સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે આપણી કચ્છ સરહદે વિજયાદશમીએ શત્રપૂજા કરીને પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે પાકિસ્તાન જો સિરક્રીક ખાતે કોઈ `અડપલું' કરશે તો ભારત સખત જવાબ આપશે અને આ વિસ્તારની ભૂગોળ અને ઇતિહાસ બદલાઈ જશે... ભારતે આવી ચેતવણી આપવાની જરૂર કેમ પડી? ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પણ પાકિસ્તાનને આવા જ શબ્દોમાં ચેતવણી આપી છે કે હવે અમે સંયમ નહીં જાળવીએ. પાકિસ્તાનનું નામોનિશાન નહીં રહે - સંરક્ષણપ્રધાન અને સેનાના વડાની ચેતવણી એક જ સમયે - સમાન શબ્દોમાં આવી તે ભારત સરકારનો દૃઢ નિશ્ચય છે! પાકિસ્તાને સિરક્રીક વિસ્તારમાં શત્રસરંજામ ખડક્યાં છે, શક્ય છે કે ગુજરાત-કચ્છ સરહદ ઉપર આક્રમણ કરવાનો તેનો વિચાર, વ્યૂહ હોય. આ માટે બે મજબૂત કારણ છે. એક તો ભારતના અૉપરેશન સિંદૂરથી પાકિસ્તાન ઘવાયું છે - તેનું નાક કપાયું છે અને આ પરાભવની નામોશી પછી પણ જનરલ આસીમ મુનીર ફીલ્ડ માર્શલ બની બેઠા છે! ગમે તે ભોગે નામોશી ધોવા માગે છે. આ માટે તો પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પગ પકડીને આળોટી રહ્યા છે. નામોશી કેવી રીતે ધોઈ; ભૂલી-ભૂલાવી શકાય? ભારત ઉપર આક્રમણ કરીને? પણ મુનીર જાણે છે કે આ કામ આસાન નથી. બીજું - ભારતની કચ્છ સરહદે સિરક્રીક (ખાડી)નો વિવાદ ઘણો જૂનો છે - તો ત્યાં હુમલો કરીને કબજો મેળવી શકાય. આ દીવાસ્વપ્નનો ભંગ રાજનાથ સિંહે કર્યો છે કે `1965માં ભારતીય સેના લાહોર પહોંચી ગઈ હતી. હવે સિરક્રીક થઈને કરાચી પહોંચતા વાર નહીં લાગે!' સિરક્રીક સરહદે પાકિસ્તાની સેનાની હિલચાલ માટે બીજું કારણ છે : ઙઘઊં - પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં લોકોએ મુનીરની સેના અને શાહબાઝ શરીફ સરકાર સામે વિદ્રોહ પોકાર્યો છે એવો મુનીરને ભય છે કે ભારત તક ઝડપીન `પોક'ને છોડાવે - પાકિસ્તાનથી `મુક્ત' કરે. આવી સ્થિતિમાં ભારત સામે બીજો મોરચો ખોલી શકાય! આથી જ રાજનાથ સિંહે મુનીરને ચેતવણી આપી છે!
ગાઝામાં ઇઝરાયલ
અને યુક્રેન ઉપર રશિયાના આક્રમણ પછી અને ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી વિશ્વમાં
રાજકીય અને લશ્કરી સંબંધ બદલાઈ ગયા છે. અગાઉ હતું તેમ શીતયુદ્ધ છે. અમેરિકા સામે રશિયા,
ચીન અને ભારત પણ છે. ટ્રમ્પે તો યુરોપના દેશોને પણ દુશ્મન બનાવ્યા છે. આ દરમિયાન ઇઝરાયલે
હમાસને ખતમ કરવા માટે કત્તાર ઉપર હુમલો કર્યો ત્યારે આરબ દેશો ચોંકી ઊઠયા છે કે અમેરિકા
સાથે ગાઢ આર્થિક સંબંધ હોવા છતાં ટ્રમ્પે અમને બચાવ્યા નહીં! આ સંજોગોનો લાભ ઉઠાવ્યો
પાકિસ્તાને! સાઉદી અરબ સાથે સંરક્ષણ કરાર કર્યા. કોઈ ત્રીજા દેશનો હુમલો થાય તો બંને
દેશ એક બીજાની વહારે આવશે! આખરે અમેરિકાએ પણ આરબ દેશોના રક્ષણની ખાતરી આપી અને ગાઝામાં
યુદ્ધવિરામ કરવા ઇઝરાયલ ઉપર દબાણ કર્યું.
