• મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

સંભાજી ભિડે વિરુદ્ધ તુષાર ગાંધીએ કોર્ટમાં ફોજદારી ગુનો નોંધાવ્યો  

મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર અને લેખક તુષાર ગાંધીએ આજે જણાવ્યું છે કે, તેમણે હિન્દુત્વવાદી નેતા સંભાજી ભિડેએ રાષ્ટ્રપિતા વિરુદ્ધ કરેલી બદનક્ષીભરી ટિપ્પણ અંગે પુણેની અદાલતમાં ખાનગી ફોજદારી કેસ નોંધાવ્યો છે. તુષાર ગાંધીએ જણાવ્યું છે કે, મેં મારા ધારાશાત્રી મારફતે પુણે જિલ્લા અને શિવાજી નગરસ્થિત સેશન્સ કોર્ટમાં પુણે પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભિડે વિરુદ્ધ કાર્યવાહી માટે ડેક્કન જિમખાનામાં નોંધાવેલી અરજી અંગે કાર્યવાહી થઈ નહીં હોવાથી ફરિયાદ નોંધાવવામાં આવી છે. તુષાર ગાંધીએ જણાવ્યું હતું કે, સંભાજી ભિડેએ માત્ર મહાત્મા ગાંધીજી વિરુદ્ધ નહીં, પણ તેમના પરિવાર વિરુદ્ધ પણ બદનક્ષીભર્યાં ઉચ્ચારણો કર્યાં છે.

પાંચમા-આઠમાના વિદ્યાર્થીઓ 30 સપ્ટેમ્બર સુધી અૉનલાઈન અરજી કરી શકશે : બોર્ડ

મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ દ્વારા લેવામાં આવતી પાંચમા અને આઠમાની પરીક્ષા માટે નવેસરથી પાત્રતા ધરાવનારા વિદ્યાર્થીઓને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં થનારી પરીક્ષા માટે અૉનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાની મુદતમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ અૉનલાઈન રજિસ્ટ્રેશન માટેની અરજી 30 સપ્ટેમ્બર સુધી કરી શકશે અને અરજી તે દિવસે રાત્રે બાર વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે એવું બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું.