• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

આ ટ્રેડ વૉર નહીં કૉલ્ડ વૉર છે...

મેરિકાના પ્રમુખ ટ્રમ્પના દબાણ અને દાદાગીરી સામે નહીં ઝૂકવાની ઘોષણા વડા પ્રધાન મોદીએ કરી છે. ભારતના કિસાનો, પશુપાલકો - અર્થાત્ ડેરી ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગના રક્ષણ માટે ભારે કિંમત - વ્યક્તિગત ભોગ આપવા પણ તૈયાર હોવાનું વડા પ્રધાને જણાવ્યું છે: શા માટે? મોદી જાણે છે કે અમેરિકાને ભય છે કે ભારત વિશ્વની મહાશક્તિ અને ત્રીજા નંબરે અર્થતંત્ર બની જાય તો અમેરિકા સામે ગંભીર પડકાર બનશે - અને તેથી ઊગતા - ઊભરતા ભારતને બ્રેક મારીને તોડવા માગે છે. મોદીને ભારતમાં નબળા પાડવા માગે છે. આ પડકાર પાછળની ધમકી ભારતના ભવિષ્યને છે તેથી અમેરિકા સામે મોદીના સૂર અને સ્વરમાં જોડાઈને સમર્થન આપવાની ફરજ - કસોટી વિપક્ષ - વિરોધ પક્ષોની છે. વાત વાતમાં સંસદની વિશેષ બેઠક - સત્ર બોલાવવાની માગણી કરતા નેતાઓએ હવે વિશેષ સત્ર બોલાવીને ભારતની એકતા - અખંડ હોવાનો ઠરાવ પસાર કરવાની માગણી કરવી જોઈએ.

ટ્રમ્પે દોસ્તીના દાવે ભારત સાથે દગો કર્યો છે. અલબત્ત, એમની પાછળ અમેરિકાના ડીપસ્ટેટ - છૂપાં ભેજાં હશે જ. પ્રમુખપદની ચૂંટણીમાં મોદીનો હાથ પકડીને મોડી - મોડીના ગગનભેદી સૂત્રો સાંભળનારા ટ્રમ્પ હવે દાદાગીરી કરે તેની નવાઈ નથી. ચૂંટણીમાં એમણે અમરિકાને ફરીથી મહાન બનાવવાનું - મિલિયન્સ - લાખ્ખો રોજગાર ઊભા કરીને બેકારી નાબૂદ કરવાનાં વચન આપ્યાં હતાં. અમેરિકાને `ગ્રેટ' બનાવવામાં ભારતીય બુદ્ધિધનનો પણ ફાળો છે એ ભૂલી ગયા. હવે વિશ્વના દેશોને દબડાવીને અમેરિકાના ઉદ્યોગ - ધંધા રોજગાર વધારવાના પ્રયાસમાં પણ પ્રામાણિકતા નથી. ભારત પણ મહાન, શક્તિમાન બનવાના સ્વપ્ન સાકાર કરવા માગે છે. રોજગારી અને મોંઘવારીની સમસ્યા હલ કરવા માગે છે. મોદી વિકસિત ભારત અને વિશ્વમાં વિશાળ અર્થતંત્ર બનવાની દિશામાં આગળ વધે છે તેથી ટ્રમ્પના પેટમાં ચૂંક ઊપડી છે. આત્મનિર્ભર ભારત વિશ્વમાં મહાસત્તા બની જાશે તો? ટ્રમ્પના ભેજાબાજ સલાહકારો જાણે છે - ભારતના વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, ડૉક્ટરો વગેરેએ અમેરિકાને મહાન બનાવ્યું છે અને મોદી ભારતના યુવા - બુદ્ધિધનને પ્રોત્સાહન આપે છે - આજે અમેરિકા - યુકેની યુનિવર્સિટીઓ ભારત આવી રહી છે!

