પૂણે, તા. 11: ઓસ્ટ્રેલિયાએ આઇસીસી ક્રિકેટ વિશ્વકપના એક બ્લોકબસ્ટર મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ બંગલાદેશને આઠ વિકેટે હરાવી દીધું છે. શનિવારે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં 307 રનના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયાએ 45મી ઓવરમાં પાર કરી દીધો હતો. વિશ્વકપના ઈતિહાસમાં ઓસ્ટ્રેલિયાનો આ સૌથી સફળ રન ચેઝ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલા જ સેમિફાઇનલમાં પહોંચી ચૂકી છે જ્યારે બંગલાદેશનું સેમિફાઇનલમાં પહોંચવાનું સપનું તૂટી ગયું છે.
ઓસ્ટ્રેલિયન ટીમની જીતનો હીરો મિચેલ માર્શ રહ્યો હતો. જેણે નોટઆઉટ 177 રન કર્યા હતા. માર્શે 132 બોલની ઇનિંગમાં 17 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. બંગલાદેશ સામે વિશ્વકપ મેચમાં આ કોઈ એક ખેલાડીનો હાઇસ્કોર છે. સ્ટિવ સ્મિથે મેચમાં 64 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી નોટઆઉટ 63 રન કર્યા હતા. સ્મિથ અને માર્શ વચ્ચે 175 રનની અતુટ ભાગીદારી બની હતી. ડેવિડ વોર્નરે પણ 53 રનની ઇનિંગ રમીને જીતનો પાયો નાખ્યો હતો જ્યારે ટ્રાવિસ હેડ માત્ર 10 રનમાં જ આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્ય પાર પાડયું હતું.
આ અગાઉ ટોસ હારીને બંગલાદેશ પહેલા બેટિંગ કરવા ઉતર્યું હતું. જેમાં તાંઝિદ હસન અને લિટન દાસ વચ્ચે અર્ધસદીની ભાગીદારી થઈ હતી. બન્ને ઓપનર 36-36 રન બનાવીને આઉટ થયા હતા. આ ઉપરાંત શાંતોએ 57 બોલમાં 45 રન કર્યા હતા. બંગલાદેશ તરફથી સૌથી વધારે રન તોહિદે કર્યા હતા. તોહિદે 79 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 74 રન કર્યા હતા. આ ઉપરાંત મહમદુલ્લાએ 28 બોલમાં એક ચોગ્ગો અને ત્રણ છગ્ગા સાથે 32 રન કર્યા હતા. આ ઉપરાંત મુશ્તફીકર રહીમ 21 રને અને મેહદી હસન મિરાજ 29 રને આઉટ થયા હતા. આ સાથે જ બંગલાદેશે નિયત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 306 રન કર્યા હતા. મેચમાં એબોટ અને જમ્પાને બે બે વિકેટ મળી હતી જ્યારે સ્ટોઇનિસે એક વિકેટ લીધી હતી. જ્યારે ત્રણ ખેલાડીઓ રનઆઉટ કર્યા હતા.