ટ્રમ્પના ટેરિફ ટેરરના કારણે વિશ્વના દેશો વચ્ચેના સંબંધ બદલાઈ રહ્યા છે: અનિશ્ચિતતા અને અશાંતિ વધી રહી છે. આવી સ્થિતિ અને સંજોગોમાં ભારતની વિવિધતામાં એકતા દુનિયાને બતાવવાની છે. આફતને અવસર બનાવવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી નિષ્ણાત છે. ભારત ઉપર દુશ્મન આક્રમણ કરે, અર્થતંત્ર ઉપર ગ્રહણ બેસવાનું હોય ત્યારે એકતાની કસોટી થાય છે
ઝાદીના 79મા વર્ષનો શુભારંભ થયો છે પણ
આ વર્ષ ગંભીર પડકારો, કટોકટી અને કસોટીનું છે. પડકાર સરહદ પારથી અને સરહદની અંદર -
આંતરિક પણ છે. વીતેલા વર્ષમાં ઘૂસણખોરી કરીને આતંક ફેલાવનારાના અડ્ડાઓનો નાશ કરવામાં
અૉપરેશન સિંદૂરને સફળતા મળી તો પણ ભારતીય સેનાની સિદ્ધિને બિરદાવવાને બદલે સ્વદેશી
નેતાઓએ શંકા વ્યક્ત કરીને સેનાની શક્તિમાં અવિશ્વાસ વ્યક્ત કર્યો. દુશ્મને જ્યારે ઘૂંટણિયે
પડીને યુદ્ધવિરામની યાચના કરી ત્યારે - આપણી કાર્યવાહી અને લક્ષ્ય સિદ્ધ થયાં હોવાથી
આપણે યુદ્ધવિરામની માગણી સ્વીકારી પણ આ પૂર્ણવિરામ નથી એવી સ્પષ્ટતા કરી, વિશ્વના દેશોએ
ભારતની શક્તિ જોઈ અને સ્વીકારી છે. ભારત સરકારે સર્વપક્ષી પ્રતિનિધિ મંડળો વિશ્વના
દેશોની મુલાકાતે મોકલીને પાકિસ્તાનનો નકાબ ઉતારીને અસલી ચેહરો બતાવ્યો. આ દરમિયાન અમેરિકાના
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વમાં `ટેરિફ ટેરર'ની શરૂઆત કરી અને ભારતની દોસ્તીનો દાવો
કર્યા પછી દગો કર્યો. ભારતનું અર્થતંત્ર વિશ્વમાં ત્રીજું શ્રેષ્ઠ સ્થાન મેળવવા થનગની
રહ્યું છે અને વૈશ્વિક નાણાં સંસ્થાઓ ભારતની સિદ્ધિ બિરદાવી રહી છે ત્યારે ટ્રમ્પે
કહ્યું કે ભારતનું અર્થતંત્ર મૃતપ્રાય છે! રશિયા પાસેથી સસ્તા ભાવે તેલ મળે છે તે ટ્રમ્પને
ખૂંચે છે, પણ ટ્રમ્પ માટે અમેરિકા ફર્સ્ટ અને લાખ્ખો અમેરિકનોને નોકરી-ધંધા આપવાનું
ચૂંટણી વચન આપ્યું છે તો આપણા માટે પણ રાષ્ટ્રહિત પ્રથમ છે - આ વાતની ખાતરી ટ્રમ્પને
મળી જશે.
ભારતના અર્થતંત્ર સામે ટ્રમ્પનો પડકાર
છે તો પાકિસ્તાને ફરીથી અણુ-યુદ્ધની ધમકી આપવાની શરૂઆત કરી છે, પણ તેના ઢોલની પોલ ખુલ્લી
પાડવા ભારત તૈયાર છે. ભારતે રશિયાની મૈત્રી મજબૂત બનાવી છે અને ચીન પણ સંબંધ સુધારવા
તૈયાર છે.
ટ્રમ્પના ટેરિફ ટેરરના કારણે વિશ્વના દેશો
વચ્ચેના સંબંધ બદલાઈ રહ્યા છે: અનિશ્ચિતતા અને અશાંતિ વધી રહી છે. આવી સ્થિતિ અને સંજોગોમાં
ભારતની વિવિધતામાં એકતા દુનિયાને બતાવવાની છે. આફતને અવસર બનાવવામાં વડા પ્રધાન નરેન્દ્ર
મોદી નિષ્ણાત છે. ભારત ઉપર દુશ્મન આક્રમણ કરે, અર્થતંત્ર ઉપર ગ્રહણ બેસવાનું હોય ત્યારે
એકતાની કસોટી થાય છે. વિપક્ષી નેતાઓ સત્તાની શતરંજ બંધ કરીને, ભારતનું - રાષ્ટ્રહિત
પ્રથમ સ્વીકારે એવી અપેક્ષા રાખી શકાય?
સ્વાતંત્ર્ય દિવસ ઉત્સાહથી ઊજવવાના બદલે
વિપક્ષી નેતાઓ દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે! સંસદમાં કાર્યવાહીમાં અવરોધ
ઊભા થયા તેથી મહત્ત્વના ખરડા ગંભીર ચર્ચા વિના જ પસાર થયા. જનપ્રતિનિધિઓ ખરેખર જનતાના
પ્રતિનિધિઓ છે? જનતાનાં હિતની - રજૂઆત કરે છે? યુવા ભારતનાં અરમાન - સ્વપ્ન સાકાર કરવાની
ચિંતા કોઈને છે? માત્ર આક્ષેપબાજી અને સત્તાની સાઠમારી ચાલ્યા કરે તો ભારતની યુવા પેઢીને
લોકતંત્રમાં વિશ્વાસ ક્યાં સુધી ટકી શકશે? ચૂંટાયેલા નેતાઓની ફરજ છે કે લોકોનો વિશ્વાસ
વધે, સંસદની કાર્યવાહી જોઈને વિકાસના સ્વપ્ન સિદ્ધ થવાની શ્રદ્ધા અડગ રહેવી જોઈએ. પણ
હવે સ્થિતિ જુદી છે. સંસદમાં ધાંધલ-ધમાલ થાય. માનનીય સભ્યો, શિસ્ત અને નિયમોની ઐસી-તૈસી
કરે અને પછી વિપક્ષી નેતા આક્ષેપ કરે કે ગૃહમાં કેન્દ્રીય ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી
ફોર્સના જવાનોને બોલાવવામાં આવ્યા! વાસ્તવમાં આવી ફરિયાદ - અથવા આક્ષેપ તદ્દન ખોટા
અને ગેરવાજબી છે. સંસદનાં બંને ગૃહોમાં કોઈ પોલીસ પ્રવેશી શકે નહીં - માત્ર અલગ સલામતી
અધિકારીઓ - માર્શલ જ આવી શકે. રાજ્યસભામાં માનનીય સભ્યોએ બેંચ - બેઠકો ઉપર ચડીને સૂત્રો
પોકાર્યા, સરકારી કાગળો ફાડીને ઉડાવ્યા ત્યારે તત્કાલીન અધ્યક્ષ - ધનખડે આંખમાંથી આંસુ
પાડયાં પણ માર્શલને બોલાવ્યા નહીં! વિપક્ષી નેતાના આક્ષેપને રદિયો અપાયો પણ કોઈને ખેદ
નથી! સંસદની ગરિમા આ રીતે જળવાય? સંસદ ભવનના પ્રાંગણમાં વિરોધ પક્ષો દેખાવો કરે અને
રાજ્યસભાના અધ્યક્ષના ચેનચાળા કરે ત્યારે નેતાઓ તાળીઓ પાડે - આવાં દૃશ્યથી ભારતની નવી
પેઢીને કેવી પ્રેરણા મળે?
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ
સરકારની ટીકા કરતા આક્ષેપ કર્યો કે ગાલવાનમાં આપણા જવાનોની પીટાઈ કરીને ચીની સૈનિકોએ
ખોખરા કર્યા - ચીને આપણી 2000 ચો.કિ.મી. ભૂમિ પચાવી પાડી છે - ત્યારે સુપ્રીમ કોર્ટના
ન્યાયમૂર્તિ એમને જવાબદારીનું ભાન કરાવ્યું - `સાચ્ચા-ખરા ભારતીય આવું કદી બોલે નહીં'
- છતાં આવી `ટકોર'ની કોઈ અસર થાય છે ખરી?
`પ્રાદેશિક પક્ષો ચૂંટણીમાં વોટ મેળવવા
માટે ખુલ્લેઆમ પ્રદેશવાદના નામે પ્રચાર કરે છે તે ભારતની એકતા અને અખંડિતતા સામે કોમવાદ
જેટલો જ ખતરનાક છે અને રાષ્ટ્રની એકતા માટે ગંભીર ખતરો છે.' સુપ્રીમ કોર્ટના નામદાર
ન્યાયમૂર્તિઓએ હજુ એક મહિના પહેલાં જ આ ટકોર કરીને લાલ બત્તી બતાવી છે - તો પણ વીતેલા
એક મહિનામાં આપણા રાજકીય નેતાઓ પ્રદેશવાદને પ્રોત્સાહન આપીને રાજકીય ઉશ્કેરણી કરી રહ્યા
છે. `રાષ્ટ્રીય' ગણાતા રાજકીય પક્ષો પણ આ સંજોગોનો લાભ ઉઠાવી રહ્યા છે. સત્તાની આ શતરંજમાં
ભારતના સંવિધાન - રાજ્ય બંધારણનો ઉપયોગ એક મુદ્દો - પ્યાદાંની જેમ થઈ રહ્યો છે! તેથી
સ્વાતંત્ર્ય અને સંવિધાનને બચાવવા માટે જનતાએ જાગૃત અને સક્રિય રહેવું પડશે.
પ્રદેશવાદના મુદ્દે સુપ્રીમ કોર્ટે ટકોર
કરી છે. એક અરજદારે અૉલ ઇન્ડિયા મજલિસ ઇત્તેહાદુલ મુસલમીનનું રજિસ્ટ્રેશન રદ કરવાની
માગણી કરી હતી. કોમવાદી પ્રચારથી ભારતની એકતા જોખમમાં મુકાય છે તેવી ફરિયાદ અદાલતે
સ્વીકારી - આ બાબત મહત્ત્વની છે પણ કોઈ એક પક્ષ સામે આક્ષેપ કરવાને બદલે સંપૂર્ણ ચૂંટણી
સુધારાને લગતા - જરૂરી પ્રશ્નો હોવા જોઈએ. કોઈ રાજકીય પક્ષ આપણા સંવિધાનનો આદર અને
પાલન કરે છે કે નહીં તે મહત્ત્વનું છે. અત્યારે તો ચૂંટણી પંચ ઉપર આક્ષેપો થયા છે અને
તેની વિશ્વસનીયતા, નિષ્પક્ષ કાર્યવાહી સામે શંકા અને આક્ષેપ થઈ રહ્યા છે! સુપ્રીમ કોર્ટે
ચૂંટણી પંચની કાર્યવાહીને પૂર્ણ સમર્થન આપ્યું છે પણ વિરોધ પક્ષોએ રાજકીય મુદ્દો બનાવ્યો
છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓએ પ્રદેશવાદ
સાથે કોમવાદ અંગે પણ ટીકા કરી છે અને ચૂંટણી સુધારાનો ઇશારો કર્યો છે. પ્રદેશવાદને
પ્રાદેશિક ભાષા સાથે જોડીને રાજકીય પક્ષોએ મહત્ત્વનો મુદ્દો ચગાવ્યો છે. રાષ્ટ્રીય
શિક્ષણ નીતિમાં પ્રાદેશિક ભાષાના મહત્ત્વ સાથે હિન્દી ભાષાનો પ્રબંધ છે પણ તે પ્રથમ
ધોરણથી શિક્ષણમાં દાખલ કરવાની ઉતાવળ અને ભૂલ મહારાષ્ટ્ર સરકારે કરી. પ્રાદેશિક પક્ષને
વિરોધનો મુદ્દો મળ્યો. તામિલનાડુમાં તો છેક 1966થી ઇન્દિરા ગાંધી સરકાર વિરુદ્ધ - હિન્દી
ભાષાના બહાને હિંસક આંદોલન થયાં હતાં. હવે પશ્ચિમ બંગાળમાં મમતા દીદી જંગે ચડયાં છે.
