• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

મહારાષ્ટ્રમાં 28 પ્રાથમિક અને 9 માધ્યમિક શાળાઓ ગેરકાયદે  

નવી મુંબઈ, તા. 10 : પનવેલ બ્લોક શિક્ષણ અધિકારીએ આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 અગાઉ રાજ્યમાં 28 પ્રાથમિક અને 9 માધ્યમિક શાળાઓને ગેરકાયદે જાહેર કરી હતી. ગયા વર્ષે ગેરકાયદે જાહેર કરાયેલી અંદાજે 9 શાળાઓની ફરીથી ખૂલવાની શક્યતા વચ્ચે તપાસ કરવામાં આવી રહી છે. આવી ગેરકાયદે સ્કૂલો પનવેલ સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન, સિડકોના કરાન્જાડે, ઉલ્વે અને અન્ય સ્થળો ખાતે જ્યારે અન્ય કેટલીક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહી છે. આમાંની કેટલીક શાળાઓ અંગ્રેજી માધ્યમની પણ છે. બ્લોક શિક્ષણ અધિકારી એસ. આર. મોહિતેએ આવી શાળાઓ પરવાનગી વગર ખોલવામાં આવી હોવાથી તેમાં પોતાનાં સંતાનોને દાખલ નહીં કરવાની અપીલ વાલીઓને કરી હતી.

નિયમ મુજબ શાળાઓ રાજ્ય સરકારની આગોતરી પરવાનગી લેવાની હતી, પરંતુ તેમ કરવામાં તેઓ નિષ્ફળ રહી હતી એટલે શાળાઓને શિક્ષણ વિભાગ દ્વારા ગેરકાયદે જાહેર કરવામાં આવી હતી. આવી ગેરકાયદે પ્રાથમિક શાળાઓ કે જેમના નામ જાહેર કરવામાં આવ્યા હતા તેમાં માર્શમેલોઝ ઇન્ટરનેશનલ સ્કૂલ ઍન્ડ નોલેજ તથા સ્ટેલે સ્કૂલ (ઓવે ગામ), અૉક્સફોર્ડ ઇંગ્લિશ સ્કૂલ (કલંબોલી), કેલ સેકર ઇંગ્લિશ સ્કૂલ (પચનાવ) રોહિન્જન ઇંગ્લિશ સ્કૂલ (રોહિન્જન), સીએસએમબી ઇન્ટરનેશનલ સ્કૂલ (ઉલ્વે) અને કોઠારી સ્કૂલ (કરાંજડે) વગેરેનો સમાવેશ થાય છે.

ગેરકાયદે માધ્યમિક શાળાઓમાં બુદ્ધિસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ (કરાંજડે), ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ (ઉલ્વે), ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ (કોપરા)નો સમાવેશ થાય છે. મોટા ભાગની શાળાઓ પનવેલ સુધરાઈના તળોજા- પંચનાડ વિસ્તારોમાં આવેલી છે.