• રવિવાર, 03 મે, 2026

બંગાળમાં લોકશાહી સામે ટોળાશાહી...

બંગાળમાં ભારે - અભૂતપૂર્વ મતદાન થયા પછીના સર્વેક્ષણમાં મમતાના તૃણમૂલ કૉંગ્રેસ સત્તા ગુમાવે તેવા અહેવાલ પછી મમતાએ એમના પક્ષને બેતૃતીયાંશ મત મળ્યા હોવાનો દાવો કર્યો અને પરિણામ સત્તાવાર જાહેર થાય તે પહેલાં આક્ષેપ કર્યો કે સ્ટ્રૉંગરૂમ જ્યાં મતગણતરીની વ્યવસ્થા છે ત્યાં વોટિંગ મશીનો ખોલવાનું કાવતરું છે - આ આક્ષેપ વહેતો થયા પછી રાજકીય `કાર્યકરો'ના ધાડાં ઘટનાસ્થળે ઉતરી આવ્યાં. ચૂંટણી પંચે કહ્યું કે તમામ યંત્રો સલામત છે તો પણ વિવાદ અને ધાંધલ ચાલુ રહી. ભાજપે કહ્યું કે મમતા પરાજયની ભૂમિકા - બહાનાં તૈયાર કરે છે!

મમતા બેનરજી ધાંધલ-ધમાલથી અરાજકતા ઊભી કરવામાં માહેર છે. ચૂંટણીની પ્રક્રિયા અને પરિણામ સ્વીકારવા તૈયાર નહીં થાય. ટોળાશાહી એમની શક્તિ છે! આ અગાઉ એમણે ઈડીની કાર્યવાહી રોકવા માટે પણ ટોળાશાહીનું પ્રદર્શન કર્યું હતું. રાજ્ય સરકારે ચૂંટણી - વ્યૂહ સલાહકાર એજન્સી નીમી છે. આ એજન્સીની અૉફિસ ઉપર ઈડીએ દરોડો પાડયો ત્યારે એજન્સીના સાત અફસરો - મહિલાઓ સહિત - ઉપર જાન ગુમાવવાનો ખતરો હતો. દરોડામાં દખલ કરવા મુખ્ય પ્રધાન ખુદ ધસી ગયાં અને ટોળાશાહીનું નેતૃત્વ કર્યું હતું.

આ પછી ઈડીએ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી. જસ્ટિસ મિશ્રા અને જસ્ટિસ એન. વી. અંજારિયાની બેંચ સમક્ષ મમતાના વકીલો શ્યામ દીવાન અને કપિલ સિબ્બલે દલીલબાજી કરી કે દરોડા પાડવાનો મૂળભૂત અધિકાર ઈડીને નથી, પણ કોર્ટે કહ્યું કે આખો કેસ `કેન્દ્ર વિ. રાજ્યો'નો હોય એમ બતાવવાના પ્રયાસ થાય છે! હકીકતમાં કેન્દ્રીય એજન્સી દરોડા - તપાસની કાર્યવાહી કરે ત્યારે કોઈ મુખ્ય પ્રધાન ત્યાં ધસી જાય અને દખલ કરે તે સ્વીકાર્ય નથી. મમતાની `દાદાગીરી'ની સખત ટીકા કરતાં કોર્ટે કહ્યું કે આ રીતે મુખ્ય પ્રધાને લોકશાહી સામે ખતરો ઊભો કર્યો છે. કોર્ટે ચૂંટણી પંચને કેન્દ્રીય સુરક્ષા કર્મચારીઓની સહાય - સેવા લેવા પણ જણાવ્યું. રાજ્યમાં કાયદો - વ્યવસ્થા પડી ભાંગી હોવાનું પણ જણાવાયું.

