હકીકતમાં ટ્રમ્પ યુદ્ધવિરામ અને સમાધાન કરાવીને રશિયાને ખુશ કરવા માગે છે! પણ યુક્રેનને સલામતીની કોઈ ખાતરી આપવા તૈયાર નથી. આમાં રશિયાને પૂરો લાભ, વિજય છે!
મેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ
ઝેલેન્સ્કીને જે રીતે ધમકાવ્યા અને મહેમાનગતિને બદલે વ્હાઈટ હાઉસમાંથી પાછા કાઢ્યા
- તે ઘટનાથી વિશ્વના નેતાઓ - અમેરિકાના ચાહકો, મિત્ર દેશો ચોંકી ઊઠÎા છે. યુરોપના દેશોની
સમજાવટ અને આગ્રહથી ઝેલેન્સ્કી નમતું જોખવા તૈયાર થયા પણ ટ્રમ્પ હવે રાજી થશે કે નહીં
તે જોવાનું છે કારણ કે એમના માટે રશિયા - અને પુતિન વધુ વહાલા છે!
અણીના સમયે અમેરિકાનો ભરોસો થાય ખરો? આપણે - ભારત
પણ સાવધાન છે અને સલામતીની પાળ - દીવાલ બાંધે છે. યુરોપિયન યુનિયન - કમિશનના પ્રેસિડન્ટ
ઊષ્કુલા વોન ડેર લેચેન્હની નવી દિલ્હી મુલાકાત વખતે સંરક્ષણ ક્ષેત્રની ભાગીદારીની સંમતિ
થઈ છે. બીજા વિશ્વયુદ્ધ પછી માત્ર બે મહાસત્તાઓ અમેરિકા અને સોવિયેત સંઘ એવી બે છાવણી
હતી. પણ સોવિયેત સંઘ છિન્ન-િભન્ન થયા પછી રશિયાની ‘હાક’ રહી નથી પણ ચીને અમેરિકા સામે
હરીફ મહાસત્તાનું સ્થાન લીધું છે. રશિયાએ યુક્રેન ઉપર કબજો જમાવવા આક્રમણ કર્યા પછી
અને અમેરિકાએ યુક્રેનને ધમકાવીને રશિયાને રાજી કર્યા પછી વિશ્વમાં સત્તાનાં સમીકરણ
બદલાઈ રહ્યાં છે!
સત્તાના સંઘર્ષમાં આ પરિવર્તનની શક્યતા ચર્ચાઈ રહી
હતી પણ ટ્રમ્પને યુક્રેનનું બહાનું મળ્યું અને ટ્રમ્પે સત્તાની શતરંજમાં ઝેલેન્સ્કીને
જાણે “પ્યાદાં”ની જગાએ ગોઠવી દીધા! પોતાના દેશની ભૂમિ ઉપર પગપેસારો કરીને રશિયા પોતાની
સરહદ વિસ્તારવા માગે છે એવી ખાતરી થયા પછી યુક્રેને છેક 2014થી બચાવ - પ્રતિકાર શરૂ
કર્યો. રશિયાએ વારંવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો. રશિયા પાસે પૂરતી સેના નથી. નોર્થ કોરિયા
અને અન્ય દેશો (ભારત સહિત)ના ભાડૂતી સૈનિકો મેળવે છે. ભારતીય લોકોને લાલચ આપીને હાથમાં
હથિયાર પકડાવીને લડાઈમાં ધકેલે છે! યુક્રેનને યુરોપના દેશો અને અત્યાર સુધી અમેરિકાનાં
શત્રો મળ્યાં છે પણ કીડી ઉપર કટક જેવી સ્થિતિ છે. યુક્રેન કયાં સુધી ઝીંક ઝીલે? આર્થિક
કટોકટી છે પણ અનાજ - ઘઉંનું મબલક ઉત્પાદન અને ખનિજ સંપત્તિ અઢળક છે - જેના ઉપર રશિયા
અને અમેરિકાની નજર છે.
અમેરિકા જવા પહેલાં ઝેલેન્સ્કીએ જાહેરાત કરી હતી કે શાંતિ માટે તેઓ પ્રમુખપદનું રાજીનામું આપવા તૈયાર છે. આ પછી તેઓ ખનિજ સંપત્તિનો સોદો - કરાર કરવા અમેરિકા ગયા. પ્રમુખ ટ્રમ્પ અને ઉપપ્રમુખ વાન્સે સ્વાગત કર્યું. પણ પૂર્વ પ્રમુખ બાયડને આપેલી સહાયનો ઉલ્લેખ થયો ત્યારે ટ્રમ્પ ભડક્યા અને કહે તમને અમારી કદર કયાં છે? તમે હારવાના છો. અમે ઘણી મદદ આપી છે હવે બાજી તમારા હાથમાં નથી. આવું બધું સાંભળીને ઝેલેન્સ્કીએ કહ્યું - તમે અમને ભલે ગમે તેમ કહો તમારો પણ વારો આવશે ત્યારે ખબર પડશે! ટ્રમ્પથી આ સહન થાય? તરત કહ્યું - અમારી શક્તિ પડકારવાની તમારી લાયકાત નથી... આ તબક્કે ઉપપ્રમુખ વાન્સે પણ ટાપસી પૂરીને કહ્યું - તમે અમેરિકાના પ્રમુખનું અપમાન કર્યું છે. માફી માગો... આભાર તો માન્યો નથી! અને ટ્રમ્પે તો ઝેલેન્સ્કીનાં ચાળાં પણ પાડ્યા! સમસ્ત વિશ્વમાં ટીવી ઉપર આ દૃશ્ય - તમાશો જોવાયો.
હકીકતમાં ટ્રમ્પ યુદ્ધવિરામ અને સમાધાન કરાવીને રશિયાને
ખુશ કરવા માગે છે! પણ યુક્રેનને સલામતીની કોઈ ખાતરી આપવા તૈયાર નથી. આમાં રશિયાને પૂરો
લાભ, વિજય છે!
આ તમાશા પછી યુરોપના દેશો ચોંકી ઊઠÎા કારણ કે રશિયાનો
વ્યૂહ યુક્રેન પછી યુરોપના અન્ય દેશો ઉપર કબજો જમાવવાનો છે. યુક્રેન તો એક સેમ્પલ છે.
પુતિનનો પ્લાન સોવિયેત રશિયાનું ઍમ્પાયર ફરીથી ઊભું કરવાનો અને મહાસત્તા બનવાનો છે.
જ્યારે ટ્રમ્પની ગણતરી રશિયાને સાથે લઈને ચીનને પડકારવાની છે. વિશ્વના અર્થતંત્રનું
ગ્લોબલાઈઝેશન કરીને અમેરિકા હવે પસ્તાય છે. અમેરિકી અર્થતંત્ર ઉપર ચીનનું દબાણ વધી
ગયું છે. તેથી જ હવે ચીનના માલની આયાત ઉપર ડબલ જકાત નાખવાની જાહેરાત કરી છે. ટ્રમ્પની
ગણતરી ભલે ગમે તેવી હોય પણ રશિયા વખત આવે ચીન સાથે જ રહેશે. અમેરિકા ગંભીર ભૂલ કરે
છે.
બીજા વિશ્વયુદ્ધ પછી સોવિયેત બ્લોક સામે યુરોપને
રક્ષણ આપવા માટે “નાટો” નોર્થ ઍથ્લાન્ટીક ટ્રીટી અૉર્ગનાઈઝેશન કરાર થયા હતા. રશિયાનો
આક્ષેપ છે કે ઝેલેન્સ્કી ‘નાટો’ના સભ્ય બનવા માગે છે અને યુરોપના દેશો યુક્રેનને મદદ
આપીને યુદ્ધ લંબાવી રહ્યા છે. આ વાત પણ સાચી છે. રશિયાના વિસ્તારવાદનો ભય સૌને છે.
