અમેરિકા ગેરકાયદે આવેલા ભારતીય વસાહતીઓને પાછા સ્વદેશ મોકલે છે પણ પચાસ વર્ષ પહેલાં 1960ના દશકમાં ભારતીય સ્નાતકોને આમંત્રણ અપાતાં હતાં - લાલ જાજમ પાથરવામાં આવી હતી. હકીકતમાં ભારતના `બુદ્ધિધન'ની હિજરત થતી હતી. આપણા યુવાનો ભારતમાં શિક્ષિત થાય - ડૉક્ટરો - એન્જિનિયરો બને અને અમેરિકાને તૈયાર વ્યવસાયીઓ મળે. આપણા મૂડી અને સમયના રોકાણનો લાભ અમેરિકાને મળવા લાગ્યો. આ `બ્રેઇનડ્રેઇન'ની ચર્ચા જોરદાર હતી, પણ ભારતીય લોકોને સ્વદેશ બોલાવીને ભારતના વિકાસમાં જોડવાના કોઈ પ્રયાસ થયા નહીં. અમેરિકામાં ભોગ-વિલાસમાં રહ્યા પછી કોઈ ભારત આવવા તૈયાર થાય નહીં તે સ્વાભાવિક છે. `ઇન્ડિયામાં તો સારી બ્રેડ પણ મળતી નથી - અમારાં બાળકોને કેવી રીતે લાવીએ?' આ લખનારે આ પ્રશ્ન ઘણા મિત્રો પાસેથી સાંભળ્યો હતો!
અમેરિકાના વિકાસ
અને સમૃદ્ધિમાં ભારતીય મૂળના લોકોનું યોગદાન છે. કેપ કેનેડી હોય કે સિલિકોન વૅલી -
આજે ભારતની બોલબાલા છે. મેડિકલ, એન્જિનિયરિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસીઝમાં ભારતીય લોકો
ઉચ્ચ સ્થાને છે તે આપણું ગૌરવ છે. પટેલ એટલે મોટેલ - એ વાત જૂની થઈ ગઈ. હવે લગભગ દરેક
વ્યાપાર-ધંધામાં ભારતનું સ્થાન અને માન છે તેથી જ ટ્રમ્પે `ગેરકાયદે વસાહત મુક્ત અમેરિકા
અભિયાન શરૂ કર્યા પછી સુધારો કર્યો - કૌશલ - લાયકાત વેલકમ.' અને હવે વિઝા ફીમાં ધરખમ
વધારો કરી બારણા બંધ કર્યા છે!
અમેરિકાએ સમય
અને તેની જરૂરિયાત અનુસાર વિઝા કાયદા સુધારવાની જરૂર છે. જરૂર વધવા છતાં કામદારોને
વિઝા આપવાના નિયમો અને સંખ્યામાં સુધારો થયો નથી! ભારત સરકારે પણ ગેરકાયદે અમેરિકામાં
પ્રવેશના માર્ગ બતાવી લોકોને છેતરતી ટ્રાવેલ એજન્સીઓ સામે સખત પગલાં ભરવાં જોઈએ. ગેરકાયદે
આવેલા અને વસેલા લોકોને જાકારો મળે પણ સત્તાવાર આવતા લોકોને આવકારને બદલે વિઝા ફી વધારાની
સજા શા માટે?
આજે `નૂતન ભારત'નું
સર્જન ઝડપથી થઈ રહ્યું છે ત્યારે અમેરિકાથી સ્વેચ્છાએ દેશપ્રેમી યુવાવર્ગ ભારત આવવા
તૈયાર છે. ભારતના ભવિષ્યમાં વિશ્વાસ છે - હવે અમેરિકાનો મોહ ઓસરી રહ્યો છે : છતાં શિક્ષિત
વર્ગને બેકારી અને આગળ વધવાના અવકાશની ચિંતા છે. અમેરિકામાં વિશાળ ક્ષેત્ર - છૂટું
મેદાન છે એમ હજુ જણાય છે ત્યારે ભારતે વિશ્વને જરૂર હોય એવાં ક્ષેત્રો માટે કર્મચારીઓ
તૈયાર કરવાની શરૂઆત કરી છે. ડૉક્ટરો કરતાં નર્સ, પ્લમ્બર તથા ઇલેક્ટ્રિશિયન વગેરેને
આધુનિક તાલીમ આપવાની વ્યવસ્થા થઈ છે : વડા પ્રધાન મોદીએ - વિશ્વના દેશોની જરૂર મુજબ
- એમની ખોટ પૂરવા માટે આપણી નવી પેઢીને આહ્વાન આપ્યું છે. આ સાથે દેશમાં જ કામધંધા
વિકસે નોકરી-ધંધામાં આગળ વધી શકે. બેકાર બેસવું પડે નહીં તેવા વિકાસ માટે ભારતને સ્વર્ગ
બનાવવામાં આપણા યુવાધનનો ઉપયોગ થાય તે જરૂરી છે.
