અખિલેશ સામે રાહુલની કસોટી
જો ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીનો ગજ વાગે નહીં તો રાષ્ટ્રમાં નબળા પડશે. આથી જ કૉંગ્રેસના નેતા કહે છે કે અખિલેશ પાછા ભાજપને બદલે કૉંગ્રેસને - રાહુલ ગાંધીને નિશાન ઉપર લેવા માગે છે! ટિકિટોમાં સમાધાન થાય તો પણ મન જુદા થઈ ગયા છે: એકબીજા ઉપર ભરોસો નથી
આગામી વર્ષે સાત રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણી છે તેનાં પરિણામ 2027માં લોકસભાની ચૂંટણી ઉપર અસર કરશે. જનતાની નાડ `પરખવા અને મિજાજ'નો અંદાજ મેળવવા માટે રાજ્યોમાં ચૂંટણી લોકસભાનું `ટ્રેઈલર' છે. લોકતંત્ર ખતમ થયું હોવાનો પ્રચાર અને બળાપો કાઢતા વિપક્ષી નેતાઓ હવે ચૂંટણી લડવા માટે તૈયાર છે. ઉત્તર પ્રદેશ અને પંજાબમાં મોરચા ગોઠવાઈ રહ્યા છે. વિપક્ષો - જાણે છે કે એમના અસ્તિત્વનો સવાલ છે અને ભાજપ - એનડીએ પણ સ્વીકારે છે કે કસોટી આકરી છે. જેન-ઝી - યુવાવર્ગના આંદોલન પછી રાજકારણ બદલાયું છે. છેલ્લાં કેટલાંક વર્ષમાં ચૂંટણી - રેવડી બજાર બની ગઈ છે. લોકશાહીનું સ્વરૂપ બદલાયું અને નાણાશાહી આવી ગઈ. હવે યુવાવર્ગ ઉપર સૌની નજર છે: નૂતન ભારતના નિર્માણમાં યુવાવર્ગની આશા - અપેક્ષા સંતોષવાના પ્રયાસ થઈ રહ્યા છે. બરાબર આ વખતે મોદી સરકારે સંસદમાં સંવિધાન સુધારા ખરડો ફરીથી રજૂ કરીને મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની મંજૂરી માગી છે. મોદી સરકારે નારી શક્તિને `ન્યાય' આપીને ભાજપ-એનડીએને શક્તિવાન બનાવવાનો નિરધાર કર્યો છે. આ ખરડાથી ચૂંટણીમાં રાજકારણમાં મોટું પરિવર્તન આવશે.
આ સંજોગોમાં આ ખરડાને મંજૂરી મળ્યા પછી મોદી - એનડીએને આગામી વિધાનસભાઓ અને 2029માં લોકસભાની ચૂંટણીમાં પણ લાભ મળશે. વિપક્ષો મહિલાઓને માસિક પેન્શન આપવાની જાહેરાતો કરે છે ત્યારે રાજકારણમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખીને એનડીએને વધુ રાજકીય લાભ મળશે અને આ પછી એક રાષ્ટ્ર એક ચૂંટણી પણ આસાન બનશે એવી ભીતિ વિપક્ષને છે. હવે ખરડાનો વિરોધ કરવામાં પણ જોખમ છે! રાજકીય શતરંજમાં મોદી રાહુલ ગાંધીની સામે સચોટ ચાલ ચાલ્યા છે.
