• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

કૉંગ્રેસ મોરચાનો નવો અવતાર થશે?

કૉંગ્રેસે ડીએમકે છોડીને ટીવીકે - મુખ્ય પ્રધાન વિજયને ટેકો આપ્યો, કારણ કે લોકોએ ડીએમકેનો અસ્વીકાર કર્યા પછી કૉંગ્રેસ માટે ડીએમકે શું કામના? મોરચાની એકતા કરતાં રાજ્યની સત્તામાં ભાગીદારી મહત્ત્વની છે! દાયકાઓથી ડીએમકે સાથે રહેવા છતાં કૉંગ્રેસને સત્તામાં ભાગીદારી મળી નહીં તે ખોટ હતી, હવે પુરાઈ છે

પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને આસામ વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી કૉંગ્રેસના ઇન્ડી-મોરચાના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊઠÎો છે અને રાજકારણમાં તેની ચર્ચા શરૂ થઈ છે. જોકે, મોરચામાંથી ‘આપ’ના અરવિંદ કેજરીવાલ અલગ થયા અને રાજ્યોની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના સાત સંસદસભ્ય ભાજપમાં જોડાઇ ગયા ત્યારથી રાજકારણમાં ચર્ચા શરૂ થઈ હતી, પણ મહિલા આરક્ષણમાં વિપક્ષોએ એકતા બતાવીને મોદી સરકારનો ઠરાવ નામંજૂર કર્યો ત્યારે વિપક્ષી નેતાઓનો આત્મવિશ્વાસ ફરીથી જાગ્યો હતો પણ મોદી સરકારને સંસદમાં હરાવવા પૂરતી જ એકતા હતી. આ પછી તરત રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી કે ચૂંટણીમાં મમતાદીદી સાથે કોઈ સમજૂતી નહીં થાય. અર્થાત્ કૉંગ્રેસી મોરચાની એકતા લોકસભાની ચૂંટણી માટે જ મોદીને હરાવવા માટે છેઃ વિધાનસભાની ચૂંટણીમાં એકતાની જરૂર નથી. પરિણામે બંગાળમાં કહેવાતા સેક્યુલરવાદીઓ - કૉંગ્રેસ અને ડાબેરીઓ મમતા સામે ઊભા રહ્યા અને પડÎા! બંગાળમાં મમતાને હરાવવાનું લક્ષ્ય હતું, મોદીને નહીં! આખરે ડાબેરીઓ પછી સેક્યુલરવાદના દંભી પણ હાડોહાડ કોમવાદી મમતા સત્તા ભ્રષ્ટ થયા.

આ સાથે જ તામિલનાડુમાં પચાસ વર્ષથી દ્રવિડ પક્ષોનું શાસન હતું. રાહુલ ગાંધીના જમણા હાથ - જેવા ડીએમકે મુખ્ય પ્રધાન સ્ટાલીને સત્તા ગુમાવી પણ તેથી મોટો આઘાત તો રાહુલ ગાંધીની કૉંગ્રેસે ડીએમકેનો સાથ છોડીને તથા પક્ષના નવા નેતા જોસેફ વિજયનો હાથ પકડÎો તે લાગ્યો છે!

બંગાળ અને તામિલનાડુનાં પરિણામ પછી ઇન્ડી-મોરચાના ભાવિ સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. અલબત્ત, મમતા કહે છે હવે ભાજપને હરાવવા માટે નવેસરથી વિપક્ષી એકતા કરવા હું તૈયાર છું પણ એમની તૈયારી મોરચાની નેતાગીરી લેવા માટે છે. રાહુલ ગાંધી અને કૉંગ્રેસ કદી સ્વીકારે? તામિલનાડુના ડીએમકે નેતા સ્ટાલીને તો રાહુલ ગાંધીના ‘દગા’નો બદલો લેવાના નિર્દેશ આપ્યા છે! લોકસભામાં ડીએમકેના સભ્યો કૉંગ્રેસ અને ઇન્ડી-મોરચા સાથે બેસવા માગતા નથી. ચેન્નઈમાં સ્ટાલીન અને ઉદયનિધિ - ડીએમકેના પિતા પુત્રની મુલાકાત નવા મુખ્ય પ્રધાન સાથે થઈ. બંનેએ એકબીજાને શાલ ઓઢાડીને હાથ મિલાવ્યા. સ્ટાલીને મુખ્ય પ્રધાનને અનુરોધ કર્યો છે કે ડીએમકેની જનકલ્યાણ યોજનાઓ ચાલુ રાખજો. વાસ્તવમાં જૂની યોજનાઓ સુધારા-વધારા સાથે ચાલુ રખાઈ રહી છે.

