• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

રાહુલ ગાંધીની હતાશા

રાહુલ ગાંધી વિદેશી ધરતી ઉપરથી ભારત વિરુદ્ધ - વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભાષણો કરી રહ્યા છે. 2014માં લોકસભાની ચૂંટણીના પ્રચારમાં અને તે પછી જાહેરસભાઓમાં એમણે બેફામ ભાષા અને બેહદ બેજવાબદાર આક્ષેપો કર્યા છે. અપશબ્દો વાપર્યા છે. મોદીનાં સ્વ. માતા માટે પણ અપશબ્દો વપરાયા છે. રાહુલ ગાંધીની નિરાશા પછી હવે હતાશા છવાઈ ગઈ છે. એકમાત્ર કારણ છે ઃ એમને ખાતરી હતી કે ડૉ. મનમોહન સિંઘ પછી એમના માટે વડા પ્રધાનપદ નક્કી - ‘અનામત’ છે! ગાદી વારસ ગાંધી પરિવાર જ હોય એવી એમની આશા, વિશ્વાસ હતો અને હજુ પણ દૃઢપણે માને છે કે તેઓ વડા પ્રધાનપદના એકમાત્ર - બિન-હરીફ દાવેદાર છે! આ દાવેદારી પુરવાર કરવા માટે તેઓ મોદીને હટાવવા, બદનામ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. અન્ય વિપક્ષો પણ સત્તા મેળવવા માટે રાહુલ ગાંધી સાથે જોડાઈ રહ્યા છે પણ મોદીને હરાવવાનું - હટાવવાનું આસાન નથી - તેથી એમણે ભારત અને ભારતની લોકશાહી ઉપર આક્ષેપ - ટીકા પ્રહાર શરૂ કર્યા છે. એમની આ ‘જેહાદ’માં વિશ્વનાં કેટલાંક પરિબળોનો સાથ મળ્યો છે. આ લોકો માને છે કે મોદીને હટાવાય તો ભારત ઉપર કબજો - જમાવાય, અંગૂઠા છાપ, કઠપૂતળી સરકારને નચાવી શકાય. આ જેહાદમાં રાજકીય વિચારસરણી કરતાં આર્થિક શક્તિ વધુ ભાગ ભજવે છે. ભારતને શક્તિશાળી અને વિશ્વમાં ત્રીજું મોટું અર્થતંત્ર બનતું રોકવાની સાજિશ છે. ભારતના ટુકડા કરવાનું લક્ષ્ય છે અને એમના હાથમાં રાહુલ ગાંધી રમી રહ્યા છે.

તાજેતરમાં રાહુલ ગાંધી કોલંબિયાની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના આમંત્રણથી (?) વિશ્વની ડેમોક્રેસી અને ડિપ્લોમસી વિષે ‘લેક્ચર’ આપવા ગયા હતા અને ત્યાં એમણે કહ્યું કે ભારતમાં લોકતંત્ર વ્યવસ્થા ઉપર સાર્વત્રિક - મોટાપાયે હુમલા - આક્રમણ થઈ રહ્યું છે! ભારતમાં ચાર મોટા ઉદ્યોગપતિઓનો ભયંકર - મોટાપાયે ભ્રષ્ટાચાર કેન્દ્ર કક્ષાએ છે અને એમના સંબંધ સીધા વડા પ્રધાન સાથે છે! આખું અર્થતંત્ર એમના કબજામાં છે.

રાહુલ ગાંધી જાણે છે કે તેઓ નિષ્ફળ ગયા છે - ભારતનું લોકતંત્ર નિષ્ફળ નથી છતાં વિદેશી ધરતી ઉપરથી એમણે ભારતનું લોકતંત્ર પડી ભાંગ્યું હોવાની વાતો કરી છે. એક તબક્કે તો એમણે અમેરિકા અને યુકે - એ ભારતના મામલામાં દખલગીરી કરવાની હિમાયત કરી છે ઃ આમંત્રણ આપ્યું છે!

ભારતમાં ચૂંટણીમાં ફાવ્યા નહીં તેથી વિદેશોમાં જઈને ભાજપ - વાસ્તવમાં ભારતવિરોધી પ્રચાર કરે છે ત્યારે શંકા જાગે છે કે તેઓ સત્તાની ચોરી કરવા માગે છે? વિદેશોમાં કેટલાક ધનાઢયોનું ગ્રુપ છે જે ભારતના અર્થતંત્રની હરણફાળ જોઈને ભડકી ઊઠયા છે. તેમાં પણ હવે ચીન, રશિયા સાથે ભારતે હાથ મિલાવ્યા તેથી ટ્રમ્પ છંછેડાયા છે.

તાજેતરમાં વિદેશથી એક અહેવાલ વાયરલ થયો છે જેમાં જણાવાયું છે કે ‘નાટો’ના સભ્ય હોવાનો દાવો કરતા ક્લિંજર નામના શખસે ભારતને તોડવાની હિમાયત શરૂ કરી છે. ભારતના નક્શામાં અલગ અલગ રાજ્યોના ઝંડા ફરકાવ્યા - બતાવ્યા છે. ભાષા - ધર્મ વગેરેના આધારે ભારતને તોડવાનો પ્લાન તૈયાર હોવાનું કહે છે!

