હવે બિહારમાં આશા નથી ત્યારે
વડા પ્રધાન મોદીની
અપેક્ષા અને અનુરોધ હતો કે સંસદના સત્રમાં વિજયોત્સવ ઉજવાશે. અૉપરેશન સિંદૂરની સિદ્ધિ
- ફતેહ બદલ આપણી સેનાને અભિનંદન અને શાબાશી - અપાશે - એક મત અને મતિથી : પણ સત્રનો
આરંભ વિરોધ પક્ષોએ અમંગળ કર્યો! પહલગામ અને અૉપરેશન સિંદૂરની સફળતા સામે સવાલ અને શંકા
વ્યક્ત કરવામાં આવી. વડા પ્રધાન જ પ્રશ્નોના જવાબ આપે એવો હઠાગ્રહ થયો અને સંસદનાં
બન્ને ગૃહોમાં આ વિષયની ચર્ચા માટે કલાકો ફાળવાયા, વડ પ્રધાન હાજર રહેશે એવી ખાતરી
મળી તે પછી કૉંગ્રેસ, રાહુલ ગાંધીની નેતાગીરીમાં વિપક્ષોએ બિહારમાં મતદારયાદીની ફેરતપાસનો
વિરોધ કર્યો - સરકાર વોટ-ચોરી કરે છે એવો આક્ષેપ અને `લોકતંત્ર બચાવો'ની `રાજકીય લડત'
શરૂ થઈ છે. કૉંગ્રેસનો ઇન્ડિ - મોરચો તૂટી રહ્યો હતો તેને બચાવવા માટે હવે બિહારનું
બહાનું મળ્યું. આ સાથે રાજ્યસભાના અધ્યક્ષ - ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઓચિંતું
રાજીનામું આપ્યું તેની પાછળ `હાથ' કોનો હતો તે સૌકોઈ જાણે છે! હવે મોદી સરકાર સામે
નવેસરથી મોરચો મંડાયો છે. વિજય ઉત્સવને બદલે પરાજય બતાવવા માગે છે રાહુલ ગાંધી! દુનિયામાં
ભારતના નામે ડંકા વગડે છે ત્યારે ભારતમાં વિપક્ષો `ડાકલા' વગાડે છે! અૉપરેશન સિંદૂરના
જંગમાં મોદી સામે ફાવી નહીં શકાય - તેથી હવે બિહારના નામે - બહાને `લોકતંત્ર બચાવો',
બિહારમાં લાખો નકલી મતદારોનાં નામ રદ થયાં પછી હવે સત્તા મળવાની આશા નથી તેથી દ્રાક્ષ
ખાટી કહીને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી અપાય છે.
સંસદના શિયાળુ
- શીતકાલીન સત્રના આરંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષોને અનુરોધ કર્યો, સંદેશ
આપ્યો હતો કે આપણી વચ્ચે રાજકીય મતભેદ ભલે હોય પણ રાષ્ટ્રના હિતમાં દિલ તો મળવા જોઇએ.
`દેશ હિત મેં મન જરૂર મિલે' વડા પ્રધાનની રાષ્ટ્રહિતની આ ભાવના વિષે બેમત હોઈ શકે નહીં.
વિપક્ષોએ પહલગામના આતંકી હત્યાકાંડ અને અૉપરેશન સિંદૂર વિષે ચર્ચા કરવાની માગણી કરીને
સરકારને ભીંસમાં લેવાનો નિર્ણય કર્યો હોવાથી - અને વડા પ્રધાન જ નિવેદન કરે અને વિપક્ષોના
પ્રશ્નોના જવાબ આપે એવી માગણી કરી છે. સરકારે આ વિષયની ચર્ચા માટે સમય ફાળવ્યો છે અને
તમામ પ્રશ્નોના જવાબ આપવાની ખાતરી આપી છે પણ વડા પ્રધાન જ જવાબ આપે એવો હઠાગ્રહ, દૂરાગ્રહ
છે અને તેની પાછળ રાષ્ટ્રહિત નહીં, રાજકારણ છે. વડા પ્રધાને રાષ્ટ્રહિતમાં મનમેળ હોવાની
આશા વ્યક્ત કરીને વિરોધીઓને સંદેશ આપ્યો હતો પણ તે સંસદના ઝાંપા - દરવાજા સુધી જ પહોંચ્યો.
