ભૂતકાળના વડા પ્રધાનોના ભ્રષ્ટાચાર - માનસિક - શારીરિક અને શાસકીય - જાણવા હોય તો ઇતિહાસ વાંચવા જોઈએ. મોદીની સિદ્ધિ - સફળતાના સાક્ષી સમસ્ત દેશવાસીઓ છે
મોદી
પછી કોણ?' આ પ્રશ્ન જનતાનો નથી, ભાજપ અને એનડીએનો પણ નથી. આ પ્રશ્નની ચર્ચા વિપક્ષોમાં થઈ રહી છે...! તામિલનાડુના મુખ્ય પ્રધાન જોસેફ વિજયનું નામ એમના જ પક્ષના કેટલાક નેતાઓ અને પ્રધાનોએ વડા પ્રધાનપદના ઉમેદવાર નહીં, દાવેદાર તરીકે જાહેર કર્યું છે અને વિપક્ષોનું સમર્થન મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દક્ષિણ - ભારત - વિશેષ કરીને તામિલનાડુના કૉંગ્રેસ નેતાઓએ જોસેફ વિજયનું નામ
`ઊગે'
- ઊપડે
તે પહેલાં જ ડામી દેવાના પ્રયાસ કર્યા છે. રાહુલ ગાંધીનું નામ નિશ્ચિત હોવાની જાહેરાત કરી છે! તામિલનાડુ પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ મણિક્કમ ટાગોરે કહ્યું છે કે `2029ની ચૂંટણીમાં રાહુલ ગાંધીના નામે જ કૉંગ્રેસ લડશે. વડા પ્રધાનપદ માટે અમારા ઉમેદવાર રાહુલ ગાંધી જ છે.' ટીવીકે સરકારના પ્રધાનો અને નેતાઓને યાદ અપાવી છે કે જોસેફે રાહુલ ગાંધીનો સંપર્ક સાધીને ટેકો મેળવ્યો ત્યારે સરકાર બની છે. કૉંગ્રેસે સૌથી પહેલાં ટેકો જાહેર કર્યો છે તે ભૂલશો નહીં! આ શબ્દોમાં ગર્ભિત ચેતવણી છે કે અમારા વિના સરકાર નહીં ટકે!
આ
વિવાદ બંધ કરવાની સલાહ સીપીએમના નેતા જનરલ સેક્રેટરી એમએ બેબીએ પણ આપી છે. જોકે, એમણે કહ્યું છે કે `ઇન્ડિયા બ્લૉક'માં આ બાબત કોઈ ચર્ચા થઈ નથી અને નિર્ણય લેવાયો નથી. કૉંગ્રેસે આ વિષયમાં અત્યારે કોઈ ઉમેદવારનું નામ જાહેર કરવાની જરૂર નથી. આ ચર્ચા કસમયની અને બિનજરૂરી છે.
માર્ક્સવાદી
નેતાની વાત બરાબર છે: વડા પ્રધાન કોણ બનશે? રાહુલ ગાંધી જ દાવેદાર છે એમ કહી શકાય નહીં. રાહુલ ગાંધીની દાવેદારી તો દાયકાઓથી છે. યુપીએ સરકાર અને વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ હતા ત્યારે પણ એમની નિવૃત્તિ અને રાહુલ ગાંધી વડા પ્રધાનપદે આવે એવી માગણી અને ચર્ચા હતી. કેન્દ્રમાં સત્તા ગુમાવ્યા પછી કૉંગ્રેસમાં રાહુલ ગાંધી એકમાત્ર નેતા અને દાવેદાર છે. આક્રમક છતાં નિષ્ફળ રહ્યા છે. અત્યારના સંજોગોમાં રાહુલ ગાંધી એકમાત્ર વિપક્ષી નેતા તરીકે પ્રોજેક્ટ થયા છે. ઇન્ડિ મોરચામાં - અથવા તેની બહાર પણ કોઈ પ્રાદેશિક નેતા રાષ્ટ્રીય નેતા બની શક્યા નથી પરિણામે આજના સંજોગોમાં એમ રાહુલ ગાંધીનો વિકલ્પ નથી અને રાહુલ ગાંધી મોદીનો વિકલ્પ બની શકે એમ નથી!
