વિપક્ષો હવે ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કહે છે કે અમે સત્તા-`રેજિમ પરિવર્તન' આ રીતે કરવા માગીએ છીએ, પણ વિપક્ષી એકતાની પરીક્ષા ચૂંટણીમાં થશે. જો ચૂંટણી દરમિયાન હિંસાચાર અને અરાજકતા ઊભી કરવાના પ્રયાસ થાય તો જનતા વિરોધ પક્ષોને નહીં સ્વીકારે
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિયેતનામની યાત્રાએ જતાં પહેલાં મોદી સરકારના છેલ્લા દિવસો ગણાઈ રહ્યા હોવાનું કહ્યું છે અને સંજય રાઉતે કહ્યું રાહુલજી સ્વદેશ પાછા ફરે કે તરત શાસનપલટો શરૂ થશે! સંજય રાઉતે યુરોપ-ફ્રાંસમાં યુવાઓના આંદોલનનો ઉલ્લેખ ર્ક્યો અને આલ્બેનિયામાં સુપ્રીમ કોર્ટ ઉપર હુમલો થયાના અહેવાલનો વારંવાર ઉલ્લેખ કરીને ભારતીય સુપ્રીમ કોર્ટને જાણે આડકતરી ધમકી આપી! આ પહેલાં પણ એમણે ન્યાયમૂર્તિઓ માટે અસભ્ય વિશેષણો વાપરીને માફી માગવી પડી હતી. કદાચ એમને શંકા છે કે ચુકાદો વિરુદ્ધમાં આવશે તેથી હવે આવી આડકતરી ધમકીઓ આપે છે! દેશભરમાં `જંતર-મંતર' વ્યાપક બનવાની, બાંગ્લાદેશનું પુનરાવર્તન થવાની અને શાસનતંત્ર બદલવાની ધમકી પણ અપાઈ રહી છે! આ લડાઈમાં `ઈમર્જન્સી'ની યાદ વારંવાર અપાઈ છે અને રેજિમ ચેન્જ-શાસનતંત્ર બદલાવવા માટે બાંગ્લાદેશ જેવા આંતરવિગ્રહ ખૂનખરાબા-અર્થાત્ ખૂનામરકી થવાનો-કે કરવાની ગર્ભિત ધમકી પ્રશાંત ભૂષણ-જાણીતા વકીલે આપી છે. તેઓ દેશમાં બળવો કરવા માગે છે, કે ક્રાંતિ? આ `નેતાઓ' દિલ્હીમાં હાથમાં તિરંગો લઈને રાષ્ટ્રપિતાની સમાધિ-રાજઘાટ ઉપર આંદોલનની શરૂઆત કરીને `બળવાખોર' બન્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે આંદોલન શરૂ કરનાર કોક્રોચ પાર્ટીના અભિજિત દીપકેના હાથમાં દોર હોય એમ લાગતું નથી. ડાબેરીઓ-અંતિમવાદીઓ હવે આગેવાની કરી રહ્યા છે.
અરાજકતા અને ખૂનખરાબી કરવાનો વ્યૂહ-વિચારધારા છતી થઈ ગઈ. પ્રશાંત ભૂષણે જાહેરાત કરીને કબૂલાત કરી પછી રાહુલ ગાંધી કે અન્ય કોઈ જવાબદાર નેતાએ રદિયો આપ્યો નથી, પણ ડેમેજ કંટ્રોલ કરવા માટે 1977નું ઉદાહરણ આપી રહ્યા છે કે સત્તા પરિવર્તન લોકતાંત્રિક ચૂંટણીથી થશે. વાસ્તવમાં વિપક્ષને વિજયનો વિશ્વાસ નથી. જનતાને વિરોધ પક્ષો ઉપર વિશ્વાસ નથી તેથી જ અરાજકતાનાં બણગાં ફૂક્યાં છે અને હવે ડેમેજ કંટ્રોલ કરવા ચૂંટણીની વાત કરે છે! મોદીએ જનતાનો વિશ્વાસ મેળવ્યો છે, ટકાવ્યો છે, સબ કા સાથ-વિશ્વાસ અને વિકાસની ખાતરી લઘુમતીઓને પણ થઈ છે: ગરીબી હટાઓ-ના માત્ર સૂત્ર અને વચન આપ્યાં નથી. વિપક્ષો પાસે આંદોલન અને અરાજકતા સિવાય કયો મુદ્દો છે?
વિરોધ પક્ષોને લોકતંત્રમાં વિશ્વાસ હોય તો સંસદમાં હો-હા અને બહિષ્કાર કરવાને બદલે સંવાદ માટે તૈયારી બતાવી હોત, પણ વિદ્યાર્થી આંદોલનને રાજકીય લડાઈનું સ્વરૂપ અપાયું છે. હવે ચૂંટણી ઉપર પણ ભરોસો નથી. છતાં લોકતાંત્રિક રીતે સત્તા મેળવાશે એવો બચાવ કરી રહ્યા છે. મતદારયાદીઓ પછી વોટિંગ મશીનો સ્વીકાર્ય નથી. ફરીથી મતપત્રકો આધારિત ચૂંટણીની માગ શરૂ થઈ છે. આ રીતે લોકોને ચૂંટણીમાં અને લોકશાહીમાં અવિશ્વાસ રહે તો અસ્થિરતા અને અરાજકતા સર્જાય ત્યારે વિરોધ પક્ષો તેનો પહેલો ભોગ બનશે.
વિપક્ષો હવે ડેમેજ કન્ટ્રોલ કરવા માટે કહે છે કે અમે સત્તા-`રેજિમ પરિવર્તન' આ રીતે કરવા માગીએ છીએ, પણ વિપક્ષી એકતાની પરીક્ષા ચૂંટણીમાં થશે. જો ચૂંટણી દરમિયાન હિંસાચાર અને અરાજકતા ઊભી કરવાના પ્રયાસ થાય તો જનતા વિરોધ પક્ષોને નહીં સ્વીકારે, ભારતમાં સંસદીય લોકશાહી અને આઝાદી બચાવવાની જવાબદારી આખરે નાગરિકો - લોકોની છે.
મુખ્ય પ્રશ્ન એ છે કે ભારતમાં શાસનતંત્ર કેવી રીતે બદલી શકાય? કોક્રોચના આગેવાનો કહે છે કે આજે દેશમાં 1975ની ઈમર્જન્સી જેવી સ્થિતિ છે! પણ આ લોકોએ પચાસ વર્ષ પહેલાંની ઇન્દિરા ગાંધીની ઈમર્જન્સી જોઈ નથી. જેન ઝી - ત્રીસ વર્ષ સુધીની વયના - યુવાવર્ગે ઈમર્જન્સીનો ઇતિહાસ જાણવો જોઈએ અને 1977માં સરકાર બદલાઈ તે સંજોગો પણ જાણવા જોઈએ. કારણો અને પરિણામ જાણવા જોઈએ.
1969માં શાસકપક્ષ કૉંગ્રેસમાં ભવ્ય ભંગાણ પડયું અને ઇન્દિરા ગાંધી વડા પ્રધાન બન્યાં ત્યારથી રાજકારણ બદલાયું. ભ્રષ્ટાચાર સામે લોકોએ અવાજ ઉઠાવ્યો. ગુજરાતમાં નવનિર્માણ આંદોલનના સૂત્રધાર વિદ્યાર્થી નેતાઓ જ હતા અને ભ્રષ્ટાચારી રાજ્ય સરકાર ગઈ. આંદોલન નવેસરથી ચૂંટણી માટે હતું. વિધાનસભાની નવેસરથી ચૂંટણી આપવાની ઇન્દિરા ગાંધીને ફરજ પડી. ગુજરાત પછી બિહારમાં લોકનાયક જયપ્રકાશ નારાયણે કૉંગ્રેસની ભ્રષ્ટાચારી સરકાર સામે આંદોલન શરૂ કર્યું. અમગ્ર દેશમાં અશાંતિ અને અજંપો હતો. આ દરમિયાન ઇન્દિરા ગાંધીએ લોકસભાની રાયબરેલી બેઠકની ચૂંટણીમાં સરકારી સાધનો વાપર્યાં હોવાથી મામલો કોર્ટમાં ગયો હતો તેનો ચુકાદો એમની વિરુદ્ધ આવ્યો. પણ સુપ્રીમ કોર્ટે વડા પ્રધાનપદે ચાલુ રહી શકે પણ લોકસભામાં વોટ આપી નહીં શકે એવો ચુકાદો આપ્યા પછી એમને હઠાવવાની જોરદાર માગ સાથે આંદોલન દેશભરમાં શરૂ થયું.
તત્કાલીન સમયમાં આંદોલનનું સ્થળ સંસદ ભવનની નજીક હતું. રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધી પથરાયેલા `રાજપથ'ની બન્ને બાજુએ વિશાળ મેદાન અને પાણીની નહેર હતી-તે `બોટ ક્લબ'ના મેદાનમાં સભાઓ ભરાતી હતી. જયપ્રકાશજીએ આ સ્થળે ભારે વિશાળ મેદનીને સંબોધતાં પોલીસ તથા સેનાને આહ્વાન કર્યું કે ઇન્દિરા સરકારના `ગેરબંધારણીય આદેશો'નો અમલ કરવો નહીં - ઇન્દિરા ગાંધી સામે બળવો પોકારવાનો આરોપ લાગ્યો-અને 1975ના 25મી જૂનની મધરાતે તમામ વિપક્ષી નેતાઓની ધરપકડ થઈ. આંતરિક કટોકટી-ઈમર્જન્સી જાહેર થઈ.
ઇન્દિરા ગાંધીએ સુપ્રીમ કોર્ટના ત્રણ સિનિયર ન્યાયમૂર્તિઓને હાંસિયામાં રાખીને `કહ્યાગરા-કમિટેડ' જજને ચીફ જસ્ટિસ બનાવ્યા હતા.
