• મંગળવાર, 14 મે, 2024

સત્તામાં બે પક્ષને સામેલ કરીને ભાજપ રમી રહ્યું છે મોટી ગૅમ  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલી ઊથલપાથલ વચ્ચે ખાતાં વહેંચણી દરમિયાન ઘણાં અગત્યનાં ખાતાઓ અજિત પવાર જૂથના વિધાનસભ્યોને ફાળવવામાં આવ્યાં હતાં. તેમાં સૌથી મલાઈદાર ખાતું અજિત પવારને સોંપવામાં આવ્યું હતું. બીજી જુલાઈએ અજિત પવાર સહિત આઠ વિધાનસભ્યે પ્રધાનપદના શપથ લીધા બાદ નાણાખાતાને લઈને શિંદે જૂથના વિધાનસભ્યો અસ્વસ્થ હતા. દેવેન્દ્ર ફડણવીસ પાસે રહેલા નાણાખાતાને અજિત પવારને સોંપવામાં આવે એવી માગણી કરવામાં આવતા શિંદે જૂથના વિધાનસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. ભાજપના વિધાનસભ્યો પણ તિજોરીની ચાવી એનસીપીના હાથમાં આવે એવું નહોતા ઈચ્છતા. મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળમાં શિવસેનાના વિધાનસભ્યોએ નાણાપ્રધાન અજિત પવાર પર વિધાનસભ્યોનાં ભંડોળ રોકવાનો આરોપ લગાવીને બળવાખોરી કરી હતી. આવી સ્થિતિમાં સૌથી વધુ 105 વિધાનસભ્યો ધરાવતો ભાજપ પક્ષ શિવસેના અને એનસીપીનો નાનો ભાઈ શા માટે બની રહ્યો છે? એવો સવાલ સૌકોઈનાં મનમાં ઉદ્ભવી રહ્યો છે.

લોકસભા ચૂંટણી જીતવાનું ભાજપનું લક્ષ્ય

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બેઠકોના મામલે ઉત્તર પ્રદેશ બાદ 48 બેઠક ધરાવતું મહારાષ્ટ્ર બીજું મોટું રાજ્ય છે. ભાજપે લોકસભા ચૂંટણી માટે 45 બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આટલી સીટ જીતવી એ શિંદે-ભાજપ ગઠબંધન માટે અઘરું લાગી રહ્યું હતું. મહાવિકાસ આઘાડીને સૌથી વધુ લોકસભા અને વિધાનસભાની સીટ મળશે એવું કેટલાંક સર્વેક્ષણમાં સ્પષ્ટ થતાં ભાજપે પોતાનો સિક્કો ઉપર રાખવા માટે મહાવિકાસ આઘાડીને નબળી પાડવાની શરૂઆત કરી. થોડા સમય પહેલાં થયેલી પેટા ચૂંટણીમાં શિંદે જૂથને લીધે ભાજપને ખાસ ફાયદો થયો નહોતો. આ ઉપરાંત પંચાયતની ચૂંટણીમાં પણ એમવીએને બેઠકો મળી રહી હતી. ભાજપ સૌથી મોટી પાર્ટી હોવા છતાં લોકસભાની ચૂંટણી માટે સહયોગીની જરૂર હતી, જે ભાજપની નૌકા પાર લગાવી શકે.

ભાજપ હાઈ કમાન્ડ સાથે સીએમ શિંદેની નિકટતા

સીએમ શિંદે અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહના સંબંધો સારા થઈ રહ્યા હોવાથી શિંદે ભાજપના વિધાનસભ્યોને વધુ મહત્ત્વ આપતા બંધ થઈ ગયા હતા. જ્યારે એકનાથ શિંદેએ એક જાહેરાતમાં નરેન્દ્ર મોદી સાથેની તસવીર છાપતાં આ બાબત પ્રકાશમાં આવી હતી. ખાસ વાત એ હતી કે દેવેન્દ્ર ફડણવીસને આ પોસ્ટરમાં સામેલ ન કરાતા શિંદે અને ફડણવીસના સંબંધોમાં ખટાશ આવી હોવાની ચર્ચાઓ પણ થઈ રહી હતી. જાહેર કાર્યક્રમોમાં પણ ફડણવીસ શિંદેને નજરઅંદાજ કરતાં જોવા મળ્યા હતા. જોકે, બીજા જ દિવસે મુખ્ય પ્રધાનને પોતાની ભૂલ સમજાતા નવા પોસ્ટરમાં ફડણવીસને પણ સમાવી લેવામાં આવ્યા હતા.

એક તીર સે દો નિશાન

એનસીપીને સત્તામાં સહભાગી કરવા પાછળનો મુખ્ય હેતુ સીએમ શિંદે પર લગામ લગાવવાનો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું. શિંદે-ફડણવીસ સરકાર ત્યાં સુધી જ ટકી શક્ત જ્યાં સુધી એકનાથ શિંદે જૂથનું સમર્થન હોય. નોંધનીય છે કે શિંદે જૂથના વિધાનસભ્યોની માથે અપાત્રતાની તલવાર લટકી રહી છે. દરમિયાન જો તેમને અપાત્ર જાહેર કરવામાં આવે તો સરકાર પડવાની સંભાવના વધી જાત. એનસીપી સત્તામાં સામેલ થતાં ભાજપનો આ ડર ઓછો થઈ ગયો. આ સાથે શિંદે જૂથની વધી રહેલી તાકાત પર લગામ લગાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. શિંદે કૅમ્પ પાસે પણ ભાજપ સાથે રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોવાનું દેખાઈ રહ્યું છે.

શા માટે ભાજપે નમતું જોખ્યું?

ભાજપનું લક્ષ્ય હાલમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં વિજય હાંસલ કરવાનું છે. શિંદે કૅમ્પ અને ભાજપ વચ્ચે વધી રહેલા તણાવ અને સરકારના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે અજિત દાદા ઍન્ડ કંપનીને સામેલ કરવું જરૂરી બની ગયું હતું. અજિત પવારે ભાજપ સાથે કરેલી ડીલ દરમિયાન તેમણે જૂનાં ખાતાઓની માગણી કરી હતી, જેમાં નાણાખાતાનો પણ સમાવેશ થયો હતો. ભાજપે તેમની આ શરત માન્ય રાખી હતી. ઉદ્ધવ જૂથ અને એમવીએને સત્તાથી દૂર રાખવા માટે ભાજપે અને ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસને આ ત્યાગ કરવો જરૂરી બની ગયું હતું. રાજકારણમાં ભાજપને લાંબી રેસમાં ટકાવી રાખવા માટે ફડણવીસને ફાઈનાન્સ ઍન્ડ પ્લાનિંગ મિનિસ્ટ્રી અને ગૃહ નિર્માણ ખાતાનો ત્યાગ કરવો પડયો હતો.