• રવિવાર, 12 એપ્રિલ, 2026

પ્રદેશવાદ સામે રાષ્ટ્રવાદ ચૂંટણી પંચનો વિરોધ

ચૂંટણી પંચના સુધારા, કોમવાદ ઉપરાંત ચૂંટણીમાં એક વધુ મુદ્દો, પ્રદેશવાદ, ભાષાવાદ પણ છે. આ ચાર રાજ્યોમાં પ્રાદેશિક નેતાઓ સર્વેસર્વા - સુપ્રીમ છે અને પરિવારવાદ વધે છે. `એક રાષ્ટ્ર એક ચૂંટણી' હોય તો રાષ્ટ્રીય નેતા સર્વસ્વીકાર્ય સાબિત થાય અને પ્રાદેશિક નેતાઓ માટે શૂન્યાવકાશ હોય. આ ભય પારખીને પ્રાદેશિક નેતાઓને ભવિષ્યની ચિંતા છે

ઇરાન ઉપર અમેરિકા અને ઇઝરાયલના આક્રમણ પછી આપણું ધ્યાન હવે ચાર રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી ઉપર છે. ચાર રાજ્યો - કેરલમ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આસામ ઉપરાંત કેન્દ્રશાસિત પુડુચેરીનાં પરિણામ રાષ્ટ્રીય રાજકારણ માટે મહત્ત્વના છે: માત્ર રાજ્ય સરકારો નહીં કેન્દ્ર્ર સરકાર માટે વિશેષ મહત્ત્વ છે. વડા પ્રધાન મોદી `એક રાષ્ટ્ર એક ચૂંટણી' માટે કૃતનિશ્ચયી છે. તેના અમલ માટે લોકશાહી - લોકતંત્ર ઉપર નાણાશાહીની પકડ ખતમ કરવા માટે નાગચૂડ તોડવા માટે આ રાજ્યોની ચૂંટણી મહત્ત્વની છે.

પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં ભાજપ-એનડીએને સારી સંખ્યામાં બેઠકો મળે તો `રાષ્ટ્રવાદ'ને વ્યાપક સમર્થન મળે. ચૂંટણીમાં મુખ્ય વિવાદાસ્પદ મુદ્દો ચૂંટણી પંચની કાર્યવાહી સામે વિરોધનો છે. રાહુલ ગાંધીએ ઉઠાવેલા વિવાદ પછી મમતા બેનરજીએ તેનો ઉપયોગ શત્ર તરીકે કર્યો છે. સર્વોચ્ચ અદાલતમાં નિષ્ફળ ગયા પછી ચૂંટણી પ્રચાર અને મેદાનમાં વિવાદ ચગાવાયો છે. દેશભરમાં સૌથી વધુ નુકસાન મમતાદીદીને થયું છે. એમની વોટ બૅન્ક ઉપર જ સીધી ધાડ પડી છે તેથી ધૂંધવાયાં છે, ઘાયલ થયાં છે અને ઘાતક - આક્રમક બન્યાં છે. ઘૂસણખોરોની હકાલપટ્ટીને કોમવાદી કલર આપ્યો છે. હકીકતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની વોટ બૅન્કના આધારે મમતા બેનરજી મુખ્ય પ્રધાન બન્યાં. હવે હિન્દુ મતદારો જાગ્યા અને ઘૂસણખોરો પલાયન થવા લાગ્યા તેથી ડબલ નુકસાન થયું છે. તૃણમૂલ કૉંગ્રેસના એક મુસ્લિમ નેતાએ બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણની હિલચાલ શરૂ કરી તેનો ફેક - નકલી વીડિયો વાયરલ કરીને પ્રચાર શરૂ થયો કે મસ્જિદ બાંધવાની હિલચાલ કરીને મુસ્લિમ વોટ તોડવાનો ભાજપનો વ્યૂહ છે! અઈંનો ઉપયોગ રાજકારણમાં કેવો થાય છે તેનો આ નમૂનો છે!

