મુંબઈ, તા. 29 : `મહારાષ્ટ્ર ભૂષણ' પુરસ્કારની જેમ રાજ્ય સરકાર દ્વારા `મહારાષ્ટ્ર ઉદ્યોગરત્ન' પુરસ્કાર આપવામાં આવશે અને આ પહેલો પુરસ્કાર વરિષ્ઠ ઉદ્યોગપતિ રતન તાતાને આપવામાં આવશે, એવું મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે ગુરુવારે વિધાન પરિષદમાં જાહેર ર્ક્યું. મહારાષ્ટ્ર ઉદ્યોગરત્ન એવૉર્ડ સાથે યુવાન, મહિલા અને મરાઠી ઉદ્યોગપતિઓને પણ એવૉર્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવશે, એવું તેમણે ઉમેર્યું. મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન આપવાની દૃષ્ટિથી ઉદ્યોગોને તમામ પરવાનગી એક જ જગ્યાએથી આપવા માટે સ્થાપવામાં આવેલા `મૈત્રી' સેલની કામગીરીમાં સુધારો કરનારો મહારાષ્ટ્ર ઉદ્યોગ વેપાર અને રોકાણ સુવિધા ખરડો ગુરુવારે વિધાન પરિષદમાં મંજૂર કરવામાં આવ્યો. છેલ્લા 11 મહિનામાં મહારાષ્ટ્રમાં 1,18,422 કરોડ રૂપિયાનું સીધું વિદેશી રોકાણ મેળવનારું મહારાષ્ટ્ર દેશનું પહેલા ક્રમાકનું રાજ્ય બન્યું છે. છેલ્લા કેટલાક સમયમાં ઉદ્યોગધંધાઓ રાજ્યની બહાર શા માટે ગયા, એ સંદર્ભે આ અધિવેશનમાં શ્વેતપત્રિકા રજૂ કરશે, એવું પણ તેમણે જણાવ્યું.