• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

વોટચોરી કે સત્તાચોરી?

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હવે ચૂંટણી પંચના વડા-કમિશનર જ્ઞાનેશકુમારને નિશાના ઉપર લીધા છે. વોટચોરી છુપાવી રહ્યા છે અને લોકતંત્રને ખતમ કરી રહ્યા છે. `આ બધા આક્ષેપ નથી, ધમકી છે. સાત દિવસની મહેતલ આપી છે કે `વોટચોરી' પાછળ કેન્દ્રમાં જે જવાબદાર હોય તેનાં નામ આપો.'

બહારમાં ભાજપને સત્તા મળે કે નહીં પણ રાહુલ ગાંધી અશાંતિ - અરાજકતા ઊભી કરવા માગે છે. અત્યારથી જ કહે છે કે નેપાળ - બાંગ્લાદેશની જેમ બિહાર અને ભારતના યુવાનોએ લોકતંત્રના રક્ષણ માટે તૈયાર રહેવું પડશે. આનો મતલબ શું? `હું ભલે મરું - પણ તને વિધવા કરું' - એવો પ્લાન છે? મને સત્તા ભલે મળે નહીં - પણ લોકશાહીને બદનામ કરવી છે? સંવિધાન બચાવો - અભિયાન ચલાવનાર રાહુલ ગાંધી હવે સંવિધાન ઉપર પ્રહાર કરી રહ્યા છે. લોકોને ચૂંટણી પ્રક્રિયામાં અવિશ્વાસ જગાવી રહ્યા છે - સુપ્રીમ કોર્ટ નહીં, જનતાની અદાલતમાં ચુકાદો માગે છે. પણ નેપાળ જેવી સ્થિતિ ઊભીથાય તો તેઓ ખુદ બચી શકે? હવે બે-ત્રણ મહિના એટલે બિહારનાં પરિણામની આશા - રાહ જોવા માગે છે! મતદાર યાદીની ફેરતપાસનો વિરોધ મમતાજી પણ કરે છે : બિહાર સાથે બંગાળ ભડકી શકે? ભારતના લોકતંત્ર માટે ખતરનાક કોણ છે તે ભારતની જનતાએ નક્કી કરવાનું છે. સત્તાચોરી રોકવાની છે.

રાહુલ ગાંધીએ `વોટચોરી' બાબત `બૅમ્બ' પછી હવે હાઈડ્રોજન બૉમ્બનો ધડાકો કરવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને ધમકી આપી અને કહે છે કે હાઈડ્રોજન બૉમ્બની તૈયારીમાં હજુ બે-ત્રણ મહિના લાગશે!

નરેન્દ્ર મોદી સરકારને પાડવા માટે અને સત્તા મેળવવા માટે રાહુલ ગાંધી 2014થી પ્રયાસ કરી રહ્યા છે - અથવા હવાતિયાં મારી રહ્યા છે! મોતના સોદાગર અને નીચજાતિથી લઈને ચોકીદાર ચોર હૈ અને એમના સ્વર્ગસ્થ માતુશ્રીને પણ ગાળનો હાર પહેરાવ્યા સુધી રાજકીય સંસ્કાર બતાવ્યા છે. સેક્યુલરવાદનો દંભ અને હળવા હિન્દુત્વ માટે જનોઈધારી બ્રાહ્મણનો દેખાવ પણ કર્યો. તમામ પ્રયાસ નિષ્ફળ ગયા પછી એમણે ચૂંટણી તંત્ર ઉપર કુપ્રચાર શરૂ કર્યાં. વોટિંગ મશીનની ગોલમાલના આક્ષેપ સુપ્રીમ કોર્ટમાં ખોટા ઠર્યા પછી સંવિધાનની નકલ પૉકેટબુક હાથમાં લઈને લોકતંત્ર બચાવો - સંવિધાન બચાવો - ની બૂમાબૂમ કરી. જાણે સંવિધાન એમના `પૉકેટ'માં હોય!

છેલ્લાં દસ-બાર વર્ષથી સતત પ્રયાસ છતાં ભારતની જનતા - મતદારોનો વિશ્વાસ જીતી શક્યા નથી.

એમણે રાફેલ વિમાનોના સોદામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા - ખોટા ઠર્યા. સુપ્રીમ કોર્ટમાં નાક - હોય તો - કપાવ્યું! અંબાણી - અદાણીના નામે મોદીને બદનામ કરવાના પ્રયાસ પણ નિષ્ફળ ગયા. બીજી બાજુ મોદી સરકારે વચન પાળ્યા છે. વિશ્વના તખતા ઉપર ભારતનું સ્થાન- માન મેળવ્યાં છે. આતંકવાદ સામે સખત કાર્યવાહી કરી છે અને સુપરપાવર અમેરિકા પાસે નહીં ઝૂકીને દેશાભિમાન જાળવ્યું, વધાર્યું છે.

