• રવિવાર, 15 નવેમ્બર, 2026

હવે ઈતિહાસની ચોરી?

લોકસભાની ચૂંટણી હજી દૂર છે પણ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માથા ઉપર ગાજે છે - અને સૌની નજર ઉત્તર પ્રદેશ ઉપર છે. ત્યારે રાજકારણમાં `મંથન' શરૂ થયું છે! લગભગ દરેક પક્ષમાં અવર-જવર - આયારામ-ગયારામ શરૂ થયું છે. યુવા વર્ગ - જેન-ઝી કદાચ `મનોમંથન'માં છે કે કયા પક્ષનો ભરોસો કરવો? અને કોણ એમના ઉપર ભરોસો કરશે? ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ હવે યોગી સામે રામભક્ત અને કૃષ્ણભક્તની ભૂમિકામાં છે! મુસ્લિમ વોટ ઉપર મદાર હતો પણ હવે ઓવૈસી ધાડ પાડી રહ્યા છે. એટલું જ નહીં, એમણે આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખર આઝાદ સાથે ત્રીજો મોરચો ઊભો કરી ચૂંટણીની તૈયારી શરૂ કરી છે - આમ નેતાઓ `બાજી' ગોઠવી રહ્યા છે ત્યારે મતદારોએ મન બનાવી લીધું હશે. મનોમન નક્કી કરી લીધું જ હશે. આ દરમિયાન સોનિયાજીના પુસ્તકે વાદ-વિવાદ શરૂ કર્યા છે! સ્વાભાવિક છે કે રાજકીય નેતાઓ પુસ્તક લખે તેમાં ચૂંટણી પ્રચાર માટે ઉપયોગી ઐતિહાસિક ઘટનાઓની માહિતી આપવામાં આવે પણ હવે તો `ઈતિહાસની જ ચોરી' થઈ રહી છે!

સોનિયાજીએ પુસ્તકમાં રાજકારણમાં કેવી રીતે આવ્યા અને વડા પ્રધાનપદ હાથવેંતમાં હોવા છતાં કેવી રીતે ગુમાવ્યું તેની માહિતી આપી છે પણ અધૂરી અને `એકતરફી' છે એમ કહેવું પડે. વાસ્તવમાં ઈમર્જન્સી પછી 1977ની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધીનો પરાભવ થયો ત્યારે સોનિયાજીને અસલામતીનો ભય હતો અને બાળકો સાથે ભારત છોડી જવા તૈયાર હતાં - પણ વિજયાલક્ષ્મી પંડિત અને નયનતારા સહગલે એમને સમજાવ્યાં કે ભારતમાં તેઓ સલામત છે. સત્તાપલટો પણ લોકતાંત્રિક છે, જવાબદાર વિપક્ષ છે... વગેરે - આવા અહેવાલની ચર્ચા જોરદાર હતી. પણ વડા પ્રધાન બન્યા પછી મોરારજીભાઈ જાતે ઈન્દિરા ગાંધીને મળવા એમના બંગલે ગયા હતા. લોકતંત્રમાં વિજય પછી પરાજિત નેતાને મળવાનો વિવેક મોરારજીભાઈએ દાખવ્યો હતો - સોનિયાજીએ આવી ઘટનાની નોંધ પુસ્તકમાં લીધી હોત તો વધુ યોગ્ય ગણાત. સોનિયાજીની ફરિયાદ છે કે મોદીએ એમના પ્રતિ વિવેક દર્શાવ્યો નથી!

