• બુધવાર, 12 માર્ચ, 2025

હવે વિદેશી નાણાંનો વિવાદ

લોકતંત્ર બચાવવાના બહાને વિદેશી ‘હાથ’ પછી

નિયાના લગભગ તમામ દેશોમાં લોકતંત્ર અને ચૂંટણીનાં નામે, કારણે વિવાદ અને વિગ્રહ-સંઘર્ષ થઈ રહ્યાં છે. ગરીબથી લઈને વિકસિત - ધનાઢ્ય પશ્ચિમના દેશોમાં પણ સત્તા માટે લોકશાહીના નામે સંઘર્ષ શરૂ થયા છે. આ લોકો માટેની, લોકોની અને લોકોએ ચૂંટેલા નેતાઓની સરકારોને બદલે સત્તાશાહી જ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 21 મિલિયન ડૉલરની સહાય ચૂંટણીમાં મતદાન - વૉટિંગની ટકાવારી વધારવા, જનજાગૃતિ માટે આપવાનો - કે અપાયાનો ‘ધડાકો’ કર્યો છે તેના મૂળમાં પણ પૂર્વ પ્રમુખ બાયડનની સરકારનાં ‘કરતૂત’ ઉપર પ્રકાશ પાડવાનો અને પ્રહાર કરવાનો છે! અમેરિકાના આંતરિક રાજકારણની અસર - ચિનગારીની જેમ ભારત ઉપર પડી છે. અમેરિકાએ ભારતના રાજકારણમાં દખલ કરવા માટે કોને - કયા પક્ષ અને નેતાને કરોડો ડૉલર આપ્યા કે નહીં તેની તપાસ થઈ રહી છે અને સંસદમાં પણ ધમાલ થશે : સત્ય બહાર આવશે?

વિશ્વમાં લોકતંત્ર “બચાવવા” માટે અમેરિકાના ‘પ્રયાસ’ ઘણા જૂના, દાયકાઓથી જાણીતા છે! વિશ્વમાં સત્તાની બે છાવણીઓ હતી. મૂડીવાદી અમેરિકા અને સામ્યવાદી સોવિયેત સંઘ. આખરે સોવિયેત સંઘ વિખરાયા પછી અમેરિકા સામે અત્યારે માત્ર ચીનનો પડકાર છે. રાજકારણની વિચિત્રતા કેવી છે કે હવે અમેરિકામાં પ્રમુખની ચૂંટણીમાં રશિયાનો હસ્તક્ષેપ - નાણાં વપરાયાં હોવાનો આક્ષેપ અમેરિકામાં વિવાદનો મુદ્દો છે જ્યારે ચીને અમેરિકાના અર્થતંત્રને ભ્રષ્ટાચારથી ઘમરોળી નાખ્યું છે!

ભારતમાં 1950ના દાયકામાં - કેરળમાં સૌપ્રથમ ડાબેરી - સામ્યવાદી સરકાર - ઈ.એમ.એસ. નાંબુદ્રીપાદની ચૂંટાઈ આવી ત્યારે અમેરિકાની વગ-સલાહ મુજબ ઇન્દિરા ગાંધીએ કેરળ સરકાર બરતરફ કરાવી હતી! અને વર્ષો પછી કૉંગ્રેસના ભવ્ય ભંગાણ બાદ જમણેરી - સામ્યવાદી પક્ષના નેતા એસ. એ. ડાંગેએ લોકસભામાં ઇન્દિરા ગાંધીની સરકારને ટેકો આપીને બચાવી હતી!

1971માં પાકિસ્તાની અત્યાચાર સામે બાંગ્લાદેશે બળવો કર્યો ત્યારે ઇન્દિરા ગાંધીએ મુક્તિ બાહિની ફોજને મદદ કરીને બાંગ્લાદેશને આઝાદી અપાવી. અમેરિકાના તત્કાલીન પ્રમુખ નિક્શન અને એમના સલાહકાર હેન્રી કિસિંજરે પાકિસ્તાનને ઉગારવા નૌકાદળના સાતમા કાફલાના યુદ્ધ જહાજ ‘એન્ટરપ્રાઈઝ’ને મોકલીને નિષ્ફળતાથી નાક કપાવ્યું... ત્યારે ઇન્દિરા ગાંધીએ સોવિયેત રશિયા-સંઘ સાથે વીસ વર્ષના મૈત્રીકરાર કર્યા હતા.

આ પછી 1970ના દાયકામાં ઇન્દિરા ગાંધીની સરમુખત્યારશાહી શરૂ થઈ. લોકતંત્રને જેલમાં પૂરવા - ગુલામ બનાવવા ઈમર્જન્સી જાહેર થઈ. ઇન્દિરા ગાંધીનો જાહેર આક્ષેપ હતો કે અમેરિકાની સીઆઈએ ભારતમાં લોકશાહીના નામે દખલ કરે છે. “િવદેશી હાથ” અમેરિકાનો જ હોવાનું સ્પષ્ટ હતું. આ અરસામાં ચીલીના માર્ક્સવાદી પ્રમુખ એજેન્દેની હત્યા પાછળ સીઆઈએનો હાથ હતો. ઇન્દિરા ગાંધીએ ભારતમાં પણ આવું કાવતરું હોવાની વાત જાહેરસભાઓમાં કરી હતી!