સાત રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે શાસક અને વિપક્ષો સક્રિય બની રહ્યા છે. વિદ્યાર્થી આંદોલન અને કોક્રોચ પાર્ટી મેદાનમાં આવ્યા પછી ચૂંટણીના રાજકારણમાં યુવાવર્ગ ઉપર સૌનું ધ્યાન છે. ભાજપ-એનડીએની સરકારનું આગામી બજેટ પણ મહત્ત્વનો ભાગ ભજવશે. વડા પ્રધાન મોદીની સૂચનાથી નાણાપ્રધાન નિર્મલા સીતારામન બજેટમાં યુવા-લક્ષી અભિગમ રાખવાની તૈયારી કરી રહ્યા છે. ભૂતકાળમાં કેન્દ્ર સરકારના બજેટ સાથે રેલવે અને તાર-ટપાલ-પોસ્ટ વિભાગનાં અલગ બજેટ રજૂ કરવામાં આવતાં હતાં તે શિરસ્તો હવે બંધ થયો છે, પણ આ વખતે બજેટ સાથે યુવાવર્ગનું અલગ પૂરક બજેટ કરવાની વિચારણા છે. શિક્ષણ સુધારા અને વ્યવસાયી શિક્ષણ-તાલીમ ઉપર વધુ ધ્યાન અપાશે એમ લાગે છે. નાણાપ્રધાન સીતારામને `યુવાવર્ગ માટે બૅન્કિંગ'ની ઝુંબેશ શરૂ કરીને યુવાઓને આકર્ષિત અને પ્રભાવિત કરવા ઉપર ભાર મૂક્યો છે. કેટલાંક રાજ્યોમાં બેકારી-ના રાહત ભથ્થાં આપવાની શરૂઆત થઈ છે. ચૂંટણી પ્રચારમાં લેપટોપ અપાઈ રહ્યાં છે - હવે કેન્દ્રીય બજેટમાં નવી કલ્પનાશીલ જોગવાઈ આવશે એમ મનાય છે. કન્યા-મહિલાઓને નાણાકીય સહાય આપવાની શરૂઆત થઈ છે. તે અનુસાર ઉત્તરાખંડમાં મહિલાઓને માસિક વીસ હજાર રૂપિયા અપાશે. તેમાંથી દસ હજારનો પ્રથમ હપ્તો ડિસેમ્બરમાં આપવાની જાહેરાત થઈ છે. રાજ્યની છ લાખ મહિલાઓ માટે 1046 કરોડ રૂપિયા ફાળવાયા છે.
ઉત્તર પ્રદેશ, પંજાબ સાથે ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં પણ ચૂંટણી ઉત્સવ છે. જોકે, ઉત્તર પ્રદેશની અસર સીધી નવી દિલ્હી ઉપર પડે છે તેથી વિધાનસભાની 403 બેઠકોમાં બહુમતી કોને મળશે તેની ચર્ચા છે. ભાજપના મુખ્ય પ્રધાન યોગી લોકપ્રિય છે. જનકલ્યાણ, કાયદો વ્યવસ્થા સુધરી છે પણ જાત-પાત અને ધર્મવાદ મહત્ત્વનો ભાગ ભજવે છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ હવે રામ નામ - બોલવા લાગ્યા છે! સમાજવાદી પાર્ટી સાથે કૉંગ્રેસ મોરચો છે પણ ટિકિટોની વહેંચણીની વાટાઘાટ શરૂ થતાંવેંત ખેંચતાણ શરૂ છે. મહાભારત પહેલાં જ યાદવાસ્થળી શરૂ થઈ છે!
વિધાનસભાની 403 બેઠકોમાંથી માત્ર 26 બેઠકોની અૉફર સામે કૉંગ્રેસે જાહેરમાં યાદવ ઉપર પ્રહાર શરૂ કર્યા છે અને ઓછામાં ઓછી 103 બેઠકની માગણી મૂકી છે. કૉંગ્રેસી નેતા ઈમરાન કહે છે અમે ભિખારી નથી - રાહુલ ગાંધી સમાજવાદી પાર્ટીને વિજય અપાવે છે અને અખિલેશ યાદવને - મુખ્ય પ્રધાન બનાવવા અમે તૈયાર છીએ - પણ અખિલેશ પોતાની તાકાત ઉપર મુસ્તાક છે. ઓવૈસીએ ત્રીજો મોરચો ખોલ્યો છે પણ સમાજવાદી પાર્ટીના આઝમ ખાન જેલમાંથી મુક્ત થયા છે. તેમના ઉપર અખિલેશ મદાર રાખે છે! કૉંગ્રેસે અત્યાર સુધીની રાજ્યની ચૂંટણીઓમાં નામ અને નાક ગુમાવ્યાં છે તે હકીકત ઉપર સમાજવાદી પક્ષ જાહેરમાં ટીકા કરે છે!