છેલ્લા દાવ તરીકે મમતા બેનરજીએ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી કે મતગણતરી માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓની પસંદગી શા માટે થઈ? રદ કરો અને રાજ્યના લોકોની નિમણૂક કરો. હાઈ કોર્ટે તો આવી ફરિયાદ - અરજી કાઢી જ નાખી હતી અને સુપ્રીમ કોર્ટે પણ અરજી નામંજૂર કરી.

મુખ્ય પ્રધાને મતદાર યાદીની ફેરતપાસનો વિરોધ કર્યો. મતગણતરીના કેન્દ્ર ઉપર ધરણા કર્યા - ચૂંટણી અને મતગણતરી રદ કરાવવાના પ્રયાસ કર્યા. હવે પરિણામ રદ કરાવશે?

આ રીતે સુપ્રીમ કોર્ટના ઠપકા અને સખત ટીકા મમતાને મળે છે: મતદાર યાદીથી લઈને દરોડામાં દખલ સુધી પણ મમતાને પરવા નથી! મતગણતરીના સ્થળે ટોળાશાહી ભજવ્યા પછી હજુ તો પરિણામ આવ્યાં પછી - જીતે કે હારે એમના પ્રત્યાઘાત કેવા હશે?

નાણાશાહીનો નમૂનો ચૂંટણી પંચે જાહેર કરેલી માહિતી અનુસાર બંગાળ અને તામિલનાડુમાં ચૂંટણી સંબંધિત પકડાયેલી રકમ અને શરાબ, ડ્રગ્સ તથા સોના-ચાંદીની કિંમત રૂા. 1000 કરોડથી વધુ થવા જાય છે! બંગાળમાં રૂા. 472.89 કરોડ અને તામિલનાડુમાં 599.24 કરોડ જપ્ત છે.

બંગાળ સહિત ચાર રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી પૂરી થઈ - હવે આવતી કાલે પરિણામ જાહેર થશે. વિશેષ કરીને પશ્ચિમ બંગાળની વિવાદાસ્પદ ચૂંટણી `ઐતિહાસિક' બની છે! સૌની નજર બંગાળ ઉપર કેન્દ્રિત હતી. મુખ્ય પ્રધાન મમતા બેનરજીનાં પંદર વર્ષના શાસન પછી હવે ચોથી વખત જનાદેશ મળશે? આસામ અને કેરલમમાં પણ શાસક પક્ષોને ત્રીજી વખત બહુમતી મળશે? તામિલનાડુમાં ડીએમકે મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનને બીજી ટર્મ મળશે? આસામ અને તામિલનાડુમાં પુનરાવર્તન થશે એવી ધારણા રહી છે જ્યારે કેરલમમાં ડાબેરી અને કૉંગ્રેસ મોરચાને વારાફરતી સત્તા મળતી રહે છે. માર્ક્સવાદી ડાબેરી મોરચો બે ટર્મ પછી હવે કૉંગ્રેસી મોરચાનો વારો આવે તે પણ નિશ્ચિત મનાય છે.

ચૂંટણી પંચે મતદાર યાદીઓની ચકાસણી કરીને `સાફસૂફી'ની શરૂઆત બિહારની ચૂંટણીથી કરી ત્યારે ભારે ઊહાપોહ થયો હતો. રાહુલ ગાંધીએ તો પત્રકારો સમક્ષ ચૂંટણી પંચના `ગોટાળા'નો ઍટમબૉમ્બ ફોડવાની જાહેરાત કરી હતી! પણ વિપક્ષોના પ્રયાસ - ફાંફાં સુપ્રીમ કોર્ટમાં પણ નિષ્ફળ ગયા. બંગાળમાં મતદાર યાદીનો વિવાદ સૌથી વધુ ગંભીર હતો કારણ કે કોમવાદી સાફસૂફીનો આક્ષેપ હતો. મોદી-અમિત શાહ અને યોગીએ ઘૂસણખોરો - બાંગ્લાદેશીઓ મતદાર બની બેઠા છે - એ મુદ્દો પ્રચારના કેન્દ્રમાં રાખ્યો હોવાથી હિન્દુ - મુસ્લિમ - નું ધ્રુવીકરણ થયું હોય એમ સ્પષ્ટ જણાય છે.

બંગાળમાં રાજકીય હિંસાચારીનો ઇતિહાસ છે તેથી આ વખતે પણ મમતા બેનરજીના કાર્યકરો મતદારોના ઘરમાં ઘૂસીને ધાકધમકી આપશે. ઘરબારને આગ ચાંપીને બરબાદ કરવામાં આવશે એવી ધમકીઓ અપાયાની ફરિયાદો થઈ છે પણ ચૂંટણી `િહંસાચાર મુક્ત' થઈ અને આઝાદી પછીના ઇતિહાસમાં પ્રથમ વખત `રેકૉર્ડ' મતદાન થયું. લગભગ 93 ટકા મતદાન કરનાર બંગાળ ભારતનું પ્રથમ રાજ્ય છે! મતદાર યાદીઓમાંથી `અપાત્ર' નામો રદ કરવામાં આવ્યાં - કુલ આંકડો 89 લાખ ઉપર પહોંચ્યાની માહિતી છે. આમાં 58 લાખ તો કાચી યાદી બહાર પાડવામાં આવી ત્યારે જ નીકળી ગયાં હતાં અને 60 લાખ નામ ન્યાયતંત્રના દાયરામાં મુકાયાં હતાં. આ દરમિયાન પાંચ લાખ વધુ નામ રદ થયાં. ન્યાયકીય તપાસ પછી 27 લાખ નામ રદ થયાં - જે મોટા ભાગે મુસ્લિમ વિસ્તારોમાં હતાં. સુપ્રીમ કોર્ટના આદેશથી લવાદી - અરજીઓ માટે ટ્રિબ્યુનલો નિમાઈ અને તેમાં ફેરતપાસ થઈ.

હકીકતમાં બંગાળમાં કેટલા મતદારોએ મત આપ્યા અને કેટલા બાકાત રહ્યા, રદ થયા તેની માહિતી ચૂંટણી પંચ આપે ત્યારે જ ખ્યાલ આવી શકશે પણ આ વિવાદ પરિણામ જાહેર થયા પછી ચાલુ રહેશે. ચૂંટણી પંચ અને ન્યાયતંત્ર - સુપ્રીમ કોર્ટે નાગરિકોના મતાધિકારનું રક્ષણ કર્યું નથી એવો વિવાદ - મમતાદીદી હારે અથવા જીતે તો પણ ચાલુ રહેશે. અલબત્ત, મમતાદીદી ચોથી વખત સત્તા મેળવે તો રાજકારણમાં અલગ અસર પડશે. શક્ય છે કે વિરોધ પક્ષોના `ઇન્ડિ' મોરચાની નેતાગીરી એમને સોંપવાની હિલચાલ થાય. જો તેમને સત્તા મળે નહીં તો તેઓ બંગાળમાં ઉત્પાત જગાવશે. ડાબેરીઓ અને કૉંગ્રેસનો ટેકો નહીં મળે પણ અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ તો એમની સાથે ઊભા રહીને મોરચો ખોલશે. તાજેતરમાં લોકસભામાં નારીશક્તિ - મહિલા આરક્ષણ ખરડામાં મોદીને હરાવવા માટે રાહુલ ગાંધીએ મમતાને મનાવી લીધાં હતાં. ખરડો નામંજૂર થયા પછી કૉંગ્રેસે જાહેર કર્યું કે મમતાજીનો ટેકો માત્ર સરકારી ખરડાને નામંજૂર કરવા પૂરતો જ લેવાયો હતો - હવે કોઈ સમજૂતી નથી! રાહુલ ગાંધીએ બંગાળમાં ચૂંટણી પ્રચાર વખતે મમતા શાસનની સખત ટીકા કરી. બંગાળની બરબાદી માટે મમતા જવાબદાર હોવાનું કહ્યું! હવે મમતા જીતે તો ભાજપ અને કૉંગ્રેસ બંનેની સામે થઈને પડકારશે.

દરમિયાન બંગાળની ચૂંટણી શાંતિપૂર્વક થઈ તે માટે ચૂંટણી પંચે જનતાનો આભાર માન્યો છે પણ આ સફળતા માટે પંચને અભિનંદન આપવા જોઈએ. પૂરતા બંદોબસ્ત સાથે શાંતિપૂર્વક, અભૂતપૂર્વ મતદાન થયું તે આપણા લોકતંત્રનો વિજય છે. રાહુલ ગાંધીના આક્ષેપ અને અભિયાન - લોકતંત્ર અને સંવિધાન ખતરે મેં હૈ - નો આ પરાજય છે. ચૂંટણીનાં પરિણામ રાજકીય પક્ષનો વિજય - પરાજય બતાવે - પણ મતદાનની ટકાવારી નાગરિકોની જાગૃતિ અને લોકતંત્રમાં પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરે છે!

મતદાનના બીજા તબક્કામાં ચૂંટણી પંચના આદેશથી 2.3 લાખ કેન્દ્રીય સશક્ત દળોના જવાન ખૂણે ખૂણે તહેનાત હતા. 38,247 રાજ્યના પોલીસકર્મીઓ ફરજ ઉપર હતા. આ ઉપરાંત 142 જનરલ નિરીક્ષકો, 95 પોલીસ નિરીક્ષકો અને ચૂંટણી ખર્ચ ઉપર નજર રાખવા માટે 100 નિરીક્ષકો હતા. એનઆઈએ - નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની ટુકડીઓ ફરી વળી હતી!

બીજા તબક્કાના 72 કલાક પહેલાં સમાજવિરોધી 2348 શખસોને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા! બંગાળ તો શું - સમગ્ર દેશમાં આવી તકેદારી આજ સુધી રખાઈ નથી.

ચૂંટણીની કાર્યવાહી અને પરિણામ જાહેર થયાં પછી હવે શાંતિ - કાયદો વ્યવસ્થા જળવાશે? મમતાજીના નેતાઓએ તો જાહેરમાં ધમકી આપી છે કે અમારી સરકાર આવે પછી ભાજપને દિલ્હીમાં બેઠેલા `બાપ' બચાવી નહી શકે! કેન્દ્રીય ગૃહપ્રધાન જાતે પંદર દિવસ સુધી બંગાળમાં જ રહ્યા - કાયદો વ્યવસ્થા ઉપર નજર રાખવા માટે એમણે એમ પણ કહ્યું છે કે પરિણામ આવ્યાં પછી કેન્દ્રીય પોલીસ દળ બે મહિના સુધી અહીં જ રહેશે અને કોઈ અશાંતિ ચલાવી નહીં લેવાય. આ દરમિયાન મમતાદીદીએ અવારનવાર એમના કાર્યકરોને ચેતવ્યા, ભડકાવ્યા છે કે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું કાવતરું છે! આવી શક્યતા નકારી શકાય નહીં - જો મમતા બેનરજી કેન્દ્ર સરકારને પડકારે, બીજા પ્રકારના નક્ષલવાદીઓને ઊભા કરે તો... કેન્દ્ર સરકારે સખત કદમ લેવાં જ પડે. આશા રાખીએ કે પરિણામ પછી પણ તમામ નેતાઓ સંયમ અને નિયમ જાળવે : વંદે માતરમ્ની.

હકીકતમાં બંગાળમાં કેટલા મતદારોએ મત આપ્યા અને કેટલા બાકાત રહ્યા, રદ થયા તેની માહિતી ચૂંટણી પંચ આપે ત્યારે જ ખ્યાલ આવી શકશે પણ આ વિવાદ પરિણામ જાહેર થયાં પછી ચાલુ રહેશે