ઈરાક અને અન્ય દેશોમાં પણ અમેરિકાએ ‘હાથ’ અજમાવ્યો હતો. લોકશાહીની ચિંતાથી વધુ ચિંતા વિશ્વમાં ‘બહુમતી’ મેળવવાની હોય છે!

ભારતમાં લોકશાહી - લોકતંત્ર ‘ખતરા’માં હોવાની ફરિયાદ-પ્રચાર રાહુલ ગાંધી છેલ્લાં દસ વર્ષથી કરી રહ્યા છે! અમેરિકાની ધરતી ઉપરથી આક્ષેપ કરી રહ્યા છે. પ્રચાર કરે છે અને એમને જ્યોર્જ સોરોસ જેવા ભારતવિરોધી અમેરિકી ઉદ્યોગપતિનો ટેકો મળે છે! છતાં જનાદેશ મોદી સરકારને મળે છે. ત્યારે ભારતમાં લોકતંત્ર ‘બચાવવા’ માટે અમેરિકાના બાયડન - ડેમોક્રેટિક પક્ષની સરકારે મોટી - જંગી રકમ ફાળવી - અથવા ફાળવણીની વ્યવસ્થા કરી હોવાનો આક્ષેપ - પ્રમુખ ટ્રમ્પે કર્યો છે. અલબત્ત, ઊલટા-સૂલટી નિવેદનો અને અહેવાલોની તપાસમાં સત્ય પ્રકાશમાં આવે ત્યારે ખરું.

પ્રમુખ ટ્રમ્પની સરકારમાં ડિપાર્ટમેન્ટ અૉફ ગવર્નમેન્ટ એફિસિયન્સીનો વિભાગ સંભાળતા ઉદ્યોગપતિ એલોન મસ્કે સૌપ્રથમ એકવીસ મિલિયન ડૉલરનો ફાળો બંધ કરવાની માહિતી આપી પછી ટ્રમ્પના ‘ધડાકા’ થયા. આ ફાળાની તપાસ ભારતમાં થઈ રહી છે - પણ ટ્રમ્પે પૂરી તપાસ કરીને ‘વ્હાઈટ પેપર’ બહાર પાડવું જોઈએ.

અત્યારે ‘યુએસએઈડ’ વિવાદમાં છે - તેની સ્થાપના ત્રીજી નવેમ્બર 1961માં થઈ હતી. પણ એ પહેલાં ફોર્ડ ફાઉન્ડેશન સક્રિય હતું. ફોર્ડ મોટર્સના સ્થાપક હેન્રી ફોર્ડના પુત્ર દ્વારા ફાઉન્ડેશનની સ્થાપના થઈ - તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુના આમંત્રણથી ફોર્ડે અમેરિકાથી બહાર નીકળીને ભારતમાં પગ મૂક્યો હતો! આ ફાઉન્ડેશનનો ઉપયોગ ડાબેરી વિચારધારાને, પ્રતિકાર કરવા માટે સીઆઈએ દ્વારા થયો! ભારતના રાજકીય, સામાજિક અને આર્થિક હિતવિરોધી કામ કરતા N.G.O. - બિનસરકારી - સેવાભાવી સંસ્થાઓને ફાઉન્ડેશન તરફથી અઢળક નાણાં મળતાં હોવાનું બહાર આવ્યું છે. 2015માં નરેન્દ્ર મોદી સરકારે આવી તમામ સંસ્થાઓને મળતી મદદ અને કામગીરીની તપાસ શરૂ કરી. અમેરિકાની સંસદ - કૉંગ્રેસના અહેવાલમાં જણાવાયું હતું કે વર્ષ 1976માં ફાઉન્ડેશને 700 ગ્રાન્ટ આપી હતી અને તેમાં 50 ટકા નાણાં ‘સીઆઈએ’નાં હતાં! સીઆઈએના ફન્ડિંગ કવર તરીકે ફોર્ડ ફાઉન્ડેશનનું નામ આપ્યું હતું. મોદી સરકારે તપાસ શરૂ કર્યા પછી અમેરિકાએ ‘િચંતા’ વ્યક્ત કરી હતી!

સુજ્ઞ વાચકોને કદાચ યાદ હશે કે ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન મોદીએ જાહેર સભામાં કહ્યું હતું કે આપણા દેશમાં આવા 32 હજાર એનજીઓની દુકાનો બંધ કરાવી છે - તેથી લોકતંત્રના નામે ‘કાગારોળ’ શરૂ થઈ છે! નોંધપાત્ર બાબત છે કે 1976માં ઈમર્જન્સી દરમિયાન ઇન્દિરા ગાંધીએ પ્રથમ વખત ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) ઍક્ટ ‘ફેરા’ પસાર કર્યો હતો અને 2010માં સુધારા ખરડો પસાર થયો.