પ્રશ્ન
એ છે કે અત્યારે જોસેફ વિજયનું નામ કેવી રીતે આવ્યું? `ઇન્ડિયા ટુડે' દ્વારા લોકમત - જનતાનો અભિપ્રાય જાણવા માટે વૈજ્ઞાનિક રીતે સર્વેક્ષણ થયું તેમાં અત્યારે લોકસભાની ચૂંટણી થાય તો એનડીએને બહુમતી મળવાનું તારણ છે. વડા પ્રધાનપદ માટે નરેન્દ્ર મોદીની તરફેણમાં 48.7 ટકા મત છે. રાહુલ ગાંધી માટે 27.1 ટકા છે. આ તફાવત બાવીસ-ત્રેવીસ ટકા જેટલો છે, જોસેફ વિજયના 9.2 ટકા છે. અખિલેશ યાદવ અને કેજરીવાલના માંડ એક-દોઢ ટકા છે! અલબત્ત, ચૂંટણી જાહેર થાય ત્યાં સુધીમાં લોકપ્રિયતા - લોકપસંદગીમાં ફેરફાર થઈ શકે છે પણ અત્યારે સંજોગો આવા છે.
આ
સર્વેક્ષણમાં રસપ્રદ તારણો છે. અત્યાર સુધીના વડા પ્રધાનોમાં શ્રેષ્ઠ કોણ? તો મોદીને 41 ટકા, ઇન્દિરાજીને બાર ટકા, વાજપેયીજીના 15 ટકા, ડૉ. મનમોહન સિંઘના 14 ટકા છે. અત્યારની લોકપ્રિયતામાં જોસેફ વિજયને 9.2 ટકા મળ્યા તે આશ્ચર્યજનક છે, પણ વડા પ્રધાનપદની રેસ-સ્પર્ધામાં ગણના કેવી રીતે થાય? નરેન્દ્ર મોદી તથા એમની સરકારે સ્થિર સરકાર આપી છે પણ જેન-ઝી પરિવર્તન જંખે છે અને તેમાં અરવિંદ કેજરીવાલ જેવા નેતાના હાથા બન્યા છે - રાહુલ ગાંધીએ આંદોલનનું અપહરણ કર્યું તેથી આંદોલનની વિશ્વસનીયતા અને નિષ્ઠા સામે સવાલ ઊઠયા છે.
આ
સંજોગો અને યુવાવર્ગનો મિજાજ પારખીને મોદી સાવધાન છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો સંપર્ક સેતુ વધારી રહ્યા છે અને શિક્ષણ - નીતિમાં સુધારા-વધારા કરવાનું વચન આપ્યું છે. અલબત્ત, આ ક્ષેત્રમાં સરકાર મોડી જાગી છે. અત્યારે ઉચ્ચ શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત છે, પ્રાથમિક અને માધ્યમિક - પાયાનું શિક્ષણ અંગ્રેજી - હિન્દી અને પ્રાદેશિક ભાષાના પ્રભુત્વના વિવાદમાં ફસાયું છે. શિક્ષણના હબ - કેન્દ્ર હોય ત્યાં હૉસ્ટેલની વ્યવસ્થા નથી પરિણામે ખાનગી ઙ.ઋ. પેઈંગ ગેસ્ટની વ્યવસ્થા વિસ્તરી છે. સ્થાનિક રહેવાસીઓને આર્થિક રાહત મળે પણ વિદ્યાર્થીઓ બેહાલ થાય છે અને હોનારતના ભોગ બને છે.
મોદી
સરકારે સર્વપ્રથમ - આવાં શહેરોમાં હૉસ્ટેલો બાંધવાની શરૂઆત યુદ્ધધોરણે કરવી જોઈએ. આ પાયાની જરૂરિયાત છે.
રોજગારી-બેકારીની સમસ્યા ગંભીર છે. વડા પ્રધાન મોદીએ કૌશલ્ય - સ્કીલ તાલીમ ઉપર ભાર મૂકવાની હિમાયત કરી છે. વિશ્વમાં આજે સ્નાતકો કરતાં આવા કાર્યકુશળ લોકોની જરૂર છે. આ દિશામાં ઝડપી કામગીરી થવી જોઈએ. હવામાન - પ્રદૂષણ, દવા - ઔષધો, રહેઠાણ - આવાસો કંપની કાયદા, તબીબી વ્યવસ્થા, નાના - મધ્યમ ઉદ્યોગો - સહિત ઘણાં ક્ષેત્રોમાં સુધારા થયા છે. બ્રિટિશ જમાનાના કાયદા રદબાતલ થયા છે. જીવન તથા વ્યાપાર ઉદ્યોગ સરળ બનાવવાનાં પગલાં લીધાં છે પણ તેનો અમલ સરળ નથી હકીકતમાં લોકો માટે અડચણ-અવરોધ વધ્યાં છે. ભ્રષ્ટાચારમાં શાસક પક્ષોના નેતાઓ પકડાયા નથી તેનો અર્થ ભ્રષ્ટાચાર નાબૂદી નથી. વિરોધ પક્ષોના નેતાઓ પકડાયા છે તો શાસક નેતાઓ ઉપર પણ નજર રાખવી જરૂરી છે. પ્રધાનો ભલે `શુદ્ધ' હોય પણ શાસનમાં `ભાવ' વધી ગયા છે: ભોગવે છે જનતા. પરિણામે લોકોની હાડમારી વધી છે. ભાવવધારો સરકારી આંકડા મુજબ અંકુશમાં છે પણ વ્યવહારમાં નિરંકુશ છે. હવે કામદાર વર્ગનો અવાજ ઊઠી રહ્યો છે. લાલ વાવટા પાછા દેખાઈ રહ્યા છે.