ગૃહના પ્રથમ દિવસથી જ ધાંધલ શરૂ થઈ અને કાર્યવાહી થઈ નહીં. અધૂરામાં પૂરું ઉપરાષ્ટ્રપતિ
- રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ઓચિંતું રાજીનામું આપતાં રાજકારણ વધુ ડહોળાયું!
વિપક્ષો પહલગામના
હત્યાકાંડની ચર્ચા કરીને - પ્રશ્નો - શંકા જગાવીને ગૃહપ્રધાન અમિત શાહ સામે તથા અૉપરેશન
સિંદૂરમાં વડા પ્રધાન મોદી સામે નિષ્ફળતાના આક્ષેપ કરવા માગે છે. પહલગામમાં આગોતરી
માહિતી મેળવવામાં આપણી ગુપ્તચર એજન્સીઓ નિષ્ફળ ગઈ હતી એવું નિવેદન જમ્મુ-કાશ્મીરના
રાજ્યપાલે કર્યા પછી વિપક્ષોને જાણે મસાલો મળ્યો છે. ગૃહપ્રધાન ઉપર નિષ્ફળતાનો આક્ષેપ
કરવા માટે આવી જ રીતે અૉપરેશન સિંદૂરમાં આપણા કેટલાં રાફેલ વિમાનો પાકિસ્તાને તોડી
પાડયા? તેવો પ્રશ્ન રાહુલ ગાંધી પહેલા દિવસથી જ, વારંવાર પૂછી રહ્યા છે. પણ આપણે પાકિસ્તાનને
કેટલું નુકસાન કર્યું તે ક્યારેય પૂછતા નથી! કારણ સ્પષ્ટ છે : રાહુલ ગાંધી બોફોર્સના
ભ્રષ્ટાચારમાં રાજીવ ગાંધી બદનામ થયા હતા. તેનો `બદલો' લેવા માગે છે. રાફેલના સોદામાં
`ભ્રષ્ટાચાર' પકડવા માટે પ્રયાસ કર્યા. પેરીસની ડેલીએ હાથ દઈ આવ્યા. નવી દિલ્હીમાં
સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા પણ ક્યાંય ફાવ્યા નથી. હવે ભ્રષ્ટાચાર નહીં તો પણ
રાફેલ વિમાનો સંરક્ષણ માટે નકામા છે એમ સાબિત કરવા માગે છે! પણ લડાઈમાં વિમાનો પડે,
સૈનિકો શહીદ થાય - તેનું રાજકારણ હોય નહીં, કરાય નહીં.
રાફેલ વિમાનો
તોડી પડયાંની માહિતી રાહુલ ગાંધીને ક્યાંથી મળી? કોણે આપી? જવાબ માગવો જોઇએ. પાકિસ્તાનને
ચીની શત્રો મળે છે અને સેટેલાઇટ મારફત આપણી હિલચાલની માહિતી પણ મળે છે પણ રાહુલ ગાંધીએ
મૈત્રીકરાર કર્યા હોવાથી મળી શકે? ટ્રમ્પે તો પાંચ જેટ તૂટયાની માહિતી હજુ હમણાં જાહેર
કરી છે.
યુદ્ધવિરામ બાબત
પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન ખુરશીદ મહમૂદ કસૂરીએ પણ કહ્યું છે કે બન્ને દેશોની
સામાન્ય સમજ કૉમનસેન્સથી થઈ છે. બન્નેને લાગ્યું કે ઘણું થયું. હવે બસ કરીએ.
યુદ્ધવિરામ પછી
નવી દિલ્હી સ્થિત સંસ્થા - `સેંટર ફોર પીસ ઍન્ડ પ્રોગ્રેસ' દ્વારા યોજાયેલા અૉનલાઇન
સેમિનાર માટે પાકિસ્તાની પૂર્વ વિદેશ પ્રધાન જોડાયા હતા અને એમણે આ નિવેદન કર્યું હતું!
રાહુલ ગાંધી
1962માં ચીની આક્રમણનો ઇતિહાસ જાણે છે? વાંચ્યો - કે સાંભળ્યો છે? આપણા કેટલા સૈનિકો
- હાથમાં જૂના-પુરાણા શત્ર લઈને ચીનનાં ધાડેધાડાં સામે લડયા અને શહીદ થયા. અમેરિકાએ
ચીનને - રૂક જાવ - કહ્યું હોત નહીં તો આસામ પણ આપણે ગુમાવ્યું હોત - કાશ્મીરનો પ્રદેશ
તો ગુમાવ્યો! બાંગ્લાદેશના વિજય પછી આપણા વિપક્ષી નેતા અટલ બિહારી વાયપેયીજીએ ઇન્દિરા
ગાંધીને `દુર્ગા માતા' કહીને નવાજ્યાં હતાં - આપણે કેટલાં વિમાન ગુમાવ્યા એવું પૂછયું
ન હતું!
