• મંગળવાર, 15 જુલાઈ, 2025

નિશાન હિન્દી ભાષા પર, નજર સુધરાઈ પર

મુંબઈ સુધરાઈમાં 1985થી શિવસેનાની બહુમતી રહી છે. 1992થી 1996 એકમાત્ર અપવાદ સિવાય સતત પચીસ વર્ષ સત્તા ભોગવ્યા પછી હવે આરપારની કસોટી છે: મુંબઈ સુધરાઈ ઉપર અંકુશ - સત્તા હોય તો રાજ્યમાં સત્તા મળી શકે છે! 

હારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે નિશાના ઉપર હિન્દી ભાષા છે પણ નેતાઓની નજર - નિગાહેં મહાનગર મુંબઈની સુધરાઈ ઇખઈ ઉપર છે! ગમે તેમ કરીને મુંબઈ સુધરાઈ - જે ભારતમાં સૌથી વધુ ધનાઢ્ય છે, વાર્ષિક બજેટ પચીસ હજાર કરોડથી પણ વધુ છે - તે હાથમાં આવવી જોઈએ. ભારતનું આર્થિક પાટનગર ગણાતા મુંબઈની સમૃદ્ધિ અજોડ છે અને તેની સત્તા મેળવવા માટે નેતાઓ આતુર છે.

મુંબઈ અને મહારાષ્ટ્રની અન્ય મહત્ત્વની સુધરાઈઓની ચૂંટણીમાં ઠાકરેબંધુઓનું શક્તિપરીક્ષણ અને લોકપ્રિયતાનો અંદાજ મળી જશે અને તે પછી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પણ ઠાકરેબંધુઓ સાથે રહીને લડશે. આ શક્તિ માપી લેવાનો અવસર છે. લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિ. જૂથના પક્ષો સાથે હતા અને વિધાનસભાની ચૂંટણીમાં અલગ - મહારાષ્ટ્ર વિકાસ આઘાડી - મોરચો થયો હતો. હવે સુધરાઈની ચૂંટણીમાં કોઈ મોરચાની જરૂર નથી. ઠાકરેબંધુ મોરચાના ઉમેદવારો જ હશે. મહારાષ્ટ્રભરમાં મિની ચૂંટણી - તમામ સુધરાઈઓ આવરી લેવાશે અને તેના ઉમેદવારો રાજ્યભરમાં ફરી વળશે જે જુવાળ વિધાનસભાની ચૂંટણી સુધી યથાવત્ રહેશે એમ મનાય છે. અલબત્ત, આ ચૂંટણી જીતવા માટે મરાઠી ભાષાનું શત્ર અમોઘ હોય એમ જણાય છે. હિન્દી ભાષા મહારાષ્ટ્ર ઉપર ઠોકી બેસાડવાનો વિરોધ ગણતરીપૂર્વક થયો છે. મુંબઈમાં હિન્દી ભાષી વોટ બૅન્ક ભાજપના હાથમાં છે તેની સામે આ મોરચો અનિવાર્ય છે!

શિવસેનાનો જન્મ અને વિકાસ - વ્યાપ 1960ના દાયકાઓમાં થયો તેમાં `ધરતીપુત્રો'ને અન્યાય થતો હોવાની ફરિયાદ અને `બહાર'થી આવનારા મુંબઈની સમૃદ્ધિમાં ભાગ પડાવે છે એવી ફરિયાદે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. તામિલ ભાષીઓ સામેના વિરોધ પછી 1980ના દશકમાં ઉત્તર ભારતીઓ - વિશેષ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોનો પ્રવાહ શરૂ થયો.

1956-57માં નેહરુએ ભાષાવાર પ્રાંત રચના કરી ત્યારે મહારાષ્ટ્ર - ગુજરાત બે અલગ રાજ્યો હતાં, પણ મુંબઈ બંને રાજ્યોનું દ્વિભાષી મહાનગર બન્યું તે સામે પ્રચંડ વિરોધ અને મુંબઈ સહ સંયુક્ત મહારાષ્ટ્ર રાજ્ય માટે આંદોલન સફળ થયું. આમ ભાષાવાદના રાજકારણની શરૂઆત ભાષાના આધારે રાજ્યોની રચના થઈ ત્યારથી થઈ છે.