અમેરિકાની સમૃદ્ધિ ચીને છીનવી લીધી - દરેક ક્ષેત્રમાં, ઘરમાં ચીની માલની ચીજોનો ધસારો છે : અમેરિકને બેકારી ભથ્થાંમળે ત્યારે તરત બજારમાં દોડીને ચીની ટીવીથી લઈને મોબાઇલ ફોન - કમ્પ્યુટર ખરીદે છે. અમેરિકાની કંપનીઓ સસ્તી મજૂરીનો લાભ લેવા ચીનમાં મૂડીરોકાણ કરીને ચીનાઓને રોજગારી આપે છે. ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રમાં પણ અમેરિકાને પડકારે છે! આમ છતાં ટ્રમ્પ ચીનને ધમકાવી શકતા નથી. કારણ કે ત્યાં એમનો `બાપ' - ડેડી છે! જ્યારે ભારતમાં લોકતંત્ર છે અને જોઈએ તેટલા જયચંદ - પપ્પુઓ સેવા આપવા તૈયાર છે!

ભારતમાં લોકતંત્ર તોડવા, મોદીને હઠાવવા સતત વિદેશી કાવતરાં થયાં છે. અમેરિકન પૂંજીપતિઓ સક્રિય છે. કિસાન આંદોલન - કૃષિ સુધારાના વિરોધમાં તો બહાનું હતું. એમની પાછળ કેટલા વિદેશી એજન્ટો હતા? ખાલિસ્તાની પાછળ `હાથ' કોના છે? ભારતે આવાં કાવતરાં નિષ્ફળ કર્યાં છે. હવે અમેરિકાના ખેડૂતોને મદદ કરવા માટે એમનો માલ ભારત લાવીને આપણા ધરતીપુત્રોને ભૂખે મારવા? આપણે સૂકા મેવા ઉપરાંત સોયાબીન તેલની જંગી આયાત કરીએ છીએ. મોદી ભારતને આત્મનિર્ભર બનાવવા માગે છે. એક સમય હતો જ્યારે આપણે અમેરિકાના લાલ ઘઉંની આયાત ભીખની જેમ કરતા હતા. આપણા કૃષિ વિજ્ઞાનિક સ્વામીનાથને હરિયાળી ક્રાંતિ કર્યા પછી અનાજના ઢગલા છે. કરોડો પરિવારને વિનામૂલ્યે અનાજ અપાય છે. આવી જ રીતે યુરોપ અમેરિકાથી દૂધના પાવડરના ડબ્બા દાનમાં આવતા હતા તે ઘોળીને સરકારી ડેરીઓ લોકોને દૂધ આપતી હતી. આ પછી અમૂલ જેવી સંખ્યાબંધ સહકારી મંડળીઓ આવી ડૉ. કુરિયનના પ્રતાપે. દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ છે. હવે અમેરિકાની `કાઉ'ના દૂધ આવે એટલે આપણા પશુપાલકો બેકાર બને. ગૌ-પશુધન કતલખાને જાય! અમેરિકામાં દૂધનું ઉત્પાદન વધારવા જર્સી ગાયને બિન-શાકાહારી - માંસાહારી બનાવાય છે! ભારત અમેરિકા ખાતે `સી-ફૂડ' નિકાસ કરે છે. મત્સ્ય ઉદ્યોગની નિકાસમાં સતત વધારો થયો છે ત્યારે તે બંધ થાય?

હકીકતમાં અમેરિકી પ્રમુખનો આતંક માત્ર વ્યાપાર ક્ષેત્રે નથી. આ કોલ્ડ વૉર છે. અમેરિકાએ યુકે - યુરોપ વગેરે ઉપર મામૂલી ટેરિફ વધારો કર્યો છે. ભારત ઉપર ધરખમ વધારો કરીને કહે છે - આ તો ચીનને ધમકી આપી છે! રશિયા પાસેથી ક્રૂડતેલની ખરીદી યુરોપના દેશો કરી રહ્યા છે તો એમના ઉપર નિયંત્રણ કેમ નહીં? ભારત નિયંત્રણની પરવા કરતું નથી. કારણ કે પેટ્રોલ - ડીઝલના ભાવ વધારાની અસર આપણે જોઈ છે. અમેરિકાની કંપનીઓ સસ્તા - સ્પર્ધાત્મક ભાવે તેલ આપવા તૈયાર નથી.

