• મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

દાદર સ્ટેશનમાં પ્લૅટફૉર્મ નંબર અને ટ્રેનોના ટાઈમટેબલ બદલાશે  

મુંબઈ, તા. 16 : મધ્ય રેલવેના દાદર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર એકની પહોળાઈ વધારવાનું કામ શરૂ કરવામાં આવતાં પ્લેટફોર્મ નંબર બેને બંધ કરવામાં આવશે. કામ પૂર્ણ થતાં બે મહિનાનો સમયગાળો લાગશે અને ત્યારબાદ મધ્ય અને પશ્ચિમ રેલવેના દાદર સ્ટેશન પરના તમામ પ્લેટફોર્મના નંબર બદલાવાના નિર્ણયને અમલમાં મૂકાશે.

મધ્ય અને પશ્ચિમ રેલવેના પ્લેટફોમ ક્રમાંકને લઈને પ્રવાસીઓને થતી મૂંઝવણને ખતમ કરવા માટે રેલવે પ્રશાસન દ્વારા પ્લેટફોર્મના નંબરને એકથી 15 નંબર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના પ્લેટફોર્મ નંબરમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે પરંતુ મધ્ય રેલવેના પ્લેટફોર્મ નંબરને બદલવામાં આવશે. પ્લેટફોર્મ એકના વિસ્તરણ બાદ બીજા નંબરનું પ્લેટફોર્મ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ થશે નહીં, એવું મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

દાદર સ્ટેશન પર પ્લેટફોર્મના વિસ્તરણ તથા પ્લેટફોર્મના નંબરને બદલવાનું કામ હાથ ધરવામાં આવતાં લોકલ ટ્રેનોના ટાઈમટેબલમાં પણ અમુક મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. તેથી ડાઉન લાઈનથી દાદર સુધી અપ લાઈન પર દોડતી લોકલને પરેલથી રવાના કરવામાં આવશે.