આખરે કૉંગ્રેસ બાંધછોડ કરશે, એમ મનાય છે: કારણ કે અલગ રહે તો ભવિષ્ય નથી. અખિલેશ અને રાહુલ ગાંધીની સરખામણી થશે. બેમાં કોણ ચડે? જો ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીનો ગજ વાગે નહીં તો રાષ્ટ્રમાં નબળા પડશે. આથી જ કૉંગ્રેસના નેતા કહે છે કે અખિલેશ પાછા ભાજપને બદલે કૉંગ્રેસને - રાહુલ ગાંધીને નિશાન ઉપર લેવા માગે છે! ટિકિટોમાં સમાધાન થાય તો પણ મન જુદા થઈ ગયા છે: એકબીજા ઉપર ભરોસો નથી.
અખિલેશ યાદવ યુવાનો માટે વિનામૂલ્યે મેટ્રો પ્રવાસ જાહેર કરે છે. પિછડા - દલિત વર્ગને બે લાખ રૂપિયા સુધી મફત તબીબી સહાય અને મહિલાઓને વાર્ષિક ચાલીસ હજારનું પેન્શન - આ તો હજુ લહાણની શરૂઆત છે!
આર્થિક મોરચા ઉપરાંત ભાજપે રાજકીય મોરચે `િકલ્લાબંધી' શરૂ કરી છે. રાજસ્થાનમાં ગ્રામીણ ચૂંટણીમાં ભાજપને પછડાટ મળી છે અને કૉંગ્રેસ પાછી આવે છે - એવી છાપ પડી છે તે ભાજપ માટે ચેતવણી - એલાર્મ બેલ છે. પ્રાદેશિક પક્ષોનાં માન-સ્થાન જાળવવાં પડશે એમ લાગે છે. પંજાબમાં અકાલી દળ સાથે ચૂંટણી સમજૂતી થઈ છે. એનડીએમાં અકાલી દળ ફરીથી સામેલ થાય તે આગામી અન્ય રાજ્યોની ચૂંટણીમાં પણ વ્યૂહ હશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પંજાબની મુલાકાત લઈને આ `ગઠબંધન' કરીને જાહેર ઘોષણા કરી છે કે મુખ્ય પ્રધાન પણ `મોટા ભાઈ' અકાલી દળના હશે. આવી જાહેરાત - બાંયધરી આપીને એમણે મુખ્ય પ્રધાનપદના શક્ય વાદ-વિવાદને ટાળી દીધા છે: દરવાજા બંધ કરી દીધા છે. હવે ટિકિટોની વહેંચણીમાં પણ વિવાદ - ખેંચતાણ થવાની શક્યતા નથી.
પંજાબની સરખામણીમાં ઉત્તર પ્રદેશ ઉપર નજર રહેશે. `મોટા ભાઈ' અને મુખ્ય પ્રધાનપદનો પ્રશ્નો કે વિવાદ નથી પણ અન્ય નાના પ્રાદેશિક પક્ષોને મનાવી લેવા પડશે. વિપક્ષ - વિશેષ કરીને કૉંગ્રેસના નેતાઓ મહારાષ્ટ્રનું ઉદાહરણ આપીને નાના પક્ષોને ભડકાવે છે કે ભાજપ તમારાં સ્થાન છિનવી લેશે અને છવાઈ જશે - આ પ્રચાર સામે ભાજપે ``પાળ'' બાંધવી પડશે અને વિશ્વાસ મેળવવો પડશે. ભાજપ હવે માત્ર ઉત્તર ભારતનો પક્ષ નથી. રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલો પ્રભાવ અને સ્થાન જાળવી રાખવા માટે વડા પ્રધાનનું નામ-કામ મહત્ત્વનું છે પણ અન્ય પ્રાદેશિક પક્ષોને સાથે રાખવા અનિવાર્ય છે. બંગાળમાં સત્તા મેળવીને ભાજપે રાજ્ય કોમવાદથી બચાવી લીધું છે, પણ હવે ઉત્સાહ અને અહંકારના અતિરેકથી અન્ય લઘુમતીઓની હેરાનગતિ નહીં થવી જોઈએ. આવી ફરિયાદ ઊઠી છે અને તેની અસર અન્ય રાજ્યોમાં પ્રસરે નહીં તે જોવું પડશે.