ઈમર્જન્સીના ઓગણીસ મહિના દરમિયાન નાગરિકોને સંવિધાને બક્ષેલા મૂળભૂત અધિકારો સસ્પેન્ડ કરવામાં આવ્યા. પ્રેસ સેન્સરશિપ લાદવામાં આવી. કિશોરકુમારે સંજય ગાંધીના કાર્યક્રમમાં ગીત ગાવાનો ઈનકાર કર્યો તેથી અૉલ ઇન્ડિયા રેડિયો-દૂરદર્શન ઉપર એમને બ્લૅકલિસ્ટ કરવામાં આવ્યા. સમસ્ત ભારત એક વિશાળ જેલ બની ગઈ, પત્રકારો અને ન્યાયાધીશો નિશાના ઉપર હતા. વિદેશી પત્રકારો દેશનિકાલ થયા અને ભારતીય પત્રકારો-ત્રણસોથી વધુ જેલમાં ગયા. સમગ્ર દેશમાં ભયનું વાતાવરણ હતું. કોઈ પોતાના સ્વતંત્ર વિચાર વ્યક્ત કરવા તૈયાર ન હતા. હિંમત ન હતી-સરકારી જાસૂસોની જાળમાં સપડાવાનો ડર હતો.
આવું વાતાવરણ ઓગણીસ મહિના સુધી રહ્યું. પછી ઇન્દિરા ગાંધીને આશા-વિશ્વાસ હતો કે લોકોએ ઈમર્જન્સીને સ્વીકારીને સમર્થન આપ્યું છે તેથી ચૂંટણી યોજીને કાયદેસર સત્તા મેળવવાનો ઈરાદો હતો. વિપક્ષી નેતાઓને છેલ્લી ઘડીએ જેલમુક્ત કર્યા. પણ જેલવાસ દરમિયાન વિપક્ષી એકતા દૃઢ થઈ હતી અને ચૂંટણીમાં નિરક્ષર ગણાતા, ગરીબ લોકોએ કોઠાસૂઝથી મત આપ્યા. 1947 પછી 1977માં ફરીથી આઝાદી મળી. આ સત્તા પરિવર્તન લોકતાંત્રિક હતું. રક્તવિહીન ક્રાંતિ હતી. સંવિધાન સર્વોપરી છે એમ સાબિત થયું.
બાંગ્લાદેશ નહીં, હવે ફ્રાંસની ઘટનાઓ ઉપર સૌનું ધ્યાન છે. વિદ્યાર્થીઓનું આંદોલન ડાબેરી પક્ષો અને વિદેશી વસાહતીઓ (નિરાશ્રિતો)એ ઉપાડી લીધું અને ત્યાંની સરકાર સામે જાણે બળવો થયો. ફ્રાંસમાં ડાબેરીઓની હડતાળો અને આંદોલનોની નવાઈ નથી. ઇતિહાસ છે, ફ્રાંસ પછી યુરોપના અન્ય દેશો ઈટાલી, સ્પેન, આલ્બેનિયા-સુધી તોફાનો પ્રસર્યાં છે. મૂળ કારણમાં પાકિસ્તાન, ઈરાન, અફઘાનિસ્તાન તથા આફ્રિકાના દેશોમાંથી લોકોનાં ધાડેધાડાં યુરોપમાં આશ્રય લેવા આવ્યાં અને આશ્રય મળ્યો તે છે. ફ્રાંસમાં જ આઠ લાખ આશ્રિતો છે. ભારતમાં પણ આવી રીતે વોટ બૅન્ક શરૂ થઈ તેથી લોકતંત્રનું શુદ્ધીકરણ કરવા, અપહરણ થતું રોકવા કાર્યવાહી શરૂ થઈ એટલે વિપક્ષોને સત્તા મળવાની આશા નથી. પરિણામે અરાજકતાથી શાસન - તખતો પલટાવાના સપના જોવા લાગ્યા અને ભારતના વિઘ્ન સંતોષીઓ - દુશ્મનોની મદદ મળી છે. વડા પ્રધાન મોદીએ યોગ્ય કહ્યું છે કે ભારતના દુશ્મનો અને દેશદ્રોહીઓના ષડ્યંત્ર નિષ્ફળ બનાવવા માટે તમામ પક્ષો - લોકોએ એકતાથી લડત આપવાની છે. ભાજપ નહીં, ભારતનો વિરોધ છે. વિશ્વમાં મોટી મહાન લોકશાહીનો વિરોધ છે.
આશ્રય મળ્યા પછી હક-દાવા અને દાદાગીરી વધી છે અને વિશ્વમાં પચાસ જેટલી `એજન્સી'ઓ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને આગમાં તેલ હોમે છે. વાસ્તવમાં આપણા જ વિદ્યાર્થીઓ કે લોકો આપણી જ જાહેર સંપત્તિ શા માટે તોડે, બાળે?
ઇન્દિરાજીનો આક્ષેપ હતો કે `િવદેશી હાથ' - અર્થાત્ અમેરિકન સીઆઈએ ભારતમાં અસ્થિરતા જગાવવા એમને `દૂર' કરવા માગે છે - હત્યાનું કાવતરું હોવાનો આક્ષેપ હતો - આજે ભારતમાં કોનો - વિદેશી હાથ કામ કરે છે?