• રવિવાર, 06 જુલાઈ, 2025

ભારતને જોડવાનો પ્રયાસ કે તોડવાનો કારસો?

શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં ભંગાણ પડયા પછી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર બંને ઘવાયા છે અને હવે ‘બદલો’ લેવા તૈયાર છે. હવે મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં ભાષાનો મુદ્દો કેન્દ્રમાં હશે

લ્હાબાદ હાઈ કોર્ટે તાજેતરમાં એવી ટિપ્પણી કરી છે કે ‘ન્યાયતંત્રની સહનશીલતાના કારણે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં વધારો થઈ રહ્યો છે. 62 વર્ષની વયના એક શખસે ફેસબુક ઉપર પાકિસ્તાન ઝિંદાબાદનાં સૂત્ર પોકાર્યાં હતાં. પહલગામમાં ધર્મના આધારે થયેલા હત્યાકાંડ પછી તરત જ ઘટનાને સમર્થન આપતાં અન્સાર અહમદ સિદ્દીકીએ પાકિસ્તાન ઝિંદાબાદ કર્યા પછી તેની ધરપકડ થઈ હતી અને હાઈ કોર્ટમાં જામીનની અરજી કરી હતી તે નામંજૂર કરીને અદાલતે ટકોર કરી છે કે દેશવિરોધી આવા ગુના સામાન્ય થઈ પડયા છે કારણ કે ન્યાયતંત્ર ઉદાર છે અને આવા ગુનાઓ પ્રતિ સહનશીલ છે. આ પ્રસ્તુત કેસમાં ભારતીય સંવિધાનનું અપમાન છે અને રાષ્ટ્રને પડકાર છે. આ બેજવાબદાર, રાષ્ટ્રવિરોધી ગુના પછી તેને કાયદાનું રક્ષણ - જામીન આપવાનો પ્રશ્ન જ નથી.’

અલ્હાબાદ હાઈ કોર્ટની આ ટકોર મહત્ત્વની છે અને ન્યાયતંત્રે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. પહલગામની ઘટના અને અૉપરેશન સિંદૂર વખતે દેશભરમાં દેશભક્તિ જાગી હતી. વિપક્ષો - અપવાદ છતાં સરકારને સહયોગ આપવા જોડાયા હતા પણ આ પછી રાષ્ટ્રભાવના જાણે ઓસરી રહી છે અને સત્તાના રાજકારણમાં ફરીથી નકારાત્મક મુદ્દા આવી રહ્યા છે. વાતાવરણ ફરીથી ‘રાબેતા મુજબ’નું થઈ રહ્યું છે તેને ચૂંટણીની હવા લાગી છે! મુંબઈ સુધરાઈ હોય કે બિહાર વિધાનસભાની ચૂંટણી હોય - સ્થિતિ પાછી ‘હતા ત્યાંના ત્યાં’ છે અને આ વાતાવરણનો લાભ ઉઠાવવા દેશવિરોધી પરિબળો તૈયાર જ હોય છે - તેઓ જાણે છે કે રાષ્ટ્રીય એકતાની ભાવના ભુલાઈ રહી છે અને રાજકીય મતભેદ વધી રહ્યા છે!

દેશના દુશ્મન પણ આ તમાશો જોઈ રહ્યા છે. ચૂંટણીનું રાજકારણ આપણા લોકતંત્રની મર્યાદા છે. નેતાઓનાં વાણી-વર્તનમાં સંયમ નથી. આપણે ભૂલી ગયા છીએ કે હજુ દુશ્મન - મોકાની રાહ જુએ છે. પાકિસ્તાની ફિલ્ડ માર્શલ મુનીર એમના ગુમાન ઉપર પડેલા ઘાવ ચાટી રહ્યા છે. બદલો લેવાની પળ છે અને ચીન તેને પંપાળે છે. આપણી સેના સાવધાન છે પણ નેતાઓ ભારત - તોડો અભિયાનમાં પડયા છે! સિંધુનાં પાણીનો પ્રશ્ન - મુનીર માટે બહાનું છે. અત્યારે એમને વિરામનો સમય મળ્યો છે અને આપણા રાજકારણને પણ ચૂંટણીનો સમય મળ્યો છે.

બિહાર વિધાનસભાની ચૂંટણી ગાજે છે. સત્તા મેળવવા લાલુ પરિવાર - બેબાકળો બનીને પ્રચારમાં કોમવાદી ભાષણો કરે છે. વકફ પ્રૉપર્ટીના મુદ્દે કોરા ચેક જેવાં વચન આપે છે. પહલગામમાં ધર્મના નામે હત્યાકાંડ થયો - હવે બિહારમાં ધર્મના નામે ચૂંટણી લડાય છે! કોમવાદ સાથે જાતિવાદ જોડાયો છે. શરૂઆત ઉત્તર પ્રદેશથી થઈ રહી છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાત્રી હિન્દુરાષ્ટ્રનો પ્રચાર-સંદેશ આપે છે તેમની સામે યાદવ કથાવાચકનો મુદ્દો છે. યાદવ કથાવાચક ઉપર હુમલો કરનાર ‘હાથ’ કોનો હશે તે વિચારવાનો પ્રશ્ન છે પણ ઉત્તર પ્રદેશની જેમ બિહારમાં પણ યાદવ રાજનીતિ છે. તેથી યાદવ વોટ બૅન્ક હિન્દુથી અલગ પડીને સામે આવે એવી ગણતરી - વ્યૂહ હોઈ શકે છે. રાજકારણમાં કાંઈ અશક્ય નથી - હજુ ચૂંટણી નજીક આવે ત્યારે ઘણા ખેલ ખેલાશે!

