• શનિવાર, 27 એપ્રિલ, 2024

કોહલી અને સ્મિથ આમનેસામને : રોમાંચક બનશે ડબ્લ્યુટીસીની ફાઇનલ  

બન્ને ખેલાડીઓ પાસે રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડવાની તક : 12મી જૂને રિઝર્વ ડે

લંડન, તા. 3 : આઇસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલ મુકાબલામાં ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થવાનો છે. બન્ને ટીમો વચ્ચે આ મુકાબલો લંડનના ઓવલ મેદાન ઉપર સાતમી જૂનથી રમાશે. ભારતે ચાલુ વર્ષે થયેલી ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ટીમને 2-1થી હરાવી હતી. જેનાં કારણે હવે ભારતીય ટીમ નવા ઉમંગ સાથે મેદાનમાં ઉતરશે. જો કે ઓસ્ટ્રેલિયાની ટીમને ઇંગ્લેન્ડના ગ્રાઉન્ડમાં હરાવવી સરળ રહેશે નહીં. 

આ મુકાબલામાં બે ધુરંધર ઉપર સૌ કોઈની નજર રહેશે. જેમાં એક ભારતનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને બીજો ઓસ્ટ્રેલિયન ટીમનો પૂર્વ ઉપ કેપ્ટન સ્ટિવ સ્મિથ છે. ફાઇનલ મેચમાં કોહલી અને સ્મિથ પોતાપોતાની ટીમ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ બન્ને ખેલાડીઓ પાસે આ ફાઇનલ મુકાબલામાં એક મોટો રેકોર્ડ બનાવવાનો પણ મોકો છે. 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલી ટેસ્ટ મેચમાં સ્ટિવ સ્મિથ અને વિરાટ કહોલીનાં નામે 8-8 સદી છે. વર્તમાન સમયે બન્ને ખેલાડી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સદી કરવાના મામલામાં રિકી પોન્ટિંગ અને સુનીલ ગાવસ્કર સાથે સંયુક્ત રીતે બીજાં સ્થાને છે. તેવામાં કોહલી અને સ્મિથ પાસે પોન્ટિંગ અને ગાવસ્કરને પાછળ છોડવાની તક છે. 

ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સદી (11) કરવાનો રેકોર્ડ સચિન તેંડુલકરનાં નામે છે. વિરાટ કોહલીએ પોતાની અંતિમ ટેસ્ટ સદી ઓસ્ટ્રેલિયા સામે ચાલુ વર્ષે જ કરી હતી. કોહલી પાસે હવે સતત બીજી સદી કરવાની તક છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મુકાબલા માટે 12મી જૂને રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલમાં પહેલું અને ટીમ ઇન્ડિયાએ બીજું સ્થાન મેળવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. હવે ચાહકોને આશા છે કે ફાઇનલ મુકાબલો રોમાંચક બની રહેશે.