાત આપણા માટે અનિવાર્ય છે પણ રશિયાને `પાઠ' ભણાવવા ભારતને `સજા' કરી! આપણે ઠંડા દિમાગથી આફતને અવસરમાં પલટી નાખવાની શરૂઆત કરી. યુરોપિયન યુનિયન સાથે અને અન્ય દેશો સાથે દ્વિપક્ષી વ્યાપાર કરાર શરૂ કર્યા. આપણા નિકાસ વ્યાપાર માટે નવી દિશાઓ ખૂલી. સૌથી મોટો લાભ આપણા અર્થતંત્રને મળી રહ્યો છે. ભારતે વિશ્વ અર્થતંત્રમાં ત્રીજું મહત્ત્વનું સ્થાન મેળવ્યું છે અને જાપાનથી આગળ નીકળ્યું છે!

આ દરમિયાન વડા પ્રધાને આર્થિક સુધારાની ગાડી રિફોર્મ એક્સ્પ્રેસ-ની ગતિ વધારી છે. નિયંત્રિત અર્થતંત્ર હવે મુક્ત બની રહ્યું છે તેનો અર્થ `િનરંકુશ' નથી, ડીકન્ટ્રોલ નથી. પણ જૂના-પુરાણા કાયદા રદ થાય છે અને વ્યાપાર - ઉદ્યોગ સાથે સહયોગ સરળ બનાવાય છે. અણુશક્તિના ક્ષેત્ર વિદેશી ખાનગી કંપનીઓ માટે ખોલવામાં આવ્યું છે. ઉચ્ચ શિક્ષણ અને વીમા - ઇન્સ્યોરન્સમાં પણ આવકાર્ય છે. જીએસટીમાં સુધારા થયા છે અને સતત સમીક્ષા થઈ રહી છે. કામદાર ધારાઓમાં સુધારાનો તખતો તૈયાર થયો છે. ઉદ્યોગપતિઓ અને કર્મચારીઓ વચ્ચે સમતુલા જાળવવાની ખાતરી અપાઈ છે. આ મહત્ત્વના સુધારાઓના પરિણામે વિદેશી મૂડીરોકાણ વધવા પામશે અને રોજગાર પણ વધશે.

વિશ્વમાં બદલાતા સંજોગો અને સંબંધને અનુરૂપ થવા માટે અર્થતંત્ર મુખ્ય છે અને સમૃદ્ધ - આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આર્થિક સુધારા પણ અનિવાર્ય છે.

વિશ્વની આ સ્થિતિ અને બદલાતા રાજદ્વારી સંબંધમાં ભારતે સ્વદેશનાં સલામતી અને સન્માન જાળવ્યાં છે. રાજદ્વારી સમતુલા પણ જાળવી છે. આપણા પાડોશી દેશ - નેપાળ અને બાંગ્લાદેશમાં સરકારો સત્તાભ્રષ્ટ થયા પછી હિંસાચાર વધ્યો છે. અનિશ્ચિતતાનો અંત 2026માં આવશે એવી આશા રાખીએ પણ બાંગ્લાદેશમાં હિન્દુવિરોધી પ્રચાર કરાવ્યા પછી પાકિસ્તાન ઇતિહાસ બદલવા માગે છે. હવે આગામી ફેબ્રુઆરીમાં ચૂંટણી પાર પડે અને અનિશ્ચિતતા દૂર થાય એવી આશા રાખીએ.

વ્યાપાર-યુદ્ધ, સાથે આપણે સરહદ ઉપર સજ્જ રહેવું જોઈએ અને સજ્જ તથા સાવધાન છીએ. પાકિસ્તાનને `અૉપરેશન સિંદૂર'થી યોગ્ય સજા કરવામાં આવી છે પણ પાકિસ્તાની `િફલ્ડ માર્શલ' મુનીર ભારત ઉપર આક્રમણ કરીને બદલો લેવા માગે છે. ત્યાંની આંતરિક સ્થિતિ ઊકળી રહી છે. અફઘાનિસ્તાન, બલૂચિસ્તાન દુશ્મન બન્યા છે તેથી લોકોનું ધ્યાન ભારત ભણી ખેંચવા માટે આતંકી હુમલા વધારે એવી શક્યતા છે.

પાકિસ્તાને બાંગ્લાદેશમાં ઇસ્લામના નામે ભારતવિરોધી ઉશ્કેરણી કરી છે. હવે આ વર્ષે બાંગ્લાદેશ અને નેપાળમાં પણ ચૂંટણી થનાર છે. નવી સરકારો આવે તે પછી રાજદ્વારી સંબંધ સુધરી શકશે એમ મનાય છે.

