• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
ટીમ ઇન્ડિયાની ઘાતક બૉલિંગ : રાયપુરમાં જીત સાથે શ્રેણી ઉપર કબજો  
|

બીજી વન ડેમાં ન્યૂ ઝીલૅન્ડની આઠ વિકેટે કારમી હાર 

રાયપુર, તા. 21: ભારતે ન્યુઝિલેન્ડે રાયપુરમાં રમાયેલા શ્રેણીના બીજા વનડેમાં આઠ વિકેટે કારમી હાર આપી છે. મેચમાં જીત સાથે ભારતે ત્રણ વનડેની શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી છે. કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને ન્યુઝિલેન્ડને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. બાદમાં મોહમ્મદ શમીની આગેવાનીમાં ભારતીય બોલરોએ ઘાતક બોલિંગ કરી હતી. જેનાં પરિણામે કીવી ટીમ માત્ર 108 રનમાં સમેટાઈ હતી. એક સમયે ન્યુઝિલેન્ડે માત્ર 15 રનના કુલ સ્કોરે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં રોહિત શર્માની અર્ધસદીની મદદથી ભારતે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્ય પાર પાડયું હતું. આ જીત સાથે જ ભારતે સતત સાતમી ઘરેલુ શ્રેણી જીતી છે. ભારતીય ટીમ છેલ્લાં ચાર વર્ષમાં દેશમાં રમાયેલી એક પણ શ્રેણી ગુમાવી નથી. સાથે આ વન ડેમાં ભારતની સતત છઠ્ઠી જીત પણ છે.

રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉપરેલી કીવી ટીમ 34.3 ઓવરમાં 108 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. રાયપુરમાં રમાયેલા મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝિલેન્ડ ટીમ પત્તાના મહેલની જેમ વિખેરાઈ હતી. ન્યુઝિલેન્ડે નિરાશાજનક શરૂઆત કરી હતી અને નિયમિત સમયે વિકેટો ગુમાવી હતી. ઓપનર ફિન એલન શૂન્ય રને પહેલી  જ ઓવરમાં આઉટ થયો હતો. આ ઉપરાંત હેનરી નિકોલસ બે, ડેરિલ મિચેલ એક અને ડેવોન કોનવે સાત રને પેવેલિયન પરત ફર્યા હતા. ટોમ લાથમ 17 બોલમાં માત્ર એક જ રન કરી શક્યો હતો. આ માત્ર 15 રનના કુલ સ્કોરે ન્યુઝિલેન્ડની અડધી ટીમ આઉટ થઈ હતી.

ન્યુઝિલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધારે 36 રન કર્યા હતા. મિચેલ સેન્ટનરે 27 અને ગયા મેચના શતકવીર માઇકલ બ્રેસવેલે 22 રન કર્યા હતા. કીવી ટીમના આઠ બેટર બે અંક સુધી પણ પહોંચી શક્યા નહોતા. ભારત માટે મોહમ્મદ શમીએ સૌથી વધારે 3 વિકેટ લીધી હતી. હાર્દિક પંડયા અને વોશિંગ્ટન સુંદરને બે બે વિકેટ મળી હતી. આ ઉપરાંત મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવે એક એક વિકેટ લીધી હતી. જવાબમાં ભારતે 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને જરૂરી સ્કોર પાર પાડયો હતો. કેપ્ટન રોહિત શર્મા 48મી વન ડે અર્ધસદી કરીને આઉટ થયો હતો. રોહિતે શુભમન ગીલ સાથે 86 બોલમાં 72 રનની ભાગીદારી કરી હતી. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે હૈદરાબાદમાં રમાયેલા પહેલા મેચમાં કીવી ટીમને 12 રને હરાવ્યું હતું.