• સોમવાર, 04 ડિસેમ્બર, 2023

ચોથી ડિસેમ્બરથી સંસદનું શિયાળુ અધિવેશન

ગૃહની ચર્ચામાં પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામોનો રહેશે ઓછાયો

નવી દિલ્હી, તા. 18 : પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામોના બીજા જ દિવસે ચોથી ડિસેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થશે, ત્યારે ચૂંટણીનાં પરિણામો પરથી જ સત્તાપક્ષ કે વિપક્ષ કોણ આક્રમક વલણ અપનાવશે તે નક્કી થશે.

વિપક્ષ જે મુદ્દા ઉછાળશે તેમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માગ મુખ્ય છે. ઈડી, સીબીઆઈ જેવી કેન્દ્રીય એજન્સીઓની એકતરફી કાર્યવાહી સામે પણ `ઈન્ડિયા' જોડાણ આક્રમક છે.

સૂત્રો કહે છે કે, ભાજપ આ સત્રમાં સમાન નાગરિક સંહિતા પર પણ ચર્ચા છેડશે. જો કે, આ મુદ્દા પર કાયદા પંચે હજુ તેનો અહેવાલ કેન્દ્ર સરકારને સોંપ્યો નથી. એ સિવાય મોદી સરકાર શિયાળુ સત્રમાં આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ લો સાથે જોડાયેલા ત્રણેય વિધેયક પણ પસાર કરાવી શકે છે. 

ઉપરાંત આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને સસ્પેન્ડ કરવાનો મામલો પણ ગૃહમાં  ગાજી શકે છે.

વિતેલા સત્રમાં આઈપીસી, સીઆરપીસી સંબંધિત વિધેયક ગૃહમંત્રાલયની સંસદીય સ્થાયી સમિતિને મોકલાયા હતા. સમિતિએ ત્રણેય વિધેયક પર તેની ભલામણો આપી દીધી છે.