અર્થતંત્ર
વધુ સજાગ બનવું જોઈએ. સંરક્ષણ ક્ષેત્ર મજબૂત છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ભારતના `ભાવ' બોલાય છે. હવે `િબ્રક્સ' શિખર પરિષદમાં રશિયા-ચીનની સક્રિય હાજરી અને ભારત સાથેના વ્યાપાર - સંરક્ષણ સહયોગ નોંધપાત્ર છે.
મોદી
સરકારે હંમેશાં આપત્તિને અવસર ગણીને ઉત્સવ ઊજવ્યા છે તેથી લોકોનો સહકાર અને આવકાર મળ્યો છે. લોકતંત્રમાં વિપક્ષ અનિવાર્ય છે. વિપક્ષની હાજરી સિવાય લોકતંત્ર શક્ય જ નથી, પણ વિપક્ષ જવાબદાર હોવા જોઈએ. રાષ્ટ્રકારણને રાજકારણથી મુક્ત રાખવું જોઈએ. આપણા વિપક્ષો માત્ર `િવરોધ' પક્ષો બની ગયા છે તેથી પ્રતિષ્ઠા ગુમાવી છે, જનતાનો વિશ્વાસ પણ ગુમાવ્યો છે.
મોદી
સરકાર - હકીકતમાં નરેન્દ્ર મોદીને હઠાવવાના પ્રયાસ દેશમાં અને વિદેશમાં પણ થયા છે, થઈ રહ્યા છે. દુનિયામાં કોઈ શાસક - નેતાએ નહીં સાંભળી હોય તેવી ગલિચ-ગાળ, અપશબ્દો - મોદીએ સાંભળ્યા છે. આ એમની સહનશક્તિ છે: વિરોધીઓનાં માનસ સમજવાની સમજશક્તિ છે. ભૂતકાળના વડા પ્રધાનોના ભ્રષ્ટાચાર - માનસિક - શારીરિક અને શાસકીય - જાણવા હોય તો ઇતિહાસ વાંચવા જોઈએ. મોદીની સિદ્ધિ - સફળતાના સાક્ષી સમસ્ત દેશવાસીઓ છે. મોદી સાચું કહે છે કે ભારતની સિદ્ધિ - સફળતા આપણા વિરોધ પક્ષો સાંખી શકતા નથી, પચાવી શકતા નથી. ભાજપનો વિરોધ કરવામાં ભાન ભૂલીને ભારતનું અહિત કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી કહે છે, 140 કરોડ દેશવાસીઓ - માતાઓ - બહેનોનું સુરક્ષાકવચ મળ્યું છે તેથી તમામ પ્રહારો નિષ્ફળ જાય છે. ટીકા કરવી અને વિરોધ કરવો - આ બન્ને અગલ છે. ટીકા રચનાત્મક હોવી જોઈએ અને વિરોધ માત્ર નકારાત્મક હોય છે. લોકતંત્રની સફળતા માટે વિપક્ષોએ જાગૃત રહેવું જોઈએ, સક્રિય સચિંત રહેવું જોઈએ પણ સત્તા માટે રાષ્ટ્રહિત જોખમમાં મુકાય નહીં. પણ આપણા વિપક્ષો કુપ્રચારથી લોકોને ગેર રસ્તે દોરવાના પ્રયાસ કરે છે! ભારતનો રાજકીય ઇતિહાસ - ભૂતકાળ જોનારા, જાણનારા લોકોને ભારતના ઉજ્વળ ભવિષ્યમાં વિશ્વાસ છે તેથી મોદી મૅજિક યથાવત્ છે અને મોદી ભારત ભાગ્યવિધાતા છે...