મુખ્ય પ્રધાન વિજયે સ્ટાલીનની મુલાકાત લીધી તે રાહુલ ગાંધીના પાંચ કૉંગ્રેસી વિધાનસભ્યોના ટેકાથી વધુ મહત્ત્વની છે! પણ રાહુલ ગાંધીએ જાહેર કર્યું છે કે ભાજપ - મોદીને હરાવવાની શક્તિ માત્ર કૉંગ્રેસ-માં - અર્થાત્ રાહુલ ગાંધીમાં છે. આમ કહીને એમણે ઇન્ડી-મોરચાના નવા અવતારનો સંદેશ આપ્યો છે. હવે મોરચાનું અવસાન થાય છે કે નવા અવતારથી પુનર્જન્મ - તે જોવાનું છે!

અત્યારે રાજકારણમાં ‘સમુદ્રમંથન’ જેવી હાલત છે. બંગાળમાં મમતાના તૃણમૂલ કૉંગ્રેસ પક્ષમાં ભંગાણની શરૂઆત થઈ છે! છૂટા પડીને સભ્યો કૉંગ્રેસમાં તો કેટલાક ભાજપમાં જવાની વેત - તૈયારીમાં છે! આવી જ રીતે તામિલનાડુમાં ડીએમકેના હરીફ અન્ના ડીએમકેમાં પણ ભંગાણ પડÎું છે અને સભ્યો સ્ટાલીન સાથે જઈ રહ્યા છે.

ઇન્ડી-મોરચાની સ્થાપના પટણામાં 2023ના જુલાઈમાં થઈ અને તૂટવાની શરૂઆત પણ પટણાથી થઈ ત્યારે કૉંગ્રેસનો દાવો એવો હતો કે દેશના દરેક વિસ્તારમાં કૉંગ્રેસ છે! પશ્ચિમમાં રાજસ્થાન, પૂર્વમાં છત્તીસગઢ, ઉત્તરમાં હિમાચલ પ્રદેશ અને દક્ષિણમાં કર્ણાટકમાં ‘હાજરી’ છે, સત્તા છે. આ ઉપરાંત, બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ, બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ, તામિલનાડુમાં ડીએમકે અને દિલ્હીમાં ‘આપ’ - કૉંગ્રેસ મોરચાના ભાગીદાર પક્ષોના હાથમાં સત્તા હતી. રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય કૉંગ્રેસનો મોરચો હતો. ઉપરાંત આંધ્રમાં વાય. એસ. રેડ્ડીની કૉંગ્રેસ અને ઓડિસામાં બિજુ જનતા દળની સરકાર હતી.

છેલ્લાં બે જ વર્ષમાં મોટા ભાગના ભાગીદાર તથા સાથીદાર પક્ષો મોરચો છોડી ગયા છે. આપ, જેડીયુ અને તે પહેલાં આરજેડી! તેજસ્વી યાદવ, કેજરીવાલ, શરદ પવાર, સ્ટાલીન અને મમતાની સત્તા અને શક્તિ ક્ષીણ થતી ગઈ. આમ છતાં મોરચો ટકી રહ્યો અને કેન્દ્રમાં સૌ સાથે, રાજ્યોમાં અલગ રહેવાની છૂટ એમ કહેવાયું.

આજે પરિસ્થિતિ અને નક્શો બદલાઈ ગયો છે! ડાબેરીઓ એક પણ રાજ્યમાં સત્તામાં નથી છતાં તામિલનાડુમાં - ભાજપને સત્તામાં ભાગીદારી મળે નહીં એ માટે કૉંગ્રેસ સાથે જોડાયા અને જોસેફ વિજયને ‘બહુમતી’ મળી - અલબત્ત, જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાની ટકોર યોગ્ય છે કે ઇન્ડી-મોરચો વૅન્ટિલેટર ઉપર છે!

હવે ઇન્ડી-મોરચાના મૂળ સ્તંભ ગણાતા કૉંગ્રેસ, તૃણમૂલ કૉંગ્રેસ, ડીએમકે અને ડાબેરીઓ-ના પગ નીચે ધરતી ખસી ગઈ છે. કૉંગ્રેસને કેરલમનું આશ્વાસન મળ્યું હોવા છતાં મુખ્ય પ્રધાનની પસંદગીમાં વિલંબથી વિજય ઝંખવાયો છે.

ઇન્ડી-મોરચામાં હવે કૉંગ્રેસ - અર્થાત્ રાહુલ ગાંધી સુપ્રીમ - સર્વોચ્ચ છે. મમતાની મહેચ્છા હતી મોરચાનું નેતૃત્વ મેળવવાની. હવે પરાજય પછી પણ ભાજપને હઠાવવા માટે આગેવાની લેવા તૈયાર હોવાની જાહેરાત કરી પણ અન્ય તમામ ઘટકોએ વિરોધ કર્યો છે. હવે મોરચાને મમતાની જરૂર નથી પણ મમતાને મોરચામાં જોડાવાની તાલાવેલી લાગી છે! તામિલનાડુના ડીએમકે નેતા સ્ટાલીનનો કેસ જુદો છે. રાહુલ ગાંધીએ ‘દગો’ કર્યો હોવાથી ધૂંધવાઈ રહ્યા છે. સંસદમાં અને બહાર પણ કૉંગ્રેસને કટોકટીમાંથી ઉગારવા બદલ આવો બદલો મળ્યો તે ભૂલશે નહીં. હજુ, સંસદમાં ડીએમકેના સભ્યો છે અને મોદી સરકાર મહત્ત્વના ઘણાં ખરડા લાવનાર છે ત્યારે વિપક્ષી એકતા કરવાનું આસાન નહીં હોય. ડીએમકેના બાવીસ સભ્યો લોકસભામાં છે - તેમાં તાત્કાલિક પક્ષ પલટા થવાની આશા નથી. લોકસભામાં તામિલનાડુની 39 બેઠકો છે અને ચૂંટણીમાં કૉંગ્રેસ - ‘િવજય’ સાથે સમજૂતી કરે તો પણ ડીએમકે કૉંગ્રેસી ઉમેદવારોને હરાવવાના પ્રયાસ કરશે જ.

ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને બિહારમાં તેજસ્વી હવે કૉંગ્રેસ સાથે કેવી મૈત્રી રાખે છે તે જોવાનું છે! મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ કૉંગ્રેસ સિવાયનો મોરચો ઊભો કરવાની હિલચાલ થઈ રહી છે.

બંગાળ, તામિલનાડુ અને કેરલમમાં દ્વિપક્ષી સિસ્ટમ હતી તેમાં પણ હવે પરિવર્તન આવી રહ્યું છે! ડાબેરીઓ ક્યાંયના નથી રહ્યા. આઝાદી પછી ભારતમાં સૌપ્રથમ સામ્યવાદી સરકાર કેરળમાં આવી હતી અને ઇન્દિરા ગાંધીએ નેહરુને કહીને બરખાસ્ત - બરતરફ કરાવી હતી. કેરળ હાથમાંથી ગયું અને કૉંગ્રેસના હાથમાં ગયા પછી સામ્યવાદીઓ તામિલનાડુમાં કૉંગ્રેસના હાથા બનીને ‘હાથ’ મજબૂત કરી રહ્યા છે. કૉંગ્રેસની પહેલ પછી વિજયને ટેકો આપ્યો છે!

કૉંગ્રેસે ડીએમકે છોડીને ટીવીકે - મુખ્ય પ્રધાન વિજયને ટેકો આપ્યો, કારણ કે લોકોએ ડીએમકેનો અસ્વીકાર કર્યા પછી કૉંગ્રેસ માટે ડીએમકે શું કામના? મોરચાની એકતા કરતાં રાજ્યની સત્તામાં ભાગીદારી મહત્ત્વની છે! દાયકાઓથી ડીએમકે સાથે રહેવા છતાં કૉંગ્રેસને સત્તામાં ભાગીદારી મળી નહીં તે ખોટ હતી, હવે પુરાઈ છે. છતાં ડીએમકે આખરે મોરચામાં પાછા આવશે એવી આશા કૉંગ્રેસને છે.

પણ વિજયની બહુમતી થવા પહેલાં શતરંજના ખેલ ખેલાયા હતા. બંને ડીએમકે એકત્ર થઈ જાય એવી હિલચાલ હતી પણ અન્ના ડીએમકેના એનડીએ મોરચામાં ભાજપ સામેલ હોવાથી સત્તામાં ભાગીદારી મેળવે તો? સ્ટાલીનને ભડકાવવામાં આવ્યા. સેક્યુલરવાદ જાગી ઊઠÎો! આ દરમિયાન ડીએમકે - નંબર ટૂમાં સત્તાનો કીડો સળવળ્યો અને પક્ષ છોડવા બહુમતી સભ્યો તૈયાર થયા. આટલી વારમાં તો કૉંગ્રેસે સામ્યવાદીઓના ચાર અને એક અન્ય સભ્યને મનાવી લીધા. જોસેફ વિજયે પ્રચારમાં કહ્યું હતું કે ડીએમકે રાજકીય શત્રુ અને ભાજપ વૈચારિક શત્રુ છે - તેની યાદ અપાવીને કૉંગ્રેસે ભાજપવિરોધી સેક્યુલર સરકારને ટેકો આપવાની શરત મૂકી હતી - જેનો સ્વીકાર થયો. આ વિલંબ - ભાજપના બે સભ્યો જોડાય નહીં તેના પ્રયાસોના કારણે થયો.

હવે રાહુલ ગાંધી અને એમના સલાહકારોની ધારણા એવી છે કે ઇન્ડી-મોરચો સલામત રહેશે - તેના સભ્યો ભલે બદલાય. જોસેફ વિજય સાથે સત્તાની ભાગીદારી હોવાથી ઇન્ડી- મોરચામાં પણ તેમને લઈ શકાય અને લોકસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસને વધુ બેઠકો ફાળવાય, મુખ્ય પ્રધાનની લોકપ્રિયતાનો લાભ મળી શકે. આવી ધારણા - ગણતરી મુકાઈ રહી છે અને તેના આધારે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે ભાજપને હરાવવાની શક્તિ માત્ર કૉંગ્રેસમાં જ છે!