પાકિસ્તાને સાઉદી
સાથે સંરક્ષણ કરાર કર્યો છે, પણ તેની વધુ જરૂર પાકિસ્તાનને છે. ભારત હવે હુમલો કરે
તો સાઉદી - `િમત્ર ભાવે' પણ વચ્ચે પડી શકે! ભારત હુમલો ક્યારે કરે? પાકિસ્તાન છૂંછી
કરે તો અને ત્યારે. ભારત સરકારના પ્રવક્તાએ નિવેદન કરીને પાકિસ્તાનમાં થતા અત્યાચારની
સખત ટીકા કરી છે. હકીકતમાં શરીફ - મુનીર સરકારે ભારતીય નાગરિકો ઉપર અત્યાચાર કર્યા
છે! કાશ્મીર ઉપર કબજો ગેરકાયદે છે.
મુનીરને ડર છે
કે `પાક'માં લોકોનો વિદ્રોહ છે તેનો લાભ ભારત ઉઠાવશે. અલબત્ત, બલૂચિસ્તાનમાં પણ પાકિસ્તાન
સામે બળવો છે અને મુનીર કહે છે ભારતનો હાથ છે. હકીકતમાં પાકિસ્તાનની સત્તા પંજાબીઓના
હાથમાં છે અને અગાઉના પૂર્વ પાકિસ્તાનમાં બંગાળીઓ ઉપર અમાનુષી અત્યાચાર કર્યા પછી ત્યાં
બળવો થયો અને ભારતે બાંગ્લાદેશના જન્મમાં મદદ કરી.
પાકિસ્તાની કાશ્મીરમાં
સંજોગો થોડા અલગ છે. પંજાબીઓના અત્યાચાર અને લૂંટમાર તો છે જ. લોકોને એક ટાઇમની રોટીના
વખા છે. વીજળી મળે નહીં. યુવા વર્ગ બેકાર છે અને આ ત્યાંના લોકોએ ભારતીય કાશ્મીરનાં
સુખ-સમૃદ્ધિ જોયાં છે. સંવિધાનની કલમ 370 રદબાતલ થયા પછી મુક્ત ચૂંટણી અને લોકતંત્ર
જોયું છે અને જોયા પછી જાગૃતિ આવી છે. આંદોલનકારો ઉપર ગોળીઓનો વરસાદ થાય છે. લોકોનો
બળવો દાબી દેવાના પ્રયાસ થઈ રહ્યા છે.
પ્રશ્ન એ છે કે
`પોક' બીજું બાંગ્લાદેશ બની શકે? મૂળ તો બાંગ્લાદેશ - પૂર્વ પાકિસ્તાન અલગ હતું. ઇસ્લામાબાદથી
દૂર સ્ટીમર અને વિમાન દ્વારા પંજાબી સેના મોકલાતી હતી. બીજું, અત્યાચારથી વાજ આવી ગયેલા
બંગાળીઓએ મુક્તિબાહિની - ગેરીલા ફોજ તૈયાર કરી ભારતની મદદ મેળવી અને પંજાબી સેનાથી
બચવા માટે લાખ્ખો બંગાળી નિરાશ્રિતોને ભારતમાં આશ્રય મળ્યો. આ સ્થિતિ સમગ્ર દુનિયાએ
જોઈ તે પછી ભારતીય સેનાએ દરમિયાનગીરી કરી ત્યારે પણ અમેરિકી પ્રમુખ નિકસને અમેરિકી
નૌકાદળના સાતમા કાફલાને બાંગ્લાદેશ ભણી રવાના કર્યો હતો - પાકિસ્તાની સેનાને ઉગારવા
માટે. પણ ભારતની તૈયારી જોઈને લીલા તોરણે પાછો ફર્યો હતો.
આમ આજે પાકિસ્તાની
કબજા હેઠળના કાશ્મીરની સ્થિતિ અલગ છે. ભારતમાં અવારનવાર માગણી થાય છે કે સેના મોકલીને
કાશ્મીર પાછું મેળવો પણ આ કામ એટલું સરળ નથી અને ભારત સરકાર કોઈ ઉતાવળ પણ કરે નહીં.
સમય પાકશે જરૂર. પાકિસ્તાન વેરવિખેર થશે પણ અત્યારે ઉતાવળ કરવાથી - અખંડ કાશ્મીરને
ભારતમાં લેવાથી સમસ્યા વધી શકે છે. ઇઝરાયલે આખી દુનિયાનો વિરોધ અવગણીને ગાઝામાં હમાસની
સફાઈ કરી છે તેવું આસાન નથી. પાકિસ્તાનમાં વ્યાપક બળવો થાય - મુનીર ભાગે તે પછી ઘટનાઓ
ઝડપી હશે.
