• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

નેપાળનો ઉલટફેર : વિન્ડિઝ, બાંગ્લાદેશની પણ જીત

26મીએ અંડર-19ના ત્રણમાંથી બે મુકાબલા રહ્યા રોમાંચક

નવી દિલ્હી, તા. 27 : અંડર-19 વિશ્વકપમાં 26 જાન્યુઆરીના રોજ ત્રણ મુકાબલા રમાયા હતા. જેમાંથી બે મુકાબલા ખૂબ રોમાંચક રહ્યા હતા. એક મુકાબલામાં ઉલટફેર જોવા મળી હતી. નેપાળની અંડર-19 ટીમે અફઘાનિસ્તાનની અંડર-19 ટીમને પછાડી દીધી હતી જ્યારે દિવસના પહેલા મેચમાં બંગલાદેશની ટીમે અમેરિકાને હરાવ્યું હતું. દિવસના બીજા મેચમાં ઇંગ્લેન્ડ સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમે જીત મેળવી હતી. 

દક્ષિણ આફ્રિકામાં રમાય રહેલા અંડર-19 વિશ્વકપ ગ્રુપ મુકાબલામાં બંગલાદેશનો સામનો અમેરિકાની ટીમ સાથે થયો હતો. જેમાં બંગલાદેશે અરિફુલ ઈસ્લામની સદીની મદદથી 7 વિકેટના નુકસાને 291 રન કર્યા હતા. જેના જવાબમાં અમેરિકાની ટીમ 170 રને ઢેર થઈ હતી અને મુકાબલો 121 રનના અંતરે હારી હતી. ચાર વિકેટ બંગલાદેશના કેપ્ટન મહફુઝુર રહેમાન રેબીએ લીધી હતી. 

ટૂર્નામેન્ટના ગ્રુપ બી મુકાબલામાં વેસ્ટ ઇન્ડિઝની ટક્કર ઇંગ્લેન્ડ સામે થઈ હતી. મેચમાં ઇંગ્લેન્ડની ટીમ 192 રને ઓલઆઉટ થઈ હતી. જો કે વેસ્ટ ઇન્ડિઝ પણ સરળતાથી જીતી શક્યું નહોતું. વેસ્ટ ઇન્ડિઝને 193નું લક્ષ્ય મેળવવામાં 41 ઓવર લાગી હતી અને 8 વિકેટ ગુમાવી દીધી હતી. રીતે મેચ રોમાંચક રહ્યો હતો. 

દિવસનો ત્રીજો મુકાબલો ગ્રુપ ડીની ટીમ નેપાળ અને અફઘાનિસ્તાન વચ્ચે હતો. નેપાળે મેચમાં ઉલટફેર કરતા અફઘાનિસ્તાનને હરાવી દીધું હતું. અફઘાનિસ્તાની ટીમે ટૂર્નામેન્ટમાં સીધું ક્વોલીફાઈ કર્યું હતું. મેચમાં અફઘાનિસ્તાનની ટીમ 145 રનમાં ઢેર થઈ હતી જ્યારે નેપાળની ટીમે નવ વિકેટનાં નુકસાને 146 રન કર્યા હતા.