2015માં ગુજરાત સરકારે કેન્દ્રના ગૃહ ખાતાને ફરિયાદ કરી કે આ ફાઉન્ડેશન ભારતની ન્યાયકીય વ્યવસ્થામાં દખલ કરે છે - કોમવાદી એકતા વિરુદ્ધ કામગીરી કરે છે. 2009થી 2013 દરમિયાન તિસ્તા સેતલવાડને ફોર્ડ ફાઉન્ડેશન તરફથી અઢી લાખ ડૉલર મળ્યા હોવાની તપાસની માગણી થઈ હતી. તિસ્તા સેતલવાડે આક્ષેપ નકાર્યા પણ સીઆઈડીનો રિપોર્ટ હતો કે ફાઉન્ડેશને એમની પાસે અંગ્રેજી તથા ભારતીય ભાષાના એકસો પત્રકારોનો સંપર્ક માગ્યો હતો - જેમને “જરૂરી માહિતી” આપી શકાય!

ભારતમાં કુલ 1.87 લાખ આવી બિનસરકારી સંસ્થાઓ છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ - 27,270 અને મહારાષ્ટ્રમાં 28,784, દિલ્હી અને બંગાળમાં અનુક્રમે 13,763 અને 13,381 છે. ભારતની ગ.ઋ.ઘ.માંથી 44 ટકા માત્ર આ ચાર રાજ્યોમાં છે. વિદેશી નાણાંનો ઉપયોગ વિકાસ યોજનાઓનો વિરોધ કરવા માટે પણ થાય છે. કૉર્પોરેટ હાઉસ, વિદ્યુત પ્રકલ્પો, અણુશક્તિના પ્રકલ્પો સામે જનતાનો વિરોધ જગાવાય છે.

2012માં પી. ચિદમ્બરમ ગૃહ રાજ્યપ્રધાન હતા ત્યારે એમણે કુડાકુલમ અણુશક્તિ પ્રોજેક્ટનો વિરોધ કરતા એનજીઓની તપાસ કરાવીને આવી ચાર હજાર સંસ્થાઓનાં લાઇસન્સ રદ કર્યાં હતાં.

ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં 10 વર્ષ પહેલાં એનજીઓ હતા. વિદેશી - મુખ્યત્વે અમેરિકી દખલનો સીધો માર્ગ હતો. હવે આ ‘ઘૂસણખોરી’ બંધ થઈ રહી છે ત્યારે ભારતમાં કાગારોળ મચી છે! પણ અમેરિકાના પ્રમુખે આવી દખલગીરીની કબૂલાત કરી છે! પણ ભૂલવું નહીં જોઈએ કે યુએસએઈડ હેઠળ આ ઘણી વિકાસ યોજનાઓ માટે ઘણી આર્થિક સહાય મળી છે. આ “સહાય” કેટલી વિકાસ યોજનાઓ માટે મળી છે અને કેટલાં નાણાં “દખલગીરી” માટે આવ્યાં છે તેની વિગતવાર માહિતી મળવી મુશ્કેલ છે! ભારતની ચૂંટણીમાં મતદાન વધે અને લોકતંત્ર શક્તિશાળી બને એ માટે કેટલા ડૉલર આવ્યા? કોને મળ્યા અને કેવી રીતે વપરાયા તે માહિતી મળવી જોઈએ. ટ્રમ્પની ફરિયાદ સાચી છે કે અમેરિકામાં જ વૉટિંગની ટકાવારી વધારવાની જરૂર છે!

ટ્રમ્પ અને બાયડનની ‘લડાઈ’ છે અને ભારતમાં ભાજપ અને કૉંગ્રેસ સામસામા આક્ષેપ કરે છે! અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન માટે અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા માટે પણ અમેરિકી ડૉલર મળ્યા હોવાના આક્ષેપ છે. આ આક્ષેપબાજી વચ્ચે પણ એક નોંધપાત્ર બાબત છે કે ભારતીય મતદારો લોકશાહીને નાણાશાહીથી બચાવે છે. 1977થી 2014 સુધીની ચૂંટણીમાં લોકોએ જ લોકશાહી બચાવી છે.

ટ્રમ્પનાં ઊલટા-સૂલટી આડેધડ નિવેદનોની પણ ટીકા થઈ રહી છે. એમણે અભ્યાસપૂર્ણ નિવેદન કરવાં જોઈએ - પૂરી જવાબદારીથી. પણ આ એમના સ્વભાવગત છે! મનોવૈજ્ઞાનિકો -નો એક વર્ગ જેમાં એમની પોતાની ભત્રીજી મેરી ટ્રમ્પનો પણ સમાવેશ થાય છે - કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો જ અવાજ-સૂર સાંભળીને ખુશ થાય છે - નારસીસિસ્ટ - છે!