• બુધવાર, 15 મે, 2024

ક્ષય રોગ અને કુષ્ઠ રોગના દરદીઓને શોધી કાઢવા પાલિકાની સોમવારથી વિશેષ ઝુંબેશ

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 18 : મુંબઈ મહાનગરપાલિકા ક્ષેત્રમાં વર્ષ 2025 સુધી ક્ષય રોગ (ટીબી) અને વર્ષ 2030 સુધી કુષ્ઠ રોગ (લેપ્રેસી) જેવા રોગને પૂર્ણપણે નાબૂદ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ અંતર્ગત પાલિકાના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા 20મી નવેમ્બરથી છઠ્ઠી ડિસેમ્બર દરમિયાન વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવવાની છે. પાલિકાના કર્મચારીઓ ઘરે ઘરે જઈને આરોગ્ય તપાસ કરીને ક્ષય રોગ અને કુષ્ઠ રોગના નવા દરદીની શોધ કરીને તાત્કાલિક સારવાર આપશે. મળતી માહિતી અનુસાર પાલિકાના કર્મચારીઓ આશરે 10.88 લાખ ઘરના 49 લાખ નાગરિકોની તપાસ કરશે. આ માટે મુંબઈમાં 3,117 ટીમ બનાવવામાં આવી છે તેઓ ઘરે ઘરે જઈને તપાસ હાથ ધરશે. 

આ ઝુંબેશ અંતર્ગત મળી આવતા નવા દરદીની નોંધ લેવામાં આવશે અને દરદીને પાલિકાના નજીકના આરોગ્ય કેન્દ્ર, દવાખાના અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. તે બાદ આરોગ્યની તપાસ અને સારવાર વિના મૂલ્યે કરવામાં આવશે એવું પાલિકાના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું. મુંબઈમાં ક્ષય રોગ માટે 211 આરોગ્ય કેન્દ્ર અને 186 પાલિકાના દવાખાના, 16 જનરલ હૉસ્પિટલ, પાંચ મેડિકલ કૉલેજ અને 200 આપલા દવાખાના કાર્યરત છે. મલ્ટિ ડ્રગ રેઝિસ્ટંટ ધરાવતા ક્ષય રોગના દરદીઓ માટે મુંબઈમાં 27 ડીઆર ટીબી સારવાર કેન્દ્ર કાર્યરત છે. તેમાં સાત ડીઆર ટીબી કેન્દ્ર ખાનગી છે. 

ટીબીના તમામ દરદીને પૌષ્ટિક આહાર માટે આર્થિક મદદ મળે તે માટે સારવાર દરમિયાન પાલિકા તરફથી રૂા. 500 દરદીના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવે છે, એવું સાર્વજનિક આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. દક્ષા શાહે જણાવ્યું હતું. 

કુષ્ઠ રોગના પ્રકારના હિસાબે છ 

મહિનાથી એક વર્ષ સુધી સારવાર આપવામાં આવે છે અને મોટા ભાગના દરદીઓ સાજા થઈ જાય છે. આ રોગ માટેની દવાઓ પણ પાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર, દવાખાના તથા એક્વર્ત પાલિકા કુષ્ઠ રોગ હૉસ્પિટલમાં વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવે છે. તેથી કુષ્ઠ રોગના લક્ષણો દેખાય તો તાત્કાલિક પાલિકાને સંપર્ક કરીને યોગ્ય ઉપચાર લેવો જોઈએ.