તેલ-ગૅસ, ખાતરની અછત અને ભાવવધારાની અસર અનાજના ઉત્પાદન અને ખરીદી ઉપર પડે પણ આપણા ભંડાર - બફર સ્ટૉક ભર્યાં છે અને આ વર્ષે ઉત્પાદન મબલક છે
પ્રસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લડાઈ બંધ કરવાની
જાહેરાત કરી અને વડા પ્રધાન મોદીને ફોન કરીને પશ્ચિમ એશિયાની સ્થિતિ બાબત ચર્ચા કરી
છે. દરમિયાન મોદીએ સંસદમાં કહ્યું છે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે વિશ્વભરમાં
સર્જાયેલી આર્થિક કટોકટી અને તંગદિલી લાંબી ચાલશે. કોરોના પછી સ્થિતિ થાળે પડતાં વર્ષો
લાગ્યાં તેની સાથે સરખામણી કરી છે. આમ કહેવા પાછળ એમનો આશય લોકોને સાવધાન અને સજ્જ
કરવાનો હતો, પણ વિરોધ પક્ષોએ ભાવવધારા અને કોરોના જેવા લૉકડાઉનની અફવાઓ શરૂ કરીને પેટ્રોલ-ડીઝલની
અછત, સંગ્રહખોરી ભડકાવી. તેથી લોકોએ ભોગવવું પડે છે! લડાઈનો અંત આવે ત્યારે ખરો, પણ
ભારત સામે ત્રણ પડકાર છે : તેલ-ગૅસના ભાવવધારા. આપણી સલામતી અને અખાતના દેશોમાં વસેલા
એક કરોડ ભારતીય લોકોનું ભવિષ્ય. આ પડકારોને પહોંચી વળવા કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં
ભર્યાં છે. સંસદ પછી સર્વપક્ષની બેઠક બોલાવીને અપીલ - અનુરોધ કર્યો છે કે એકતાથી `ટીમ
સ્પિરીટ' બતાવીને આપણે કટોકટીનો સામનો કરવાનો છે.
આપણા સામે આવેલા આ પડકારો સમજવા જોઈએ અને
સતર્ક રહીને તૈયાર રહેવું પડશે.
સૌપ્રથમ પ્રશ્ન છે : લડાઈ ખરેખર બંધ થશે
ખરી? ટ્રમ્પે ઈરાનને શરણાગતિ માટે 48 કલાકની મહેતલ આપી અને પછી 36 કલાકમાં જ ઈરાનના
પાવર પ્લાન્ટ ઉપર હુમલા કરવાનું મોકૂફ રખાયાની જાહેરાત કરી. અને હવે ઈરાનમાં લડવા જેવું
રહ્યું નથી, અમેરિકાનો વિજય થયો છે. ઇઝરાયલે ઈરાનની લડાયક શક્તિ ખતમ કરી નાખી છે એમ
પણ કહ્યું. -આવી શેખી કર્યા પછી વારંવાર ઈરાનને આપેલી મહેતલ લંબાવી છે : શા માટે? ઈરાન
તો શરણાગતિ માટે તૈયાર નથી તો ટ્રમ્પ વાટાઘાટ કરવા તૈયાર છે. આવી એકપક્ષી વિજયની જાહેરાત
અને ઈરાનના પાવર પ્લાન્ટ ઉપર હુમલા નહીં કરવાની સલાહ - અથવા સૂચન ઇઝરાયલને કર્યા પછી
ટ્રમ્પે લડાઈમાંથી જાણે હાથ ઉઠાવી લીધા! ટ્રમ્પના નિર્ણય પાછળ અમેરિકામાં લડાઈ સામે
વધતો વિરોધ, સલામતી એજન્સીઓના વડાનો આક્ષેપ કે ઇઝરાયલે અમેરિકાને આગળ ધકેલીને બદનામ
તથા બેહાલ કર્યું છે તથા લડાઈમાં અમેરિકી નાણાંની બરબાદી - આ બધાં કારણોએ ટ્રમ્પને
ફરજ પાડી છે. વામન જેવા ઈરાને વિરાટ અમેરિકાને હંફાવીને નાક કાપ્યું છે. આ સંજોગોમાં
ટ્રમ્પ પાસે વિકલ્પ નથી. લડાઈ બંધ કરવા માટે આખરે હોર્મુઝ ખાડી ખોલવા ઉપર - નિયંત્રણ
ઉઠાવી લેવાની માગણી આગળ ધરી છે. મોદી સાથેના સંવાદમાં પણ આ સામુદ્રધુની - ખાડીમાં જહાજોની
અવરજવરની મુક્તિ અને સલામતી ઉપર ભાર મુકાયો. ઈરાનના હાથમાં આ ખાડી હોવાથી વિશ્વના તેલ-ગૅસ
અને ખાતરના વ્યાપાર ઉપર જાણે પ્રતિબંધ મુકાયો અને તેલમાં ભાવનો ભડકો થયો. વિશ્વના અર્થતંત્ર
દાઝ્યાં છે. એટલું જ નહીં, પણ અખાતના દેશોનાં તેલક્ષેત્રો અને રિફાઈનરીઓને ભારે નુકસાન
થયું છે - તેની ચિંતા પણ અમેરિકાને છે.
હવે ખરેખર લડાઈનો અંત આવશે? વાસ્તવમાં
યુદ્ધવિરામ છે કે યુદ્ધનો અંત? પણ આ `િવરામ' હોય તો સમયનો લાભ લઈને નિરાકરણ કરવું જોઈએ.
ભારત એકમાત્ર દેશ છે - જ્યાંથી મોદીમંત્ર વિશ્વમાં `વાયરલ' થયો છે. સંવાદ અને ડિપ્લોમસીથી
નિરાકરણ - સમજૂતી કરો. આ સમય યુદ્ધનો નથી. ઈરાન સાથે સમાધાન કરવા મધ્યસ્થી કોણ કરે?
મોદીનું નામ સૂચવાયું છે અને ચર્ચાઈ રહ્યું છે ત્યારે પાકિસ્તાનના ફીલ્ડ માર્શલ મુનીર
થનગની રહ્યા છે કે અમે તૈયાર છીએ. પણ અણીના સમયે પાકિસ્તાને ઈરાન પ્રતિ સહાનુભૂતિના
શબ્દો પણ કહ્યા નહીં અને અમેરિકી ગુલામ હોવાના ખિતાબ મળ્યા. હવે ઈરાન મુનીરને કેવી
રીતે સ્વીકારે?
મુખ્ય મુદ્દો - ખાડીના વાહનવ્યવહાર બાબત
સમજૂતી થાય તો પણ દુશ્મની ભુલાશે? ઈરાનની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે અને આરબ રાષ્ટ્રો
તે સ્વીકારવા તૈયાર નથી. ઇઝરાયલ તો ઈરાનને ખતમ કરવા માગે છે અને અમેરિકા - ટ્રમ્પ માત્ર
ત્યાંનું શાસન બદલવા માગે છે. તેથી ઇઝરાયલ ઉપરવટ જાય છે! સમાધાન માત્ર ખાડીનું નહીં
ચાલે. ગમે ત્યારે ભડકા થવાની શક્યતા છે.
વડા પ્રધાન મોદી જાણે છે કે માત્ર ટ્રમ્પની
જાહેરાતથી લડાઈ બંધ થતી નથી. એમનું નેવી - નૌકાદળ અને ઍરફોર્સનાં વિમાનો ઈરાની આકાશમાં
ચકરાવાં લઈ રહ્યાં છે અને ખાડી ખૂલે - ખોલવાની સમજૂતી થાય તે પછી પણ અમેરિકા - ઇઝરાયલ
ઈરાન ઉપર કબજો જમાવવાના પ્રયાસ કરશે -અને પછી ગેરીલા વૉર - આતંકવાદી હુમલા શરૂ થશે!
વિશ્વનું ઊર્જાક્ષેત્ર આતંક - અને આક્રમણનું કેન્દ્ર બની શકે. આવી શક્યતા નકારી શકાય
નહીં. ઈરાન અણુસત્તા બનવા માગે છે અને અમેરિકા કોઈ પણ ભોગે ઈરાનને રોકવા માગે છે તેથી
યુદ્ધનો અંત આવે એવી આશા નથી. કોઈપણ વાટાઘાટમાં ઈરાન સલામતી માગશે. ભવિષ્યમાં ઇઝરાયલ
અમેરિકા સાથે મળીને આક્રમણ નહીં કરે એવી ગૅરન્ટી કોણ આપી શકે? આખરે ઈરાન ચીન તથા રશિયાનાં
લશ્કરી મથકોને મંજૂરી આપે - તેવી શક્યતા છે. ઇઝરાયલ ઉપર ઈરાને કરેલા હુમલા અને હમાસને
મળતી ઈરાની મદદનો બદલો લેવા ઇઝરાયલ તૈયાર હશે જ.
ટૂંકમાં, અત્યારે અરસ્પર વિશ્વાસનો અભાવ
છે, ઘટ છે, ટ્રસ્ટ ડેફીસીટ મોટી છે. અખાતમાંથી સંપૂર્ણ બહાર નીકળી જવા અમેરિકા કદી
તૈયાર થાય નહીં - પણ આવી શરત ઈરાનની છે! તેથી આપણે - ભારતે તાત્કાલિક અને લાંબા ગાળાનો
વિચાર - વ્યૂહ અમલમાં મૂક્યો છે. આવનારા સમય માટે ભારતે સજ્જ થવાનું અને રહેવાનું છે.
