આજે નેધરલૅન્ડ સામે મુકાબલો : બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટક્કર
નવી દિલ્હી, તા. 11 : વિશ્વકપ 2023માં રવિવારે અંતિમ લીગ મેચમાં નેધરલેન્ડનો સામનો મેજબાન ભારત સામે થવાનો છે. ડચ ટીમે ટુર્નામેન્ટમાં આઠ મેચમાંથી માત્ર બે મેચમાં જીત મેળવી છે. જ્યારે ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાં રમેલી તમામ 8 મેચમાં અજેય રહી છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે તમામ મેચમાં પ્રતિદ્વંદ્વીઓને મોટા અંતરે હરાવ્યા છે. મેજબાન ભારતની બેટિંગ અને બોલિંગ ઉપરાંત ફીલ્ડિંગ પણ શાનદાર રહી છે. મેદાનની અંદર ટીમ ઈન્ડિયાએ તમામ વિરોધીઓને પછાડવામાં કોઈ કસર છોડી નથી.
બીજી તરફ નેધરલેન્ડે મોટો ઉલટફેર કરતા દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. બાદમાં ડચ ટીમે સતત હારનો સામનો કર્યો છે. ટુર્નામેન્ટમાં નેધરલેન્ડની બેટિંગ લાઈન પુરી રીતે ફ્લોપ રહી છે. જેના કારણે બોર્ડ ઉપર રન કરવામાં નિષ્ફળતા મળી હતી. ડચ ટીમની બોલિંગ અને ફિલ્ડિંગે પ્રભાવિત કર્યા છે.
ભારત અને નેધરલેન્ડ વચ્ચે વનડેમાં માત્ર બે મુકાબલા રમાયા છે. જેમાં ટીમ ઈન્ડિયાએ બન્ને મેચમાં નેધરલેન્ડને હરાવ્યું છે. વિશ્વકપમાં પણ બન્ને ટીમ બે વખત આમને સામને આવી છે. જેમાં પણ ભારતીય ટીમ 2-0થી આગળ છે. અંતિમ વખતે ભારત અને નેધરલેન્ડનો મુકાબલો 2011માં થયો હતો ત્યારે પણ ભારતે વિશ્વકપની મેજબાની કરી હતી.
વિશ્વકપમાં લીગ તબક્કાનો 45મો અને અંતિમ મુકાબલો બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. જેમાં રોહિત શર્માની ટીમ સેમિફાઈનલ પહેલા અંતિમ લીગ મેચમાં પણ જીત મેળવવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા વર્તમાન સમયે પોઈન્ટ ટેબલ ઉપર ટોપ ઉપર છે. જ્યારે નેધરલેન્ડની ટીમ સૌથી નીચે 10મા ક્રમાંકે છે. બેંગલોરમાં થયેલા ન્યુઝિલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેના મેચમાં વરસાદ પડયો હતો અને ડકવર્થ લુઈસના આધારે પાકિસ્તાનને જીત મળી હતી. બાદમાં ન્યુઝિલેન્ડ અને શ્રીલંકા વચ્ચેના મેચમાં હવામાન સાફ રહ્યું હતું. હવે આશા કરવામાં આવી રહી છે કે ભારત અને નેધરલેન્ડ વચ્ચેના મુકાબલા દરમિયાન પણ હવામાન સ્વચ્છ રહેશે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ બેટ્સમેનને મદદ માટે પ્રખ્યાત છે. મેદાન અપેક્ષાકૃત નાનું છે. પરિણામે બેટ્સમેનોને સારો સ્કોર બનાવવાની તક આપે છે.