• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

પાકિસ્તાનમાં ખંડિત જનાદેશ : અપક્ષ વડા પ્રધાન બનશે?  

ઈસ્લામાબાદ, તા. 10 : પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામ જાહેર કરવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે ખંડિત જનાદેશ આવ્યો છે. ખિચડી સરકાર રચાવાની અને કોઈ અપક્ષ ઉમેદવાર વડાપ્રધાન બને તેવી સંભાવના વચ્ચે પૂર્વ વડાપ્રધાન-જેલમાં બંધ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઇએ 170 બેઠક સાથે સરકાર રચવા દાવો કર્યો છે. પાર્ટીના ચેરમેન ગૌહર ખાને એલાન કર્યું કે ઈમરાન ખાન પાકિસ્તાનના આગામી વડાપ્રધાન નક્કી કરશે. 

બીજી તરફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પીટીઆઇની જીત સામે કોર્ટે ચઢયા છે. ચૂંટણીમાં ઈમરાન સમર્થિત અપક્ષોના પ્રચંડ વિજયને તેમણે કોર્ટમાં પડકાર્યો છે. જો કે તેમણે પણ પોતાની પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભર્યાનો દાવો કર્યો છે. 

પાકિસ્તાન તહરીક--ઈન્સાફના સુપ્રીમો ઈમરાન ખાનની બહેન અલીમા ખાને ચૂંટણી પરિણામ બાદ આશંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાનની સેના જેલમાં બંધ તેમના ભાઈ ઈમરાન ખાનની હત્યા કરાવી શકે છે. અલીમાએ દાવો કર્યો કે ઈમરાન ખાન ચૂંટણી જીતી ચૂક્યા છે અને જેલમાં તેમના જીવ ઉપર જોખમ છે. સામાન્ય ચૂંટણીમાં ઈમરાન સમર્થકોએ 99 બેઠક જીતી છે અને બે તૃતિયાંશ બહુમત પીટીઆઇ પાસે હોવાનો તેમણે દાવો કર્યો હતો. પીટીઆઇ સમર્થકોએ અનેક શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શન યોજ્યું છે.