• મંગળવાર, 03 ફેબ્રુઆરી, 2026

સ્વદેશી અભિયાન : વિપક્ષો મૌન કેમ?

ટ્રમ્પનાં ટેરિફ આક્રમણ અને દબાણ સામે ભારત ઝૂકશે નહીં એવી ઘોષણા વડા પ્રધાન મોદીએ કરી છે. વ્યાપાર - ઉદ્યોગે પણ આત્મનિર્ભર ભારતનો આહ્વાનને આવકાર્યું છે. સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે ગાંધીજીએ `સ્વદેશી' અભિયાન શરૂ કર્યું અને દેશના ખૂણે ખૂણે વિદેશી સામાનની હોળી થઈ તેવી તીવ્ર ભાવના આજે અનિવાર્ય છે. અલબત્ત, વિશ્વ બજારોમાં `મેઇડ ઇન ઇન્ડિયા'ની બોલબાલા થવી જોઇએ. ભારતનું અર્થતંત્ર મૃતપ્રાય નથી - હરણફાળ ભરવા તૈયાર છે એવો મેસેજ ટ્રમ્પને મળવો જોઇએ. સરકારે `સ્વદેશી' મંત્ર આપ્યો છે, પણ આપણા - `સ્વદેશી વિપક્ષો' મૌન છે. સત્તાની વ્યૂહબાજીમાં વિદેશી આક્રમણ સામે અવાજ ઉઠાવવા પણ તૈયાર નથી. અૉપરેશન સિંદૂર વખતે સંસદની વિશેષ બેઠક બોલાવવાની માગણી હતી પણ વ્યાપાર - આર્થિક આક્રમણ સામે સહકાર આપવાનું એક નિવેદન પણ નથી!

અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે `ટેરિફ ટેરર'ની શરૂઆત કરી ત્યારે રાહુલ ગાંધીએ `વોટ ચોરી'નો `એટમબૉમ્બ' જાહેર કરીને મોદી ઉપર આક્રમણ કર્યું તેનો સંદર્ભ મહત્ત્વનો છે. આ એક વ્યવસ્થિત - પૂર્વયોજિત કાવતરું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. ગમે તેમ પણ ભારત ઉપર દુશ્મનનું આક્રમણ હોય ત્યારે એક અવાજે એકતા બતાવવાની જરૂર હોય કે સરકાર અને દેશને નબળો પાડવાની - અથવા બતાવવાની જરૂર હોય? આપણો રાજકીય ઇતિહાસ છે કે જ્યારે જ્યારે ભારત ઉપર આક્રમણ થયાં છે - કારગિલ હોય કે ગલવાન - ત્યારે સેના અને સરકાર સામે શંકા અને અવિશ્વાસ વ્યક્ત કરીને દેશનો આત્મવિશ્વાસ તોડવાના જ પ્રયાસ થયા છે.

ટ્રમ્પના ટેરિફ ટેરરનું વ્યાપાર - આર્થિક આક્રમણ છે ત્યારે આંતરિક રાજકીય આંદોલનનો સમય છે? આપણા ઉદ્યોગોમાં કામદાર અને કારીગરો બેકાર થાય નહીં તે માટે સરકાર પ્રયાસો કરે છે પણ શું વિરોક્ષ પક્ષો બેકારી અને અજંપો, અશાંતિ વધે એમ ઇચ્છે છે? વડા પ્રધાન મોદીએ `સ્વદેશી' અને આત્મનિર્ભર ભારતની હાકલ કરી છે - તેમાં જોડાવાની ફરજ વિપક્ષોની નથી?

પણ વિપક્ષો - અર્થાત્ - રાહુલ ગાંધી પાસે અત્યારે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે - મોદી હઠાવો! અને અમેરિકાના `ડીપસ્ટેટ' પરદા પાછળ સક્રિય કાવતરાબાજ એજન્સીઓ અને કેટલાક નેતાઓ છેલ્લાં દસ વર્ષથી સક્રિય છે. રાહુલ ગાંધીની નબળાઈ - અથવા મહેચ્છા વડા પ્રધાન બનવાની છે અને તે જગજાહેર છે! અમેરિકા તેનો ઉપયોગ કરવા 

માગે છે!

ભૂતકાળમાં અમેરિકન એજન્સી - સીઆઈએ - વિશ્વના દેશોમાં ભાંગફોડ - ફાટફૂટ કરાવીને સત્તાપલટા કરાવતી હતી. ખુદ ઇન્દિરા ગાંધીને પણ ગર્ભિત ધમકી હતી.

ભારતમાં મોદી વડા પ્રધાનપદે આવ્યા પછી આજ - સુધી કેટલાં આંદોલનો થયાં અને અવરોધ ઊભા થયા તેની યાદ અપાવવાની જરૂર નથી. યાદ તાજી જ છે. 2019 અને 2024ની ચૂંટણી પછી પણ મોદીના હાથમાં સત્તા છે અને દેશમાં પરિવર્તન થઈ રહ્યું છે તે વિરોધીઓ જોઇ શકતા નથી, પચાવી શકતા નથી.

લોકતંત્ર બચાવો - અને સંવિધાન બચાવો પછી હવે `ચૂંટણી પંચ - ન્યાયતંત્ર - લોકતંત્ર - તમામ ઉપર અવિશ્વાસ જગાવવાના પ્રયાસ અમેરિકાના `ડીપસ્ટેટ'ના પ્લાન મુજબ થઈ રહ્યા છે? અરાજકતા જગાવવાની જાહેરાત અરવિંદ કેજરીવાલે કરી હતી - હવે આગળ કોણ વધારે છે?

`વોટ ચોરી'ના આક્ષેપ પછી ચૂંટણી પંચે પુરાવા રજૂ કરવા સાત દિવસની મહેતલ આપી. પુરાવા તો મળ્યા - પણ આક્ષેપ ખોટા હોવાના! જે સંસ્થાના અહેવાલ આધારે આક્ષેપ થયા તે સંસ્થાએ હવે માફી માગી છે અને તેની પણ ફરિયાદ થઈ છે. તપાસ થઈ રહી છે, પણ રાહુલ ગાંધીની `ફરિયાદ' નથી આક્ષેપ છે અને રાજકારણમાં આક્ષેપોની છૂટ છે! વાણીસ્વાતંત્ર્ય ઉપર કોઈ નિયંત્રણ છે? રાહુલ ગાંધીના સલાહકારો જાણે છે કે જો કાનૂની પગલાં લેવાય તો રાહુલ ગાંધીને `હીરો' બનાવી શકાય. લોકોની સહાનુભૂતિ મળે અને કાનૂની પગલાં લેવાય નહીં તો રાહુલ ગાંધી વોટ ચોરીનો પ્રચાર કર્યા કરે. બન્ને રીતે `લાભ' છે. અખિલેશ યાદવે તો બિહારની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે. ગમે તે રીતે ચૂંટણી અને લોકતંત્રમાં અવિશ્વાસ જગાવવો છે! બિહારની મતદાર યાદીનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે અને ડ્રાફ્ટ - કાચી મતદાર યાદી તૈયાર થયા પછી રાજકીય પક્ષો સહકાર આપવા તૈયાર નથી!

મતદાર યાદીમાં ગરબડ થઈ હોય તો તે પકડવા અને સુધારવાનો મોકો છે પણ વિરોધીઓ આક્ષેપ ચાલુ - જીવંત રાખવા માગે છે! મતલબ કે દેશમાં શાંતિ-વિકાસની કોઈ પરવા નથી.

આ દરમિયાન - વડા પ્રધાન, મુખ્ય પ્રધાનો અને અન્ય પ્રધાનો ભ્રષ્ટાચારમાં પકડાયા હોય તો પદભ્રષ્ટ થાય એવો ખરડો આવ્યો તો તેનો પણ વિરોધ થાય છે! હવે સંયુક્ત સંસદીય સમિતિને ખરડો સોંપાયો તો પણ સહકાર આપવા તૈયાર નથી!