આપત્તિને અવસર
માનીને સ્વદેશ પાછા ફરેલા લોકો અને સરકારે આગળ વધવું જોઈએ. પચાસ વર્ષ અગાઉ ભારતમાંથી
`બુદ્ધિધન'ની હિજરત શરૂ થઈ અને અમેરિકાએ પૂરો લાભ ઉઠાવ્યો. હવે આપણા વિદ્યાર્થીઓ ડિગ્રી
મેળવીને સ્વદેશ વાપસી કરે તો `કલ હમારા હૈ'! અહીં જ સ્વર્ગ છે તેની ખાતરી થશે. વડા
પ્રધાને વારંવાર કહ્યું છે કે ચીલાચાલુ ડિગ્રીના બદલે કુશળ કારીગરોની અછત તમામ વિકસિત
દેશોમાં છે તે પૂરવાની તક છે. આપણા કારીગરો ભારતના કમાઉ દીકરા બનીને ભારતને સમૃદ્ધ
બનાવવામાં યોગદાન આપી શકે એમ છે. અત્યારે જરૂર છે - ગેરમાર્ગે અમેરિકા પહોંચવાની ઘેલછા
અને લેભાગુ એજન્ટો ઉપર સખત નિયંત્રણો મૂકવાની.
અમેરિકામાં ભારત
ઉપરાંત ચીનના ગેરકાયદે વસાહતીઓ છે. મેક્સિકનોની સંખ્યા સૌથી વધુ છે. ભારતના વિદ્યાર્થીઓ
સૌથી વધુ છે. એચ-1બી વિઝા હેઠળ અમેરિકામાં અભ્યાસ કરતા ચાર લાખ વિદ્યાર્થીઓમાં ભારતીય
વિદ્યાર્થીઓની સંખ્યા 3,51,000 છે! પણ હવે અમેરિકા, બ્રિટન અને અૉસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ
ભારતમાં જ કૉલેજો શરૂ કરવા લાગી છે તેથી હિજરત ઓછી થવાની આશા છે. ભારત ઉચ્ચ શિક્ષણનું
કેન્દ્ર ઊપસી રહ્યું છે. વિદેશોથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે ભારત આવી રહ્યા છે.
ભારત ઉપર ટેરિફ
આક્રમણ કર્યા પછી ટ્રમ્પે વિઝા - ફીની લૂટ-માર જાહેર કરી છે. હકીકતમાં પ્રમુખપદે ચૂંટાયા
પછી - અમેરિકાને ફરીથી `ગ્રેટ' બનાવવા માટે એમણે ગેરકાયદે વસાહતીઓ - (અર્થાત્ ઘૂસણખોરો
- ઘૂસપીઠિયા)ની હકાલપટ્ટી - દેશનિકાલના હુકમ ફરમાવ્યા. આફ્રિકા અને અન્ય ગરીબ દેશોના
લોકોનું અમેરિકા ઉપર આક્રમણ જ હતું તે ખાળવા માટે બધાને પકડી પકડીને સ્વદેશ મોકલવાની
શરૂઆત થઈ પણ કામ આસાન નથી એનું ભાન થયા પછી કેટલા લોકોનો દેશનિકાલ થયો તેની માહિતી
અપાઈ નથી (આપણા દેશમાં માહિતી મેળવવાનો અધિકાર છે તેવી જાણ અમેરિકનોને છે ખરી?)
અમેરિકાની જેમ
યુરોપના દેશોમાં પણ ઘૂસણખોરી વધી છે. ન્યૂ ઝીલૅન્ડ અને અૉસ્ટ્રેલિયામાં માથાભારે ઘૂસણખોરો
હવે સ્થાનિક લોકો ઉપર હિંસાચાર શરૂ કરી રહ્યા છે. ટૂંકમાં, સમગ્ર વિશ્વ હવે એક પરિવાર
નથી. ઘૂસણખોરીનો સૌથી મોટો શિકાર ભારત છે. આપણા દેશમાં તો ઘૂસણખોરોના વસતિ વધારાથી
લોકતંત્ર - રાજતંત્ર અને અર્થતંત્રને ઊથલાવી નાખવાના પ્રયાસ થઈ રહ્યા છે અને વિપક્ષી
નેતાઓ તેમાં ભાગીદાર છે!
અમેરિકામાં કૌશલ્યના
આધારે વસેલા અને વસવાટ કરવા જઈ રહેલા લોકોમાં ભારતીય સૌથી વધુ છે. દર વર્ષે લગભગ ત્રણ
લાખ! આપણે અર્થાત્ પરિવારોએ આ યુવાધનને શિક્ષિત - સ્નાતક ઈજનેર, ડૉક્ટર બનાવવા માટે
મૂડીરોકાણ કર્યું તેનો લાભ છેલ્લાં પચાસ-સાઠ વર્ષથી અમેરિકાને મળ્યો છે. છેલ્લા બે
દાયકામાં આઈટી ઉદ્યોગના વિકાસમાં ભારતીય નિષ્ણાતોનું યોગદાન છે. અમેરિકાને સમૃદ્ધ કરનાર
આપણા લોકોની સમૃદ્ધિ ટ્રમ્પને ખૂંચે છે! પણ ટ્રમ્પને ખબર નથી, ભાન નથી કે આ આત્મઘાતક
પગલું છે.
અમેરિકામાં વસેલા
ભારતીય નિષ્ણાતો સ્વદેશ પાછા ફરે અથવા તો અમેરિકા જવા માગતા પણ નિરાશ થયેલો આપણો યુવા
વર્ગ ભારતમાં જ રહે તો ભારતને મોટો લાભ છે. વડા પ્રધાન મોદી ભારતના અર્થતંત્રને વિશ્વમાં
ત્રીજા સ્થાને મૂકવા માગે છે - તે લક્ષ્યાંક સિદ્ધ થશે - આપણે ખરેખર ટ્રમ્પનો આભાર
માનવો જોઈએ!
પણ અમેરિકાથી
આપણા બુદ્ધિધનની ઘરવાપસી - સ્વદેશભણી હિજરત ક્યારે શરૂ થાય? જ્યારે ત્યાંની કંપનીઓ
વિઝા - ફી ભરવા તૈયાર થાય નહીં - અને ભારતથી નવી `ભરતી' શરૂ થાય નહીં તો ભારતે એમને
આકર્ષવા અને સમૃદ્ધ ભારતના ભાગીદાર બનાવવાનાં પગલાં ભરવાં જોઈએ. ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા
પોષાય તેવી હોવી જોઈએ. અફોર્ડેબલ હાઉસિંગ હોય તો શિક્ષણ અને વ્યાપાર - વ્યવસાય માટે
પણ સરળતા હોવી જોઈએ. ભૂતકાળમાં ભારત શિક્ષણનું કેન્દ્ર - હબ હતું. બનારસ હિન્દુ યુનિવર્સિટી
અને અલીગઢ મુસ્લિમ યુનિ. પણ ભારતીય અગ્રણીઓએ શરૂ કરી હતી. હવે આપણા નગર શ્રેષ્ઠીઓ,
ઉદ્યોગપતિઓ અદ્યતન સ્કૂલ - શાળાઓ શરૂ કરે છે પણ તેનો લાભ શ્રેષ્ઠ બની શકે તેવા વિદ્યાર્થીઓને
મળે છે?
ભારત સરકારે
- ઉદ્યોગપતિઓને નવી - અદ્યતન કૉલેજો અને હૉસ્પિટલોની સ્વાસ્થ્ય સેવા માટે ભાગીદાર બનાવવા
જોઈએ. ઉચ્ચ શિક્ષણ માટે હવે વિદેશ જવાની જરૂર નથી. ત્યાંની યુનિવર્સિટીઓ ભારત આવી રહી
છે તેનો વધુમાં વધુ લાભ આપણા યુવા વર્ગને મળવો જોઈએ.
જીવન-ધોરણ-જીવનની
ક્વૉલિટી સુધારવાની પણ જરૂર છે. માત્ર એશો-આરામ નહીં- સુવિધા અને સલામતી મહત્ત્વની
છે. જોકે, અમેરિકા અને યુકેમાં સલામતી વ્યવસ્થા કેવી કથળી છે તેનો અંદાજ હવે આવી રહ્યો
છે.
મુખ્ય તો આપણા
`ટેલેન્ટેડ' યુવાનોને ભારતમાં વિકાસની પૂરી તક, અવકાશ મળવો જોઈએ. આ માટે લઘુ, મધ્યમ
ઉદ્યોગોની નીતિ આકર્ષક બની છે. ભારતમાં મધ્યમ વર્ગને વિદેશનું વધુ આકર્ષણ હોય તે સ્વાભાવિક
છે. મહેચ્છા હોવી જોઈએ પણ જ્યારે વિદેશના બારણા બંધ હોય ત્યારે સ્વદેશ શ્રેષ્ઠ છે એ
સમજવું જોઈએ.
વડા પ્રધાન મોદીએ
દેશાભિમાન અને સ્વદેશી ભાવનાનું આહ્વાન કર્યું છે ત્યારે વિદેશમાં વસેલા ભારતીયો પણ
સ્વદેશ પાછા ફરે - સમૃદ્ધિમાં યોગદાન આપે એવી અપેક્ષા, આશા રાખીએ: અલબત્ત, ટ્રમ્પની
મહેરબાનીથી ઘરવાપસી થાય તો તે પણ આવકાર્ય છે. અમેરિકાના સ્વર્ગ અને સોનાના પિંજરાને
ભૂલીને ભારતને જ ફરીથી સ્વર્ગ સમાન બનાવીએ. આ સુવર્ણ અવસર છે, આફત નહીં...