આપણા આંતરિક રાજકારણમાં વિપક્ષો સતત પરાજય પછી વધુ બેજવાબદાર અને બેબાકળા બન્યા  છે. બિહારની ચૂંટણીમાં `વોટ ચોરી'ના હવાયેલા ફટાકડા ફોડયા પછી અને સંવિધાન બચાવો-ની કાગારોળ મચાવ્યા પછી નિરાશા મળી છે. હવે ફરીથી અૉપરેશન સિંદૂર અને યુદ્ધ વિરામનો વિવાદ છેડવાના પ્રયાસ થઈ રહ્યા છે. ટ્રમ્પ પછી ચીનના વિદેશપ્રધાને પણ દાવો કર્યો છે કે યુદ્ધ વિરામ અમે - (ચીને) કરાવ્યો છે! ભારતે ચોખ્ખો રદિયો આપવા છતાં પાકિસ્તાનમાં લોકપ્રિય બનવા માટે ચીને `માથું' માર્યું છે! તે સમજી શકાય પણ આપણા સ્વદેશી - કૉંગ્રેસી નેતાઓ ચીનના દાવા સાંભળીને ખુશીથી નાચી ઊઠયા છે! હજુ મોદીનો ખુલાસો માગે છે!

વિદેશી અને સ્વદેશી પડકારો - દબાણ વચ્ચે મોદી મક્કમ છે અને જનતાનું સમર્થન છે. હવે ચાર રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણી આવી રહી છે. આ પહેલાં મહારાષ્ટ્રમાં સ્થાનિક પંચાયતો વગેરેમાં ભાજપનો ઝંડો ફરકાવ્યા પછી મુંબઈ સુધરાઈની ચૂંટણી ઉપર સૌની નજર છે.

વર્ષ 2025માં દિલ્હી અને બિહાર વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી વર્ષ 2026 ચૂંટણીનું વર્ષ છે. એપ્રિલ અને મે મહિના દરમિયાન ચાર રાજ્યો - તામિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને આસામમાં વિધાનસભાઓની ચૂંટણી છે. આ ચાર રાજ્યોમાં માત્ર એક - આસામમાં અત્યારે ભાજપનું શાસન છે. મહારાષ્ટ્રમાં સ્થાનિક સંસ્થાઓ અને મુંબઈ સુધરાઈની ચૂંટણી ઉપર સૌની નજર કેન્દ્રિત થઈ છે. મહારાષ્ટ્રભરમાં ભાજપનો ઝંડો ફરકયા પછી હવે મુંબઈ ઉપર ઘણો આધાર છે. મહારાષ્ટ્રમાં વિપક્ષી ઇન્ડિ મોરચો વેરવિખેર છે અને રાષ્ટ્રીય કક્ષાએ રાહુલ ગાંધીની નેતાગીરીની નિષ્ફળતાની ચર્ચા છે. સંસદમાં એનડીએ સરકાર સલામત છે. હવે રાજ્યસભામાં 72 બેઠકો ખાલી થઈ રહી છે તેની ચૂંટણી થાય પણ ભાજપની સભ્ય સંખ્યા 103 છે તેમાં વધારો થશે.

ભારતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોની હકાલપટ્ટી અને માઓવાદી - નક્સલવાદીઓની બગાવત ખતમ કરવા માટે સરકાર દૃઢનિશ્ચયી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે સમયબદ્ધ ઘોષણા કરી છે.

આમ ઈશુનું નવું વર્ષ 2026માં સમૃદ્ધ અને આત્મનિર્ભર ભારત નિર્માણના વિશ્વાસ સાથે શરૂ થાય છે તેને સહર્ષ આવકારીએ. માત્ર હેપી નહીં સફળ વર્ષ, વિજયોત્સવ બની રહે એવી અભ્યર્થના.

ઈશુના વીતેલા વર્ષની સમસ્યાઓ અને પડકારોનો સફળ પ્રતિકાર કરીને આગળ વધી રહ્યા છે. સૌથી મોટો પડકાર અમેરિકાએ ટેરિફ રેટ - ભારતથી આયાત થતા માલ ઉપર પચાસ ટકા જકાત નાખીને વ્યાપાર - યુદ્ધ શરૂ કર્યું તે છે. આ જકાત - વધારામાં અર્થકારણથી વધુ ભૌગોલિક `રાજકારણ' છે. રશિયાથી ક્રૂડ અૉઇલની આયાત આપણા માટે અનિવાર્ય છે પણ રશિયાને `પાઠ' ભણાવવા ભારતને `સજા' કરી!