ઈમર્જન્સી દરમિયાન થયેલા અત્યાચાર સંજય ગાંધીના કારણે થયા હતા અને રાજીવ ગાંધીએ અવારનવાર ઈન્દિરાજીનું ધ્યાન ખેંચવાના પ્રયાસ કર્યા હતા - એવો દાવો સોનિયાજીએ કર્યો છે તે સાચો, સ્વીકાર્ય લાગે છે. ઈન્દિરાજી ઘેરાઈ ગયાં હતાં અથવા લોકો ઉપર અત્યાચારથી મુંઝાયાં હોય એવું લાગ્યું હોવાનું પુસ્તકમાં નથી! 1980માં ઈન્દિરા ગાંધી ફરીથી સત્તા ઉપર આવ્યાં - સંજય ગાંધી વિમાન અકસ્માતમાં અવસાન પામ્યા ત્યારે રાજીવ ગાંધી ઉપર રાજકારણમાં જોડાવા દબાણ થવા લાગ્યું પણ સોનિયાજીએ જોરદાર વિરોધ કર્યો અને `ભારે દલીલબાજીના મહિનાઓ પછી મારે નમતું જોખવું પડયું' એમ સોનિયા ગાંધી લખે છે!

1984માં સુવર્ણ મંદિરમાં ભીંડરાણવાલેની ફોજ સામે બ્લુ સ્ટાર - લશ્કરી પગલું ભરવામાં આવ્યું તે પછી 31મી અૉક્ટોબર, 1984ના રોજ ઈન્દિરા ગાંધી ઉપર અંગરક્ષકોએ ભારે ગોળીબાર કર્યો અને ઈન્દિરાજીને લઈને સોનિયા ગાંધી હૉસ્પિટલ પહોંચ્યાં ત્યારે ભારે દુ:ખ અને આઘાત વચ્ચે રાજીવે કહ્યું કે વડા પ્રધાન બનવા માટે એમના ઉપર દબાણ છે ત્યારે `મેં હાથ જોડીને કહ્યું - ના પાડી દો... અસ્વીકાર કરો... અમને ડર હતો - ખાતરી હતી કે એમની પણ હત્યા થશે... છતાં એમણે જવાબદારી સ્વીકારી. શીખ વિરોધી હુલ્લડ થયાં તેમાં શાસન તંત્રની - સત્તામાં બેઠેલા સૌની નિષ્ફળતા, જવાબદારી હતી પણ હિંસા રોકવાનું શક્ય બન્યું નહીં.' (જોકે, રાજીવ ગાંધીએ કહ્યું હતું : મોટું વૃક્ષ પડે ત્યારે આસપાસની જમીન ધ્રૂજે...!! તેનું શું?)

સોનિયાજી લખે છે: જાહેર જીવનમાં આવ્યા પછી પારિવારિક સમય અને જીવનનો ભોગ લેવાય છે. રાજીવ સાથે પ્રવાસમાં જોડાયાં પણ બાળકોને સલામતીના નિયંત્રણમાં રાખવા પડયાં : પુસ્તકમાં `બોફોર્સ' તોપના સોદાનો ઉલ્લેખ છે: બચાવ કર્યો છે રાજીવની મનાઈ છતાં એજન્ટો આવ્યા - પણ રાજીવે ભ્રષ્ટાચાર કર્યો નથી! (સંસદીય કમિટી નીમવામાં આવી અને તત્કાલીન કૉંગ્રેસી નેતા - કર્ણાટકના બી. શંકરાનંદે અૉલ ક્લીયર રિપોર્ટ આપ્યા પછી `બોફોરાનંદ' બન્યા - આ બધી હકીકત છે તેનું શું? રાજીવ અને પરિવાર ઉપર ઈટાલિયન એજન્ટ ક્વોટ્રોચીના પારિવારિક સંબંધનો આક્ષેપ હતો.) અયોધ્યાના વિવાદમાં વાટાઘાટથી સમાધાન થવાની આશા હતી પણ રાજકીય આક્ષેપો અને મિત્રોએ છેહ દીધા પછી અમે જાણે એકલા પડી ગયા. (અરુણ નેહરુથી અરુણસિંહ અને અમિતાભ બચ્ચન દૂર થયા... દોસ્ત દોસ્ત ના રહા - આ અંગે સોનિયાજીએ માહિતી આપવાની જરૂર હતી.)