ચૂંટણી પંચના સુધારા, કોમવાદ ઉપરાંત ચૂંટણીમાં એક વધુ મુદ્દો, પ્રદેશવાદ, ભાષાવાદ પણ છે. આ ચાર રાજ્યોમાં પ્રાદેશિક નેતાઓ સર્વેસર્વા - સુપ્રીમ છે અને પરિવારવાદ વધે છે. `એક રાષ્ટ્ર એક ચૂંટણી' હોય તો રાષ્ટ્રીય નેતા સર્વસ્વીકાર્ય સાબિત થાય અને પ્રાદેશિક નેતાઓ માટે શૂન્યાવકાશ હોય. આ ભય પારખીને પ્રાદેશિક નેતાઓને ભવિષ્યની ચિંતા છે.

ચાર વિધાનસભાઓની ચૂંટણી ભાજપ માટે મહત્ત્વની છે. આસામમાં ભાજપની સરકાર છે અને ફરીથી બહુમતી મળશે જ એવો વિશ્વાસ છે. રાજ્યોમાં સત્તા મેળવે તો ભાજપ દેશવ્યાપી - રાષ્ટ્રીય પક્ષ બનશે. માત્ર હિન્દીભાષી રાજ્યો - બનિયા પાર્ટીની છાપ હવે રહી નથી ત્યારે દક્ષિણ ભારતમાં બહુમતી મળે નહીં તો પણ બેઠક સંખ્યા વધવી જોઈએ. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સામે મુખ્ય વિપક્ષ ભાજપ છે. કૉંગ્રેસ અને ડાબેરી પક્ષો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. આ ચાર રાજ્યોમાં બહુમતી - અથવા સંખ્યાબળ વધે તો 2029માં લોકસભામાં આરામદાયક બહુમતી હશે. કૉંગ્રેસી મોરચા માટે તો હવે અસ્તિત્વનો સવાલ છે. આમ પણ મોરચો વેરવિખેર છે અને ધારો કે બંગાળમાં મમતા બેનરજીના હાથમાં સત્તા આવી તો કૉંગ્રેસ અને રાહુલ ગાંધીની નેતાગીરીનો અસ્ત થઈ શકે છે. કેરલમમાં કૉંગ્રેસી મોરચાને બહુમતી મળે તો પણ તેમાં કૉંગ્રેસની બેઠકો કેટલી હશે તે જોવાનું છે. તામિલનાડુમાં તો વધુ બેઠકો મેળવવા માટે ડીએમકે સાથે ઘણી ખેંચતાણ થઈ છે. હવે ડીએમકે સરકાર આવે તેમાં પણ કૉંગ્રેસનનું સ્થાન `નાના ભાઈ' જેવી હશે.

ટૂંકમાં, આ ચૂંટણી પ્રદેશવાદ અને રાષ્ટ્રવાદ વચ્ચે છે. પ્રદેશવાદમાં પરિવારવાદ ભળ્યો છે! 

2014ની ઐતિહાસિક ચૂંટણી પછી ભાજપ - એનડીએની સરકાર આવ્યા પછી પણ દક્ષિણમાં કેરલમ અને તામિલનાડુ તથા પશ્ચિમ બંગાળમાં પ્રાદેશિક પક્ષો સત્તામાં છે. એકમાત્ર આસામમાં ભાજપના હાથમાં સત્તા છે. પ્રાદેશિક પક્ષો અને પ્રશ્નો રાષ્ટ્રીય પક્ષ ભાજપ માટે અવરોધક છે: પ્રાદેશિક નેતાઓનું એકચક્રી શાસન છે તેમાં પરિવારવાદ પાંગરે છે. એકમાત્ર કેરલમમાં માર્ક્સવાદી પક્ષના ડાબેરી મોરચામાં પરિવારવાદ નથી, મુખ્ય પ્રધાનનો કોઈ વારસદાર નથી.

ભારતભરમાં જે અઢાર રાજ્યો માટે લોકસભાની વધુ બેઠકો છે - તેમાંથી નવ રાજ્યોમાં ભાજપની સરકારો છે, માત્ર બે રાજ્યોમાં કૉંગ્રેસના મુખ્ય પ્રધાનો છે. બાકીનાં સાત રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, કેરલમ, તામિલનાડુ અને પંજાબમાં ભાજપ અને કૉંગ્રેસ સિવાયના પક્ષોની સરકારો છે. બિહાર અને આંધ્રમાં ભાજપની મિત્ર સરકારો છે.