વિદેશથી આવતો એક અહેવાલ વાયરલ થયો છે કે તાજેતરમાં મોદી ચીન ગયા હતા ત્યાં એમના વિરુદ્ધ ભારતના દુશ્મનોએ કાવતરું કર્યું હતું... અને તેની જાણ મળી ગઈ તેથી પુતિન મોદીનો હાથ પકડીને એમની મોટરકારમાં લઈ ગયા અને પંદર મિનિટ સુધી બેસાડીને વાતચીત કરી. કાવતરાં પાછળ એવી ગણતરી હોય કે ચીન અને રશિયા બંને બદનામ થાય! તાશ્કંદમાં લાલબહાદુર શાત્રીનું અવસાન યાદ છે? અલબત્ત, આ અહેવાલને સત્તાવાર રદિયો કોઈ નહીં આપે માત્ર પ્રચારમાં ખપાવશે પણ ભારતના દુશ્મનોથી આપણે - લોકોએ પણ સાવધ રહેવાની જરૂર છે.

“ ‘નાટો’એ આવા કોઈ તેના સભ્ય હોવાનો ઇનકાર કર્યો છે અને રદિયો આપ્યો છે પણ રાહુલ ગાંધીએ કોલંબિયા યુનિવર્સિટીના લેક્ચરમાં પણ ભારતની વિવિધ ભાષાઓ ધર્મ-સંપ્રદાયો હોવાથી લોકતંત્ર માટે ખતરો હોવાનું કહ્યું છે. આ સૌ વચ્ચે એકસૂત્રતા માટે લોકતાંત્રિક વ્યવસ્થા જરૂરી છે પણ અત્યારે આ વ્યવસ્થા ઉપર જ હુમલો થયો છે! ભારતની 16-17 અલગ અલગ ભાષાઓ અને ધર્મ છે.”

ભારત અને ચીન આગામી પચાસ વર્ષમાં દુનિયાની નેતાગીરી લેવા તૈયાર છે? એવા એક પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું - ચીનની તો મને ખબર નથી પણ ભારત આવી નેતાગીરી લેવા તૈયાર હોય એમ લાગતું નથી - અત્યારે તો ભારત, અમેરિકા અને ચીનના ગજગ્રાહ વચ્ચે - મધ્યમાં છે. ભારત ‘િવશ્વગુરુ’ બનવાની ક્ષમતા ધરાવે છે એવા અહેવાલનો ઉપરોક્ત જવાબ રાહુલે આપ્યો છે?

ભારતના સ્વદેશાભિમાન અને આત્મનિર્ભર ભારતના નિર્માણનો સંકલ્પ આપણે કર્યો છે. બ્રિટનના વડા પ્રધાન 125 ઉદ્યોગપતિઓના કાફલા સાથે ભારત આવી રહ્યા હતા, બંને દેશો વચ્ચે મુક્ત વ્યાપારના કરાર નક્કી હતા ત્યારે રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપરથી નકારાત્મક સંદેશ આપે તે કેટલું યોગ્ય છે? ટ્રમ્પ કહે કે ભારતનું અર્થતંત્ર મૃતઃપ્રાય છે અને તેનો હવાલો આપીને રાહુલ ગાંધી કહે કે સાચી વાત છે પણ મોદી અને સીતારામન સ્વીકારવા તૈયાર નથી - ત્યારે શ્રીમાન રાહુલ ગાંધીને શું કહેવું?

ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માટે એકવીસ વખત - અથવા સાડી સત્તરવાર દાવો કર્યો કે એમણે યુદ્ધવિરામ કરાવ્યો ત્યારે રાહુલ ગાંધી ફિલ્મી ડાયલોગ ચૂંટણીની જાહેરસભામાં બોલે - ‘નરેન્દર, ક્યા કરતે હો - સરેન્ડર કરો અને મોદી કહે છે ઃ જી હજૂર’ - ભારતની સંસદમાં વિપક્ષી નેતા અને દાયકાઓ સુધી ભારત ઉપર એકહથ્થુ શાસન કરનાર કૉંગ્રેસ પક્ષના નેતા માટે આ શોભે છે? લોકસભામાં વડા પ્રધાનના ગળે પડવું કે વળગવું તથા આંખના ઇશારા કરવા એક વાત છે અને વિદેશી ધરતી ઉપરથી મજાક ઉડાવવી તે વધુ ગંભીર - ભારતદ્રોહ છે - આ વાત એમને કોણ સમજાવે? વિદેશીઓના વોટ ભારતમાં નહીં મળે કારણ કે હવે ચૂંટણી પંચે ચૂંટણી યાદીમાંથી વિદેશીઓની સફાઈ કરી છે!

* * *

1947માં વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું - હું વિદેશોમાં કદી પણ મારા દેશની સરકાર ઉપર ટીકા-પ્રહાર અથવા આક્ષેપ કરું જ નહીં. આ માટે સ્વદેશ આવીને સમય મળશે - વિદેશમાં તો મારા દેશ અને જે પણ પક્ષની સરકાર હોય તેની ફેવરમાં અને આપણા દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે વિશ્વાસ વ્યક્ત કરીશ...

2017માં નિવૃત્ત પ્રમુખ બરાક ઓબામાએ નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિષે ટીકાનો એક શબ્દ પણ બોલવા - લખવાનો ઇનકાર કર્યો હતો.

1977માં જનતા પાર્ટીના નેતા વડા પ્રધાન મોરારજીભાઈએ લોકસભામાં વિપક્ષી નેતાને કૅબિનેટ દરજ્જાના પ્રધાન જેવો હોદ્દો-સ્થાન-માન આપવાની શરૂઆત કરી હતી.

લોકશાહી કોને કહેવાય તે રાહુલ ગાંધી જાણે છે? રાહુલ ગાંધી તો માત્ર ડોનાલ્ડ ટ્રમ્પને જાણે છે! નોબેલ શાંતિ એવૉર્ડ મળ્યો નહીં તો નિવૃત્ત પ્રમુખ બરાક ઓબામા તદ્દન નકામા માણસ હોવાનું કહે છે!