સોનિયાજીનો માન-મરતબો જળવાય તે સમજી શકાય છે. પણ એમણે નરેન્દ્ર મોદી માટે જે વિશેષણ વાપર્યાં છે તે કેમ ભુલાય? મૌત કા સોદાગરથી નીચ જાતિકા - કબ્ર તૈયાર હૈ, ચોકીદાર ચોર હૈ - ગણ્યા ગણાય નહીં - શબ્દકોષ ખાલી થઈ જાય. મોદીએ નામ પાડયા વિના જરૂર ટીકા પ્રહાર કર્યા છે પણ ભાષા ઉપર સંયમ જાળવ્યો છે.

સોનિયાજીના પુસ્તકમાં મહત્ત્વની રાજકીય ઘટનાઓનો અધૂરો અથવા સત્ય છૂપાવતો ઉલ્લેખ કર્યો છે! પારિવારિક બાબતોમાં મેનકા ગાંધીને નિશાના ઉપર લીધા છે: હવે મેનકા ગાંધી એમને જવાબ આપશે? આપવો જોઈએ, કારણ કે હકીકત જુદી છે. મેનકાને ઘર છોડવાની ફરજ પાડવામાં આવી અને બાળ-વરુણનો કબજો મેળવવા મધરાતે દરવાજા બહાર સત્યાગ્રહ કરવો પડયો હતો - મેનકા સંજય ગાંધીના ઘરત્યાગનાં કારણો આપીને વિગત આપવી જોઈએ.

બોફોર્સ તોપના સોદાનો ઈતિહાસ લખાઈ ચૂક્યો છે. રાજીવ ગાંધીનો હાથ ભ્રષ્ટાચારમાં નથી એવો દાવો છે પણ મનાઈ હોવા છતાં એજન્ટ - દલાલ - ઓટાવિયો ક્વોટ્રોચીની નિમણૂક થઈ કેવી રીતે? અને ભારતમાંથી પલાયન કેવી રીતે થયા? આ વિષયમાં લેખ અને પુસ્તકો લખાયાં છે, પણ એજન્ટ `નજીકના સંબંધી' હોવાથી સોનિયાજી વધુ વિગતે લખે નહીં તે સમજી શકાય. એમણે મિત્રો રાજીવને - અમને છોડી ગયા એમ લખ્યું છે, પણ શા માટે? અમિતાભ બચ્ચન સાથે સંબંધ તૂટવા પાછળ જ્યોતિષીની સલાહ હતી. બન્ને પરિવારોની પુત્રીઓનાં લગ્ન પ્રસંગે મનદુ:ખ થયું હતું - આમાં રાજકારણ નથી પણ `બચપન કે દોસ્ત' છૂટા પડે તે પારિવારિક ઘટના નોંધવી જોઈએ. બચ્ચને તો ટકોર પણ કરી હતી કે યહ લોગ તો રાજા હૈ - હમ તો છોટે આદમી... ઈન્દિરાજીની હત્યા પછી અલાહાબાદની બેઠક ઉપર બહુગુણાને હરાવીને રાજીવ ગાંધીને મદદ કરનારા - છોરા ગંગાકિનારેવાલા હતા. આ ઘટના એમને યાદ હશે? સોનિયાજીના પુસ્તકના વિવાદમાં બચ્ચન કોઈ અભિપ્રાય - પ્રત્યાઘાત નહીં આપે - આ એમનો વિવેક છે!

રાજીવ ગાંધીની હત્યાના સમાચાર પ્રિયંકાએ આપ્યા અને એમને વળગીને - પુત્રીના હાથમાંથી ફસડાઈ પડી... સલામતીની નિષ્ફળતા અને તે પછી હત્યાની તપાસમાં બેદરકારી હોવાનું કહે છે - એમનાં બહેને ઈટાલી પાછાં આવી જવા કહ્યું પણ મારા માટે અને બાળકોનો દેશ ઈન્ડિયા જ છે! વર્ષો પછી રાહુલ ગાંધીને પણ સલાહ આપી હતી કે સત્તા ઝેરનો પ્યાલો છે! પણ આજે કોઈ પૂછશે કે વડા પ્રધાન બનવા માગો છો? સમય-સંયોગો બદલાયા છે. હવે એમને વડા પ્રધાનપદે બેસાડવાની ક્વાયત ચાલે છે. પ્રિયંકા અને સોનિયાજી પણ સક્રિય છે!

બાળકોએ જ્યારે પૂછ્યું - તમે વડા પ્રધાન બનશો? ત્યારે એમણે સાફ ના પાડી! નોંધપાત્ર વાત એ છે કે રાજીવ ગાંધીની હત્યા કરનારા તમિલ ટાઈગર્સ હતા અને તામિલનાડુમાં ડીએમકે નેતા એમના સમર્થક હતા. હવે કરુણાનિધિ સાથે ચૂંટણી સમજૂતી કરવા સંવાદની જવાબદારી સોનિયાજીની હતી!

1999માં વાજપેયીજીની સરકારે માત્ર એક વોટથી લોકસભામાં સત્તા ગુમાવી તે પછી સોનિયાજી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં અને 272 સભ્યોનો ટેકો હોવાનો - અર્થાત્ વડા પ્રધાનપદનો દાવો કર્યો પણ રાષ્ટ્રપતિએ લેખિત - સમર્થનપત્રની માગણી કરી - આમાં કોઈ ભેદભાવ ન હતો - 1998માં વાજપેયીજી પાસેથી પણ લેખિત સમર્થનની માગણી થઈ હતી. આ વખતે સોનિયાજી લેખિત સમર્થન આપી શક્યાં નહીં - કારણ કે મુલાયમસિંહ યાદવ - વિદેશી મહિલાને વડા પ્રધાન બનાવવાનો વિરોધ કરતા હતા.

2004માં સોનિયાજીના સમર્થનમાં પત્રો ભેગા કરવામાં આવ્યા હતા પણ એમણે `ત્યાગ' કર્યો અને ડૉ. મનમોહન સિંઘને વડા પ્રધાન બનાવી પોતે સુપર પીએમ બન્યાં. રાષ્ટ્રીય સલાહકાર સમિતિનાં અધ્યક્ષ બન્યાં પણ `અૉફિસ અૉફ પ્રૉફિટ' હોવાથી વિવાદ થયો એટલે રાજીનામું આપ્યું. ડૉ. મનમોહન સિંઘે નિયમ બદલીને એમને ફરીથી અધ્યક્ષ બનાવ્યાં.આ રીતે સત્તાની રમત ચાલી હતી. રાહુલ ગાંધીએ સંસદ બહાર ભરસભામાં વડા પ્રધાન ડૉ. સિંઘનું અપમાન કર્યું હતું પણ વડા પ્રધાન સિંઘની મજબૂરી હતી!

કૉંગ્રેસની પડતી શરૂ થઈ અને ભાજપની ચડતી ઝડપી બની રહી હતી ત્યારે સોનિયા ગાંધીને એમ લાગ્યું કે ઈન્દિરાજી અને રાજીવ ગાંધીની જવાબદારી સંભાળવી જોઈએ. `ખાનગીમાં ભગવદ્ગીતાના વાચનથી ભય અને ફરજમાંથી માર્ગ સૂઝ્યો.' 1998માં કૉંગ્રેસની જવાબદારી સંભાળી. 1999માં સાથી પક્ષોમાં મૂકેલો વિશ્વાસ ભૂલ હતી. બહુમતી થઈ નહીં. વિદેશમાં જન્મ અને પડકારો - આક્ષેપોના કારણે રાજીનામું આપ્યું પણ કાર્યકરોના દબાણથી ફરી વખત જવાબદારી સંભાળી.

પુસ્તકમાં સોનિયાજી કહે છે: મેં પૂરતા પ્રયાસ કર્યા પણ જે પરિબળો સામે લડાઈ - સંઘર્ષ શરૂ કર્યો હતો તેમાં હું સફળ થઈ શકી નહીં...

પુસ્તકની આ વાર્તા હજુ અધૂરી છે...?!