ભારત માટે સૌથી મોટી સમસ્યા ઊર્જાની છે.
પચાસ વર્ષ પહેલાં બૉમ્બેહાઈ અને અન્યત્ર તેલક્ષેત્ર મળ્યાં અને શારકામ શરૂ થયાં - પણ
આ તો પાશેરામાં એક પૂણી જેવું ગણાય. આપણે ત્યાં તેલ-ગૅસ અને ફર્ટિલાઈઝરની જંગી માગ
છે અને ભાવવધારા પોષાય તેમ નથી. આથી જ અમેરિકાનાં નિયંત્રણ અને દબાણ છતાં ભારતે રશિયન
તેલ ખરીદી ચાલુ રાખી. ઈરાન યુદ્ધ દરમિયાન ખુદ અમેરિકાએ રશિયન તેલ માટે નિયંત્રણ હળવાં
કર્યાં.
વડા પ્રધાન મોદીએ સંસદમાં અને સર્વપક્ષી
બેઠકમાં આપણી તૈયારીની માહિતી આપી છે. સૌપ્રથમ - માનવીય કસોટી. અખાતના દેશોમાં એક કરોડ
ભારતીય લોકો વસાહતી છે. કેટલાક સ્વદેશ પાછા ફર્યા છે પણ મોટી સંખ્યા વિદેશમાં જ છે.
તેઓ ભારતમાં પરિવારોને આર્થિક સહાય - રકમ મોકલે છે તેના ઉપર વિપરીત અસર પડી છે. લડાઈ
લાંબી ચાલે તો વધુ લોકો સ્વદેશ પાછા ફરશે. મોટા ભાગના કેરલમના મલયાલી છે. તેથી આગામી
ચૂંટણીમાં મતદાન કરવા ભારત આવે એવા પ્રયાસ રાજકીય પક્ષો કરી રહ્યા છે.
તેલ-ગૅસ, ખાતરની અછત અને ભાવવધારાની અસર
અનાજના ઉત્પાદન અને ખરીદી ઉપર પડે પણ આપણા ભંડાર - બફર સ્ટૉક ભર્યાં છે અને આ વર્ષે
ઉત્પાદન મબલક છે તેથી બફર સ્ટૉકમાંથી આગામી ત્રણ મહિનાનો સ્ટૉક ઉઠાવી લેવા રાજ્યોને
જણાવાયું છે. ખરીફ પાકની વાવણી સમયસર થાય તે માટે ખાતરની અછત થાય નહીં તેવી વ્યવસ્થા
છે. ઉનાળો માથા ઉપર છે તેથી વિદ્યુત પુરવઠાની માગ વધશે તે માટે તમામ થર્મલ પાવરમથકોએ
કોલસાના સ્ટૉક ભરવામાં આવ્યા છે. સતત બીજા વર્ષે પણ એક બિલિયન ટન કોલસાનો સ્ટૉક વધ્યો
છે. 53 લાખ ટન પેટ્રોલિયમ અનામતનો સ્ટૉક છે તેમાં વધુ 65 લાખ ટન ઉમેરવાના પ્રયાસ જારી
છે. તેલ, ગૅસ અને ખાતરની આયાત અગાઉ 27 દેશોમાંથી થતી હતી હવે તે 41 દેશોથી થાય છે.
ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા પણ વધારવામાં આવી છે. છેલ્લાં દસ વર્ષ દરમિયાન ભારતમાં
- ઈથેનોલ બ્લેન્ડિંગ કેપેસિટી માત્ર દોઢ ટકા હતી. આજે આયાતી પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ
બ્લેન્ડિંગ કરીએ છીએ પરિણામે દર વર્ષે તેલની ખરીદીમાં સાડા ચાર કરોડ બેરલનો ઘટાડો થયો
છે. આવી જ રીતે ભારતીય રેલવેના વીજળીકરણથી ઘણો ફાયદો થયો છે. દર વર્ષે 180 કરોડ લિટર
ડીઝલની બચત થઈ છે. દેશભરમાં મેટ્રો નેટવર્ક અને ઈલેક્ટ્રિક બસ તથા વાહનો દોડતાં થયાં
છે તેના પરિણામે પેટ્રોલ-ડીઝલની બચત થાય છે. આવા દૂરંદેશી નિર્ણયોના અમલથી ભારત આજે
અન્ય દેશોની સરખામણીમાં સુરક્ષિત છે.