ભાજપે પંજાબમાં પહેલ કરીને - પહેલો ઘા શૂરાનો બતાવ્યો છે. અકાલી દળ સાથે જૂના સંબંધ ફરીથી તાજા કરીને બાંધ્યા છે. 1977માં કેન્દ્રમાં પ્રથમ બિનકૉંગ્રેસી સરકાર આવી ત્યારે વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈએ બરનાલા અને પ્રકાશાસિંઘ બાદલ એમ બે અકાલી નેતાઓને પ્રધાનમંડળમાં લીધા હતા. શીખ-હિંદુ અલગ હોવાનું કોઈ માનતું ન હતું. મોરારજીભાઈએ બરનાલાને કૃષિ વિકાસની જવાબદારી સોંપી હતી અને ત્યારથી જનતા દળ, ભારતીય જનતા પક્ષ સાથે અકાલી દળના ગાઢ સંબંધ હતા.
વર્ષ 2020ના સપ્ટેમ્બરમાં આ સંબંધની `જોડી' તૂટી, કૃષિ કલ્યાણ માટેના ત્રણ મહત્ત્વના સુધારા સામે રાજકીય વિરોધ શરૂ થયો. હિંસાચાર અને અલગતાવાદ ફરીથી માથું ઊંચકે એવી આશંકા-શક્યતા હતી. દિલ્હીના લાલ કિલ્લા ઉપર ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન થયું. આંદોલનમાં ભારતવિરોધી - દુશ્મની તત્ત્વો ભળી ગયાં હતાં. વડા પ્રધાન મોદીની સ્પષ્ટ સૂચના - આદેશ હતો કે ગમે તેટલી ઉશ્કેરણી થાય તો પણ પોલીસે બળપ્રયોગ કરવો નહીં. આખરે કાયદા પાછા ખેંચાયા પણ પંજાબ બચી ગયું. દુશ્મનોની બાજી નિષ્ફળ ગઈ.
પણ ત્યારે અકાલી દળે ભાજપનો સાથ છોડયો. હવે વિરોધ પક્ષો ગ્રામીણ પંજાબીઓ, શીખોને ભૂતકાળ યાદ કરાવીને ભડકાવી રહ્યા છે. શિરોમણિ અકાલી દળમાંથી છૂટા પડેલા નેતાઓએ `વારિસ પંજાબ દે' પક્ષ શરૂ કર્યો છે, પણ તેનો ગજ વાગે એમ નથી. અકાલી દળ પણ હવે પંજાબમાં સર્વસમાવિષ્ટ - પંજાબ, પંજાબી અને પંજાબિયત સ્વીકારે છે.
હવે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ મોરચા છે. આમ આદમી, કૉંગ્રેસ અને અકાલી-ભાજપ. અકાલી દળ ગ્રામીણ અને ભાજપ શહેરી - વિસ્તારોમાં લોકપ્રિય છે. 2022 અને 2024માં અલગ ચૂંટણી લડીને બંને પક્ષોએ ભારે ખોટ ખમી હતી. છતાં 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વોટની ટકાવારી ડબલ - 18.56 થઈ હતી જ્યારે અકાલી દળની માત્ર 13.42 હતી. આ પછીનાં વર્ષોમાં ભાજપે શક્તિ વધારી છે. કૉંગ્રેસ છોડીને જાટ નેતાઓ ભાજપમાં જોડાયા છે. દલિત વર્ગની સંખ્યા પંજાબની વસતિમાં 32 ટકા છે. મોદી સંત નિરંજનદાસ અને સંત રવિદાસની 650મી જન્મજયંતી ઉત્સવમાં જોડાયા હતા. ``આપ''ની રાજ્ય સરકારે વસતિના 90 ટકા પરિવારોને પ્રતિમાસ 300 યુનિટ વીજળી વિનામૂલ્યે આપી છે. મહિલાઓને રાહતમાં નાણાકીય સહાય શરૂ થઈ છે - પણ પંજાબનો પ્રાણપ્રશ્ન નશાખોરી છે. અમિત શાહે ડ્રગ માફિયા ખતમ કરવાનું વચન આપ્યું છે.?