દેશભરમાં એકસાથે ચૂંટણીનો ક્રમ ઇન્દિરા ગાંધીએ તોડયો હતો. વિશેષ કરીને ઉત્તર ભારતનાં રાજ્યોમાં પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખો સર્વસત્તાધીશ હતા. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહાર ઉપરાંત પશ્ચિમ બંગાળના અતૂલ્ય ઘોષ, મુંબઈના એસ. કે. પાટીલ, `મદ્રાસ'ના કામરાજ વગેરેની બોલબાલા હતી. 1969ના ભવ્ય ભંગાણ પછી ઇન્દિરા ગાંધીએ રાજ્યોમાં શક્તિશાળી નેતાઓને `િન:શત્ર' બનાવી દીધા ત્યારથી રાજ્યોના કૉંગ્રેસી નેતાઓ ઉપર નવી દિલ્હીના `હાઈ કમાન્ડ' નિયંત્રણની શરૂઆત થઈ. કેન્દ્રમાં એનડીએની સરકાર આવ્યા પછી પણ રાજ્યોમાં મુખ્ય પ્રધાનો બદલવામાં આવ્યા પણ દિલ્હીની `હાક' વગાડવા - માટે નહીં, પક્ષની પ્રતિભા અને સત્તા બચાવવા માટે - `પરિવર્તન' કરીને સત્તાનું `પુનરાવર્તન' થાય છે!

જે રાજ્યોમાં પરિવર્તનની જરૂર છે તેમાં - કેરલમ, તામિલનાડુ, બંગાળ અને આસામ છે. કેરલમમાં ડાબેરી મોરચા સામે કૉંગ્રેસી મોરચો છે. વારાફરતી સત્તા ભોગવે છે પણ ડાબેરી મોરચો સતત બે ટર્મથી સત્તામાં છે. હવે કૉંગ્રેસી મોરચાનો પડકાર છે પણ ભાજપની લોકપ્રિયતા અને બેઠકોમાં વધારો થયો છે. અલબત્ત, બહુમતીની આશા નથી. તામિલનાડુમાં ડીએમકેના સ્ટાલીન 2021થી મુખ્ય પ્રધાન છે. વિધાનસભાની 234માંથી 133 બેઠકો મેળવી હતી. સામે અૉલ ઇન્ડિયા અન્ના ડીએમકેને 66 બેઠકો મળી હતી. હવે અન્ના ડીએમકેના મોરચા સાથે ભાજપ છે અને ત્રીજા ખૂણે લોકપ્રિય અભિનેતા વિજય છે. એમણે રાજકીય પક્ષ બનાવ્યો છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી ત્રણ ટર્મ - પંદર વર્ષથી સત્તા ભોગવે છે પણ ભય, ભ્રષ્ટાચાર અને કોમવાદના કારણે એમનું શાસન બદનામ છે. ચૂંટણી પંચે મતદારોની યાદી ચકાસીને લગભગ એક કરોડ નામ રદ કર્યાં છે તેની સામે મમતા બેનરજી જંગે ચડયાં છે. ચૂંટણી પંચ સામે જેહાદ અને પૂર્વ બંગાળ - બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીનો બચાવ એમને ભારે પડશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દેશના ખૂણેખૂણેથી નક્સલવાદીઓ તથા ઘૂસણખોરોને દેશનિકાલ કરવાનું લક્ષ્ય સિદ્ધ કરી રહ્યા છે. નક્સલવાદનો જન્મ બંગાળની નક્સલ બારીમાં થયો હતો અને બાંગ્લાદેશી ઘૂસણખોરો પણ બંગાળ સરહદથી આવ્યા છે: આ બંને જમાતના હવે છેલ્લા દિવસો ગણાય છે ત્યારે મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ સરકારના દિવસો ગણાઈ રહ્યા છે. ચૂંટણીમાં ગળાકાપ સ્પર્ધા છે. મમતાને કેટલીક વધુ બેઠકો મળે તો પણ એમની સરકાર અસ્થિર હશે. ચૂંટણી પંચ અને મતદાર યાદીના પ્રશ્ને હિંસાચાર વધારવાના પ્રયાસ થાય તો આખરે રાષ્ટ્રપતિ શાસન આવવાની શક્યતા છે. તેથી જ મમતા બેનરજી અત્યારથી પરિણામ પામી ગયાં છે અને કેન્દ્ર સરકાર સામે આંદોલન જગાવે છે પણ તેઓ નક્સલવાદ નહીં જગાવી શકે!