• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

મહુઆ મોઈત્રા સામે સીબીઆઈની પ્રાથમિક તપાસ શરૂ  

લોકપાલના નિર્દેશ મુજબ

નવી દિલ્હી, તા.2પ: સંસદમાં સવાલ ઉઠાવવા સાટે લાંચનાં આરોપમાં ફસાયેલા તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓ ઓર વધારો થયો છે. તેની સામે લાગેલા આરોપોની તપાસ હવે સીબીઆઈએ પણ શરૂ કરી દીધી છે. લોકપાલનાં નિર્દેશનાં અનુસંધાને સીબીઆઈ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી છે. 

કેન્દ્રીય તપાસ એજન્સી હવે પોતાની પ્રાથમિક તપાસનાં તારણનાં આધારે નક્કી કરશે કે સાંસદ વિરુદ્ધ અપરાધિક કેસ નોંધવો કે નહીં. ઉલ્લેખનીય છે કે, શરૂઆતી તપાસમાં સીબીઆઈ કોઈની ધરપકડ કરી શકતી નથી અને તલાશી પણ લઈ શકતી નથી. તે ફક્ત જાણકારી જ માગી શકે છે. આમાં તે તૃણમૂલ સાંસદની પૂછપરછ પણ કરી શકે છે.

આ મામલે સુપ્રીમ કોર્ટનાં વકીલ જય અનંત દેહાદ્રાઈએ સીબીઆઈમાં ફરિયાદ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે, સંસદમાં સવાલ ઉઠાવવા માટે મોઈત્રાએ કારોબારી દર્શન હીરાનંદાણી પાસેથી રુશ્વત લીધી હતી. જ્યારે દેહાદ્રાઈનાં ભાજપ સાંસદ નિશિકાંત દુએની ફરિયાદનાં આધારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આચરણ સમિતિની મામલો સોપ્યો હતો અને દુબેએ લોકપાલમાં પણ ફરિયાદ નોંધાવી હતી.