• મંગળવાર, 14 મે, 2024

સરકાર તમામ મુદ્દે ચર્ચા કરવા તૈયાર

સોમવારથી સંસદના શિયાળુ સત્ર પૂર્વે સર્વપક્ષીય બેઠક મળી

નવી દિલ્હી, તા. 2 : કેન્દ્ર સરકારે શનિવારે જણાવ્યું હતું કે, અમે સંસદનાં શિયાળુ સત્રમાં તમામ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ. વિપક્ષને રચનાત્મક વલણ સાથે સહકાર આપવાની અપીલ પણ કરી હતી. સત્રથી પહેલાં યોજાયેલી સર્વપક્ષીય બેઠક બાદ સંસદીય કાર્યપ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, અમે વિપક્ષને ગૃહની કાર્યવાહી સુચારુ રીતે સંચાલિત થવા દેવાનો અનુરોધ કર્યો છે.

સરકારે વિપક્ષનાં સૂચનોને સકારાત્મકરૂપે સ્વીકાર્યાં છે. શિયાળુ સત્ર દરમ્યાન 19 વિધેયક અને બે નાણાકીય વિષય વિચારાધીન છે, તેવું તેમણે ઉમેર્યું હતું. પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, સંસદનું શિયાળુ સત્ર ચોથી ડિસેમ્બરથી શરૂ થઈને 22મી ડિસેમ્બર સુધી ચાલશે.

આ 19 દિવસમાં 15 બેઠક થશે. સત્રને ધ્યાનમાં રાખતાં સર્વપક્ષીય બેઠક લોકસભામાં ઉપનેતા અને સંરક્ષણપ્રધાન રાજનાથસિંહના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી.

બેઠકમાં 23 પક્ષના 30 નેતા સામેલ થયા હતા. સરકાર પાસે શિયાળુ સત્રના સંબંધમાં ઘણાં સૂચનો આવ્યાં છે, તેવું જોશીએ જણાવ્યું હતું. સર્વપક્ષીય બેઠકમાં રાજનાથ ઉપરાંત, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, અર્જુન રામ મેઘવાલ, કોંગ્રેસ નેતા જયરામ રમેશ, તૃણમૂલ કોંગ્રેસ નેતા સુદીપ બંદોપાધ્યાય સહિત અનેક નેતા સામેલ થયા હતા. રાજ્યસભામાં વિપક્ષના ઉપનેતા પ્રમોદ તિવારીએ કહ્યંy હતું કે, વિપક્ષે કેટલાક મુદ્દા પર ચિંતા દર્શાવી છે, જેમાં ચીનનો ભારતીય  જમીન પર કબજો, મણિપુર હિંસા, મોંઘવારી, ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ જેવા મુદ્દા સામેલ છે. બસપા સુપ્રીમો અને પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ દેશમાં જાતિ આધારિત વસ્તીગણતરી કરાવવાની માંગ વધુ એકવાર કરી હતી.