વડા પ્રધાન મોદી
કહે છે, રાષ્ટ્રહિતમાં દિલ-હૃદય મળવા જોઇએ. મતભેદ હોય જ નહીં પણ વિપક્ષી નેતા સત્તાની
ખુરસીથી આગળ જોઈ શકતા નથી. આપણા સ્વદેશી શત્રોની કમાલ જોઇને વિશ્વના દેશો ડઘાઈ ગયા
છે પણ સ્વદેશી નેતાઓની આંખમાં ખૂંચે છે!
પાકિસ્તાન સાથે
યુદ્ધવિરામ શા માટે? ઇન્દિરા ગાંધી હોત તો કાશ્મીરી પ્રદેશ પાછો લીધો હોત - એવી ટીકા
અને બડાઈની વાતો થાય છે પણ 1971માં ઇન્દિરા ગાંધીએ શું કર્યું? સિમલા કરારમાં પાકિસ્તાની
ભુટ્ટો કેવા મૂરખ બનાવી ગયા? રાહુલ ગાંધીના કાનમાં કોઈએ કહેવું જોઇએ.
અમેરિકી ટ્રમ્પને
દુનિયા આખી ઓળખે - જાણે છે! પાકિસ્તાનની ખાનાખરાબી જોઇને સલાહ આપી - ભારતના પગ પકડો
અને આપણે લક્ષ્ય સિદ્ધ થયા પછી વિરામ માટે હા પાડી, પણ પૂર્ણવિરામ નથી - એમ સ્પષ્ટ
કર્યું. ટ્રમ્પસાહેબ રશિયા કે ઇઝરાયલને રોકી શકતા નથી અને શાંતિ નોબેલ એવૉર્ડ જોઇએ
છીએ! પાકિસ્તાની ફિલ્ડ માર્શલ પણ ટ્રમ્પને મળી આવ્યા. આજે પરિસ્થિતિ શું છે? યુદ્ધ
માત્ર રણમેદાનમાં જીતતા નથી - ડીપ્લોમસી પણ મહત્ત્વની છે. રાહુલ ગાંધી મોદીને ઉશ્કેરીને
ટ્રમ્પને રદિયો અપાવવા માગે છે. મોદીએ વારંવાર કહ્યું છે - કોઇનું દબાણ કે મધ્યસ્થી
ભારત સ્વીકારે જ નહીં. ટ્રમ્પ જેટલી વખત દાવા કરે એટલી વખત મોદીએ રદિયો આપવો જરૂરી
છે? ટ્રમ્પ સાથે પણ કળથી કામ લેવાય છે. મોહમ્મદ તુઘલકનો ઇતિહાસ પણ રાહુલ ગાંધી જાણતા
નહીં હોય!
વડા પ્રધાન મોદીએ
આશા વ્યક્ત કરી હતી કે આપણાં સશત્ર દળોનાં પરાક્રમ, સ્વદેશી શત્રોની સફળતાને સંસદ એક
અવાજે - સર્વાનુમતે બિરદાવે - જેથી સમગ્ર દેશવાસીઓને પણ પ્રેરણા મળે અને આત્મવિશ્વાસ
- જુસ્સો વધે. પણ વિપક્ષી નેતાઓનો જુસ્સો સત્તાની ખુરસી માટે છે, સીમિત છે.
અૉપરેશન સિંદૂરની
સફળતા સામે સવાલ ઉઠાવવા માટે વિરોધીઓએ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગણી કરી. પણ
પૂર્વ સંરક્ષણ પ્રધાન શરદ પવારે સ્પષ્ટ કહ્યું કે દેશહિતની માહિતી આ રીતે મગાય કે અપાય
નહીં. આખરે માગણી પડતી મુકાઈ. વડા પ્રધાન મોદીએ સર્વપક્ષી પ્રતિનિધિમંડળો વિશ્વમાં
મોકલીને પાકિસ્તાની આતંકવાદી ચહેરો બેનકાબ કર્યો. હવે તો અમેરિકા પણ પાકિસ્તાનને `આતંકવાદી'
કહેવા તૈયાર છે! પણ આપણા વિરોધ પક્ષોના નેતાઓ પાકિસ્તાનને આતંકવાદી કહેવા તૈયાર છે?