મહારાષ્ટ્રમાં શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના અવસાન પછી ઉદ્ધવ રાજકીય વારસદાર બન્યા અને ભત્રીજા રાજ ઠાકરે છૂટા પડયા. રાજ ઠાકરે એમના કાકાની જેમ જોરદાર આક્રમક નેતા તરીકે જાણીતા છે પણ અલગ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બનાવ્યા છતાં - ચૂંટણીના રાજકારણમાં ફાવ્યા નથી. ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે સમજૂતી કર્યા પછી સત્તામાં આવ્યા પણ સત્તાની મુદતના પ્રશ્ને છૂટા પડયા અને તે પછી ચૂંટણીમાં ધારી સફળતા મળી નથી.

હવે લોકસભા અને રાજ્ય વિધાનસભા પછી એમની ત્રીજી કસોટી મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં છે. વાસ્તવમાં રાજકીય અસ્તિત્વનો સવાલ છે. એકનાથ શિંદેના હાથમાં પક્ષનું નામ - નિશાન હોવાથી તે અને સત્તા ફરીથી મેળવવી જરૂરી છે. રાજકારણમાં અસ્તિત્વ અનિવાર્ય છે. આ પરિસ્થિતિ સમજીને રાજ ઠાકરે સાથે સમાધાન થયું છે.

મુંબઈ સુધરાઈમાં 1985થી શિવસેનાની બહુમતી રહી છે. 1992થી 1996 એકમાત્ર અપવાદ સિવાય સતત પચીસ વર્ષ સત્તા ભોગવ્યા પછી હવે આરપારની કસોટી છે: મુંબઈ સુધરાઈ ઉપર અંકુશ - સત્તા હોય તો રાજ્યમાં સત્તા મળી શકે છે! આ વખતે મુંબઈ સાથે નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી, ઉલ્હાસનગર, નાસિક, સંભાજીનગર, ઔરંગાબાદ સહિત 28 સુધરાઈઓ-ની ચૂંટણી છે તેમાં શિવસેનાની એકતા અને શક્તિ સિદ્ધ થાય તો તેની અસર આગામી વિધાનસભાની ચૂંટણી ઉપર પડે. તેથી હવે જ શિવસેનાની એકતા ઉપર ભાર મુકાયો છે. બંને ભાઈઓ `સાથે' છે - અને રહી શકશે? એ પ્રશ્ન છે.

આ તબક્કે સુધરાઈના અર્થકરણ પછી રાજકારણ શરૂ થાય છે. મુંબઈ - મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતવા માટે સજ્જડ મુદ્દો હોવો જોઈએ. આ દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં ત્રીજી ભાષા તરીકે હિન્દીનું નામ અપાયું અને રાજ્ય સરકારે આદેશ બહાર પાડયો પણ પ્રાથમિક, પહેલા ધોરણથી હિન્દી ભાષા દાખલ કરવાની જરૂર ન હતી. પાંચમા ધોરણથી થઈ શકે, પણ હિન્દી મહારાષ્ટ્ર ઉપર ઠોકી બેસાડવામાં આવે છે એમ કહીને વિરોધ શરૂ થયો. હિન્દુત્વના પુરસ્કર્તા - બાળાસાહેબ હતા પણ ઉદ્ધવે ભાજપને છોડીને કૉંગ્રેસનો હાથ પકડયો ત્યારે એમના ઉપર ટીકા-પ્રહાર શરૂ થયા અને હિન્દુત્વના અભાવના કારણે ચૂંટણીમાં માર પડયો. હવે હિન્દી ભાષા - ભાજપના હિન્દુત્વને હરાવશે એવી ધારણા છે. મુખ્ય પ્રધાને ભાષાને લગતા આદેશ પાછા ખેંચી લીધા છે અને નિષ્ણાત સમિતિનો અહેવાલ - અભિપ્રાય માગ્યો છે. મરાઠી ભાષાનું ગૌરવ-સન્માન યથાવત્ હોવા છતાં હિન્દી ભાષા ઠોકી બેસાડીને મરાઠીનું અવમૂલ્યન થયાનો આક્ષેપ અને પ્રચાર થઈ રહ્યો છે. આમાં હિન્દી ભાષાનો કોઈ પ્રશ્ન નથી પણ મોદી - અમિત શાહ અને યોગી - ચૂંટણીમાં બાજી મારી જાય છે - તેનો પ્રતિકાર કરવા માટે ભાષાનું શત્ર હાથવગું બન્યું છે!