ગમે તેમ કરીને ભારતના અર્થતંત્રને નબળું પાડવાના પ્રયાસ અમેરિકા કરે છે. ભારતના ઉદ્યોગપતિઓ સામે કુપ્રચાર પણ અમેરિકાની ધરતી ઉપરથી શરૂ થાય છે અને સ્વદેશી નેતાઓ - તેના હાથા બને છે! ભારતે પાકિસ્તાની આતંકીઓ સામે અૉપરેશન સિંદૂર શરૂ કર્યું ત્યારે યુદ્ધવિરામ કરાવ્યાનો દાવો ટ્રમ્પે કર્યો અને આપણા રાહુલે વાજાં વગાડયાં - `મોદી ટ્રમ્પનું નામ પાડીને રદિયો આપે -' ટ્રમ્પને ઉશ્કેરવાનો અને મોદીને ભીંસમાં લેવાનો પ્લાન હતો. ટ્રમ્પે એકવીસ વખત દાવો કર્યો તે વિરોધી નેતા ગણતા અને ગણાવતા રહ્યા! અત્યારે પણ અમેરિકા આપણા ઉદ્યોગપતિઓને નબળા પાડવાના પ્રયાસ કરે છે ત્યારે વિરોધ પક્ષો તેમાં જ સૂર પુરાવે છે!

ટ્રમ્પના સલાહકારો જાણે છે કે કોરોના વખતે મોદીએ ગરીબ - વિકસતા દેશોને વેક્સિસ આપીને દોસ્તી કેળવી છે. આજે બ્રાઝિલ અને અન્ય દેશો સાથે સંગઠન અને સંબંધ વિકસાવ્યા છે - ટ્રમ્પના બદલે મોદીના નામના ડંકા બગડે છે તેથી કાનમાં શૂળ ભોંકાય છે.

હવે મોદી ચીનની મુલાકાતે જનાર છે. કૈલાસ માનસરોવરનો યાત્રા માર્ગ પછી હવે સંબંધ સુધરે છે. ટ્રમ્પના આક્રમણ સામે મોદી મક્કમ છે તેથી ચીને આપણને ટેકો આપ્યો છે: આંગળી આપો તો પંજો પકડી લેશે!

અમેરિકાને ચિંતા - ભય છે કે ભારત - રશિયા અને ચીનની ત્રિપુટી થાય તો ભારે પડશે. આથી જ ભારતને, મોદીને નબળા પાડવા માગે છે. આપણા વિરોધી નેતાઓ પણ ગમે તે ભોગે - ભારતના હિતશત્રુ બને નહીં તો સારું.                            

અમેરિકાએ યુકે - યુરોપ વગેરે ઉપર મામૂલી ટેરિફ વધારો કર્યો છે. ભારત ઉપર ધરખમ વધારો કરીને કહે છે - આ તો ચીનને ધમકી આપી છે! રશિયા પાસેથી ક્રૂડતેલની ખરીદી યુરોપના દેશો કરી રહ્યા છે તો એમના ઉપર નિયંત્રણ કેમ નહીં? 

અમેરિકાનો ભરોસો થાય? આ પ્રશ્ન હંમેશાં પુછાય છે. આઝાદી પછી પણ અમેરિકાએ ભારતના લોકતંત્રના બદલે પાકિસ્તાની લશ્કરી સરમુખત્યારીને પંપાળી, પોષી છે. આપણા કૉંગ્રેસી મિત્રોને યાદ હશે કે ઇન્દિરાજીને હઠાવવા માટે સીઆઈએનાં કાવતરાં ખૂદ ઇન્દિરાજીએ ઉઘડાં પાડયાં હતાં.

બાંગ્લાદેશના આઝાદી સંગ્રામ વખતે પ્રમુખ નિક્સને પાકિસ્તાનને ઉગારવા માટે નૌકાદળનો સાતમો કાફલો મોકલીને ભારતને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો જે ફિલ્ડ માર્શલ માણેકશાએ નિષ્ફળ કર્યો હતો.

પાકિસ્તાન - અમેરિકા સામે રક્ષણ મેળવવા ઇન્દિરા ગાંધીએ તત્કાલીન સોવિયેત સંઘ સાથે વીસ વર્ષના ``મૈત્રી કરાર'' કર્યા હતા. સોવિયેત રશિયાએ ભારત સાથે હંમેશાં સંબંધ જાળવ્યા છે.