મહારાષ્ટ્રમાં અચાનક હિન્દી ભાષા વિરોધ કેમ ભડક્યો? હિન્દુત્વ પછી હવે હિન્દી ભાષા ઉપર લક્ષ્ય છે. મૂળ તો મરાઠી ભાષાનું પ્રભુત્વ હોવું જ જોઈએ તે બાબત બેમત નથી, પણ નેહરુના સમયે ભાષાવાર પ્રાંત રચના વખતે મરાઠી ભાષા કેન્દ્રમાં હતી. મુંબઈ સાથે મહારાષ્ટ્ર રાજ્યની રચના થઈ તે પછી હવે મરાઠી ભાષા સુધરાઈ અને વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો હશે. શિવસેના અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં ભંગાણ પડયા પછી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર બંને ઘવાયા છે અને હવે ‘બદલો’ લેવા તૈયાર છે. વિશેષ કરીને મુંબઈમાં હિન્દી ભાષી લોકો ભાજપનું સમર્થન કરે છે તેને પહોંચી વળવા ઉદ્ધવ અને રાજ ઠાકરે ભેગા થયા છે. હવે મુંબઈ સુધરાઈની ચૂંટણીમાં ભાષાનો મુદ્દો કેન્દ્રમાં હશે, છે જ. કૉંગ્રેસ માટે કહેવાય નહીં અને સહેવાય નહીં એવી સ્થિતિ છે. મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સાથે રહે તો ઉત્તર ભારતમાં કૉંગ્રેસનો ‘ક’ નીકળી જાય અને સાથે રહે નહીં તો મહારાષ્ટ્રમાં સ્થાન રહે નહીં!

ભાષાના નામે રાષ્ટ્રની એકતામાં ભંગાણ પડે નહીં એની ચિંતા હોવી જોઈએ. મુખ્ય પ્રધાને હવે નિષ્ણાત સમિતિનો અહેવાલ આવ્યા પછી મરાઠીનું સન્માન-મહત્ત્વ ઘટે નહીં તે રીતે સમતુલા જાળવવી પડશે.

ભાષા ઉપરાંત ચૂંટણી પંચ સામે પણ આંગળી ચિંધાઈ રહી છે. વોટિંગ મશીન પછી મતદારોની સંખ્યા અને હવે મતદારોની આંગળીના ટેરવે ટપકું મૂકવા માટે વપરાતી શાહી સામે શંકાની આંગળી છે! ભૂતકાળમાં જનસંઘના નેતા બલરાજ મધોકે આક્ષેપ કર્યો હતો કે ઇન્દિરા ગાંધી રશિયાથી શાહી મગાવીને તરકટથી વોટ મેળવે છે!

ચૂંટણી ઉપરાંત વિવાદનો મુખ્ય મુદ્દો વકફ પ્રૉપર્ટીનો છે. મોદી સરકાર માટે અગ્નિપરીક્ષા છે. વિપક્ષી નેતાઓ આ મુદ્દો ચગાવે તે સ્વાભાવિક છે. બીજી બાજુ ઇમર્જન્સીમાં ઇન્દિરા ગાંધીએ સંવિધાનમાં સેક્યુલર અને સોશિયાલિસ્ટ બે શબ્દો ઉમેર્યા હતા તે રદ કરવાની માગણી સંઘ પરિવારે કરી છે. વાસ્તવમાં કાશ્મીરને -િવશિષ્ટ દરજ્જો આપતી કલમ રદ થઈ શકી છે તો આ બે શબ્દો કેમ નહીં? અને આ બંને શબ્દો ઉમેરવા પાછળ ઇન્દિરા ગાંધીનું રાજકારણ હતું. વોટ મેળવવા માટે જાત-પાતનો વિરોધ થયો અને ધર્મને પ્રાધાન્ય મળ્યું. ગરીબી હટાવવાના નામે સમાજવાદના નામનો ઉપયોગ થયો પણ ડૉ. મનમોહન સિંઘ અને નરસિંહરાવે આર્થિક સુધારા કર્યા ત્યારથી સમાજવાદ નામ ભુલાઈ ગયું છે તો તેની રદ કરવાની માગણી વાજબી છે. છતાં સેક્યુલરવાદનો દંભ ચાલુ રાખનારા આ મુદ્દાને હવે કોમવાદી રંગ આપે છે! હરિદ્વારથી કાવડયાત્રીઓ ગંગા જળ લઈને આવતા હોય તેના માર્ગમાં આવતી હૉટેલો ઉપર હિન્દુનામનાં પાટિયાં લગાવાય છે તેથી ધાર્મિક ભાવના દુભાય છે, ઘવાય છે એવી ફરિયાદ સાચી છે પણ લોકો અથવા સાધુ સંતો જાતે તપાસ કરવા નીકળે છે તેની સામે કોમવાદી ફરિયાદ ઊઠી છે. હવે એકમેક ઉપર અવિશ્વાસ વધી રહ્યો છે ત્યારે સામાજિક અજંપાની અસર રાજકારણ ઉપર પડે જ. અવિશ્વાસના વાતાવરણમાં ભારતની  ભાવાત્મક એકતા જોખમમાં છે - ભારત જોડવાનો દાવો કરનારા ભારત તોડવા નીકળ્યા છે. દુશ્મનના આક્રમણ વખતે લોકોએ એકતાની શક્તિ બતાવી છે. રાષ્ટ્રહિત વિરોધી પ્રચાર કરનારા નેતાઓને પાઠ ભણાવ્યો છે. હવે આજે દુશ્મન માથાં ઉપર છે ત્યારે સત્તા માટે એકતા તોડવા માગતા નેતાઓને જનતા જાકારો આપશે?