તેલંગણામાં તો મેડિકલ અભ્યાસ માટે સ્થાનિક રહેવાસીઓને જ પ્રવેશ મળવાનો પ્રબંધ થયો જે
મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. બિહારમાં ચૂંટણી માથા ઉપર ગાજે અને વાગે છે ત્યારે
ત્યાં પણ `સ્થાનિક' મુદ્દો છે. પણ ભારતનાં રાજ્યો વચ્ચે આવી દીવાલ હોય નહીં છતાં રાજકીય
પક્ષો - સત્તા મેળવવા માટે દીવાલ અને દુશ્મનીને પ્રોત્સાહન આપે છે.
અત્યાર સુધી ચૂંટણીમાં `વોટ બૅન્ક'નો વિવાદ
હતો. વોટિંગ મશીન ઉપર શંકા - અવિશ્વાસ હતો અને આક્ષેપ થયા અને ખોટા સાબિત થયા, પણ હવે
ચૂંટણી પંચની નિષ્પક્ષપાત કાર્યવાહી અને મતદાર યાદીમાં ગોલમાલના આક્ષેપ થયા છે. બિહારમાં
મતદાર યાદીની ફેર-તપાસ સાફસૂફી થઈ તેની સામે વિરોધ થયો. સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી
કરવી પડી. વાસ્તવમાં દાયકાઓ પહેલાં આસામના ફખરુદ્દીન અલી અહમદે પૂર્વ પાકિસ્તાની (બંગાળ)ના
ઘૂસણખોરોને મતાધિકાર આપ્યા હતા. હવે બિહારમાં મૃત નાગરિકોનાં નામ યાદીમાં નીકળ્યાં
છે!
સુપ્રીમ કોર્ટના નામદાર ન્યાયમૂર્તિએ ચૂંટણી
સુધારાની વાત કરી છે - મુખ્ય - મહત્ત્વનો સુધારો મતદારોની યાદી પ્રામાણિક - પારદર્શી
હોવી જોઈએ - જો આ પ્રક્રિયાનો વિરોધ હોય, બહિષ્કાર થાય તો પછી લોકતંત્ર અને સંવિધાનમાં
વિશ્વાસ રહેશે?
હવે વોટ બૅન્ક પછી `વોટ ચોરી'નો મુદ્દો
છે. 2024ની લોકસભા ચૂંટણીમાં પંચે ભાજપની તરફેણમાં ગોલમાલ કરી અને મોદી માત્ર પચીસ
બેઠકો આ રીતે મેળવીને વડા પ્રધાન બની ગયા એવી ફરિયાદ રાહુલ ગાંધીની છે - પણ `ગોલમાલ'
થઈ હોય તો ભાજપને ચોખ્ખી બહુમતી કેમ મળી નહીં? મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વોટિંગ મશીનમાં
`કરામત' થઈ હોવાની ફરિયાદ તો શરદ પવાર અને પછી સંજય રાઉતે કરી છે! પંચે ભાજપના લાભમાં
વોટ ચોરી કરી હોવાનો આક્ષેપ ગંભીર છે. બે અજાણ્યા માણસો પવાર અને રાહુલ ગાંધીને ક્યારે,
શા માટે મળ્યા તેની તપાસ ચૂંટણી પંચે માગવી જોઈએ.
વોટ ચોરીના આક્ષેપથી પંચ અને નિષ્પક્ષ
ચૂંટણીમાંથી લોકોનો વિશ્વાસ ઊઠી જાય એવી ગણતરી છે. બિહારમાં તો મતદાર યાદીની તપાસના
વિરોધમાં તેજસ્વી લાલુપ્રસાદ યાદવે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો વિચાર વહેતો મૂક્યો છે.
રાહુલ ગાંધી અને અન્ય બિન-ભાજપી રાજ્યો ચૂંટણીનો બહિષ્કાર કરે અને દેશભરમાં હિંસાચાર
- અરાજકતા ઊભી થાય તો? આવી સ્થિતિ સર્જાય તો કાયદો વ્યવસ્થા જાળવવા માટે ધરપકડ કરવી
પડે. આવું બને નહીં એવી આશા આપણે રાખીએ. વિદેશી પડકારને પહોંચી વળાશે પણ સ્વદેશી વિરોધીઓના
હૈયે ભારતનું હિત ક્યારે આવશે?