વિપક્ષો દ્વારા `સ્વદેશી અસહકાર' આંદોલન ચાલે છે ત્યારે વડા પ્રધાન મોદી કહે છે, ટ્રમ્પના ટેરિફ ટેરરને પડકાર - અવસરમાં પલટી નાખવાની તાકાત ભારતમાં છે. અર્થતંત્રમાં નવા સુધારા આવી રહ્યા છે અને તે છૂટાછવાયા વિચાર નથી. જાણે સુધારાનું  શત્રાગાર - ભંડાર ખૂલી રહ્યો છે. ભારતના સ્વદેશી ઉદ્યોગોની નિકાસ માટે નવા બજાર-દેશો મળે છે અને ભારતમાં સ્વદેશી માલસામાનની માગ વધે, ઉત્પાદન વધે તે માટે જીએસટીમાં ધરખમ સુધારા આવી રહ્યા છે પરિણામે ભાવવધારો થશે નહીં. લોકોને રાહત મળશે.

આ સાથે રશિયા અને ચીન સાથે વ્યાપાર સંબંધ વિસ્તરી રહ્યા છે. ટ્રમ્પનો વ્યૂહ ભારત ઉપર દબાણ કરીને રશિયા તથા ચીનને ચેતવણી આપવાનો હતો જે સફળ થયો નથી. આખરે આપણે ટ્રમ્પનો આભાર માનવો જોઇએ કે ભારતની સ્વદેશી શક્તિ અને ભક્તિ જાગી છે! ટ્રમ્પે જે રીતે ભારત ઉપર કિન્નાખોરી દાખવી છે તેનો વિરોધ અમેરિકામાં પણ થઈ રહ્યો છે. `એક મહાન રાષ્ટ્રને આ શોભતું નથી' એવી ટીકા થઈ રહી છે. હકીકતમાં ટ્રમ્પનો ઘમંડ ઘવાયો છે! ભારતના અૉપરેશન સિંદૂર વખતે મધ્યસ્થી કરીને યુદ્ધવિરામ કરાવ્યાની શેખી - દાવાને પાકિસ્તાની પ્રધાને પણ રદિયો આપ્યો છે છતાં ટ્રમ્પે વારંવાર ચાલીસ વખત આ દાવો કરીને પોતાની `ટાંગ' ઊંચી બતાવી છે!

તાજેતરમાં અહેવાલ આવ્યો છે કે ટ્રમ્પે મોદી સાથે ફોન સંપર્ક કરવાના પ્રયાસ કર્યા પણ મોદીએ `દાદ' આપી નહીં (દાદાગીરીને દાદ અપાય જ નહીં). આ માટે કારણ છે: ફોન ઉપર વાતચીત થાય તે પછી ટ્રમ્પ જુદો જ પ્રચાર કરે - અૉપરેશન સિંદૂર વખતે એમણે આમ કર્યું હતું - તેથી મોદી સાવધાન છે. કૅનેડામાં ગ્રુપ-20ના દેશોની બેઠકમાંથી ટ્રમ્પ જલદી નીકળી ગયા તેથી મોદી સાથે મુલાકાત થઈ નહીં. પછી સંદેશ મોકલ્યો - વૉશિંગ્ટન આવોને! મોદીએ સાભાર અસ્વીકાર કર્યો, કારણ કે એ અરસામાં પાકિસ્તાની અસીમ મુનીરને બોલાવ્યા હતા - ટ્રમ્પનો વિચાર - મોદીને પરાણે બેસાડીને `મધ્યસ્થી'નો દાવો કરવાનો હતો!

આવી ચાલબાજીમાં મોદી ફસાય એમ નથી તેથી `ટ્રમ્પ સાહેબ' વધુ ભૂરાટ થયા છે!            

વડા પ્રધાન મોદીએ `સ્વદેશી' અને આત્મનિર્ભર ભારતની હાકલ કરી છે - તેમાં જોડાવાની ફરજ વિપક્ષોની નથી?