આથી જ યુકેના વડા પ્રધાને તાત્કાલિક યુરોપના અન્ય દેશોના શાસકોને લંડન બોલાવીને ઝડપથી
વણસી રહેલી સ્થિતિને બ્રેક મારવાનો સફળ પ્રયાસ કર્યો છે. ફ્રાન્સ એમની સાથે છે. ઝેલેન્સ્કી
- ટ્રમ્પની મુલાકાત ફરીથી થાય એવી શક્યતા - આ લેખ લખાય છે ત્યારે જણાય છે. અમેરિકાને
ખનિજ સંપત્તિના કરાર મળે અને યુદ્ધવિરામ થાય. અલબત્ત યુક્રેનને સલામતીની ખાતરી મળે
તો ઝેલેન્સ્કી પ્રમુખપદનું રાજીનામું આપવા તૈયાર થશે.
બ્રિટન ડિપ્લોમસીમાં ચાણક્ય નીતિમાં કાબેલ છે. વડા
પ્રધાને જાહેરમાં કહ્યું છે કે અમેરિકા વિના સલામતી શક્ય જ નથી. જગત જમાદાર છે. ટ્રમ્પને
મનાવી લેવામાં બ્રિટન - યુરોપ સફળ થાય તો યુક્રેનનો પરાજય ટાળી શકાય અને તે યુક્રેન,
યુરોપ અને અમેરિકાના પણ લાભમાં હશે. પણ અમેરિકામાં એક વર્ગની લોબી એવી છે કે આપણે દુનિયા
આખીની જવાબદારી ઉઠાવીએ? વર્ષોથી નાણાં વેડફાઈ રહ્યાં છે! આ લોબી હવે ટ્રમ્પ ઉપર દબાણ
કરે છે - ‘નાટો’ને વિખેરી નાખે - યુરોપ એનું ફોડી લેશે. યુનાઈટેડ નેશન્સ ચલાવવા માટે
અને વર્લ્ડ બૅન્ક માટે પણ અમેરિકા શા માટે નાણાં આપે? યુરોપના દેશો તો અમેરિકાને અણુયુદ્ધમાં
ખેંચી જશે... યુક્રેન પાછળ 350 બિલિયન ડૉલર વેડફાયા હોવાની ટીકા થાય છે. ટ્રમ્પ કહે
છે અમેરિકાએ બીજા 120 બિલિયન ડૉલર અન્ય રીતે પણ આપ્યા છે!
યુનાઈટેડ નેશન્સ ચલાવવા માટે વાર્ષિક 12 મિલિયન ડૉલર
આપવામાં આવે છે જે અમેરિકી બજેટના પચીસ ટકા છે. વર્લ્ડ બૅન્કને દર વર્ષે દોઢ બિલિયન
ડૉલર અપાય છે - અત્યાર સુધીમાં 90 બિલિયન ડૉલર ચૂકવાયા છે - અમેરિકાને શું લાભ? બજેટમાં
35 ટ્રિલિયન ડેટ હોવા છતાં મબલક નાણાં ‘વેડફાઈ’ રહ્યાં છે ત્યારે અમેરિકા ફર્સ્ટ કયાં
છે? આથી જ ચીન, કૅનેડા, મેક્સિકો અને ભારત સહિત અન્ય દેશોથી થતી આયાત ઉપર જકાતમાં વધારો
થયો છે!
અમેરિકા ફર્સ્ટ હોવું જોઈએ પણ અમેરિકા વિશ્વમાં એકલું
અલગ પડી જાય તો? યુરોપ અને અન્ય વિકસતા દેશોને અપાતી સહાય અચાનક બંધ થયાની અસર કેવી
પડશે? રશિયા તો રાજી - રાજી છે. યુક્રેનમાં રશિયાના હાથ અને પગ ઉપર રહેવાની આશા છે
ત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે અણુપ્રયોગો બાબત સમજૂતી કરાવવા પણ તૈયાર છે! જૂના મિત્રોને
સંદેશ છે : દોસ્ત દોસ્ત ના રહા અને રશિયાને કહે છે - સર પે લાલ ટોપી...?!