મુંબઈમાં આજે મરાઠી માતૃભાષા હોય તેવા લોકોની સંખ્યાનું જૂથ સૌથી મોટું છે તેના પછી હિન્દી, ઉર્દૂ અને ગુજરાતી આવે છે. મરાઠી ભાષિકોનો પ્રભાવ 2001થી 2011 દરમિયાન ઘટયો છે. મરાઠી માતૃભાષા છે એમ કહેનારાઓની સંખ્યા 45.24 લાખથી ઘટીને 44.04 લાખ થઈ હતી. ગુજરાતીઓની સંખ્યા પણ 14.34 લાખથી ઘટીને 14.28 લાખ થઈ હતી, જ્યારે હિન્દી ભાષિકોની સંખ્યા 25.82 લાખથી વધીને 35.08 લાખ થઈ હતી. ઉર્દૂ ભાષિકોની સંખ્યામાં આઠ ટકાનો ઘટાડો થયો હતો.

હિન્દી ભાષિકોની સંખ્યા વધુ હોવાથી ચૂંટણીમાં બિન-મરાઠી ઉમેદવારો જીતી જાય છે એવી ફરિયાદ પણ બરોબર નથી. મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠી સભ્યોની સંખ્યા વર્ષ 1978માં માત્ર 14 હતી, જે 2014માં વધીને 24 થઈ. 2019માં 26 અને 2024માં 24 છે.

હિન્દી ભાષા શીખવવાથી બિન-મરાઠી - ભાજપી ઉમેદવારો જીતી જાય છે એવી ફરિયાદ પણ બરાબર નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ મહારાષ્ટ્રની જાહેરસભાઓમાં - મરાઠીથી શરૂઆત કરીને હિન્દીમાં ભાષણ કરે છે અને શ્રોતાઓ સમજે છે - તાળીઓ પાડે છે.

મોદી કે અમિત શાહ મરાઠી ભાષાનું સન્માન કરે છે. અસ્મિતા સ્વીકારે છે. હજુ ગયા વર્ષે મરાઠી સાહિત્યકારોને આમંત્રીને મોદીએ મરાઠી સાહિત્યનો જે અદ્ભુત પરિચય આપ્યો તે સાંભળીને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મરાઠી ભાષાને ક્લાસીકલ લેંગ્વેજનો દરજ્જો આપીને સન્માનિત મોદીએ કરી તે ભૂલી ગયા? પણ આ રાજકારણ છે! ભાષા શાત્ર છે કે શત્ર?

હવે ચૂંટણીમાં મતદારોના ચુકાદા ઉપર આધાર છે પણ ભાષાના પ્રશ્ને હિંસાચાર થાય તો તેની અસર અવળી પડી શકે. પણ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના શરદ પવારે અલગ રહીને અંતર રાખ્યું છે, કારણ કે મુંબઈ સુધરાઈની સાથોસાથ બિહાર વિધાનસભાની ચૂંટણી પણ છે તેથી કૉંગ્રેસને હિન્દી વિરોધ પોષાય નહીં. અલબત્ત, મહારાષ્ટ્રની સુધરાઈઓની ચૂંટણીમાં રાહુલ ગાંધીના ઇન્ડિ. મોરચાની કોઈ ભૂમિકા - ભાગીદારી નથી. કૉંગ્રેસ અલગ ઉમેદવારો ઊભા રાખશે. શિવસેના અને મનસેનું જોડાણ થઈને એક બને છે કે પછી પોતાના અલગ અલગ ઉમેદવારો રાખે છે તે જોવાનું છે. અલગ હોય તો રાજ ઠાકરે વધુ બેઠકો માગશે અને જો સુધરાઈઓ - વિશેષ મુંબઈમાં - ઠાકરેબંધુ બહુમતી મેળવે તો પછી વિધાનસભાની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીના મોરચાની ભાગીદારી નહીં હોય.

એકનાથ શિંદેના હાથમાં અત્યારે શિવસેના છે તેથી ઉદ્ધવના નિશાના ઉપર છે. શિંદેને હરાવી શકાશે? પરિણામ પછી શિવસેનામાં પણ આયારામ-ગયારામ થશે અને બદલાયેલા ચિત્રમાં વિધાનસભાની ચૂંટણી થશે. ભાજપ માટે પણ હિન્દુત્વ અને હિન્દીના નામે કસોટી છે.