હવે આવા નરેન્દ્ર મોદીને હટાવવા કેવી રીતે? ચૂંટણી તંત્ર - પ્રક્રિયા સામેના તમામ આક્ષેપ ફુગ્ગાની જેમ ફૂટી ગયા છે ત્યારે ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદીની ફેરતપાસ-ચકાસણી શરૂ કરી તેથી રાહુલ ગાંધી ભડકી ઊઠયા છે. એમને ભય છે કે એમની વોટ બૅન્ક ઉપર દરોડા અને દંડા પડી રહ્યા છે! બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી મોટાપાયે કરાવીને એમને આધારકાર્ડ અને ચૂંટણીના મતદાર કાર્ડ પણ આપવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકારે નાગરિકત્વ ધારામાં સુધારા કર્યા તેનો પણ વિરોધ થયો. આંદોલન થયાં. હિંસાચાર પણ થયા. કિસાન આંદોલન પાછળના સ્વદેશી - વિદેશી હાથ હેઠા પડયા. ભારતીય જનતા - મતદારોએ સમજદારી બતાવી. આજે અનાજ - પુરવઠો તથા ભાવસપાટીની ચિંતા નથી. જીએસટી સુધારા - ઘટાડા જાહેર કરીને મોદીએ ભાવવધારો નાથવાનો પ્રયાસ કર્યો છે : આમ દરેક મોરચે સાવધાની છે. વિપક્ષી હુમલા સામે પાળ બાંધી છે.

હવે બિહાર વિધાનસભાની ચૂંટણી ગાજે છે ત્યારે મતદાર યાદીની ચકાસણી સામે ઊહાપોહ શરૂ થયો. સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા અને સુપ્રીમ કોર્ટે આધારકાર્ડની માન્યતાને મંજૂરી આપી તેથી વિપક્ષો રાજી થયા છે પણ આધારકાર્ડ `નાગરિક' હોવાનો પુરાવો નથી અને સંવિધાન મુજબ ચૂંટણી પંચને સર્વસત્તા છે. તેની કાર્યવાહી અબાધિત છે : એવી જાહેરાત ખુદપંચે કરી છે અને સુપ્રીમ કોર્ટે સ્વીકારી છે. આ સંજોગોમાં રાહુલ ગાંધીએ હવે ચૂંટણી પંચ અને કમિશનરને જ ધમકી આપવાનું શરૂ કર્યું છે. બિહારમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી તેજસ્વી યાદવે આપી હતી પણ હવે વિપક્ષી નેતાગીરી રાહુલના હાથમાં છે. ચૂંટણી પ્રક્રિયા, વોટિંગ મશીન ``શુદ્ધ'' હોવાનું સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું હોવાથી રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના કમિશનર ઉપર જ ધમકીના પ્રહાર કર્યા છે! ચૂંટણીના માહિતીવાર આંકડા `સેન્ટ્રલ સોફટવેર'માં છે તેથી ગોલમાલ થાય છે એમ કહે છે અને ગોલમાલ પાછળ કોનો હાથ છે - એ કહેવા માટે સાત દિવસની મહેતલ આપી છે. આ અગાઉ પુરાવા રજૂ કરવા પંચે મહેતલ આપી હતી પણ રાહુલ ગાંધી આગળ આવ્યા જ નહીં. હજુ પણ પત્રકાર પરિષદમાં `બૉમ્બ' ધડાકા કરે છે પણ અદાલતમાં જવા તૈયાર નથી - કારણ કે ખોટા ઠરે તો સજા થાય.

રાહુલ ગાંધીએ કર્ણાટકની કૉંગ્રેસ સરકાર અને સીઆઈડીને કામે લગાડી છે અને કહે છે કે સીઆઈડીએ 18 પત્રો લખ્યા પણ પંચે જવાબ આપ્યા નથી. વાસ્તવમાં કર્ણાટકમાં પંચના કાર્યાલયે જવાબ આપી દીધા છે.

પણ રાહુલ ગાંધી કાનૂની વિવાદના બદલે માત્ર રાજકીય વિવાદ - આક્ષેપબાજી કરવા માગે છે. ચૂંટણી પ્રચારમાં ફાવે તેવા આક્ષેપ કરો : પુરાવા 

નરેન્દ્ર મોદી સરકારને પાડવા માટે અને સત્તા મેળવવા માટે રાહુલ ગાંધી 2014થી પ્રયાસ કરી રહ્યા છે - અથવા હવાતિયાં મારી રહ્યા છે! મોતના સોદાગર અને નીચજાતિથી લઈને ચોકીદાર ચોર હૈ અને એમના સ્વર્ગસ્થ માતુશ્રીને પણ ગાળનો હાર પહેરાવ્યા સુધી રાજકીય સંસ્કાર બતાવ્યા છે

`વોટચોરી' શરૂ કોણે કરી?

`વોટચોરી'ના આક્ષેપ અને વિવાદ જગાવનાર રાહુલ ગાંધીને 1977ની ચૂંટણીમાં શું થયું તે ખબર નહીં હોય. રાયબરેલીમાં ઇન્દિરા ગાંધી હારી રહ્યાં છે એવા અહેવાલ `વાયરલ' થયા ત્યારે મતગણતરી મથકે `કૉંગ્રેસી' કાર્યકરોએ હલ્લો કર્યો અને મતપેટીઓ ઉઠાવી જવાના પ્રયાસ થયા ત્યારે મતગણતરી કરતા પ્રામાણિક કાર્યકરો મતપેટીઓને બાથમાં લઈને વળગી રહ્યા. એમના ઉપર લાઠીઓ વીંઝાઈ છતાં ગામલોકો અને પોલીસ દળ આવ્યા ત્યાં સુધી જાનના જોખમે મતપેટીઓ સાચવી. આ પછી પરિણામની જાહેરાત રોકવા માટે કમિશનર સ્વામીનાથન ઉપર ધાક-ધમકી, દબાણ થયું પણ તેઓ ઝૂક્યા નહીં અને પરિણામ તથા અદાલતી ચુકાદા પછી ઇન્દિરા ગાંધીએ લોકતંત્રની કેવી `સુરક્ષા' કરી તે સમગ્ર દેશ જાણે છે! વોટચોરી થઈ શકે નહીં- તો સત્તાચોરી?