સિરક્રીક વિશે
-
આઝાદી પછી કચ્છ
સરહદની આ ખાડી ઉપર પાકિસ્તાનનો દાવો હતો - અને હજુ છે. 2012ના જૂનમાં બંને દેશો વચ્ચે
વાટાઘાટ થઈ હતી. 2015ના ડિસેમ્બરમાં ફરી દ્વિપક્ષી વાટાઘાટ શરૂ થઈ પણ 2016માં પઠાણકોટમાં
આતંકી હુમલો થયા પછી બ્રેક લાગી. 96 કિમીની આ ખાડી ઉપર પાકિસ્તાન કબજો જમાવવા માગે
છે - પણ ભારત મચક આપતું નથી. હવે સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ભારતીય સેનાની તકેદારી
અને તૈયારી જોઈ છે. આપણા વરુણાત્રની કામગીરી જોયા પછી - આપણાં સશત્ર દળોની ત્રણે પાંખની
કાર્યશક્તિથી પ્રભાવિત થયા છે.
કચ્છના અખાતના
મુખે, ભારત-પાકિસ્તાન સરહદી ક્ષેત્રમાં સિરક્રીક કહેવાતી ખાડી ઉપરાંત અનેક ક્રીક આવેલી
છે, જમીન અને દરિયાઈ સીમાના મિશ્રણ જેવો આ વિસ્તાર અટપટી ખાડીવાળો નિર્જન વિસ્તાર છે.
સદીઓથી આઝાદી પહેલાંથી સિરક્રીક વિસ્તાર કચ્છ રાજ્યના કબજામાં હતો અને હવે આપણો વિસ્તાર
છે. 1947થી પાકિસ્તાન તેના પર આધિપત્ય જમાવવા માગે છે. સિરક્રીક સિંધ અને કચ્છની સરહદ
પર છે. 1968ના છાડબેટના ચુકાદા પછી સીમાંકનમાં 1175 નંબરના કાટખૂણા પરના અંતિમ પિલર
અંગે સંમતિ હતી અને તેથી આગળ (40+ સિરક્રીકના 59 કિમી) આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ક્રીકનો
મધ્ય ભાગ સરહદ ગણાતો હોવાથી કોઈ વિવાદ નહોતો. 1971ના યુદ્ધ પછી પાકિસ્તાનની નિયત બગડી
અને આંતરરાષ્ટ્રીય મંચ સુધી કેસ લઈ જઈ તેના પર દાવો કર્યે રાખ્યો છે. ભારત પાસે
1936ના જૂના નકશા અને બીજા આધારો ભારતનો દાવો પ્રમાણભૂત બનાવે છે. 1968માં `ઇન્ડો-પાકિસ્તાન
વેસ્ટર્ન બાઉન્ડ્રી ટ્રિબ્યુનલ'ની રચના થઈ હતી, પણ આજ સુધી કોઈ ચુકાદો આવી શક્યો નથી.
સિરક્રીક વિસ્તાર પર સીમા સુરક્ષા દળ (બીએસએફ) અને તટ રક્ષક દળનો મજબૂત પહેરો છે. તરતી
ચોકીઓ સહિત આધુનિક ટેક્નૉલૉજીવાળાં સાધનોથી આપણાં સલામતી દળો સજ્જ છે. પાકિસ્તાનના
ઘૂસણખોરી, શસ્ત્ર અને માદક દ્રવ્યોની હેરફેર સહિતના દરેક ઉંબાડિયાને ભરી પીવા સીમા
દળ સક્ષમ અને સતર્ક છે.
ભારતની આઝાદી
અને ભાગલા વખતે જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિસિંહ - અલગ સ્વતંત્ર રહેવા માગતા હતા અને
ભારત - પાકિસ્તાન સાથે `જૈસે થે'ના કરાર કરવા માગતા હતા. પાકિસ્તાને તક ઝડપી લીધી.
કરાર કરીને તાર-ટપાલ ખાતાનો કબજો લઈ લીધો. અનાજ પુરવઠાની ખાતરી અપાઈ, પણ પછી પુરવઠો
બંધ કર્યો! અને ઘૂષણખોરી શરૂ થઈ. 1947ની 22મી અૉક્ટોબરે મુઝફરાબાદમાં કાશ્મીરી સેનાની
છાવણી કચડી નાખીને હજ્જારો પઠાણ-પખ્તૂન ઘૂસણખોરો શ્રીનગર ભણી ધસી રહ્યા હતા. આખરે હરિસિંહે
ભારતના નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ મુજબ કરાર - નેહરુની નામરજી છતાં
કર્યા અને સરદારે ચાર ડાકોટા વિમાન દ્વારા સેના મોકલી અને શ્રીનગર બચાવ્યું. પણ નેહરુએ
યુએનમાં ફરિયાદ કરી - 1948માં યુદ્ધવિરામ થયો.
ભારતીય સેનાને
છૂટો હાથ મળ્યો હોત અને નેહરુ યુએનમાં ગયા હોત નહીં તો આજે અખંડ કાશ્મીર ભારતનો અવિભાજ્ય
ભાગ હોત...